નરકની ખાણમાં દટાયેલા નર-સમૂહને ઉગારનાર નરપુંગવ - ભેરૂશા
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
સટ્ટાક ! કરતું એક ચાબૂક પડયું અને 'નથી ચલાતું'નો અવાજ બંધ થઈ ગયો. બધાં સીધા ચાલવા લાગ્યા.
કોઈ ચાલતો ધીમો પડે એટલે એક ચાબૂક પડે.
કોઈ કાંટો કાઢવા ઊભો રહે તો ય ચાબૂકનો પ્રહાર.
પથ્થર સાથે ઠેસ વાગે ને પડી જાય અને ઊભા થવામાં જરીક વાર વધારે લાગે તો ય ચાબૂકના ચાબખા.
અરે, પેશાબ કરવા માટેય કોઈ ઊભો ના રહી શકે, જાનવરની જેમ ચાલતાં-ચાલતાં જ બધું કરી લેવાનું.
જ્યાં ઊભો રહી જાય માણસ, ત્યાં જ પ્રહાર ચાલુ કરી દે આ હંટર
રાક્ષસ !
મારી મારીને આ બધાને અધમૂઆ કરી નાંખ્યા હતા. ખાલી કહેવા પૂરતા જ આ બધા જીવતા હતા.
પેટ અંદર પેસી ગયા હતા તો આંખો ઊંડી ઉતરી ગઈ હતી.
હાડકા બહાર દેખાતા હતા તો માંસના લોચા પણ ક્યાંક ક્યાંક બહાર તરી આવ્યા હતા. લોહીના ડાઘા ય દેખાતા હતા તો માર ખાધાના સોળ પણ ઉપસી આવ્યા હતા.
ન ખાવા પૂરું મળે, ન પીવા પાણી પૂરું મળે.
ન ઊંઘ પૂરી થાય, ન આરામ પૂરો થાય.
થાક જરાય ના ઊતરે અને શરીર પૂરેપૂરું ઉતરતું જાય.
દરરોજનું ૧૫ થી ૨૫ માઈલ એટલે કે ૨૫ થી ૪૦ કિલોમીટર ચાલવાનું. ૨૫ થી ઓછું તો ક્યારેય નહીં.
જાણે જીવતેજીવ નરકમાં પહોંચી ગયા હોય એવો આભાસ થતો હતો.
જોનારને જોતાવેંત દયા ઉપજી આવે એવા હાડપિંજર જેવા શરીરો થઈ ગયા હતા, આ ચાલનારા માણસોના.
અને જોનારને ધૃણા ઉપજી આવે એવા હટ્ટાકટ્ટા હતા આ બધા હાડપિંજરોને લઈ જનારા ઘોડેસવારો.
ગુજરાતના સૌરાષ્ટ્રથી ઉપાડેલો આ માનવઢોરોનો સમૂહ રાજસ્થાનના અલવર નજીક પહોંચ્યો ત્યારે કેટલાક તો જીવ ગુમાવી બેઠા હતા.
હોશ તો લગભગ બધા જ ગુમાવી બેઠા જેવા જ હતા. કોઈ કશું બોલતું ન હતું, કોઈ કશું જોતું ન હતું. કોઈ કશી જ ઈચ્છા પણ ધરાવતું ન હતું. કંઈ પણ કરે એટલે ચાબુકનો માર મળી જાય.
જાનવરો કરતાં ય બદતર દશા હતી આ માનવસમૂહની. અહીં નવ લાખ માનવોનો ઢગલો હતો. ટ્રકોમાં દાબી દાબીને ભરેલા જાનવરો જેવી હાલત હતી આ માનવ ઢગલાની.
બધાના હાથ દોરીઓથી એકબીજાની સાથે સાંકળની જેમ બંધાયેલા હતા. જેથી ક્યાંય ભાગી ન જાય. ગાડીમાં તોલાઈને લઈ જવાતા મરઘાં જેવી હાલત હતી.
