ભડકીલા આચાર-વિચારોને છોડો અને ચમકીલા આચાર-વિચારોને જોડો
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
ખ...ચ્ચા...ક...
એના એક હાથમાં મોટું માછલું હતું. અને બીજા હાથમાં એક મોટો છરો હતો. માછલાનું શરીર એક હાથમાં ચમકી રહ્યું હતું અને બીજા હાથમાં ધારદાર છરો ચમકી રહ્યો હતો. સૂર્યના કિરણો પણ ચમકતા હતા, જે આ બન્ને પર પડી રહ્યા હતા. એટલે જ બધું ચમકી રહ્યું હતું.
ચમકીલા સૂર્યના ચમકીલા કિરણો ત્યાંની એટલે કે નદી કિનારાની કોમળ રેત પર પડી રહ્યા હતા. જેના લીધે એ રેતી પણ ચમકી રહી હતી. તો વહેતી નદીનું પાણી પણ એ સૂર્યકિરણોના લીધે ચમકી રહ્યું હતું.
નદીના કિનારે રેતીમાં બેઠેલા એ માણસનો ગૌર દેહ પણ ચમકી રહ્યો હતો. ચમકતા પાણી અને ચમકતી રેતીના રિફલેકશનના લીધે એના ઉઘાડા દેહનો ઊઘડતો વાન વધુ ચમકી રહ્યો હતો.
આ બધા ને ટક્કર મારે એવી એક ચીજ આ બધા કરતાંય વધુ ચમકી રહી હતી. ચમકતો સૂર્ય અને તેના કિરણો નદીની ચમકતા પાણીની બુંદો અને નદીના કિનારાની ચમકતી રેતી, ઊઘાડા દેહનો ઉઘડતો ચમકતોવાન, ચમકતું માછલું અને ચમકતો છરો- આ બધાં કરતાંય વધુ ચમકદાર હતાં તેના વિચારો..
કોઈપણ જીવને દુ:ખ નહીં આપવું. જેમ મને દુ:ખ નથી ગમતું એમ આ જગતના કોઈપણ પ્રાણીને દુ:ખ નથી જ ગમતું. જે મને નથી ગમતું, એ બીજાને ય નથી ગમતું. મને કોઈ દુ:ખ આપે તો એ મને પસંદ નથી. એમ બીજાને પણ કોઈ દુ:ખ આપે એ પસંદ નથી. એટલે મારે પણ કોઈ જીવને દુ:ખ ન આપવું જોઈએ.
મારે કોઈપણ માછલાને મારવા ન જોઈએ. કોઈને ય મરવું ગમતું નથી. મરવું મને ય નથી ગમતું તેમ અન્યને પણ નથી ગમતું. જે મને નથી ગમતું. એ બીજાને ય ન આપવું જોઈએ. મારાથી પણ બીજાને મોત ન જ અપાય. મારાથી આ માછલાને મારી ના શકાય.
આ દુનિયા ચક્રની જેમ ફરતી જ રહે છે. ભરતી-ઓટની જેમ સુખ-દુ:ખના ચક્ર પણ ચાલતા જ રહે છે. આજે હું જેને મારું છું, કાલે તે મને પણ મારી શકે છે. આજે હું જેને દુ:ખ દર્દ પહોંચાડું છું, કાલે એ મને પણ દુ:ખ દર્દ આપવા માટે મજબૂર બની શકે છે.
એટલે જ એક હિન્દી ગઝલકાર પોતાની ગઝલમાં આ ભાવનાને બહુ સુંદર રીતે રજૂ કરી છે.
'વક્ત કા પાસા કભી ભી પલટ સકતા હૈ,
ઇસલિએ વહી સિતમ કર જો તૂ ભી સહ સકે ।।'
એટલે જ આ માણસને માછલા મારવાનું નહોતું ગમતું. માછલા જ નહીં કોઈ પણ જીવને મારવાનું તેને પસંદ ન હતું.
આવા ચમકીલા સુંદર વિચારો જેની પાસે હોય, એની પાસે હિંસા, જૂઠ આદિના ગંદા આચારો ના જ હોય ને !
છતાં આ માણસ આજે બધાં જ પ્રકારના ચમકીલા વાતાવરણની વચ્ચે ય ભડકીલા આચારને આચરી રહ્યો હતો.
એક હાથમાં રહેલા માછલા ઉપર બીજા હાથમાં રહેલો છરો ઉપાડયો, ઉગામ્યો. ખ..ચ્ચા..ક.. કરતો ઘોંચી દીધો. લોહીનો ફુવારો ઉડયો. માછલું, હાથ, દેહ, રેતી, પાણી બધું લાલ થઈ ગયું હતું.
