ભારતની સ્વતંત્રતા માટેના અદ્ભુત પર્યુષણા મહાપર્વ
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
- આગરાના ઉગ્ર પત્રકાર, નામે મહેન્દ્ર જૈન...પદ્માના પિતાજી અને અંગૂરીદેવીના પતિ. આગરાના આ પ્રસિદ્ધ પત્રકારની કલમમાં તેજાબ ભરેલો હતો. એ લખે એટલે આગ ભડકે. એમના લેખો વાંચ્યા પછી ભારતવાસીઓએ અંગ્રેજો પ્રત્યે ધિક્કાર વછૂટે. વાછૂટની જેમ વાતાવરણ ખળભળે.
આંદોલન ઉગ્ર બન્યું. અને હિંસક બન્યું. આગરાના ચાર પોલીસ સ્ટેશન બોમ્બ નાખીને ઉડાવી દેવામાં આવ્યા.
૧૨ વર્ષની પદ્માદેવીનાં નેજા હેઠળ ચાલી રહેલા આ હિંસક આંદોલન આગળ અંગ્રેજો ઢીલા પડવા માંડયા હતા.
આવા સમયે કોઈકે પદ્માદેવીને પૂછયું - 'પદ્મા, તને ખબર છે, આ પર્યુષણા મહાપર્વના દિવસો છે. પર્યુષણા મહાપર્વ એ આપણા ધર્મનું પવિત્ર પર્વ છે. આ પરમપવિત્ર દિવસોમાં 'અમારિ પ્રવર્તન'નું પાલન કરવાનું આપણા પરમપવિત્ર મહાપુરૂષોએ જણાવ્યું છે. નાનામાં નાના જીવોની હિંસા પણ આ આઠ દિવસો દરમ્યાન ન કરવી જોઈએ. જો કે હિંસા એ આપણો ધર્મ જ નથી.
આપણો ધર્મ માને છે અહિંસામાં. ''અહિંસા પરમો ધર્મ:'' આ આપણું મહાન સૂત્ર છે.
જ્યારે તું આ પરમ પવિત્ર અહિંસાના દિવસોમાં આવા હિંસક આંદોલનો ચલાવી રહી છે. તને કાંઈ ખબર પડે છે ?'
'જી, મને બધી ખબર છે. આપણે ક્યારેય, ક્યાંય, કોઈ પણ જીવની હિંસા ન કરવી જોઈએ. એમાં પણ પર્યુષણા મહાપર્વના પરમપવિત્ર દિવસોમાં તો જરા પણ હિંસા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.'ં
આપણા ધર્મના અનેક મહાપુરુષોએ અનેક રાજા-બાદશાહો પાસે અહિંસાધર્મનુ પાલન કરાવ્યું હતું. જગદ્ગુરૂ હીર સૂરીશ્વરજી મહારાજજીએ તો મોગલ બાદશાહ અકબર પાસે વર્ષના છ મહિના જેટલો સમય અહિંસાનું પાલન કરાવડાવ્યું હતું. કતલખાના બંધ રખાવ્યા હતા.'
'તો પછી આરાધના કરવાને બદલે આ વિરાધના કેમ ?' એને એ પણ ખ્યાલ છે કે પર્યુષણા મહાપર્વના દિવસોમાં આરાધના જ કરવાની હોય. સામાયિક, પ્રતિક્રમણ, પૌષંધા, પ્રભુપૂજા, પ્રવચનશ્રવણ, દાન, શીલ, તપસ્યા આદિ અનેક વિધ આરાધનાઓથી આત્માને પાવન કરવાનો હોય છે આ પવિત્ર દિવસોમાં. છતાંય હિંસાનો આ ભયંકર ખેલ ખેલી રહી છે આ નાનકડી છોકરી.
આ પહ્મા એકલી નથી. એની મા અંગૂરીદેવી પણ આ હિંસક આંદોલનમાં જોડાઈ છે અને પોતાની દીકરી પદ્માને ખૂબ પ્રોત્સાહિત પણ કરી રહી છે.
આગરાની આ મા-દીકરી બંને સાથે મળીને રસ્તા પર ઉતરીને અંગ્રેજો વિરુદ્ધ નારા લગાવી રહી છે. ભારતની આઝાદી માટે પોતાની બધી શક્તિ કામે લગાડી દીધી છે.
