"જે ઘરમાં સાધુ-સંતોનો પ્રવેશ નહીં, ત્યાં મારો નિવાસ નહીં" અંબિકાદેવી

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
"જે ઘરમાં સાધુ-સંતોનો પ્રવેશ નહીં, ત્યાં મારો નિવાસ નહીં" અંબિકાદેવી 1 - image


- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

- શ્રીમાતાએ પણ અંબિકાની ઈચ્છા પ્રમાણેનું જિનાલય ચંદ્રાવતીના રાજા વિમલરાજા પાસે આબૂ પર્વત પર બનાવડાવ્યું. અને તે નેમિનાથ દાદાની સેવા કરવા માટે ત્યાં નજીકમાં પોતાનું નિવાસસ્થાન બનાવડાવ્યું

'જેની કૃપાથી હું અહીં આ પદ સુધી પહોંચી છું. તેના વિના હું ક્યાંય નહીં રહું. જેમના આશીર્વાદે હું આ ઊંચાઈને પામી છું. તે મારી આંખોના તારા સમા છે. મેં એમને મારું દિલ સમર્પી દીધું છે. મારા દિલ પર એ જ રાજ કરે છે અને કરશે. હું એમને છોડીને નહીં રહી શકું.'

'હાં, બરાબર છે. તો બસ, તું અહીં જ રહેવા માંડ. તારે હવે અહીં જ રહેવાનું.'

'હું તો એમના ઘરમાં જ રહીશ. જ્યાં એમનું સ્થાન, ત્યાં મારું સ્થાન. એ નહીં તો હું નહીં. જ્યાં એ ત્યાં હું. એ મારા પ્રાણ આધાર. એ મારા તરણતારણહાર. એ મારા હૈયાના હાર. એ મારા અંતરના તાર. એ મારા !!'

એકપાક્ષિક પ્રેમ હતો એણીનો. કારણ કે સામેનું પાત્ર હતું નિરંજન નિરાકાર. જૈન ધર્મના બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન.

વાર્તાલાપ ચાલી રહ્યો હતો, બે સખી વચ્ચે. એકનું નામ શ્રી અંબિકાદેવી અને બીજીનું નામ શ્રીમાતા. હતી બંને દેવીઓ. અહીંયા દેવીપણામાં સખીઓ બનેલી.

અંબિકા પૂર્વભવમાં કોડીનાર ગામના દેવશર્મા બ્રાહ્મણની દીકરી હતી અને ત્યાંના સોમભટ્ટ બ્રાહ્મણ સાથે તેના લગ્ન થયા હતા.

ગૃહસ્થજીવન વીતવતા અંબિકાને બે પુત્રો થયા. પોતે સહજ રૂપે દાનધર્મ તરફ રૂચિ ધરાવતી હતી. દાન એ તો માનવનો પરમધર્મ છે. આર્ય માનવનો સહજ ધર્મ છે. પોતાની શક્તિ પ્રમાણે એ દાનધર્મનું પાલન કરતો જાય.

એણીએ એકવાર ગુરૂમુખે સાંભળ્યું હતું કે જે દાન કરે છે, એ કદી દીન બનતો નથી. પોતાની શક્તિ હોવા છતાં જે દાન કરતો નથી, તે નાદાન છે. દાન કરનારો સર્વત્ર સુખ સાથે માન-સન્માન પામે છે. દાન-શીલ-તપ-ભાવ એમ ચાર પ્રકારના ધર્મમાં દાન એ પ્રથમ ધર્મ છે અને પરમગતિ પામવા માટેનો પ્રાથમિક ધર્મ પણ દાન જ છે.

નવ પ્રકારના દાનમાં શ્રેષ્ઠ દાન અન્ન-પાણીનું દાન છે. ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી પીવડાવવું એ માનવીય ધર્મ છે. તો સાધુ-સંતોને અન્ન-પાણીનું દાન કરવું એ જીવમાત્રનો આત્મીય અને આત્મિક ધર્મ છે.

એક વખત અંબિકાને ઘેર સાધુ-સંતો પધાર્યા. અંબિકા એ ખૂબ આનંદ-પ્રમોદ ભાવે અન્ન-પાણીનું દાન કર્યું. પોતાના આ સત્કાર્યની ખૂબ-ખૂબ અનુમોદના કરી. 

અંબિકાની સાસુને ખબર પડી કે તેણીએ સાધુ-સંતોને અન્ન-પાણીનું દાન કર્યું છે. તે ખૂબ ગુસ્સે થઈ. તેને જેમ-તેમ બોલવા લાગી. "આ કોઈ દાનશાળા નથી. ઘરને વાળી-ઝૂડીને તું સાફ કરી નાખીશ, આ રીતે દાન કરી-કરીને. હવેથી આ રીતે સાધુ-સંતોને ઘરે આવવા દઈશ તો ખેર નથી."

