દીપાવલીના અમૃત દિવસે અમર પદ પામનાર અમૃત સ્વરૂપ પ્રભુ મહાવીરના અમર-અમૃત વચનો
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
જેનો કાન સડી ગયો હોય,અંદર રસી-પરુ થઈ ગયું હોય અને એમાં કીડા ખદબદતા હોય એવા કૂતરા આદિને કોઈ પોતાના ઘરમાં ઘુસવા નથી દેતા. ઘરની બહારથી જ બહારના ભાગમાં ભગાડી મૂકે છે,દુર-સુદુર મૂકે છે, નજીક નથી જ ફરકવા દેતા.
એ જ રીતે જે માણસ દુ:શીલ છે. ખરાબ આચાર-વિચારવાળો હોય. કાનમાં શબ્દોના કીડા ખદબદે તેવી વાણી-વિલાસવાળો હોય, દુષ્ટતા ડગલેને પગલે ડંખતી હોય અને સૌનો દુશ્મન બનીને વિહરતો હોય, એવા શિષ્યને-દુર્વિનીતને કોઈ પોતાના ત્યાં રાખતું નથી. એને સૌ તિરસ્કૃત કરી કાઢી મૂકે છે.
'' (૧) બહારના સંજોગોની જે અંદર આવી ગયો છે અર્થાત બાહ્ય તમામ સંજોગોથી જે બહાર આવી ચૂક્યો છે,
ઘર-સંસારની કામના-ઝંખનાથી જે મુક્ત થઈ ગયા છે.ઘરમાં જેને મન નથી અને મનમાં જેને ઘર નથી, એવા શુદ્ધ અણગાર ભાવને જે પામી ચૂક્યા છે.
તથા આદિ અન્યને અણગમો પેદા ન થાય એવી શુદ્ધ નિર્દોષ ભિક્ષા ચર્ચા (આહાર ગ્રહણ કરવાની વિધિ) ને જે વરી ચૂક્યા છે. તેવા વિનયવંત-આચારવંત સાધુઓનો આચાર પ્રગટ પ્રકાશ પાથરે છે.
(૨) જેઓ ઉત્સંર્ગ-અપવાદ થી યુક્ત પ્રભુની આજ્ઞાા-આદેશ મુજબ જીવન જીવવાવાળા છે.
દ્રવ્ય અને ભાવથી ગુરૂની નજીકમાં રહીને આચારપાલન કરનારા હોય છે,પણ ગુરૂની બીકથી કે આદેશના ડરથી ગુરૂથી દુર જઈને વસનારો-બેસનારો ના હોય,
અને ગુરૂને કયા સમયે, કયા સ્થળે શું જોઈએ, કેવું જોઈએ-ઈત્યાદિ વસ્તુસ્થિતિનું ભાન જેને ગુરૂની હલન-ચલન આદિ પ્રવૃતિ થકી થઈ જાય તેવો ચકોર હોય.
આ ત્રણ ગુણોથી યુક્ત શિલ્ય વિનીત કહેવાય છે.
(૩) આજ્ઞાા મુજબનું જીવન જીવવાવાળો ના હોય, ગુરૂની સમીપમાં રહેવાની ઇચ્છા જરાય ન હોય, મનમાં ગુરૂ પ્રત્યે દ્ધેષ-રોષ રાખતો હોય અને ગુરૂને પ્રતિકુળ બનતો હોય અથવા તો ગુરૂના દોષો જોનારા હોય તથા ગુરૂના દોષોને પ્રગટપણે પ્રગટ કરનારો હોય. આ ચાર ગુણવાળો આચાર-વિચાર હીન શિષ્ય અવિનીત કહેવાય છે.
(૫) શુદ્ધ અનાજના દાણા અથવા મીઠાઈ આદિ સરસ રસવતી છોડીને ભુંડ જેવા જીવો વિષ્ટામાં જ મોઢું નાંખે છે અર્થાત ભૂંડને વિષ્ટાન્ન એ જ મિષ્ટાન્ન લાગે છે.
એ જ રીતે અવિનીત-દુર્વિનીત જીવો સદાચાર-શિષ્ટાચાર સાધ્વાચારનો ત્યાગ કરીને અનાચાર-દુરાચાર-અત્યાચારના અડ્ડાઓમાંજ રહેવાનું પસંદ કરે છે.
