જય શત્રુંજય !! જય કદંબગિરિ !! જય પુંડરિકગિરિ !!
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
- કરોડો કરોડો મહાપુરૂષોના ચરણરજથી પાવન થયેલ આ ગિરિરાજ પર ડગલેને પગલે ઢગલે-ઢગલા દિવ્ય ઔષધિઓ રહેલી છે.
'ત મારે ક્યાંય જવાનું નથી. અહીં મારા ખોળામાં જ બેસી રહેવાનું છે. તમે મારા છો અને હું તમારી છું.' રતિ નામની એ સુંદરીએ ખેંચીને પોતાના રૂપાળા પતિદેવને ખોળામાં બેસાડતા અને છાતી સરસા દબાવતાં કહ્યું.
પછી એના શરીરના આવરણોને દૂર ફગાવતા અને પોતાની નાજુક આંગળીઓથી શરીર પર નજાકત રમત રમતાં તે સુંદરી શરીર અને વચનમાં આગળ વધી. 'કાલે એની સાથે તો ખૂબ રમત રમી. એની સાથે તો આખી રાત કામાનંદ માણ્યો. આજે મને પણ ભરપૂર સુખ આપવું જ પડશે.'
નચણ-વચણના કામણ તો પથરાતાં જ. પણ મંત્ર-તંત્રના કામણ પણ મણ-મણના લેખે પથરાતા. સ્ત્રીના શરીરનો ભાર નહીં, પણ શરીરનો ઊભાર ભીમ નામના આ આકર્ષક સ્લમ દેહયષ્ટિ ધરાવતા પતિદેવને કામ-રમતમાં પરાણે ય પરાયણ કરાવતા અને આખી રાત પારાયણ ચાલતી કામાયણની. આ રોજેરોજની રામાયણ હતી. ભીમ જેવો રૂપવાન હતો. એનાથી યે ચડિયાતી હતી એની બન્ને પત્નીઓ. એક રતિ નામે સુંદરી અને બીજી પ્રીતિ નામે સુંદરી. રતિ-પ્રીતિની આ જોડીએ ભીમને નબળો બનાવી દીધો હતો. રોજેરોજ રતિ-ક્રીડા. રોજેરોજ પ્રીતિ-રમત થાકી ગયો. કંટાળી ગયો. પણ કરેય શું ?
રતિ અને પ્રીતિ બંનેના કામણ જોરદાર. આંખના, દેહના, વચનના, કામરમતના- બધાંમાં કામણ હતા. એક કામણ પણ માનવને લલચાવવા પૂરતું હોય, ત્યારે અહીં તો બધાં જ કામની કામનાના કામણ ભરપૂર હતા. જાણે ઈંદ્રલોકની રંભા અને ઊર્વશી નામે અપ્સરાઓ.
આ બધાં કામણ ઉપરાંત આ બંને સુંદરીઓ પાસે મંત્ર-તંત્રના કામણ પણ હતા. કામણ-ટૂમણ કરીને પતિને વશ કરતી. પતિને પોતાના બનાવતી. પોતાની તરફ ખેંચતી અને પોતાનામાં સમાવતી. પેલો બિચારો નિચોવાઈ જતો.
એક હોત તો બરાબર. આ તો બંનેય કામણ-ટૂમણવાળી. પોતાના રૂપથી હવે તે થાક્યો હતો. એણે એટલે એક નવો રસ્તો અખત્યાર કર્યો. ત્રીજા લગ્ન કર્યા. નામ એનું સુરસુંદરી. આ સુંદરી પણ બે ય સુંદરીની મોટી બેન નીકળી. આ પણ કામણ-ટૂમણ, જાદૂ-ટોનામાં પારંગત. ઉપલી બંનેનું સૂરસૂરિયું કરી દે એવી આ સુરસુંદરી. પછી બાકી શું રહે ?
અત્યાર સુધી બે હતી. હવે ત્રણ થઈ. ભીમની થીમ થીજી ગઈ. રાજી થવાની જગ્યાએ હરાજી બોલાવવા જેવી સ્થિતિ થઈ ગઈ.
ભીમ વધુ નબળો થઈ ગયો. પણ ત્યાંથી ભાગી જવામાં તે સબળ બની ગયો. પ્રબળ વિચારો સાથે તે પોતાની ત્રણે ગૃહલક્ષ્મી અને માદરેવતન લક્ષ્મીપુરને છોડીને ભાગી ગયો.
