Get The App

આજની અબળાઓને પ્રબળા બનાવવાની સત્ય કિરણ દર્શાવતી કિરણદેવીની બહાદુરી

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
આજની અબળાઓને પ્રબળા બનાવવાની સત્ય કિરણ દર્શાવતી કિરણદેવીની બહાદુરી 1 - image


- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

એ છોકરીએ પોતાની કેડે ખોસેલી કટાર બહાર કાઢી. અને ધક્કો મારીને નીચે પાડેલા એ પુરુષના ગળે ઊભી રાખી. છોકરીનો એક પગ પુરુષની છાતી પર છે. જોરથી એ પગ દબાવ્યો. પુરુષના મોઢેથી ચીસભર્યો ઊંહકારો નીકળી પડયો. ઊભા થવાની તાકાત પણ તે ખોઈ બેઠો હતો.

પુરુષના ગળા પર ઊભી રાખેલી કટારીની નોંક (કટારીનો તીખો ભાગ) થોડોક દબાવ્યો. પુરુષની ચીસ ગળામાં જ દબાઈ ગઈ. જો એ ચીસ ગળામાં જ ના દબાઈ હોત તો કટારી ગળામાં દબાઈ જાત. છોકરી-સ્ત્રીએ ચેતવણી આપી દીધી હતી - બૂમાબૂમ ના કરતા.

સ્ત્રીએ કટારી ગળાના ભાગ પર ઊભી રાખીને અને પુરુષની છાતી પર પગ મૂકીને જાતે ઊભી રહીને રૂઆબથી પૂછયું - 'બોલ હવે પછી આવું કરીશ ?'

'ના.'

'શું સમજે છે તારા મનમાં ? તું મને બીજી સ્ત્રીઓની જેમ નમાલી ના સમજતો. તને ખબર નહીં હોય, હું કોણ છું ?' અને ફરી એકવાર તેણીએ કટારીની નોંક હળવેથી તેના ગળે દબાવી.

પુરુષ આંખ ફાડીને રણચંડી બનેલી તે સ્ત્રીને જોતો જ રહી ગયો. જાણે આંખોથી એ પૂછી રહ્યો હતો કે મને જણાવ તું કોણ છો ?

અને પોતાના મેવાડી રૂઆબથી તે સ્ત્રીએ જણાવ્યું - 'હું મેવાડના એ મહારાણાની ભત્રીજી છું, કે જેના નામના શ્રવણમાત્રથી તું ધ્રુજી જાય છે. સ્વપ્નમાં પણ જે મહારાણા તને દેખાઈ જાય તો તું ભયથી થરથરી જાય છે. જૈનાચાર્ય જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી જે મહારાણાના દિલમાં દેશભક્તિ ઘૂંટાઈ છે. એવા મહારાણા પ્રતાપના ભાઈ શક્તિસિંહની દીકરી છું.' મહારાણાઓમાં શરૂઆતથી જ જૈનાચાર્યોએ દેશભક્તિના સંસ્કાર સીંચ્યા હતા. મેવાડના લગભગ દરેક મહારાણાઓએ જૈનાચાર્યો પાસેથી અહિંસાના પાઠ ઘૂંટયા હતા. આ એ અહિંસા હતી કે જરૂર પડયે ધર્મને બચવવા હિંસાનો રસ્તો પણ અપનાવતા.

સ્ત્રીને જ્યારે પોતાનો સ્ત્રીધર્મ બચાવવાનો અવસર આવે ત્યારે હિંસક રસ્તો અપનાવવો, એ પણ પરંપરા એ અહિંસા છે. શ્રી રામચંદ્રજીનું યુદ્ધ પણ અહિંસા છે. આતતાઈયોથી દેશને બચાવવા માટે શસ્ત્રો ઉઠાવવા એ  પણ ધર્મશાસ્ત્રનો એક ભાગ છે.

આજે ભગવાન ગણાતા જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજાના ભક્ત ગણાતા મેવાડના મહારાણા પ્રતાપની ભત્રીજી બાઈસા કિરણદેવીએ તીખી તલવાર જેવું તીખું શસ્ત્ર ઉઠાવ્યું હતું. પોતાના સ્ત્રીધર્મ સ્વરૂપ શીલની રક્ષા માટે તે જાતે જ પોતાના પગ પર ઊભી હતી. 

