Get The App

"આપના ઉત્તરાધિકારીની સ્થાપના કરીને પછી સંયમનો સ્વીકાર કરજો"

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
"આપના ઉત્તરાધિકારીની સ્થાપના કરીને પછી સંયમનો સ્વીકાર કરજો" 1 - image


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

'પુત્રને અને દીક્ષાને શો સંબંધ?' દીક્ષા લેવા માટે તૈયાર થયેલા કીર્તિધર રાજાને તેમના મંત્રીઓએ "પુત્ર થાય પછી દીક્ષા લેજો" આવું કહ્યું ત્યારે કીર્તિધર રાજાએ આ પ્રશ્ન પૂછયો.

'રાજન ! આજ સુધી આવું જ થતું આવ્યું છે.' મંત્રીશ્વરે કીર્તિધર રાજાને કહ્યું.

'શું થતું આવ્યું છે ?' રાજાએ ખુલાસો માંગતા પૂછયું.

'આપના પિતાશ્રી પુરંદરરાજાએ દીક્ષા લીધી. પણ તે પૂર્વે આપને જન્મ આપ્યો. જીવન આપ્યું અને અંતે આપને રાજ્ય સોંપ્યું. આપના દાદાજી વિજયરાજાએ પણ દીક્ષા લીધી તે પૂર્વે આપના પિતાને જન્મ આપ્યો. મોટા થયા પછી રાજ્ય કારભાર સોંપી દીક્ષા લીધી.' મંત્રીશ્વરની આ વાત સાંભળી રાજા ક્ષણેક વિચારમાં પડયા.

મંત્રીશ્વરે રાજા કંઈ બોલે તે પહેલાં જ પોતાની વાર્તા આગળ વધારતા કહ્યું - 'આપ ભગવાન ઋષભદેવનાં વંશજ છો. એમની પવિત્ર વંશપરંપરામાં આવ્યા છો. ઈતિહાસ તપાસો. પ્રભુના વંશપરંપરામાં અસંખ્ય રાજાઓ થયા. બધાએ પુત્રજન્મ અને પાટસ્થાપન કર્યા પછી દીક્ષા લીધી. અને સદ્ગતિ સાધી. આપ પણ એ જ પવિત્ર પરંપરાના વંશજ છો. આપે પણ આપના પછી આપના ઉત્તરાધિકારીની સ્થાપના કરવી જોઈએ. અને પવિત્ર વંશપરંપરા વહેતી રાખવી જોઈએ.'

'વળી, રાજન ! બીજા મંત્રીશ્વરે વાતનો તંતુ સાંધતા આગળ જણાવ્યું - 'આપના આ પવિત્ર રાજ્ય પર આપની પવિત્ર વંશપરંપરાનો અંશ છોડીને બીજો કોઈ બેસે તે શોભનીય નથી. આ રાજગાદીનો વારસદાર પવિત્ર પરંપરાનો પુત્ર જ હકદાર ગણાય.'

'અને મહારાજ !' ત્રીજા મંત્રીશ્વરે અનુસંધાનને મૂળ વાત પર લાવતાં જણાવ્યું - 'પુત્ર અને દીક્ષાને આપ કોઈ જ સંબંધ નથી. આપના પિતાશ્રીના મોટાભાઈ એટલે આપના કાકા વ્રજબાહુજીએ પુત્રજન્મ વગર જ દીક્ષા લીધી જ હતી. પણ ત્યારે દાદાજીની પવિત્ર વંશપરંપરાને આગળ વધારનાર આપના પિતાશ્રી હતા. એટલે પવિત્ર વંશ પરંપરા જળવાતી રહેવી જોઈએ.'

'પરમાત્માનું શાસન અને આપનું રાજશાસન બંને સુચારુ રૂપે ચાલતા રહે, તે માટે આ ક્રમ જરૂરી છે. પુત્ર થાય. તે રાજા બને. એટલે પિતા દીક્ષા લે. પછી એ પુત્ર પણ મોટો થઈ તેના પુત્રને રાજ્ય આપી દીક્ષા લે. તો ધર્મશાસન અને રાજશાસન બંને ય ચાલતા જ રહે. નહિતર પછી બંને તંત્ર અવ્યવસ્થિત થઈ જશે - અટકી પડશે.' મુખ્ય મંત્રીશ્વરે મૂળ વાત પર આવી જતાં જણાવ્યું.

રાજાએ એમની વાત સ્વીકારી લીધી.