મુસલમાન બાદશાહે જ્યારે સૌરાષ્ટ્ર (સોરઠ) પર આક્રમણ કર્યું ત્યારે આ નવ લાખ માણસોને તેણે બંદી બનાવ્યા હતા અને ખુરાસાનના ગુલામોના બજારમાં વેચવા માટે આ બધાને લઈ જવાતા હતા. જાણે કતલખાને લઈ જવાતા ઢોરો.
અલવરના જૈન સંઘને આ જાણ થઈ કે નવ લાખ માણસો (હો, નવ લાખ... પૂરા નવ લાખ... એક-બે કે સો હજાર નહિ, પુરા નવ લાખ વેચાવા જઈ રહ્યા છે. એમણે ત્યારે તેમને છોડાવવા માટે પ્રયાસ આદર્યો પણ સફળતા ના મળી.
એમને એ જાણ થઈ કે હુમાયુ બાદશાહના હુકમ સિવાય આ કાર્ય થઈ શકે તેમ નથી.
ત્યારે અલવરના અગ્રણી શ્રાવક ભેરૂશા. જગદ્ગુરૂશ્રી હીરવિજયસૂરિજી મહારાજની અમૃત વાણી એમણે આરોગેલી. તેઓ તરત જ દિલ્હી પહોંચ્યા. નવ લાખ માણસોના જાન બચાવવા માટે તેમણે જાનની બાજી લગાવી દીધી.
બાદશાહ દાતણ માટેની તૈયારી કરતા હતા, ત્યાં જ ભેરૂશા ત્યાં પહોંચી ગયા. દાતણ કરતી વેળા હુમાયુ પોતાની રાજમુદ્રાવાળી વીંટી પોતાના ખાસ સેવકને આપતા. ભેરૂશા પણ હુમાયુના ખાસ હતા. તેમણે આ વીંટી પકડી લીધી.
હુમાયુ દાતણ કરે ત્યાં સુધીમાં તો તેમણે લશ્કરી ઝડપે એ વીંટીની રાજમુદ્રાની છાપ કોરા કાગળ પર ઉતારી લીધી. જાનનું જોખમ માથે લઈને ય તેણે આ કાર્ય આરંભ્યું. છોડી દેવાનો કાગળ તૈયાર કરી લીધો.
ભેરૂશા નવ લાખ માણસોનો ભેરૂ બનીને ફરી દોડયો અલવર. બધાને છોડી દેવાનો હુકમ બતાવ્યો. હુમાયુની રાજમુદ્રાવાળો કાગળ જોઈ સૈનિકોએ તેમને છોડી દીધા.
ભેરૂશાએ બધા જ જીવોને ૧૦૦-૧૦૦ ગ્રામની ૧-૧ સોનામહોર આપીને કહ્યું - હવે તમે મુક્ત છો. રસ્તામાં વાટખર્ચી માટેની વ્યવસ્થા સ્વરૂપે આ સોનામહોરનો સ્વીકાર કરો.
વળી, જેઓ ચાલવા માટે અશક્ત થઈ ગયા હતા. એવા ૫૦૦ માણસોને ભેરૂશાએ ઘોડા પણ આપ્યા.
દેવ-ગુરૂનો ઉપાસક કેવો હોય, તેનો દાખલો આપ્યો ભેરૂશાએ.
પ્રભાવના
ભેરૂશા દિલ્લી જાય છે, હુમાયુ બાદશાહ પાસે અને કહે છે મેં તમારા નામે નવ લાખ માણસોને છોડાવી દીધા.
હુમાયુએ તેનું કારણ પૂછયું ત્યારે ભેરૂશા કહે છે - બાદશાહ સલામત ! સલામત રહે તે માટે. આપને ક્યાંય કોઈ તકલીફ ન આવે એ માટે નવ લાખ જીવો તમારા માટે દુઆ કરશે. તમારા દીર્ઘ આયુષ્યની અને ક્ષેમ-કુશળની દિલથી દુઆ કરશે. અને આ દુઆના પ્રભાવે મારા બાદશાહ સલામત રહે.
ભેરૂશાની આ શબ્દ સલામથી હુમાયુ ખુશ થઈ ગયા.