શરીર અવશેષ બની રહ્યું હતું, ત્યારે આત્મા વિશેષ બની રહ્યો હતો. શરીર પુરૂ થયું, ત્યારે આત્મા પૂર્ણ બન્યો.
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
ખૂંખાર વાઘણ ઉછળી. વાઘણ ખૂંખાર રીતે ઉછળી. એનું મુખ્ય કારણ એના મનમાં ભયંકર ક્રોધ-દ્વેષની ખરાબ ભાવના ઉછળી રહી હતી.
વીજળીની ઝડપે વાઘણે ઉછળીને તરાપ મારી અને એક જ ઝાટકે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા પંચમહાવ્રતધારી સાધુને નીચે પાડી દીધા. પોતાના પંજામાં તે સાધુને દબોચી દીધા.
વાઘણે તે સાધુની ચામડી પોતાના તીક્ષ્ણ નહોરથી ચીરી દીધી. ગરમ-ગરમ લોહી તે ચબ-ચબ કરતી પીવા લાગી. સાધુના લોહીથી પોતાની જીભ અને મનમાં ઉઠેલી તરસને છીપાવા લાગી.
પોતાના તીક્ષ્ણ નહોરથી તેણીએ તે પછી માંસના લોચા બહાર કાઢયા. અને ફટાફટ પણ શાંતિથી એ માંસના લોચા આરોગવા લાગી. સાધુની માખણ જેવી કાયા ખતમ થવા લાગી.
છેલ્લે સાધુના કુણા હાડકા પણ વાઘણના ઘણ જેવા પંજાથી ટુકડે-ટુકડા થઈ ગયા. અને એના જડબાના જડબાતોડ જવાબથી નામશેષ થવા માંડયા. સાધુનું શરીર અહીં નામશેષ અને અવશેષ થઈ રહ્યું હતું, પણ તેઓ શ્રીમદ્નો આત્મા વિશેષ બની રહ્યો હતો. સાધુની ચામડી ચીરાતી વેળા લોહીથી ભીંજાઈ રહી હતી, ત્યારે તેઓશ્રીનું મન પરમ સમતા ભાવથી તરબોળ બની રહ્યું હતું. પરમ પ્રશમભાવમાં ભીંજાતું હૈયું પરમ વિશુદ્ધિને પામી રહ્યું હતું.
સાધુના શરીરના માંસના લોચા બહાર નીકળી રહ્યા હતા, ત્યારે આત્મા ઉપરથી અજ્ઞાાનના પડ ઉખેડાઈ રહ્યા હતા, અને જ્ઞાાનના પડ બહાર ઊભરી રહ્યા હતા. સાધુના હાડકા વાઘણના જડબાના જડબાતોડ જવાબથી તૂટી રહ્યા હતા, ત્યારે તે પૂજ્યવરના આત્મા પર રહેલા કર્મના પથ્થર જેવા થર તડ-તડ તૂટી રહ્યા હતા અને કર્મ નામશેષ થઈ રહ્યા હતા.
સાધુનું શરીર પૂરૂ થાય, તે પહેલાં આત્મા જ્ઞાાનથી પૂર્ણ બની ગયો. અનંત જ્ઞાાન સ્વરૂપ કેવલજ્ઞાાન પ્રગટ થઈ ગયું. કર્મ નામશેષ બન્યા, જ્ઞાાન વિશેષ રૂપે ઈનામમાં પ્રાપ્ત થયું.
શરીર સ્વાહા થઈ ગયું,
ત્યારે આત્મા સિદ્ધ બની ગયો.
આ જ મુનિવરની સાથે રહેલા બીજા મુનિવર ત્યાં જ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા ઊભા ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં આગળ વધતાં કેવલજ્ઞાાન પામ્યા. આ સાધુના અઘાતી કર્મો નાશ પામ્યા તો આ બાજુ વાઘણ પણ અહીંથી નાસી ગઈ.
આ બંને સાધુ એટલે પિતા-પુત્ર...
જેને વાઘણ ખાઈ ગઈ, તે સાધુનું નામ સુકોશલ મુનિ અને જે ત્યાં જ ઊભા ઊભા કેવલજ્ઞાાન પામ્યા, તે સાધુનું નામ શ્રી કીર્તિધર મુનિ. સુકોશલ મુનિ પુત્ર છે અને કીર્તિધર મુનિ પિતા છે અને મુનિનું ભક્ષણ કરનારી વાઘણ તે સુકોશલ મુનિની મા હતી.