ઋષભદેવ પ્રભુની વંશપરંપરામાં આવેલા કીર્તિધર રાજા જંબૂદ્વીપમાં ભરક્ષેત્રના સકિતપુર નગરના રાજા હતા. એમના પિતાજી પુરંદરરાજાએ કીર્તિધરને રાજ્ય સોંપી શ્રી ક્ષેમંકરમુનિ પાસે દીક્ષા લીધી હતી. તો એમના દાદાજી વિજયરાજાએ પુરંદરને રાજય સોંપી શ્રી નિર્વાણમોહ નામના મુનિ પાસે દીક્ષા લીધી હતી. આ બધા રાજાઓ પૈકી ઘણા રાજાઓને વંશપરંપરાથી સમય જતાં વૈરાગ્ય જાગી જતો. અને પુત્રને ગાદી સોંપી, સંયમનો સ્વીકાર કરી સદ્ગતિ સાધી લેતા. પણ વૈરાગ્યભાવ જાગ્યા પછી વિલંબ નહોતા કરતા. સમયસર સમયને સાધી લેતા. સમયને જે સમયસર સાધે છે, સમય પણ સમયસર તેનો સમય સારો બનાવી લે છે.

સમય આગળ વધતો ગયો. કીર્તિધર રાજાના ભવનમાં પણ સમય કામ કરતું રહ્યું. કીર્તિધર રાજાની રાણી સહદેવીથી પુત્રજન્મ થયો. પણ સહદેવીએ આ વાતને છુપાવી રાખી. તેને ભય હતો કે જો રાજાને પુત્રજન્મની જાણ થશે તો તરત જ સંયમ સ્વીકારી લેશે. પણ મંત્રીશ્વરને આ વાત ગમી નહીં. જે કારણથી રાજનને અહીં રોકી રાખ્યા હતા, એ કારણ હવે નથી. માટે એમના સત્માર્ગેના સત્કાર્યમાં અંતરાય સ્વરૂપ નહીં થવું. એમણે રાજાને સાચી પરિસ્થિતિ જણાવી. સત્કાર્યનો અંતરાય આપણને અસત્ સ્વરૂપ બનાવી દેશે. 

રાજા કીર્તિધરે પણ પુત્રનો જન્મ મહોત્સવ ઊજવ્યો. સુકોશલ નામ આપ્યું. વિધિવત એને રાજ્યગાદીનો વારસાહક આપ્યો. અને નગરમાં પધારેલ આચાર્યશ્રી વિજયમેન સૂરીશ્વરજી મહારાજા પાસે

દીક્ષા લીધી. વંશપરંપરાગત રાજવ્યવસ્થાને યથાવત જાળવીને આત્માનું કલ્યાણ પણ કર્યું.

પ્રભાવના

સાકેતપુર નગરના રાજા વિજયરાજના પુત્ર વજ્રબાહુ નાગપુરના રાજા ઈન્દ્રવાદનની પુત્રી મનોરમા સાથે લગ્ન કર્યા પછી સાળા ઉદયસુંદર સાથે પોતાના નગર પરત ફરી રહ્યા હતા. વચ્ચે માર્ગમાં વસંતગિરિ પર્વત પર એક સંતને જોયા. સૂર્યના તાપમાં તપ સાથે તેજસ્વી એ સંતની અનુમોદના કરી વ્રજબાહુએ એટલે ઉદયસુંદરે પૂછયું - 'કેમ, દીક્ષા લેવાની ઈચ્છા થઈ છે ?'

'હાં, મન તો થાય છે.' તેજોમય-તપોમય એ સંયમીને વંદના કરતા વજ્રબાહુએ જણાવ્યું.

ત્રણે જણા સાધુને વંદના કરી એમના ચરણોમાં બેઠા. ત્રણ જ્ઞાાન (મતિજ્ઞાાન, અવધિજ્ઞાાન)ના સ્વામી સાધુએ તેમના મનની ભાવના જાણીને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો.

પાપકર્મોથી ભારે નહીં બનેલા આ હળુકર્મી જીવો તરત જ સંયમ માર્ગે વળી ગયા. ત્રણેએ ત્યાં જ સંયમનો સ્વીકાર કરી લીધો.

ત્યારબાદ વજ્રબાહુની દીક્ષાના સમાચાર સાંભળીને ઉદયરાજાએ પણ સાકેતપુરમાં દીક્ષા લીધી.


Google NewsGoogle News