Get The App

''એના ખભા ઉપર જટાયુગલ છે, કપાળે ચંદ્ર છે, ચિબુક પર સૂર્ય છે અને નાભિ ઉપર શિવલિંગ છે''

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
''એના ખભા ઉપર જટાયુગલ છે, કપાળે ચંદ્ર છે, ચિબુક પર સૂર્ય છે અને નાભિ ઉપર શિવલિંગ છે'' 1 - image


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

શં કર દરિયા-દેવ પાસે જાય છે. અને નિર્જળા ઉપવાસ શરૂ કરે છે. એક-બે-ત્રણ...

અને લવણસમૂદ્રના અધિષ્ઠાતા દેવ ત્યાં શંકરની આગળ હાજરાહાજૂર થાય છે.હાથ જોડી અને માથું નમાવી શંકરની સામે ઊભા રહે છે.

ઉપવાસમાં એક એવી ઊર્જા પેદા થાય છે, જે સામેવાળી વ્યક્તિ વસ્તુને ત્યાં ખેંચી લાવે છે.ઉપવાસની ઊર્જામાં લોહચુંબક નું આકર્ષણ પેદા થાય છે. દુનિયાની કોઈ શક્તિ એવી નથી, જે ઉપવાસની ઊર્જાથી પ્રભાવિત ન થાય.

દુનિયાના દરેક ધર્મોમાં દરેક સ્થળે ઉપવાસનો મહિમા ગવાયો છે.છવાયો છે. જો કે જૈન ધર્મોમાં ઉપવાસનો મહિમા સૌથી સવાયો છે.

અહીં શંકરના ઉપવાસની ઊર્જાથી આકર્ષિત-પ્રભાવિત થયેલા દરિયા-દેવ દરિયાના પેટાળમાંથી રત્નો-મણિઓનો થાળ લાવીને ત્યાં શંકરની સામે પધરાવે છે.

શંકર તેની તરફ નજર કરે છે, પણ પોતાનું ધ્યાન પૂરૂં કરતાં નથી. તેથી દરિયાદેવ મોટો થાળ ભરીને મણિ-રત્નો લાવે છે. છતાંય શંકર પોતાના ઘ્યાનમાં મગ્ન છે.દરિયામાં મગ્ન વસ્તુના ધ્યાનમાં નિમગ્ન છે.

હવે દરિયા-દેવ શંકરને પૂછે છે. ' આપને શું જોઈએ છે ? ' 

ત્યારે શંકર પોતાના હોઠ ખોલે છે અને કહે છે - ' જિનપ્રતિમા.? 

જેના ખભા ઉપર જટાયુગલ છે, કપાળ- તિલક પર ચંદ્ર ચમકે છે, ચિબુક પ્રદેશ પર સૂર્ય ઝળહળે છે અને નાભિના ભાગે શિવલિંગનું ચિહ્ન છે.એવી માણિક્ય રત્નની જિનપ્રતિમા આપની પાસે સચવાયેલી છે,તે ઋષભદેવ - આદિનાથ ભગવાનની જિનમૂર્તિ  મને આપવાની કૃપા કરો.'

આદિનાથ ભગવાનની આ મૂર્તિ તેમના જ પુત્ર ભરત ચક્રવર્તી (જેમના નામે આ દેશનું નામ ભારત પડયું છે.) પોતાની આંગળીની અંગૂઠી-વીંટીમાં રહેલા નીલમણિમાંથી બનાવેલી છે. મણિમાંથી નિર્મિત થયેલી આ મૂર્તિ આગળ જતા '' માણિક્યસ્વામિ અને માણિક્ય આદિનાથ ભગવાન '' તરીકે પ્રસિદ્રિ પામેલ છે.

આદિનાથ ભગવાનની આ જિનમૂર્તિની પ્રતિષ્ઠા અષ્ટાપદ પર્વત પર ગણધર શ્રી પુંડરિક સ્વામી કરે છે.

કેવો ગજબનો યોગાનુયોગ ।।

મૂર્તિ છે - પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાનની...

મૂર્તિના નિર્માતા છે- આદિનાથ ભગવાનના પ્રથમ પુત્ર ભરત મહારાજા...અને તેઓ અહીંના પ્રથમ ચક્રવર્તી પણ હતા.

મૂર્તિના પ્રતિષ્ઠાચાર્ય છે - શ્રી આદિનાથ ભગવાનના પ્રથમ શિષ્ય શ્રી પુંડરિક સ્વામી ગણધર...