ઘટનાના ફ્લેશબેકમાં જઈએ.
સાકેતપુર નગરીના રાજા કીર્તિધરે જ્યારે દીક્ષા લીધી ત્યારે સુકોશલનો જન્મ થયો હતો. પુત્રનો જન્મ થયો, ત્યારે જ તેને રાજ્યગાદી સોંપી, કીર્તિધર રાજાએ દીક્ષા લીધી. તેઓ કીર્તિધર મુનિ બન્યા.
એક વખત કીર્તિધર મુનિ વિચરતાં-વિચરતાં સાકેતપુર પધાર્યા. સુકોશલની માતા સહદેવી રાણીએ વિચાર્યું - 'આ મુનિ અહીં નગરીમાં રહેશે તો મારો દીકરો દીક્ષા લઈ લેશે. કારણ કે આ પવિત્ર વંશ પરંપરામાં વૈરાગ્યભાવ સાધુને જોતા જ જાગ્રત થઈ જાય છે.' એટલે આ રાણીએ પોતાના વટહુકમથી તેમને નગર બહાર કરાવી દીધા.
સુકોશલે આ વાત પોતાની ધાવમાતા વસંતલતા પાસેથી જાણી. એટલે તે તરત જ દોડતો નગર બહાર જઈ પિતા મુનિ પાસે ગયો. મુનિને જોતાં જ વૈરાગ્યભાવ જાગ્યો. સુકોશલ રાજા ઘરે આવ્યા. પત્નીને દીક્ષાની વાત કરી. પત્નીને પુત્ર પ્રાપ્તિની વાત કરી. ત્યારે સુકોશલને કહ્યું કે તારા ગર્ભમાં પુત્ર છે, તેને અત્યારથી રાજા ઘોષિત કરું છું. અને એમ જાહેર કરી સુકોશલે દીક્ષા લીધી. પિતા મુનિના શિષ્ય બન્યા. આ કારણથી સહદેવી રાણી (સુકોશલ મુનિની મા) ગુસ્સે ભરાણી. ભયંકર ગુસ્સામાં - દુર્ધ્યાનમાં મરીને તે નવા જન્મમાં વાઘણ બની. ક્રોધના ભયંકર સંસ્કાર દુર્ગતિમાં લઈ જાય છે. ગતિ અને મતિ બંને ખરાબ મળે છે.
પિતા-પુત્ર મુનિઓ વિહાર કરતાં-કરતાં એ જ જંગલમાં આવ્યા, જ્યાં આ વાઘણ અવતરિત થઈ હતી. જંગલના એક પર્વતની ગુફામાં ચોમાસાના ચાર માસ જ્ઞાાન-ધ્યાનમાં વીતાવ્યા. ચોમાસું ઉતર્યા પછી ચાર મહિનાના ઉપવાસના પારણા માટે નગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે વચ્ચે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. અને વાઘણે તેમના શરીરનું કામ સમાપ્ત કર્યું. પણ સાધુના આત્માના ભવોભવ સમાપ્ત થઈ ગયા.
પ્રભાવના
સુકોશલ મુનિના પિતા મુનિરાજ શ્રી કીર્તિધર મુનિને કેવલજ્ઞાાનની પ્રાપ્તિ થઈ, ત્યારે દેવોએ એમનો કેવલજ્ઞાાન મહોત્સવ કર્યો. નગરજનોની વચ્ચે પૂજ્યશ્રીએ ફરમાવ્યું - 'ક્યારેય સાધુ પ્રત્યે કે સાધુતા પ્રત્યે દ્વેષ ના કરશો. આ ક્રોધ આવતા જન્મમાં પણ સાથે જ આવશે અને આપણે સાધુની હત્યામાં નિમિત્તભૂત બનીને ભયંકર દુર્ગતિના ભાગી બની શકીએ છીએ. માટે હંમેશા સાધુ અને સાધુતા પ્રત્યે સદ્ભાવ રાખજો. સાધુ પ્રત્યેનો સદ્ભાવ આપણને સદ્ગતિ અને શિવગતિ અપાવશે.'