ભીમને રસ્તામાં પંચમહાવ્રતધારી સાધુનો પરિચય થયો. સંસારની વિડંબણાથી મુક્ત થવાના ઉપાય તરીકે સંયમનું મહત્ત્વ સમજાયું અને ત્યાં જ તે મુનિવર પાસે દીક્ષા લીધી.
શુદ્ધ સંયમનું પાલન કરીને ભીમ સાધુ મૃત્યુ પામીને સુધર્મા નામે પ્રથમ દેવલોકે દેવેન્દ્ર બને છે અને દેવ-વૃદ્ધિને ભોગવે છે.
એક વખત ભીમ-ઈન્દ્ર શાશ્વત તીર્થાધિરાજ શત્રુંજ્ય તીર્થના દર્શને પધારે છે. ત્યાં કદંબ નામે ગણધર કાઉસગ્ગ-ધ્યાનની સાધનામાં વિરાજમાન હતા. તેઓ શ્રીમદને ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક વંદના કરે છે. સાથે સાથે આ પરમ પવિત્ર સ્થળ પર વિરાજમાન અન્ય એક કરોડ (અન્ય મતે એક લાખ) સાધુઓને પણ સાધનામાં પ્રસન્નચિત જોઈ વંદન કર્યા.
આ બાજુ જોગ-સંજોગ એવા સર્જાયા કે એ જ દિવસે તે તમામ પૂજ્યોની સાધના પુર્ણ થાય છે અને પુર્ણ એવા મોક્ષપદને તેઓ પ્રાપ્ત કરે છે.
આટઆટલા મહાત્માઓને કદંબ ગણધરની પ્રમુખતા સાથે પરમપદની પ્રાપ્તિ થતી જોઈ ભીમ-ઈન્દ્રે આ શત્રુંજ્ય તીર્થનું એક બીજું નામ ઘોષિત કર્યું - શ્રી કદંબગિરિ તીર્થ.
કરોડો કરોડો મહાપુરૂષોના ચરણરજથી પાવન થયેલ આ ગિરિરાજ પર ડગલેને પગલે ઢગલે-ઢગલા દિવ્ય ઔષધિઓ રહેલી છે. રસની વાવડીઓ અને રત્નોની ખાણો છુપાયેલી છે. પુણ્યશાળીને એ બધું દૃષ્ટિગોચર થાય. અગોચર વિશ્વ જેવી આ બધી ચીજો નિષ્પુણ્યકને ક્યાંય-ક્યારેય દૃષ્ટિગોચર થતી નથી.
દીપોત્સવીના દિવસે જો આ ગિરિરાજ પર તેજોમંડળની સ્થાપના કરવામાં આવે તો દેવો... પણ દૃષ્ટિગોચર થઈ શકે છે. જો પુણ્ય હોય તો.
શ્રી ધનેશ્વર સૂરીશ્વરજી મહારાજા રચિત શ્રી શત્રુંજ્ય માહાત્મ્ય નામે ગ્રંથમાં જણાવેલ આ વિગત સાથે એ પણ જણાવ્યું છે કે પૂર્વકાળમાં કદંબ નામે ગણધરના શ્રીમુખે આ મહાતીર્થનો મહિમા સાંભળીને શ્રી ભરત મહારાજાએ આ મહાતીર્થ પર શ્રી મહાવીર સ્વામીના ભવ્ય જિનમંદિરનું નિર્માણ કર્યું હતું.
પ્રભાવના
કારતક સુદ-૧૫ ના રોજ આ તીર્થની તીર્થયાત્રાનો પ્રારંભ થાય છે. જે તીર્થયાત્રા ચાર મહિનાથી સ્થગિત હતી. તે આજે શરૂ થાય છે અને એટલે જ દુનિયાભરના ગામે-ગામ આજના આ પવિત્ર દિવસે શત્રુંજ્ય મહાતીર્થનો પર સ્થાપન કરી યાત્રાનો આનંદ ઉજવાય છે.
આજના આ પવિત્ર દિવસે આદિ તીર્થંકર શ્રી ઋષભદેવના પૌત્રો ડાવિડ અને વારિબિલ્લ દસ કરોડ મુનિવરો સાથે મોક્ષપદને પ્રાપ્ત કરે છે. વળી, આજનો આ પવિત્ર દિવસ કલિકાલ સર્વજ્ઞા તથા ગુજરાત અને ગુજરાતી ભાષાના પરમ ઉપકારી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજનો જન્મ દિવસ છે.
આજથી સાધુ-સાધ્વીજી મહારાજના વિહારોની શરૂઆત થાય છે.