સાધુ જેવું જીવન જીવનારા અથવા સાધુ જેવું પવિત્ર મન ધારણ કરનારા એક પ્રકારના સાધુ જ છે

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
સાધુ જેવું જીવન જીવનારા અથવા સાધુ જેવું પવિત્ર મન ધારણ કરનારા એક પ્રકારના સાધુ જ છે 1 - image


- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

'શું છે આમાં ?'

'લાડુ.'

'ગાડું ભરીને ?'

'હાં, અને આ એક ગાડુ નથી.'

'તો ?'

'૫૦૦ ગાડા છે.'

'આ બધામાં લાડુ છે ?'

'હાં, આ ૫૦૦ એ ૫૦૦ ગાડાંમાં લાડવા ભર્યા છે.'

'વેચવા માટેના છે ?'

'ના, આ બધા લાડુ સાધુઓને દાન કરવા માટેના છે.'

'અચ્છા, તો આ સાધુઓને આપવા માટે લઈ જાઓ છો ?'

'અત્યારે સાધુઓને આપવા નથી લઈ જતાં. લઈને ગયા હતા.'

'તો શું થયું ? સાધુઓએ આ લાડવા ના લીધા ?'

'ના.'

'તો બીજા સાધુને આપી દેવા હતા.'

'કોઈએ ના લીધા. બધાએ ના પાડી દીધી. અરે, એમના ભાઈ મહારાજે પણ ના લીધા.'

'તો નક્કી આ લાડવામાં દમ નહીં હોય. અથવા જૂના દશે.'

'ના, એવું યે નથી. આ એકદમ તાજા લાડુ છે. ૮૪ જાતની ઉત્તમ સુગંધીદાર વસ્તુઓ નાંખીને બનાવેલા ઉત્તમ બનાવટના લાડુ છે. સિંહકેસરીયા લાડુ છે, સિંહકેસરીયા. જો કેવી મસ્ત સુગંધ આવે છે.' કહી એક લાડુ તેના હાથમાં આપ્યો.

'હાં, યાર લાડુ તો જોરદાર છે. મગજ તર-બ-તર થઈ જાય આ લાડુ ખાધા પછી. તૃપ્તિનો ઓડકાર અને હાશકારો અનુભવાય આ ઉત્તમ લાડુ ખાધા પછી. એક લાડુ પર્યાપ્ત છે, પેટની ભૂખ સંતોષવા. અમૃતનો આસ્વાદ છે આમાં.'

'છે ને ઉત્તમ લાડુ.'

'હાં, તો કેમ ના લીધા સાધુઓએ.'

'બેસ, તને માંડીને વાત કરું.'

અને ગાડાવાળાની જોડે એનો દોસ્ત બેસી ગયો.

ગાડાની સાથે ગાડાવાળાની વાત ચાલવા લાગી. 'આપણા ઋષભ મહારાજાએ દીક્ષા લીધી. એ સાથે હજારો મનુષ્યોએ દીક્ષા લીધી. એ પછી આપણા ઋષભદેવને કેવલ જ્ઞાન થયું. તે પછી આપણા અત્યારે છ ખંડના માલિક ભરત ચક્રવર્તીના ભાઈઓએ પણ દીક્ષા લીધી. એટલે ભરત મહારાજાને એમના ભાઈ મહારાજ સાહેત હજારો સાધુઓને ભિક્ષા આપવાનો વિચાર આવ્યો. અને બનાવડાવ્યા સિંહકેસરીયા લાડુ. અત્યારના સૌથી મોંઘા અને સૌથી સ્વાદિષ્ટ છે આ લાડુ.'

'તો કેમ લીધા નહીં ?'

જિનધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના કેવલ જ્ઞાન પછી હજારો સાધુ-સાધ્વીજીઓને વહોરાવવાની ભાવનાથી ભગવાનના પ્રથમ પુત્ર અને છખંડ સ્વરૂપ ભરત ક્ષેત્રના સમ્રાટ ચક્રવર્તી ભરત મહારાજા ૫૦૦ ગાડા ભરીને ઉત્તમ વસ્તુઓથી નિર્મિત લાડવા લઈને જાય છે. પણ સાધુઓ કારણસર નથી વહોરતા. ત્યારે તે લાડવા પાછા લઈ જાય છે. તેવા વચ્ચેના સમયે એક ગાડાવાળાની વટેમાર્ગુ દોસ્ત સાથે મુલાકાત થાય છે અને પરસ્પર વાર્તાલાપ થાય છે. તે અહીં ચાલી રહ્યો છે.

'એ જ તો કહી રહ્યો છું. સાધુઓ પોતાના માટે બનાવેલી ભિક્ષા લેતા નથી. આ લાડવા સાધુઓ માટે બનેલા હતા. એટલે સાધુઓએ ના કહી દીધી અને એટલું જ નહીં. એમણે વધારામાં ભિક્ષાની બીજી પણ ઘણી વાતો જણાવી.'

'શું ?'

'એમણે કહ્યું કે એમના માટે બનાવેલી ન પણ હોય, પણ જો સામેની લઈને આવીને કોઈ આપે, તો પણ સાધુઓ તે ભિક્ષા નથી લેતા. કોઈક વિશિષ્ટ કારણ હોય તો અલગ વાત છે. પણ એવા કોઈ કારણ વગર કોઈ સામેથી લઈને આવે તો સાધુ ભિક્ષા ન લે. આ ભિક્ષા સાધુ માટે બનાવેલી છે. સામેથી લાવેલી છે. વળી, આ સ્વાદપોષક હોવાના કારણે રાજાના ઘરની ભિક્ષા પણ ના લે. આ ભિક્ષા રાજાના ઘરની છે માટે સાધુઓને ના ખપે. આમ એ લાડવામાંનો એક પણ લાડવો કોઈપણ સાધુએ લીધો નહીં.'

'તો હવે આ લાડવા શું કરશો ? ક્યાં લઈ જશો ?'

'ભગવાને જોયું કે ભરત મહારાજાને બહુ દુઃખ થયું. સાધુઓ ભિક્ષા ન લે. તો પછી રાજાને ઉત્તમ પાત્રનો લાભ કઈ રીતે મળે ! એમના દુઃખ અને પ્રશ્નને દૂર કરતાં ભગવાને કહ્યું કે જે ગૃહસ્થો જ્ઞાન સાધનામાં મસ્ત છે, ધ્યાન સાધના કરી રહ્યા છે, ચારિત્રની ઉત્તમ ભાવના સેવી રહ્યા છે, પ્રભુ ભક્તિમાં લયલીન છે, એવા ગૃહસ્થોની આ લાડવાથી ઉત્તમ ભક્તિ કરશો, તો પણ તમે દાનનો ઉત્તમ લાભ પામી શકશો. ભગવાનની આ વાત સાંભળી ભરત મહારાજાએ અમને કહ્યું છે કે આ બધા જ લાખો લાડવા ઉત્તમ ગૃહસ્થોના ઘરે પહોંચાડી દેવા. બસ, હવે અમે એ જ ધન્ય ભક્તિ કરવા જઈ રહ્યા છીએ.'

સાધુ જેવા ઉત્તમ ગૃહસ્થો પણ એક પ્રકારના સાધુ જ છે.

પ્રભાવના

દાનના કેટલાક રહસ્યો

(૧) દાન ઉત્તમ પાત્રમાં કરવું જોઈએ. (૨) દાન ઉત્તમ વસ્તુઓથી કરવું જોઈએ. (૩) દાન ઉત્તમ ભાવનાથી કરવું જોઈએ. (૪) દાન ઉત્તમ શબ્દો સાથે કરવું જોઈએ.

(૫) દાન કરતી વેળા સામા પાત્રને ઉત્તમ જ માનવું જોઈએ.


Google NewsGoogle News