"તું અહીં આવ, નહીંતર હું મરીને ત્યાં આવું" કાંકરાવાળો બાળક

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
"તું અહીં આવ, નહીંતર હું મરીને ત્યાં આવું" કાંકરાવાળો બાળક 1 - image


- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

- સૂર્યદેવે કહ્યું - 'હું તારો પિતા. બોલ તને શું તકલીફ છે !' અને એણે મશ્કરીની વાત કરી 

એ બાળકે એક કાંકરો નાંખ્યો. એ કાંકરો સામેની વ્યક્તિને વાગ્યો. સામેની વ્યક્તિ મરી ગઈ અને એ કાંકરો પાછો તે બાળકના હાથમાં આવી ગયો.

ફરી ક્યાંક કોઈકની સાથે કાંઈક થાય એટલે આ બાળક કાંકરો નાંખે. કાંકરો સામેવાળાને મારીને ફરી બાળકના હાથમાં આવી જાય. બાળકને અને કાંકરાને કાંઈ ના થાય.

કાંકરાને કોઈ જ નુકશાની નહીં. કાંકરો ક્યારેય ભાંગે નહિ ને ભાગે પણ નહીં. કાંકરાના પ્રભાવે બાળક પણ ક્યારેય કોઈનાથી બીવે ય નહિ ને ભાગે ય નહીં.

કાંકરો અને બાળક- બંનેય અજેય અને સાથે એ પણ સમજો કે બંનેય અમર. કોઈ એનું કાંઈ ના કરી શકે. બધાં સમજતા હતા કે બાળક સામે કાંકરીચાળો કરવો એટલે બાળકના હાથના કાંકરાથી મોતને ભેટવું.

બાળકનું નસીબ જોર કરતું હતું. એટલે એને આવું અદ્ભુત શસ્ત્ર મળી ગયું. આજ સુધીના નાના-મોટા યુદ્ધોમાં કાંકરાનો ઉપયોગ થતો જાણ્યો છે, પણ આવો કાંકરો ક્યાંય જાણ્યો નથી. આવો કાંકરો ક્યાંય જાણ્યો પણ નથી.

કાંકરો ટુંકો એટલે સામેવાળાને કાંકરો વાગે, ઘા પડે, ગુમડું થાય, લોહી નીકળે અથવા તો પિસ્તોલના નાળચામાંથી કે ગિલોલથી છૂટયો હોય તો માથા કે પેટ વગેરેમાં પેસી જાય. પણ જાનથી મારી દે, એવો આ કાંકરો તો નોખો જ હતો.

વળી, બીજા કાંકરાઓ અહીંથી નાંખો એટલે સામે પહોંચે. નુકશાન કરે, પણ પાછો ફર્યો જાણ્યો નથી. આ કાંકરો તો સામેવાળાને મારીને પાછો ફરે. એટલું જ નહીં, આ બાળકના હાથમાં જ આવે.

તીવ્ર વેગે જાય. વિષવેગે ખતમ કરે અને મંદવેગે પાછો ફરે.

આવો અદ્ભુત કાંકરો આ બાળક પાસે હોઈ આ બાળકનું નામ પણ લોકો "કાંકરાવાળો છોકરો" કહેવા લાગ્યા.

આવો અદ્ભુત કાંકરો આ છોકરો કેવી રીતે અને ક્યાંથી પ્રાપ્ત કરી શક્યો ? તો એના જવાબમાં ઈતિહાસ જણાવે છે કે સૂર્ય પાસેથી, જેને દુનિયા સૂર્ય ભગવાન કહીને માત્ર નમસ્કાર કરે છે, જૈનો તો એ સૂર્યદેવની વિદાયવેળાએ અન્ન-જળનો ત્યાગ કરે છે અને સૂર્યદેવના આગમન પછી જ અન્નજળ ગ્રહણ કરે છે, એ સૂર્યદેવે આ બાળકને અદ્ભુત કાંકરો અર્પણ કર્યો.

ઘટનાના ફ્લેશબેકમાં જઈએ.

આજના ખેડા (તે સમયનું ખેટકપુર)માં દેવાદિત્ય નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણને એક દીકરી. જે નાની ઉંમરમાં જ વિધવા થઈ ગયેલી. ઘરે બેસીને કરવું શું ? એટલે એને એના ગુરુએ આપેલી સૂર્યની ઉપાસના શરૂ કરી. સૂર્યના મંત્રનો જાપ એવો બળવાન હતો કે એ સૂર્યદેવને અહીં હાજર થવું પડયું. સૂર્યદેવ હાજર તો થયા, પણ બ્રાહ્મણની દીકરીના અદ્ભુત અને ઉદ્ભુત રૂપમાં તે મોહી પડયા. બ્રાહ્મણપુત્રીને માંગવાનો કોઈ મોકો જ તેમણે ના આપ્યો. બ્રાહ્મણપુત્રી કંઈક માંગે તે પહેલાં સૂર્યદેવે જ માંગણી મૂકી દીધી. બ્રાહ્મણપુત્રી કંઈ પ્રાર્થના કરે તે પૂર્વે સૂર્યદેવે જ એની સાથેના ભોગની પ્રાર્થના કરી લીધી. સૂર્યની પ્રાર્થના તેણીએ સ્વીકારી લીધી. બંનેએ મન ભરીને તન પરના ભોગ ભોગવ્યા. વૈધવ્ય યૌગ સૂર્યના સંયોગે ભોગમાં ફર્યો.

