ગેસ્ટને જ અહીં નથી રાખવાના તો ગેસ્ટ હાઉસ શા માટે ?
- આંખ છીપ, અંતર મોતી -આચાર્ય રાજહંસ
'આ રોજરોજ શાનો જમણવાર છે ?'
'આ સ્વામીવાત્સલ્ય છે. જેટલા પણ લોકો જિનમંદિરોના દર્શને આવ્યા છે. તે બધાની ભોજનભક્તિ રાખવામાં આવી છે.'
'રોજેરોજ જિનમંદિરોના દર્શન એટલે ?'
'અમદાવાદ.. રાજનગરના જેટલા જિનમંદિરો છે. તે બધાં જ જિનાલયોના દર્શન કરવાના... અમદાવાદમાં લગભગ ૨૦૦ જિનમંદિરો આજથી ૧૧૨ વર્ષ પૂર્વે ) છે. રોજના થોડા-થોડા દેરાસરોના દર્શન કરવાના. લગભગ એક મહિનામાં બધાં જ જિનાલયોના દર્શન-વંદન થઈ જશે.'
'એટલે એક મહિના સુધી આ સ્વામીવાત્સલ્ય- જમણવાર ચાલશે ?'
'હા.'
વિક્રમ સંવત્ ૧૯૬૭માં રાજનગર- અમદાવાદના સમસ્ત જિનમંદિરોના દર્શન કરાવવાનો અને એ હજારો જિનભક્તોના સ્વામીવાત્સલ્ય- જમણવારની વ્યવસ્થા કરી હતી. ગંગામા નામના પરમ શ્રાવિકાએ.
કારતક વદ-૯ થી માગશર વદ-૧૦ (પોષીદશમ- ભગવાન પ્રાર્શ્વનાથ પ્રભુનો જન્મ કલ્યાણક દિવસ) સુધીનો આ યાત્રામાં જિનમંદિરોની જે ચૈત્ય પરિપાટી થઈ. તેનો ઉલ્લેખ તે સમયના મુનિશ્રી રત્નવિજયજી મહારાજાએ પોતાના એક સ્તવનમાં સરસ રીતે આલેખન દ્વારા કર્યો છે.
'ગંગાગમાં એટલે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના એક સમયના ભાઈબંધ અને ભારતભરના જૈન સંઘોની એક પેઢી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી કસ્તૂરભાઈના દાદીમાં. અમદાવાદની પ્રખ્યાત એલ.ડી.ઇન્ડોલોજી જેના નામે છે, તે શ્રી લાલભાઈ દલપતભાઈના માતુશ્રી એટલે ગંગામા.
જિનશાસનના એક પરમશ્રાવિકા. જેના રોમેરોમ જિનશાસન વસ્યુ છે. પ્રભુના શાસન કાજે મરી ફીટવાની તૈયારી. શાસન પ્રત્યેની ખુમારીનું બીજું નામ એટલે ગંગામા.
શાસનની આરાધના-સાધનામાં ઓત-પ્રોત હતા, તો એક અદ્ભુત શાસનદાઝ હૈયામાં લઈને જીવતા હતા.
એક વખત તેમણે શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પ્રવચનમાં સાંભળ્યું કે વીસ તીર્થકરોની નિર્વાણભૂમિ શ્રી સમેતાશિખરજી મહાતીર્થ ઉપર ગેસ્ટહાઉસ બનવાનું છે.
અંગ્રેજો આ પરમ પવિત્ર પહાડ ઉપર એક અપવિત્ર ગેસ્ટહાઉસ બાંધી રહ્યા છે. જે પરમપવિત્ર સ્થળે કરોડો-અબજો મહાપુરુષોના શુભ પરમાણુઓ પથરાયેલા છે, એવા આ પર્વતીય ભૂભાગ પર અંગ્રેજો એક ગેસ્ટહાઉસનું નિર્માણ કરવાના છે.
અંગ્રેજોના આ ગેસ્ટ અહીં આવીને બધી જ જાતના પાપાચારો આચરશે. અંગ્રેજોના આ પાપાચારોને અટકાવવા માટે જોરદાર વિરોધ નોંધવવો રહ્યો.
