બે મડદાંઓની પ્રેમ કહાની, અનંગ-રાજની કથા સુહાની
- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
એક પુરૂષ અને એક સ્ત્રી એમ બે મડદા તરફ આંગળી ચીંધીને કુમાર એ સ્ત્રીને કહી રહ્યો હતો - 'તું એક તરફ ગઈ અને હું બીજી બાજુ ગયો, ત્યારે આ બંને શું કરતા હતા, ખબર છે ?'
'ના, શું કરતા હતા ?'
'અરે, આ તો બન્નેના હસવાનો અવાજ આવતો હતો, એટલે મેં ત્યાં જ ઊભા-ઊભા ચોંકી જઈને એ તરફ જોયું, તો...'
'શું, પણ કહે તો ખરાં ? સ્ત્રીએ ઉત્સુક્તા દાખવી.
'મને કહેતાં શરમ આવે છે.'
'તો ય કહે તો ખરો ?'
'પહેલા તો એ બંને ગુસપુસ કરતા હતા. અને પછી બંને એકબીજા તરફ ચેનચાળા કરતા હતા. બંને પોતપોતાનો પ્રેમ વ્યક્ત કરતા હતા ?'
'શું ?'
'હાં, બંને એકબીજાને ભેટયા પણ ખરાં.'
'જેના માટે હું બધાને- પરિવારને છોડીને આની સાથે અહીં સ્મશાનમાં રહી, એ નફ્ફટ બીજી છોકરીને પ્રેમ કરી રહ્યો છે. ધિક્કાર હો આ પ્રેમને !'
* * *
બીજે દિવસે અંધારી સાંજે એ છોકરી થોડે આઘે જઈને પાછી આવી ત્યારે એ છોકરો લમણે હાથ દઈને નિસાસા નાંખી રહ્યો હતો. છોકરા-છોકરીના બે ય મડદાં ગાયબ હતા. એકેય મડદા દેખાતા ન હતા.
છોકરીએ છોકરાને મડદા વિશે પૂછયું. પણ છોકરો મૌન... એક અક્ષર બોલતો ન હતો. ઊલટાનું રડવાનું શરૂ કર્યું.
છોકરીએ તેને માંડ માંડ છાનો રાખ્યો. અને પૂછયું એ બન્ને મડદાં વિશે.
છોકરો કહે - 'શું કહું ? આ સંસાર આવો જ છે. આપણે જેને પ્રેમ કરતાં હોઈએ, એ વળી અન્ય કોઈને પ્રેમ કરતો હોય છે.'
'એટલે તું શું કહેવા માંગે છે ?'
'એ જ કે 'હું જે છોકરીને પ્રેમ કરતો હતો અને તું જે છોકરાને પ્રાણથીયે વધુ ચાલતી હતી, એ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. કાલે મેં તને કહ્યું હતું કે એ બંને એકબીજાને ચેનચાળા કરતા હતા અને આલિંગન પણ કર્યું હતું.'
'હાં, પણ અત્યારે એ છે ક્યાં ?'
'એ બંને એકબીજાનો હાથ પકડીને ભાગી ગયા. મેં મારી નજરે એ બંનેને જતાં જોયા.'
'શું ?'
'હાં. આપણે ખોટા એમના પ્રેમના વહેમમાં હતા. એમને આપણી ઉપર પ્રેમ હતો જ નહીં.'
'સાચી વાત છે.' છોકરીએ છોકરાની વાતમાં સહમતી બતાવી.
'તો ચાલો, હવે આપણે ગામમાં જઈએ. આપણું વ્રત પૂરું કરીએ. જેના માટે આ સ્મશાનવ્રત લીધું હતું, એ જ નથી રહ્યા, તો હવે આ વ્રત શાને ?'
'બરાબર છે' કહી છોકરી છોકરા સાથે નગર ભણી ચાલી...
* * *
સૌ નગરજનોના મુખમાં એક જ વાકય હતું - 'અનંગ પોતાના મિશનમાં સફળ.'
ઘટનાનું મૂળ આમ હતું.
સાકેતનગરીના રાજમાન્ય અને લોકમાન્ય શેઠ વૈશ્રમણના પુત્ર પ્રિયંકરના લગ્ન પાડોશી શેઠ પ્રિય મિત્રની પુત્રી સુંદરી સાથે થયા. રૂપરૂપના અંબાર હતા બંને. પ્રેમમાં બંને દિવાના હતા. એકદા પ્રિયંકર અસાધ્ય રોગથી ઘેરાયો. બધા જ ઉપાયો નિષ્ફળ. પ્રિયંકર મૃત્યુ પામ્યો.
સુંદરી પ્રિયંકરમાં એટલી દિવાની હતી કે તે તેને મૃત્યુ પામેલા તરીકે સ્વીકારવા તૈયાર ન હતી. અગ્નિસંસ્કાર ન કરી દે, એટલે સુંદરી પ્રિયંકરના શબને લઈને સ્મશાનમાં આવી ગઈ.
આ વાત આખા નગરમાં ફેલાઈ. ઘેલી સુંદરી મડદાંને છોડવા તૈયાર નથી.
વૈશ્રમણ શેઠે ત્યાંના રાજા મદનરાજને વાત કરી. ત્યારે મુંઝાયેલા રાજાની પાસે બેઠેલા કુમાર અનંગે સુંદરીનો મોહ ઉતારવાનું બીડું ઝડપ્યું.
અનંગકુમાર એક છોકરીનું મડદું લઈને સુંદરીથી થોડાંક જ ડગલાં દૂર જઈને બેસી ગયો.
ધીમે ધીમે બંને પરિચયમાં આવ્યા. અને ધીરે ધીરે કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી - એવી વાતો કરવા માંડયો.
બંને મડદાંના પ્રેમની વાતોનું નાટક ઊભું કર્યું. સુંદરીનો રાગ ઓગળતો ગયો. અને એક દિવસ બંને મડદાંને કુવામાં પધરાવી દઈને બંને ભાગી ગયાની કલ્પિત વાત ઊભી કરી. ઘેલી સુંદરી સાચું માની બેઠી. અને મોહ-રાગના પડલ દૂર થયા.
અનંગકુમારે સુંદરીનો પ્રિયંકર પ્રત્યેનો અંગ-અનંગ રાગ દૂર કર્યો. આ ધર્મકાર્યમાં તેણે સફળતા પ્રાપ્ત કરી.
જ્ઞાાનીઓ કહે છે કે આ દેહ રાગને દૂર કરી આત્મ-પ્રેમમાં જે દિવસે આપણો પ્રવેશ થશે, તે દિવસ આપણો સફળ ગણાશે.
સુંદરી તે દિવસથી ધર્મકાર્યમાં જોડાઈ ગઈ. અને મળેલા માનવદેહને
સાર્થક કર્યો.
પ્રભાવના
દુ:ખ દૂર કરવાનો મહાવીર-માર્ગ
જે અકિંચન = પરિગ્રહ ત્યાગી બને છે,
તેનો લાભ અલોપ થાય છે.
જેને લોભ નથી, તેની તૃષ્ણા છેદાઈ જાય છે. જેને તૃષ્ણા નથી, તેનો મોહ ખતમ થાય છે. અને જેને મોહ નથી, તેના બધાં જ દુ:ખો નિર્મૂલ થાય છે.
(ઉત્તરાધ્યયન સુત્ર - ૩૨મું પ્રમાદસ્થાન અધ્યયન-શ્લોક-૮)