પરિણામ સ્પષ્ટ હતું. સમય જતાં શરીર બોલવા લાગ્યું. ગર્ભ વધતાં બધો ભેદ ખૂલ્લો થયો. લજ્જા સાથે તેણીએ બધી વાત પિતાજીને કરી. એટલે બ્રાહ્મણે તેણીને વલભીપુર મોકલી દીધી. એક નાનકડા ઘરમાં તેણીએ પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. મોટા થતાં પાઠશાળામાં ભણવા મુક્યા. ત્યાં એક વખત છોકરાઓ તેને "નબાપો" કહીને મશ્કરી કરવા લાગ્યા. છોકરાએ ઘરે આવીને માને આ વિષયનો પ્રશ્ન કર્યો - 'મારા પિતા કોણ ?' ત્યારે મા એ પહેલા વાતને ટાળી. પછી કંટાળીને કહ્યું 'મને ખબર નથી. જા, સૂરજને પૂછ. તે બધું જ જુએ છે.'

દીકરો ઉદાસ ને નારાજ થયો. જંગલમાં ગયો. એક ઊંચી ટેકરી પર ચડી સૂરજને કહ્યું - 'તું અહીં આવ નહીંતર હું મરીને ત્યાં આવું.' કાંકરાવાળા બાળકે કાંકરો નાંખ્યો વચનનો.

સૂર્યદેવ તરત જ ત્યાં સાક્ષાત્ હાજર થયા. દુનિયા ભલે તેને 'સુરજદાદા' કહે, પણ આ બાળકના તો તે પિતા થાય ને ! સૂર્યદેવે કહ્યું - 'હું તારો પિતા. બોલ તને શું તકલીફ છે !' અને એણે મશ્કરીની વાત કરી. 

એટલે સૂર્યદેવે તેના હાથમાં આ કાંકરો આપતાં કહ્યું - 'આ કાંકરો તું જેને મારીશ, એને મારીને તે કાંકરો ફરીથી તારા હાથમાં આવી જશે.'

બસ, ત્યારથી તે 'કાંકરાવાળો છોકરો' આ કામ કરવા લાગ્યો.

એક દિવસ તેણે આ કાંકરાનો ઉપયોગ વલભીપુરના રાજાને મારવા માટે કર્યો અને આ છોકરો પોતે જ ત્યાંનો રાજા બની ગયો.

કાંકરો એટલે શિલા. આદિત્ય એટલે સૂર્ય. આ બંનેની મહેરબાનીથી તે રાજા બન્યો, તેથી તેણે પોતાનું નામ રાખ્યું - 'શિલાદિત્ય રાજા'.

પોતાના ભાણેજ મુનિ મલ્લમુનિના પ્રતિબોધથી તેઓ જિનશાસનમાં સ્થિર થયા. બ્રાહ્મણ ધર્મ અને બૌદ્ધ ધર્મના અભ્યાસ પછી 'દ્વાદશાર નવચક્ર' ગ્રંથના અધ્યેતા એવા મલ્લમુનિ પાસે જૈનધર્મનો ઊંડો અભ્યાસ કર્યો અને પરિણામે એમણે અહીં જૈન ધર્મના ઊંડા બીજ વાવ્યા.

પ્રભાવના

વલભીપુર નગર જૈનધર્મનું એક એવું ઉત્તમ નગર હતું કે આગમોના સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ અર્થે અહીં એક સમયે એક સાથે ૫૦૦ (રીપીટ-પાંચસો. એક-બે કે ૫-૫૦ નહીં. પૂરા પાંચસો) આચાર્યોનું મહામિલન-સંમેલન થયું હતું. જિનધર્મના મહાનતમ તીર્થ સ્વરૂપ શત્રુંજ્ય મહાતીર્થની તળેટીનું સ્થાન આ વલભીપુરને મળ્યું હતું.

પ્રાય: દુનિયાના મહાનગરો આ મહાન જિનધર્મની સ્પર્શ પામ્યા હતા. બધાં જ તીર્થોના મૂળમાં આ શાસનનું અસ્તિત્વ દેખા દેતું હતું.


Google NewsGoogle News