સરસ્વતીનું જ્ઞાન અને જ્ઞાન માટે સરસ્વતી .
- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
'આપણને આ શોભતું નથી. મર્યાદામાં રહીએ તો બધું દીપી ઊઠે. આ મર્યાદાવિહિન પ્રવૃત્તિઓ છોડી દેવી રહી. '
'આમાં શું છે ? મોઢું જ તો ધોયું છે.'
'પણ કેટલીવાર ! એક વાર હોય તો બરાબર. આખો દિવસ આ મોઢા ધોવાના ? સહેજ બહાર ગયા, ત્યાં પાછા આવી ફરી પગ ધોવાના? એકાદી વસ્તુને હાથ લગાવ્યો તો હાથ ધોવાના ?'
એટલું જ નહિ, આખું શરીર વારંવાર સાફ કરવાનું. સ્ત્રી શરીર આખો દિવસ ચમકાવીને ફરવાનું. સાબુથી નહાવાનું.તેલ-માલિસ કરવાની સ્ત્રી શરીર શણગારવાનું....
જો કે આ બધી સ્ત્રી સહજ પ્રક્રિયા છે. પોતાના શરીરની સારી એવી કાળજી લેવી. દાંત સાફ કરવાના અને એને ચમકાવવાના. જેથી હસે ત્યારે આકર્ષણ જાગે... હાથ પગના આંગળા પણ બરાબર સાફ કરીને રંગ- રોગાનથી યુક્ત નાખવાળા કરવાના... આંખમાં આંજણ કરવાના... સ્ત્રીના ગુપ્ત અંગો પણ સાફ કરીને પ્રદર્શિત કરવાના... કપડાં પણ દિવસ દરમ્યાન બે વાર ધોવાના...
પણ આ તો સાધ્વી હતા. સંન્યાસીની હતા.સ્ત્રી પોતાના દેહને ખુલ્લું કરે, તેની શદ્ધિ કરે તે ચાલે, પણ એક સંસારત્યાગી મહાત્મા આવા રાગપોષક કાર્યો કરે, તે ઉચિત તો ન જ કહેવાય ને?
શરીરની શોભા,ટાપટીપ જેવી ક્રિયાઓ બ્રહ્મચર્યમાં પણ ડાધ લગાડે. શરીરનો ડાઘ દુર કરવાનો મોહ બ્રહ્મમાં ડાઘ લગાડે. શરીરનો ડાઘ દુર થાય કે ન થાય, પણ જીવનમાં ડાઘ ચોંટી જાય.
આ સાધ્વીજી શરીર તો સાફ રાખતા, સાથે સાથે પોતાના હોય, તે આસીન, શય્યા, જગ્યા આદિ પણ વારંવાર ચોખ્ખી રાખતા.
કોરાનાકાળમાં જેમ સેનિટાઈઝરની પ્રક્રિયા વારંવાર કરવામાં આવતી, એમ આ સાધ્વી પણ વારંવાર હાથ - પગ- મોં-આંખ-બગલ-છાતી સાફ કરતા. જાણે કે કોઈ કોરોના સંક્રમિત જગ્યાનો સ્પર્શ થઈ ગયો હોય તેમ તેઓ કરતા.
એટલે જ વડીલ સાધ્વીજી શ્રી પુષ્પચૂલાશ્રીજી મહારાજ આ સાધ્વીને શિખામણ સ્વરૂપમાં કહેતા. સ્ત્રી મર્યાદામાં જ શોભે. જ્યારે આ તો સાધ્વીજી હતા. બ્રહ્મચર્યના ધાતક તત્વો છે. શરીરની વિભૂષા,શરીરની શુદ્ધિ, સ્થાન શુદ્ધિ, રસકસવાળું ભોજન, વધુ પ્રમાણમાં આહાર આદિ-આદિ...
શ્રી સરસ્વતી નામના આ સાધ્વીજીને ગુરુણીશ્રી પુષ્પચૂંલાશ્રીજી મહારાજે પાપોનું પ્રાયશ્ચિત લેવા કહ્યું. આવા અશોભનીય આચારોની શુુદ્ધિ કરવી જ રહી. પણ શ્રી સરસ્વતી સાધ્વીજી ન માન્યા. એટલું જ નહિ, ગુરુણીજીથી અલગ રહેવા ચાલ્યા ગયા. અન્ય કોઈ દૂષણો ન હતા, પણ શરીરપ્રત્યેના મોહના કારણે આવી બકુશ પ્રક્રિયા છોડી ના શક્યા.
આરાધના ઉત્તમ પણ દેહના મમત્વજન્ય વિરાધના પણ ઘણી સંયમ પ્રત્યે અરૂચિ નથી, પણ શરીર શુદ્ધિની રૂચિ પણ તીવ્રતર.
