Get The App

મન પાસે બે રૂપ છે - એક અમૃતમય, બીજું વિષમય. શુભ વિચારોને અમૃતમયમાં પધરાવો અને અશુભ વિચારોને વિષમયમાં હોમી દો

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
મન પાસે બે રૂપ છે - એક અમૃતમય, બીજું વિષમય. શુભ વિચારોને અમૃતમયમાં પધરાવો અને અશુભ વિચારોને વિષમયમાં હોમી દો 1 - image


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

સામે ઊભી હતી રૂપની પ્યાલી

અને આ હતો રૂપનો તરસ્યો

નખશીખ સૌંદર્યથી છલકાતી હતી આ રૂપ-પ્યાલી. એના પરવાળાશા ગુલાબી હોઠ. જાણે અમૃતનો રસાસ્વાદ કરાવવા માટે જ સર્જાયા હતા. તો આ રૂપ-પિપાસુ એના માટે જ તો ઊભો હતો. એણે પોતાના બંને હોઠ આ રૂપની પ્યાલીના મુખ-ઓષ્ઠ પર ભિડાવી દીધા. ચુંબના નામની કહેવાતી પ્રક્રિયા દ્વારા એ યુવાન જાણે અમૃત-પાન કરી રહ્યો હતો. 

થોડીવાર પછી શયન કક્ષમાં જ રૂપપરી માટે શોભી રહેલી શય્યા પર એ યુવતીને યુવાને સુવડાવી દીધી. અને એના નખશીખ સૌંદર્યનું પોતાની આંખો વાટે આચમન કરી રહ્યો.

હરણીને શરમાવે એવી આંખો. નાગને પણ ફીકો પાડે એવો એનો કાળો ભમ્મર કેશપાશ. રેશમ કરતાંય કોમળ એની કમનીય કાયા. એના હાથ, એની આંગળીઓ અને તેની નજાક્તતા - એનું નાક, એના દાંત, એના કાન માણસને ચૂમવા અધીર કરી નાંખે... એની ભરાવનાર પણ સુડોળ કાયા, એની  ત્રિવળી, એની ગંભીર નાભિ, એના ઉન્નત ઉરોજ, એની ગોળ માસળ પગની પિંડી- માણસને ભેટવા માટે મજબૂર કરી દે. એનો લાવણ્ય નીતરતી કાયાની માયા ભલભલા ભડવીરને ય આલિંગનમાં અભડાવી દે.

પર્વતના ચૂરેચૂરા કરી નાંખનારાનો માહ્યલો પણ આ નમણી રમણીને જોયા પછી ખમણીની જેમ આરોગવા તૂટી પડે, એવું અદ્ભુત હતું આ કામિનીનું કામ-રૂપ.

અધર પાન પછી વધુ અધીરો બનેલો આ યુવાન એકાંતને જીરવી ન શક્યો. જે એકાંતને પામીને કામિનીના ધામમાં અને કામના ધામમાં રહીને નિષ્કામ સાધના કરનારા સાધકો સિદ્ધયોગી બની જાય છે, યોગસિદ્ધ બની જાય છે. તે એકાંતમાં કામી પુરૂષો કામિનીને મેળવીને પોતાની કામદેવને તૃપ્ત કરવાની કામના પુરી કરતા હોય છે.

આવી રસવતી અને રૂપવતી યુવતી પામ્યા પછી કયો કામી યુવાન પોતાનું કામ સાધ્યા વગર રહે ?

સવારથી જે રસવતીને તરસતો હતો, જે રૂપવતીને એ તળસતો હતો, તે અત્યારે એના હાથવેંતમાં હતી, તેની કાયા યુવાનના હાથની વેંતમાં સમાઈ જાય એવી હતી.

રાતભર રસભર રસવતીનો આસ્વાદ તે લેતો રહ્યો. રસના સહિત રસવતીની બધી જ રચનાને રાતભર માણતો રહ્યો.

પ્રભાત થઈ જ નહીં, તે યુવાનની. ભાત-ભાતની કામની વાનગી આરોગતો એ યુવાને પ્રભાત પહેલાં જ પુરો થઈ ગયો. સૂર્યોદય થતાં પહેલાં જ એના જીવનનો સૂર્યાસ્ત થઈ ગયો. રતિ-સુરતિની રાત અરતી આપનારી બની ગઈ.

કામમાં ભરતી આવી એ જ રાત્રે આયુષ્યમાં ઓટ આવી ગઈ - શ્વાસમાં ખોટ આવી ગઈ. શ્વાસ ખોરવાઈ ગયો.

રાતની કામલીલાએ જીવનલીલા સમાપ્ત કરી નાંખી.

યુદ્ધના મેદાનમાં ભલભલા ભડવીરોને યમધામ પહોંચાડનારો પહાડ જેવો આ યુવાન કામના મેદાનમાં હારી ગયો. કામ-ધામથી યમધામ પહોંચી ગયો. એનું કારણ એ હતું કે એ રૂપકન્યા વિષકન્યા હતી.