પણ આ શું ? માછલાને કાંઈ નહોતું થયું. છરો માણસના પોતાના હાથમાં ઘૂસ્યો હતો. એનો હાથ વીંધાયો. માછલું જેમનું તેમ હતું. લોહીથી બધું લાલ થયું હતું, પણ તે માછલાના નહીં, પોતાના લોહીથી.
આગળ બતાવેલ સુંદર વિચારોવાળો માણસ માછલું કઈ રીતે મારી શકે ? ચમકીલા વિચારોમાં ભડકીલા આચારો ના જ આવે ને !
એને આ બધું નહોતું ગમતું. કોઈ દિવસ કર્યું પણ ન હતું. પણ એના સ્વજનોએ કહ્યું હતું કે આ આપણો આચાર છે. આપણો આ ધંધો છે. આપણે ધીવર-માછીમાર કહેવાઈએ. આપણો આ પરાપૂર્વથી ચાલ્યો આવતો ધંધો છે. માટે આમાં પાપ ના લાગે. આપણી આ રોટી છે એ તો કમાવવી જ પડે.
આવા ભડકીલા વિચારોએ એના ચમકીલા વિચારોને પળવાર માટે દબાવી દીધા અને એ અહીં આવ્યો. આવી ન ગમતી અજુગતી પ્રવૃત્તિ કરવા કમને તૈયાર થયો. પણ એણે માછલું ન જ માર્યું. હાથ પર હાથે કરીને વાર કર્યો. અને કહ્યું- ' મને આ નહીં આવડે. મને આ નહીં ફાવે.'
તે સમયે ત્યાંથી વિચાર કરી રહેલાં બે મુનિવરો પાસેથી અહિંસા-સત્ય આદિ વ્રતોની વાતો સાંભળી. પાકો નિયમ લીધો. આજથી કોઈ પણ જીવની હિંસા નહીં કરવી. કોઈ પણ જીવને જરા પણ દુ:ખ નહીં આપવું.
એના ચમકીલા વિચારોને આ ચમકીલા નિયમે એવી ચમક આપી, એવી ચમક આપી કે આ વિચારોમાં જ આગળ વધતા અતિ ચમકીલું કેવલજ્ઞાાન-અનંતજ્ઞાાન પામી લીધું. એજ દિવસે અને એ જ સમયે.
અનંત આકાશમાં ચમકતા સૂર્યની જેમ આત્માવકાશમાં અનંત જ્ઞાાનનો સૂર્ય ચમકવા લાગ્યો. આ સૂર્યના કિરણોમાંથી ચમકતા શબ્દો પ્રગટયા - 'તમારા નિયમમાં દ્રઢપણે વળગી રહ્યો. પાપ સળગી જશે. આત્માનું શુદ્ધત્વ ઝળકી ઉઠશે.'
માછીમાર પણ મોક્ષ પામી ગયા.
પ્રભાવના
'મોક્ષ જેવા શાશ્વત પદને પામવા માટે શાશ્વતી ઓળીની આરાધના અવશ્યમેવ કરવી જોઈએ. આયાંબેલની શક્તિ હોય તો આયંબિલ કરવું જોઈએ અને એટલી શક્તિ ન હોય તો રાત્રિભોજન (જે નરકનો નેશનલ હાઈવે છે તે ) નો ત્યાગ, અભક્ષ્ય ત્યાગ, કંદમૂળ ત્યાગ, હોટેલ ત્યાગ, આદિ નિયમો દ્રઢપણે લેવા જોઈએ.
આયંબિલની ઓળીના નવ દિવસો દરમ્યાન લીલોતરી (લીલાં શાકભાજી ફ્રુટ આદિ) પણ ન વાપરવી જોઈએ.
શ્રીપાળરાજા અને મયણાસુંદરીએ જે રીતે આયંબિલની ઓળીની શુદ્ધ આરાધના કરી હતી, તે રીતે સૌ જીવોએ કરવી જોઈએ.'
ભગવાન મહાવીરની આજ્ઞાા લઈને રાજગૃહી નગરીમાં જઈને શ્રેણિક મહારાજાને પ્રમુખ લક્ષ્યમાં લઈ અનંતલબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામી મહારાજાએ સૌ જીવોને ઓળી (જે અત્યારે ઓક્ટોબર નવ તારીખથી સતર તારીખ સુધી ચાલશે.( ૯-૧૦-૨૪ થી ૧૭-૧૦-૨૪) ની દેશના આપતાં ફરમાવ્યું હતું.