એક દિવસ નાગપુરના મહસ્રાજીવનમાં સરસ્વતી તરીકે જન્મેલી આ શ્રેષ્ઠી પુત્રીએ એક દિવસ આ અવસર્પિણી કાળના ચોવીસ તીર્થકાર પૈકી ત્રેવીસમા ભગવાન શ્રી પાશ્વનાથ પ્રભુની દેશના સાંભળી વેરાગ્યભાવ જાગ્યો. માતા-પિતાની રજા લીધી. સહર્ષ અનુમતિ મેળવીને દીક્ષા લીધી, અને પ્રમુખા સાધ્વીજી શ્રી પુષ્પચૂલાશ્રીજી મહારાજ પાસે ૧૧ (અગ્યિાર) અંગો (આગમો) નો અભ્યાસ કર્યો.
સંયમનું બધું જ આચરણ કાચ જેવું નિર્મલ, પણ શરીરની કોમળતા અને સ્વરૂપના મોહમાં થોડાક ભીંજાઈ ગયા. જ્ઞાનનો રંગ મોહના રંગમાં ઝંખવાઈ ગયો. આત્મજ્ઞાન શરીર-ભાનમાં થોડુંક બેભાન થઈ ગયું. જ્ઞાનનો પ્રકાશ શરીરના અનંત-આકાશ આભાસ બની બેઠો.
ચેતન તન મોહમાં, અચેતન સ્વરૂપ થઈ ગયો.
શરીર મોહની પ્રધાનતાવાળું સંયમ પાળીને આ સાધ્વીજી મહારાજ ભવનપતિ પ્રકારના દેવ બન્યા. દેવોના ચાર પ્રકાર પૈકીનો આ ત્રીજો પ્રકાર કહેવાય. મોક્ષ અથવા તો પ્રથમ પ્રકારના દેવમાં જવાને બદલે દેવના ત્રીજા પ્રકારમાં દેવી સ્વરૂપને પામ્યા. કાલ નામના પિશાચ કુમાર ઈંદ્રની અગ્રમહિષી પટરાણી બન્યા.
આ સરસ્વતી દેવી જગતના સર્વે જીવોને કહે છે.
'શરીર પ્રત્યે બહુ ધ્યાન રાખવાની જરૂર નથી. જ્ઞાનમાં ભણવામાં ધ્યાન રાખો.શરીરની ટાપટીપ આપણને ટોપ પર નહીં લઈ જાય. ટોપર બનવું હોય તો જ્ઞાનમાં તત્પર બનવું રહ્યું. શરીરની વિભૂષાનું ભૂસું મગજમાં ભર્યું હશે તો જ્ઞાનની ઊષા ઉગતી જ આવતી જશે.'
કાલ નામના પિશાચેંદ્રની પત્ની સરસ્વતી કહે છે. ' કાલને વશ ન થવું હોય તો શરીરને નહીં, આત્મ-જ્ઞાનને પ્રાધાન્ય આપજો.'
પ્રભાવના
આસો સુદ પૂનમ એ સરસ્વતી સાધનાનો દિવસ કહેવાય છે. આજના પવિત્ર દિવસે પાંચ પાંડવ (યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ) ૨૦ કરોડ આત્માઓ સાથે મોક્ષે પધાર્યા હતા તથા શાશ્વતી ઓળીનો આજે અંતિમ દિવસ છે. માટે આજે રાત્રે સરસ્વતી-સાધના કરાતી હોય છે.
આજની રાતે શરદ પૂર્ણિમાનો ચંદમા પણ અદ્ભૂત ચાંદની વેરે છે. શરદની આ રાત શારદાની સાધનાની રાત કહેવાય.
શરદની ઉજ્જવળ રાત્રે સફેદવસ્ત્રોમાં સજ્જ થઈને ચંદ્રની ચાંદનીમાં બેસવાનું હોય છે. સાકર જેવી અભક્ષ્યન પામતી ચીજો રાત્રે ચંદ્રની ચાંદનીમાં રાખી બીજે દિવસે સવારે સૂર્યોદય પછીના ૪૮ મિનિટ પછી દુધની અંદર આરોગવાની હોય છે.જેથી સરસ્વતીના આશીર્વાદ જલ્દી મળે,ફળે.
વળી, શરદપૂનમની રાતે શારદા - સરસ્વતીનો જાપ કરવાનો હોય છે. સફેદ પેન - પેન્સીલ પણ રાતે ચંદ્ર-ચાંદનીમાં રાખવા અને એનાથી લખવાનું ભણવાનું રાખવું.