સૂક્ષ્મ જીવોને પણ જે જીવન બક્ષે, પ્રભુકૃપાની બક્ષિસ પામવા તે સક્ષમ બને

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
સૂક્ષ્મ જીવોને પણ જે જીવન બક્ષે, પ્રભુકૃપાની બક્ષિસ પામવા તે સક્ષમ બને 1 - image


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

"ત્રણ લોકનું દાન કરીને જે ફળ મળે, તેના કરતાં કરોડગણું ફળ ગાળેલું પાણી વાપરવાથી મળે છે."

સાત ગામ બાળવાથી જેટલું પાપ લાગે, તેટલું પાપ ઘડાનું પાણી નહીં ગાળવાથી લાગે. (અહીં ઘડાના ઉપલક્ષણથી વર્તમાન સમયની બોટલો આદિ સમજવા.)

માછીમાર એક વરસમાં જેટલું પાપ કરે છે, તેટલું પાપ અણગળ (નહીં ગળેલા) પાણીનો સંગ્રહ કરનારને લાગે છે.

જે માણસ બધા કાર્યો ગાળેલા પાણીથી કરે છે, તે એક અર્થમાં મુનિ છે, સાધુ છે, યોગી છે.

મીઠા પાણીના પોરા ખારા પાણીમાં મરી જાય છે. માટે ખારું પાણી અને મીઠું પાણી ભેગું નહીં કરવું."

ગાળેલા પાણી વિશેની આ સૂચના કુમારપાળ મહારાજાએ પોતાના ૧૮ દેશોમાં તો પહોંચાડી. પણ અન્ય મિત્ર રાજાઓના રાજ્યમાં પણ પહોંચાડી.

કાગળો ઉપર લખીને આ સૂચના બોર્ડ સર્વત્ર પહોંચાડવામાં આવ્યું.

જીવદયાનો ભેખ ધારણ કર્યો હતો, આ શ્રી કુમારપાળ મહારાજાએ. જીવદયાની નાની-મોટી કોઈપણ વાત હોય, તેઓ તેનો તરત સ્વીકાર કરી લેતા અને અમલમાં લાવતા.

શાસ્ત્રો, આગમો, પુરાણો, વેદો આદિના સાર-સંકલન સ્વરૂપ ગાળેલા પાણીની ઉપરોક્ત વાતો પોતાના ગુરુદેવ કલિકાલ સર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના શ્રીમુખે જાણી, ત્યારથી શ્રી કુમારપાળ રાજાએ પાકો નિર્ણય કરી લીધો કે અણગળ પાણીનો વપરાશ સદંતર બંધ કરવો.

પોતાના દેશોમાં અને મિત્ર દેશોમાં પણ અણગળ પાણીનો ઉપયોગ પર રોક લાગે તે હેતુથી આ કાગળો તો બધે લખ્યા. પણ તે પૂર્વે તેમણે પોતે આ નિયમ અલમમાં મુકી દીધો. પોતાના રાજયમાં ૧૧ લાખ ઘોડાઓને પણ પાણી ગાળીને પિવડાવતા હતા.

માત્ર મોટા જીવોની જ દયા કરે તે નહીં, પણ નાનામાં નાના જીવને પણ રક્ષે તે સાચા અર્થમાં મહાન પુરુષ છે. અણુ જેવડા જીવોને પણ જે જીવન બક્ષે, પ્રભુકૃપાએ મળેલું આ જીવન તેનું જ સાર્થક છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોને જે જીવન બક્ષે છે, પ્રભુકૃપાની બક્ષિસ તે જ પ્રાપ્ત કરી શકે છે.

ગુરુદેવ તરફથી મળેલી જિનવાણીને પાણીની જેમ ગળે ઉતારી હતી. અહિંસાના એ પૂજારી હતા. અહિંસાને તેમણે જારી રાખી હતી. 