જે તીર્થની યાત્રા કર્યા બાદ જીવ રાત્રિભોજનનું પાપ નથી કરતો, તે તીર્થના પરમ પવિત્ર સ્થળે રાત્રિભોજનના મહાપાપ થશે.
જે તીર્થની યાત્રા કરનારા યાત્રિકો ક્યારેય દારૂ-માંસનું સેવન નથી કરતા, તે જ મહાન તીર્થ ઉપર દારૂ-માંસ અને અભક્ષ્ય ખાન-પાન છડેચોક થશે.
મહેફિલોના નામે ભયંકર વ્યભિચાર-અનાચાર-દુરાચાર આ મહાન હિલ ઉપર થશે. મહાપુરૂષોના દિલને ભયંકર ઠેસ પહોંચે એવી આ પ્રવૃત્તિ ચાલશે આ બુઝદિલોની.
મોજશોખ અને આનંદપ્રમોદના નામે અનેક પ્રકારે ભ્રષ્ટ કરનારા અસદ્ આચારો અહીં ફાલશે ને ફૂલશે.
ગંગામાએ ઘરે આવીને પોતાના દીકરાને આ વાત જણાવવા માટે જમતી વખતે તેની થાળીમાં બંગડીઓ મૂકી.
દીકરા લાલભાઈએ હેબતાઈને પૂછયું- 'મા, આ શું ??
ગંગામાએ 'ઉપરની વાત જણાવીને કહ્યું- 'આ ગેસ્ટહાઉસ નિર્માણ ન થાય તેવું જો ના કરી શકે, તો તું બંગડીઓ પહેરી લે. અને મને આ સુકાન આપી દે.'
'પણ મા આ અંગ્રેજોનું રાજ્ય છે.'
શાસનની ખુમારી પૂર્વક જીવનારા ગંગામાએ કહ્યું- 'બેટા, શાંતિદાસ શેઠ જેવા તારા પૂર્વજો છે. તારા પૂર્વજો એવા હતા કે તેઓ વિચાર કરતોને મોગલ બાદશાહો એ કામ કરી આપતા. મોગલો પાસે પોતાનું ધાર્યુ કામ કરાવનારા જિનભક્તોનો તું વંશજ છે. તું આ કામ કેમ ના કરી શકે. અને જો આ કામ ન કરી શકે તેમ હોય તો તું આ બંગડીઓ પહેરી લે. અને તારું સુકાન મને આપી દે.'
બંગડીની આ વાત સાંભળી લાલભાઈ અંગ્રેજોના આ થનારા કાર્ય પ્રત્યે લાલ-પીળા થઈ ગયા.
લાલભાઈએ થાળીને બાજુએ મૂકી. ગંગા નદી જેવા પવિત્ર ગંગામા ના આશીર્વાદ લીધા. શબ્દોથી ગંગામા ની આરતી ઉતારી. અને ગંગાનદીને પાર કરી કોલકાતા પહોંચ્યા.
પોતાના ગંગામાંને હૈયામાં રાખીને ગંગાનદીના કિનારે અંગ્રેજોને કડક શબ્દોમાં સમજાવીને ગેસ્ટહાઉસની વિચારણા રદ કરાવી.
પોતાના દેશમાં ગેસ્ટ બનેલા અંગ્રેજો ગેસ્ટહાઉસ બનાવે એ કેમ ચાલે ? ગેસ્ટને નથી રાખવાના તો ગેસ્ટ હાઉસ શા માટે ?
પ્રભાવના
નૂતન વરસના સંકલ્પો
૧) રોજ એક સારું કામ કરવું.
૨) રોજ એકવાર પ્રભુનો આભાર વ્યક્ત કરવો.
૩) રોજ જ્યાં બેઠો છું, ત્યાંથી જીવનમાં થોડુક આગળ વધવું.
૪) માતા-પિતા-ગુરુ અને ભગવાનનો રોજ દર્શન-વંદન કરવા.
૫) સતત પ્રસન્નચિત્ત રહેવું.