(૬) કૂતરી,ભૂંડ અને અવિનીતના આ અશુભ ભાવોનો હંમેશા માટે ત્યાગ કરવો. ત્યાગ કરવા જેવા ભાવોનો જો આપણે ત્યાગ નહીં કરીએ તો શુભ ભાવો હંમેશા માટે આપણો ત્યાગ કરીને જતા રહેશે.
શુભ ભાવો આપણામાં સદાકાળ ટક્યા રહે અને અશુભ ભાવો કદી પ્રવેશ ન કરે તે માટે આપણા આત્માને હરહંમેશ વિનયભાવ માં જ રાખવો. અર્થાત આત્મામાં વિનયભાવની સ્થિર પ્રતિષ્ઠા કરવી.
આ વિનયભાવથી આ ભવ અને પરભવમાં હિતની પ્રાપ્તિ થશે અને અહિત થી જુદાઈ થશે.
(૭) હે વત્સ । તું આચાર્યના પુત્ર જેવો બનીને રહે. મોક્ષનો અર્થી બનીને વિનયભાવનો સ્વીકાર કર. સમ્યક્ આચારોને પ્રાપ્ત કર. તે પછી તને કોઈ કયાંયથી કોઈ પણ રીતે બહાર નહીં કાઢે.
વત્સ । તું વિનયભાવને અપનાવીશ તો સૌ તને અપના માનીને અપનાવશે.
(૮) તું હંમેશા શાંતભાવમાં રહેજે. ક્રોધ આદિનો ત્યાગ કરીને પ્રસન્નચિત રહેજે. વાયડો ના થતો અર્થાત અસંબદ્ધ બોલબોલ ના કરતો. બહુ જ બોલબોલ કરનારાના બોલની કોઈ કિંમત નથી હોતી. બોલબોલ કરનારની બોલબાલા નથી થતી. આચાર્ય આદિની સમીપમાં વસવાટ કરજે. હેય (ત્યજ્યા) અને ઉપદિય (ગ્રાહ્ય) તત્વોમાં સત્ત્વસભર બનજે. અનર્થક અને નિરર્થક એવા પદાર્થો અને શાસ્ત્રો (સૌંદર્યાહિન) નો ત્યાગ કરજે.
(૯) ગુરૂઓ-વડિલો શિખામણ આપે ત્યારે ગુસ્સો ના થતો. ક્ષમાભાવને ત્યાર ધારણ કરજે, જ્યારે ગુરૂજનો કઠોર શબ્દો પણ બોલી દે, તુચ્છ-કુશીલ જીવો સાથેનો સંસર્ગ, વાર્તાલાપ, હંસી, મજાક, રમત-ગમત છોડી દેજે.''
આ હિતશિક્ષા આપી છે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આસો વદિ અમાસના પવિત્ર જેઓ નિર્વાણપદને પામ્યા હતા,તેવા પ્રભુવીરના અમરવચનો છે.૨૫૫૦ વર્ષ પૂર્વે મોક્ષના અમર પદને પામનાર વીર પ્રભુના આ અમર-અમૃત વચનો આરોગવા જેવા છે. આરોગ્યને આપનારા આવા ૨૦૦૦ થી વધુ વચનો પ્રભુએ માત્ર નિર્વાણપદને દિવસે આપ્યા હતા.
પ્રભુના આ વચનોને આરોગીએ અને દ્રવ્ય-ભાવ આરોગ્યને પામીએ.
પ્રભાવના
આસો વદ અમાસને નિર્વાણ પદ પામનારા ભગવાન મહાવીરનું તા. ૩૧-૧૦-૨૦૨૪ ના રોજ નિર્વાણ કલ્યાણક દુનિયાભરના હજારો મદિરોમાં ઉજવાશે, ત્યારે જાણીએ આ ભગવાન મહાવીરની એક અલૌકિક ધટના....
પોતાનો અંતિમ સમય જાણીને પ્રભુ મહાવીરે છેલ્લા બે દિવસોમાં ૪૮ કલાક સુધી ધર્મોપદેશ આપ્યો છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. કોઈ ધર્મગુરૂએ પોતાના અંતિમ સમયમાં આટલો ઉપદેશ નથી આપ્યો.