શક્તિસિંહની દીકરી અને બિકાનેરના રાજા પૃથ્વીરાજની પત્ની કિરણદેવી જેની છાતી પર પગ અને ગળે કટાર રાખીને મહાકાલી માતાની જેમ રણચંડીનું રુપ લઈને ઊભી હતી. તે દયનીય પુરુષ હતો - મોગલ સમ્રાટ અકબર. દિલ્હીશ્વર આજે બિલ્લીશ્વર જેવો માયકાંગલો બની ગયો હતો.

ઘટનાક્રમ એવો હતો કે અકબર પોતાની વાસનાપૂર્તિ માટે એક મેળો ભરતો. નવરોઝ નામે આ મેળામાં માત્ર સ્ત્રીઓને જ જવા માટેનું પરમીશન હતું. કોઈપણ પુરુષને અંદર જવાની છૂટ ન હતી. પુરુષમાત્રને આ મેળામાં જવા માટેનો કડક પ્રતિબંધ હતો.

પણ વાસનાલોલુપ અકબર સ્ત્રીના વેશમાં આ મેળામાં જતો. પોતાના ગંદા-બદઈરાદાથી ઊભા કરેલા આ મેળામાં અકબર ગલત હરકતો કરવા માટે જ જતો હતો. 

અનેક સ્ત્રીઓ આ મેળામાં આવતી. એમાં જે સ્ત્રી અકબરને ગમી જાય. એને ભોળવીને પોતાની દાસીઓ મારફતે તે જનાનખાનામાં તેડાવતો. અને તેની સાથે પોતાની વાસના સંતોષતો. લાચાર બની ગયેલી એ સ્ત્રીઓ એને વશ થઈ જતી. મોટાભાગે સ્ત્રીઓ આ પરિસ્થિતિમાં ગભરૂ બાળા બનીને પુરુષના હવસનો શિકાર બની જાય છે.

આજના આ મેળામાં અકબર કિરણદેવીની સુંદરતા પર મુગ્ધ બની ગયો હતો. દાસીઓ છલકપટ કરીને એણીને અકબરના જનાનખાનામાં લઈ ગઈ. હવે પછીનું કામ અકબરે કરવાનું હતું.

પણ આ સ્ત્રી બીજી સ્ત્રીઓની જેમ અબળા ન હતી. આજની  નારીઓને મજબૂત અને ખૂંખાર બનવાનો સંદેશ આપતી આ સ્ત્રી તો પ્રબળા નીકળી. વાસનાની ભૂખ સંતોષવા વરુ બનેલા એ અકબરને એક જ ધક્કે નીચે પાડી દીધો અને એક જ ઝાટકે કટાર કાઢી આંખના પલકારે તેણે ગળે ઊભી રાખી દીધી.

જીવનની ભીખ માંગતા અકબરને કિરણદેવીએ કહ્યું - 'જો આજ પછી આ નવરોઝનો મેળો કદી નહીં કરવાનું વચન આપે તો જ તને છોડીશ. નહીંતર આ કટારી તારા ગળામાં ઊતરી જશે. અને સાથે-સાથે એ પણ વચન આપવું પડશે કે કોઈ સ્ત્રીને પરેશાન નહીં કરે.'

મરતા ક્યા ન કરતા ! અકબરે વચન આપ્યું. જે જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજાની તા. ૧૪/૯/૨૦૨૪ ના (ભાદરવા સુદિ-૧૧) રોજ ૪૨૮મી પુણ્યતિથિ આવે છે, એમના પ્રભાવતળે આવીને જ જીવનના આવા ઊંડા રહસ્યો પામી શકાય.

પ્રભાવના

ઉપરની આ ઘટનાનું વર્ણન ગિરધર આસિયા દ્વારા રચાયેલ સગત રાસ અને 'જૈન પરંપરાનો ઈતિહાસ' (રચના-દર્શન, જ્ઞાન, ન્યાય વિજય- ત્રિપુટી મહારાજ)ના આધારે થયું છે.

વળી, એમ કહે છે કે કિરણદેવીની બહાદુરીનું વર્ણન અને ચિત્ર બિકારનેરના સંગ્રહાલયમાં સંગ્રહાયેલું છે.

આ પ્રસંગનો દુહો પણ છે -

"કિરણ સિંહણી સી ચઢી, ઉર પર ખીંચ કટાર;

ભીખ માંગતા પ્રાણ કી, અકબર હાથ પસાર..."


Google NewsGoogle News