મૂર્તિનું પ્રતિષ્ઠા સ્થળ છે. - શ્રી આદિનાથ ભગવાનના નિર્વાણ પછી ભરત મહારાજા દ્રારા સ્થપાયેલું પ્રથમ તીર્થ - અષ્ટાપદ પર્વત. વળી, અષ્ટાપદ પર્વત એ આદિનાથ ભગવાનની નિર્વાણસ્થળી પણ છે. અષ્ટાપદ પર્વત પર મહારાજાએ ૨૪ તીર્થકર પરમાત્માની સ્વ-દેહ-પ્રમાણ રત્નોની જિનપ્રતિમાઓ ભરાવી હતી, ત્યારે આ ''માણિક્યસ્વામી'' ની મૂર્તિની અંજનવિઘિ પણ કરાવી હતી.

આ પ્રતિમા અયોધ્યામાં લાખો-કરોડો વર્ષ સુધી પૂજાતી રહી.ત્યાર બાદ વિદ્યાધરોના પ્રદેશમાં પૂજાઈ. તે પછી દેવલોકમાં પૂજાઈ.

અને તેના પછી લંકાના અધિપતિ પરમ જિનભક્ત પ્રતિવાસુદેવ એવા રાવણ મહારાજાએ અઠમની આરાઘના કરી દેવ પાસેથી એ મૂર્તિ પ્રાપ્ત કરી. વર્ષો સુઘી લંકેશ રાવણ મહારાજાએ પાતાના ગૃહમંદિરમાં મંદોદરી રાણીની સાથે માણિક્ય આદિનાથ દાદાની ત્રિકાલપૂજા કરી.

મહાસતી સીતા માતાજીના અપહરણ પછી ભવિષ્યવાણી પ્રગટ થઈ કે લંકાનો નજીકના કાળમાં પ્રલયકાળની જેમ નાશ થવાનો છે. આ જાણી રાવણના પટરાણી મંદોદરીએ મૂર્તિની સુરક્ષાને ઘ્યાનમાં લઈને દરિયાદેવને સમર્પિત કરી દીઘી હતી.

આજે એ જ મૂર્તિ કર્ણાટક રાજ્યના કલ્યાણીનગરના શંકર રાજા અહીં લવણસમુદ્રના દરિયાદેવ પાસે લેવા આવ્યા હતા. પોતાના નગરમાં ફેલાયેલી કોરોના જેવી મહામારીનો નાશ કરવા માટે આ મૂર્તિની જરૂર હતી.પદ્માવતી દેવીએ રાત્રે સ્વપ્નમાં આવીને જણાવ્યું હતું કે જો દરિયાદેવ ' માણિક્ય આદિનાથ પ્રભુ ' ની પ્રતિમા આવે અને એ પ્રતિમાના અભિષેકનું ન્હવાણજળ જો નગરીમાં છોડવામાં આવે તો આ ભયંકર મહામારીને મારી શકાશે.

પરમ જિનભક્ત શંકર રાજાને તો '' ભાવતું તું ને વૈદે કીધું '' જેવી વાત થઈ હતી. બધા જ રોગો,એ બાહ્ય હોય કે આંતરિક, જિનેશ્વર પરમાત્મા થકી જ નાશ પામે, આ પરમ ભાવના નું ત્રિશૂલ લઈને જ તેઓ ફરતા હતા.

દરિયાદેવે એ મૂર્તિ શંકર રાજાના હાથમાં સમર્પિત કરી. ચમત્કારિક માણિક્ય સ્વામી પ્રતિમાના ન્હવજળથી મહામારીનો સફાયો કર્યો.

આજે એ  ' માણિક્ય આદિનાથ દાદા '' ની પ્રતિમા જયાં છે, એ તીર્થ '' કુલ્પાકજી તીર્થ '' તરીકે જગવિખ્યાત બન્યું છે.

પ્રભાવના

વિક્રમ સંવત ૬૪૦ માં કલ્યાણીનગરના શંકર મહારાજાએ આ '' માણિક્ય સ્વામી '' ભગવાનને વિરાજમાન કર્યા ત્યારે આ પ્રતિમાજી અંતરિક્ષ આકાશમાં હતા.લગભગ ૪૦ વર્ષ સુઘી એટલે વિ.સં. ૬૮૦ સુઘી આ પ્રતિમા ની જમીન થી અધ્ધર રહ્યા હતા. ત્યાર બાદ સિંહાસનસ્થ થયા હતા.

આજે અત્યારે વિ.સં. ૨૦૮૦માં આ પ્રતિમાની ને સિંહાસનસ્થ થયાને ૧૪૦૦ વર્ષ થાય છે.

દક્ષિણભારતના શત્રુંજ્ય ગણાતા આ કુલ્પાકજીના ક્ષેત્રમાં એક સમયે ૩૬૦ જિનમંદિરો હતા


Google NewsGoogle News