સાસુના આ ખાર જોઈ તે ડઘાઈ ગઈ. સાધુ-સંતો માટે આટલો દ્વેષ... ઘર છોડીને અણગાર બનેલા સાધુને અન્ન-પાણી આપવામાં આટલી તુચ્છતા. પોતાના માટે જાતે રસોઈ નહીં બનાવનારા, કોઈ પણ ચીજ નહીં ખરીદનારા આવા સાધુઓને આપણે દાન નહીં આપીએ તો બીજું કોણ આપશે ?

સાધુ-સંતોને આપણા દાનની જરૂર નથી. પણ સાધુ-સંતોને દાન આપવાથી સાધુ-સંતોની સાધનામાં સહાયક બનવાનું પુણ્ય આપણને મળે છે. સાધના કર્યા વગર પણ આવી સાધનાનો અંશ માત્ર અન્ન આદિના દાનથી મળી જતો હોય તો એ અવશ્ય મેળવવા જેવો.

અંબિકાએ વિચાર્યું કે જો ઘરમાં દાન ન આપી શકાતું હોય, સાધુ-સંતોને ઘરે નિમંત્રણ આપવામાં પાપ હોય તો આ ઘરમાં મારે રહેવું નથી અને તે પોતાના બંને નાનકડા દીકરાઓને સાથે લઈને જંગલના માર્ગે ચાલી નીકળી અને જંગલમાં જ એક કૂવાકાંઠે આવી ઊભી.

અંબિકાના પતિને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે અંબિકાને પાછો લાવવા પાછળ પાછળ ગયો. અંબિકાએ દૂરથી તેને આવતો જોયો. એણીએ વિચાર્યું કે મારો પતિ મને પાછો ઘેર લઈ જશે અને સાધુ-સંતો માટે મનાઈ ફરમાવતા ઘરમાં મારે જવું નથી. એમ વિચારી બીજો કોઈ રસ્તો ન દેખાતા પોતાના બંને દીકરાને લઈ તે કૂવામાં કૂદી પડી.

મૃત્યુવેળાએ તે પ્રભુ નેમિનાથ ભગવાનના ધ્યાનમાં હતી. તે નેમિનાથ દાદાના ધ્યાનમાં મૃત્યુ પામી. તેથી તે આ જનમમાં અંબિકાદેવી તરીકે જન્મ પામી અને નેમિનાથ દાદાની ચરણસેવિકા બની.

શ્રીમાતાએ પણ અંબિકાની ઈચ્છા પ્રમાણેનું જિનાલય ચંદ્રાવતીના રાજા વિમલરાજા પાસે આબૂ પર્વત પર બનાવડાવ્યું. (વિમલરાજાના સ્થાને અન્યત્ર વિમલમંત્રીની પણ આ વાત આવે છે.) અને તે નેમિનાથ દાદાની સેવા કરવા માટે ત્યાં નજીકમાં પોતાનું નિવાસસ્થાન બનાવડાવ્યું.

દાન અને ભક્તિનો આ પ્રભાવ છે કે અંબિકાદેવીને આજે બધાં જ લોકો માન આપે છે.

પ્રભાવના

શ્રાવણ સુદ પંચમીના દિવસે જેમનો જન્મ દિવસ - કલ્યાણક દિવસ (મ્ૈિંરઙ્ઘટ્વઅ) છે, તે નેમિનાથ દાદાનાં જ્યાં જ્યાં તીર્થસ્થાનો છે, ત્યાં ત્યાં લગભગ અંબિકાદેવીના પણ તીર્થસ્થાનો છે.

ઈટટ્વદ્બૅઙ્મી તરીકે આબૂ ઉપર નેમિનાથ દાદા બિરાજે છે, તો ત્યાં અંબિકાદેવી પણ છે. વળી, તેની નજીકમાં જ અંબાજી તીર્થ પણ છે.

ગિરનાર તીર્થ પર પહેલી ટુંકમાં શ્રી નેમિનાથ દાદા બિરાજે છે. તો બીજી જ ટુંક પર અંબિકાદેવીનું વિશાળ મંદિર છે.

કલિકુંડ તીર્થોદ્વારક આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિલ્પરાન ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખર સૂરીશ્વરજી મહારાજજીના ઉપદેશથી જીર્ણોદ્ધાર પામી રહેલા વાલમતીર્થમાં પણ લાખો વર્ષ પ્રાચીન શ્રી નેમિનાથ દાદા બિરાજે છે તો ત્યાં અંબિકાદેવી પણ બાજુમાં જ બિરાજમાન છે. આવા અનેક ઉદાહરણો છે.

અંબિકાદેવી અને નેમિનાથદાદા એ ભક્ત-ભગવાનનું એક ઉદાહરણ છે.


Google NewsGoogle News