ધીમે ધીમે વિષપાન કરાવવા દ્વારા રૂપવતી યુવતીને વિષકન્યા બનાવવામાં આવે છે. એનું શરીર એવું વિષમય બની જાય કે એ વિષકન્યા સાથે જ સંભોગ કરે તે મૃત્યુનો ભોગ બની જાય. આ રૂપવતી પોતાના રૂપ-રસથી મદહોશ બનાવનારા યુવાનને ઈતિહાસ બનાવી દે છે પોતાના વિષથી આ રસવતી રૂપવતી છેવટે વિષવતી પુરવાર થાય છે.

આ વિષકન્યાએ જે યુવાનને યમધામ પહોંચાડયો, એ યુવાન હતો, પર્વતરાજા. ચાણક્યની બુદ્ધિ અને ચંદ્રગુપ્તના વખતે મગધનું રાજ્ય જીતવા માટે સહયોગ આપનારો આ રાજા વિષકન્યાના વિષમાં હોમાઈ ગયો- સમાઈ ગયો.

ભાવિકાળમાં બનનાર આ દૃષ્ટાંત આપીને ભગવાન પાર્શ્વનાથ ફરમાવી રહ્યા - 'હે ભવ્ય જીવો ! આપણે આપણી જાતને આ વિષકન્યા જેવી બનાવી દઈએ, જેથી કોઈ ખરાબ વિચારો આપણી સાથે રહી જ ના શકે. જેવા આ ખરાબ વિચારો આપણા ઉપર હાવી થાય, તેવા જ એ સ્વાહા થઈ જાય.

સારા વિચારો માટે રૂપકન્યા બની જાઓ, પણ ખરાબ વિચારો માટે વિષકન્યા બની જાઓ. વિષકન્યા પાસે તો એક જ રૂપ છે, પણ આપણા મન પાસે તો બે રૂપ છે. એક અમૃતમય છે, બીજું વિષમય છે. સારા વિચારોને અમૃતમયમાં પધરાવો અને ખરાબ વિચારોને વિષમયમાં હોમી દો.

ચંદ્રગુપ્તને મગધસમ્રાટ બનવામાં વિઘ્ન સમાન જણાતા આ પર્વતરાજાનો વિષકન્યાના માધ્યમે સફાયો થઈ ગયો. તેમ આપણા આત્માને શિવ-રાજ્યનો સમ્રાટ બનવામાં અંતરાયભુત બનતા ખરાબ વિચારોને- ખરાબ નિમિત્તોને મનમાં દ્વિતીય રૂપ વિષકન્યાના માધ્યમે સાફ કરી નાખીએ. પછી ભલેને એ અશુભ વિચારો પર્વત જેવા કેમ ના હોય ! વિષકન્યા સામે પર્વતની શી તાકાત ! પછી આપણને આત્મ-મગધના સમ્રાટ બનતા કોઈ અટકાવી શકે તેમ નથી.

તા. ૨૫-૧૨-૨૦૨૪ ના રોજ જેમનો ૨૯૦૧મો જન્મકલ્યાણ દિવસ છે, એવા પાર્શ્વનાથ પરમાત્માએ સર્વ જીવોને ઉદ્દેશીને કહ્યું કે શત્રુને ખતમ કરવા માટે ક્યારેય વિષકન્યાનો ઉપયોગ ના કરશો પરંતુ શત્રુતાને  ખતમ કરવા માટે આ મનરૂપી વિષકન્યાનો પ્રયોગ અવશ્યમેવ કરજો.

પ્રભાવના

તા. ૨૪, ૨૫, ૨૬ ડિસેમ્બર, માગશર વદ ૯, ૧૦, ૧૧ એમ ત્રણ દિવસ પોષ દશમી પર્વની આરાધના માટેના પવિત્ર દિવસો છે. પાર્શ્વનાથ ભગવાનના જન્મ અને દીક્ષાકલ્યાણકારી પુનિત આરાધના માટે આ ત્રિદિવસીય સાધનામાં શક્ય હોય તો અઠ્ઠમ (ત્રણ ઉપાસના સળંગ) કરવા એ શક્તિ ન હોય તો ત્રણ દિવસ એકાસણા કરવા. જેમાં પહેલે દિવસે સાકરના પાણીનું એકાસણું, બીજે દિવસે માત્ર ખીરનું એકાસણું અને ત્રીજે દિવસે બધા જ પદાર્થોનું એકાસણું. અથવા તો ત્રણે દિવસ એકલટાણું (એકાસણા વખતે જ આહાર-પાણી પછી ૨૩ કલાક સુધી કશું જ નહીં લેવાનું) કરી શકાય. આ રીતે જે પોષદશમીની આરાધના કરે છે, તે વહેલામાં વહેલો મોક્ષને પામે છે.


Google NewsGoogle News