અહિંસા એમનો પ્રાણ હતો તો 

અહિંસાના પાલન દ્વારા તેઓ પ્રાણદાતા બન્યા હતા.

પાણીના પોરાની પણ કેટલી ચિંતા !

વિના કારણે તેઓ યુદ્ધ પણ ટાળતા. ચોમાસાના ચાર મહિના માટે તો તેમણે નિયમ જ લઈ લીધો હતો કે ચોમાસામાં યુદ્ધ નહીં જ કરવું. શત્રુદેશો  તરફથી આવતી આપત્તિ તેમના જીવદયાના પરિણામે દૈવી શક્તિથી ટળી જતી. એમના શુભ પરિણામો બધા જ અશુભોને દુર કરી દેતા.

જીવોની રક્ષાના પરિણામ સચવાયેલા રહે, તે હેતુથી તેઓ ચોમાસાના સમય દરમ્યાન નગરની બહાર પણ કદી જતા નહિ. તીર્થયાત્રા પણ એમણે ક્યારેય ચોમાસા દરમ્યાન કરી ન હતી. જૈન ધર્મના મહાનતીર્થ એવા શાશ્વત ગિરિરાજ સ્વરુપ શત્રુંજ્યની યાત્રા પણ તેમણે ચોમાસા દરમ્યાન કરી ન હતી.

તેઓ દૃઢપણે માનતા હતા કે ચાતુર્માસ કાળ વિરાધનાના ત્યાગ માટે છે. આરાધનાની વૃદ્ધિની સાથે વિરાધના ઘટવી પણ જોઈએ. કદાચ એકવાર આરાધના ન પણ વધે, વિરાધના તો ચોક્કસપણે ઓછી થવી જોઈએ.

વિરાધનાના ત્યાગના લક્ષ્ય સાથે તેમણે ચોમાસાના ઘણા બધા નિયમો સ્વીકારેલા હતા. ચોમાસા દરમ્યાન તેઓ અગ્નિ-વાયુ આદિનો ઉપયોગ પણ ટાળતા યા ઓછો કરતા. વીજળીનો વપરાશ તો સર્વઘાતક કહેવાય.

વનસ્પતિના જીવોની રક્ષા માટે અનેકવિધ નિયમો તેમણે લીધા હતા. દાતણ, ફળ, ફૂલ, શાક આદિનો ઉપયોગ નહિવત હતો.

પશુ-પક્ષીઓ પરનો પ્રેમ પણ અજબ હતો. તેઓ ચોમાસા દરમ્યાન આવાગમન પણ પગપાળા જ કરતા. ઘોડા પર બેસવાનું પણ તેઓ છોડી દેતા હતા. ચોમાસા સિવાય પણ તેઓ ઘોડા પર બેસતા, ત્યારે બેસવાની જગ્યા-ગાદી વગેરે કોમળ વસ્ત્ર જેવા સાધનથી પૂંજીને બેસતા. જેથી અણુ જેવા જીવો નાશ ન પામે.

તેમનું એક જ સુત્ર હતું - 'ચોમાસામાં વિરાધનાથી બચો.'

પ્રભાવના

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાંચમી પાટે આવેલા આચાર્ય શ્રી શય્યંભવ સૂરીશ્વરજી મહારાજ (જેઓ જન્મે ચુસ્ત ક્રિયાકાંડી બ્રાહ્મણ હતા) દશવેકાલિક નામના આગમના છઠ્ઠા અધ્યયનના ૧૧મા શ્લોકમાં લખે છે - "બધા જ જીવો જીવવા ઈચ્છે છે. મરવાનું કોઈ જ ઈચ્છતું નથી. એટલે જીવોના પ્રાણોને કોઈ પણ જાતની પીડા નહીં પહોંચાડી. આ પરમ ધર્મ છે. આ જ પ્રેમનો ધર્મ છે અને ધર્મનો પ્રેમ છે."



Google NewsGoogle News