'અંગ્રેજો! દેશ અમારો છે, તમારો નથી. છોડી દો આ દેશને' આ શબ્દોથી આખી સભા ગજવી રહી છે. 'ઈન્કલાબ જિંદાબાદ' ના નારા લગાવીને આઝાદીની ઝુંબેશને તીવ્ર બનાવી રહી છે.
આ આંદોલન પાછળ ખુમારી અને જોશથી લડી રહેલી આ બાર વરસની બાળને હિમ્મત મળી, પોતાના પિતા પાસેથી.
ઘટનાની પૂર્વકથા આ છે.
આગરાના ઉગ્ર પત્રકાર, નામે મહેન્દ્ર જૈન...પદ્માના પિતાજી અને અંગૂરીદેવીના પતિ. આગરાના આ પ્રસિદ્ધ પત્રકારની કલમમાં તેજાબ ભરેલો હતો. એ લખે એટલે આગ ભડકે. એમના લેખો વાંચ્યા પછી ભારતવાસીઓએ અંગ્રેજો પ્રત્યે ધિક્કાર વછૂટે. વાછૂટની જેમ વાતાવરણ ખળભળે.
૧૮૫૭માં જોડાયેલ સ્વતંત્રતા સંગ્રામના આ સ્વાતંત્ર્યવીરની આ તેજાબી કલમના ગુનામાં અંગ્રેજોએ ધરપકડ કરી. જેલના સળિયા પાછળ નાખવામાં આવ્યા.
મહેન્દ્ર જૈનની ધરપકડના સમાચાર ધડાધડ આખા આગરામાં ફેલાયા. આકરા પ્રત્યાઘાતો આવ્યા. આંદોલન ચાલુ થયું. આગેવાની લીધી પદ્મા જૈને.
પર્યુષણા મહાપર્વના દિવસો ચાલતા હોવા છતાં આરાધનાના બદલે આવા હિંસક આંદોલન ચલાવતી પદ્માએ કહ્યુ - 'પર્યુષણની આરાધના કરતાંય મારે માટે રાષ્ટ્રની આરાધના પહેલી છે. રાષ્ટ્ર જ નહીં હોય તો આરાધના કેવી ?' રાષ્ટ્રજ નહીં હોય તો ધર્મ ક્યાંથી થશે ? રાષ્ટ્રધર્મ પ્રથમ નંબરે છે. ધર્મની આરાધના બીજા નંબરે છે. ધર્મ માટે રાષ્ટ્ર બચાવવો જરૂરી છે. ધર્મના રક્ષણ માટે કરાતી હિંસા એ જેમ હિંસા નથી, તેમ ધર્મના આધારભૂત રાષ્ટ્રની રક્ષા માટે કરાતી હિંસા પણ હિંસા કેમ કહેવાય ?'
પોલીસ સ્ટેશન ઉડાવવાના ગુના બદલ અંગ્રેજોએ મા-દીકરીને આગરાના મુખ્ય ચોક વચ્ચે ઊભા રાખ્યા. અને લોકોની વચ્ચે બંનેને જોરથી કોરડા ફટકારવા લાગ્યા. આવી ભયંકર યાતના વચ્ચે પણ બંને મા-દીકરી અંગ્રેજો વિરુદ્ધ નારા ઉચ્ચારતા હતા.
પ્રજાનો આક્રોશ ફાટયો. નાનકડી દીકરીની હિંમત આગળ અંગ્રેજો ઝૂક્યા. મહેન્દ્ર જૈનને છોડી દેવામાં આવ્યા.
જય ભારત, જય મહાવીર, જય જિન શાસનના નારા આખા ચોકમાં ગૂંજી ઉઠયા.
પ્રભાવના
''સ્વતંત્રતા સંગ્રામ મેં જૈન'' નામે પુસ્તકમાં ઉલ્લેખ છે કે ભારતની સ્વતંત્રતા માટે જૈનો તન-મન-ધનથી ઝઝૂમ્યા છે તેઓ બધા જ ક્ષેત્રે આગળ આવ્યા છે.
કુમારપાળ મહારાજા, વસ્તુપાલ-તેજપાલ, પેથડશામંત્રી, જગડૂશા, વિમલ રાજા (મહામંત્રી) ભામાશા, સમ્રાટ સંપ્રતિ, જૈનાચાર્ય માણિવિજયદાદા આદિ અનેક જૈનો આ દેશની રક્ષા કાજે આગળ આવ્યા છે. સલામ આ સૌ સ્વાતંત્ર્યવીરોને સ્વાતંત્ર્ય દિવસે !