ખંભાતના ''મોદી'' ગણાતા શેઠનો મહિમા ગાતા 22 ભારતીયો

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ખંભાતના ''મોદી'' ગણાતા શેઠનો મહિમા ગાતા 22 ભારતીયો 1 - image


- ''પર્યુષણા મહાપર્વનો જયજયકાર હો-''

- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

'આજે, પર્યુષણનો છઠ્ઠો દિવસ છે.'

'તો શું થયું ? પર્યુષણને અને મારે શું લેવા દેવા ? તો પછી એ પહેલો દિવસ હોય કે છઠ્ઠો દિવસ. મારે શું ફરક પડે છે ?'

'તમારે લેવા દેવા છે એટલે જ યાદ કરાવું છું.'

'શું?'

'પર્યુષણમાં તમે આ રીતે હત્યા કરશો એનાથી શેઠ નારાજ થશે. કારણ કે તમારા-અમારા બધાના એ માનીતા શેઠ છે. એમના અત્યારે પર્યુષણા મહાપર્વ ચાલે છે. આ દિવસોમાં તો નાના જીવની પણ હિંસા શેઠ માટે વર્જ્ય છે. તમે આમ ૨૨-૨૨ માણસોની હત્યા કરશો તો શેઠ ખૂબ જ નારાજ થશે. એમનું દિલ દુભાશે.'

આ સાંભળી સામો પ્રશ્ન કરનાર એકદમ મૌન થઈ ગયા. ગોટે નહીં ચડયો, પણ વિચારે ચડયો. વાત એકદમ સાચી છે. સો ટચના સોના જેવી વાત સાંભળી એ એકદમ નરમ પડી ગયો...

***

મૂળે ગંધાર બંદરના રહેવાસી, પણ પછીથી વેપાર અર્થે ખંભાતમાં જઈ વસ્યાં. અઢળક સંપત્તિના માલિક બન્યા. અને તે પછી તો ફિરંગીઓના તાબામાં વિકસેલા ગોવામાં પણ દરિયાઈ વહાણો દોડાવ્યા. ત્યાં પણ નસીબે સારી યારી આપી.

ગંધાર-ખંભાત અને ગોવા આમ ત્રણે સ્થળો તેમના નિવાસ સ્થાન સમા બની ગયા હતા. બધે જ એમણે જિનમંદીરોના નિર્માણ પણ કરાવ્યા. જિર્ણોદ્વારો પણ કરાવ્યા.

આ જિનભક્ત શેઠ એટલે ખંભાતના રાજિયા-વાજિયા શેઠ. બંને સગા ભાઈઓ. રાજિયા-વાજિયા તરીકે બધે ગાજિયા. એમની હાક બધે વાગતી. હક જમાવ્યા વગર હાક વગાડતા. અણહકનું લે નહીં. નાહકના ઝઘડા કરે નહીં. એટલે ચાહકવર્ગ મોટો.

પારેખ કુટુંબના બંને બંધુઓ પરમ ગુરુભક્ત. અકબર બાદશાહને સર્વપ્રથમ પ્રતિબોધ આપનારા જૈનાચાર્ય જગદ્ગુરુ શ્રી હીરવિજ્ય સૂરીશ્વરજી મહારાજની કૃપા તો અપરંપાર તેમના પર હતી. પણ તેમના પટ્ટધરો આચાર્ય વિજયસેનસૂરિજી મહારાજ, આચાર્ય વિજયતિલક સૂરિજી મહારાજ, આચાર્ય વિજયાનંદસૂરિજી મહારાજના પણ હાથ તેમના માથે-સાથે હતા.

તો રાજકીય લેવલ પર દીલ્હીનો બાદશાહ અકબર, ખંભારતો નવાબ, અને ગોવાનો મલેક ફિરંગી પણ એમની આમન્યા જાળવતા. એમનું માન રાખતા. એમને સન્માન આપતા.

બંધુ બેલડીની ઉદારતા પણ એટલી બધી હતી કે જેમને જ્યારે જરૂર પડી ત્યારે તેમણે ખોબલે-ખોબલે નહીં ટોપલે-ટોપલે આપ્યું છે એટલે જ્યારે જ્યારે તેઓ છ'રીપાલક સંઘો કાઢતા ત્યારે તેમના પર કોઈ ટેક્ષ નહોતું નાખતું.

એકવાર ગોવામાં ફિરંગીઓએ ચીઉલના ખોજગીને તેમના સાથીઓ સહિત કેદ કર્યા. તાત્કાલિક તે સમયના તથા તે ક્ષેત્રના એક લાખ રૂપિયા આપે તો જ છોડે. નહિતર મોત-ત્યારે ખોજગીની વિનંતીથી આ રાજિયા-વાજિયા શેઠે આવડી મોટી રકમ ભરી દીધી. ખોજગી બંધુબેલડીનો ભક્ત બની ગયો.

આ બાજુ એકવાર ખોજગીએ ભારતના ૨૨ (બાવીસ) માણસોને કેદ કર્યા. અને ફાંસીનો હુકમ આપી દીધો.

ત્યારે એક ભારતીયે ખોજગીને યાદ દેવડાવી કે અત્યારે ખંભાતના શેઠ રાજિયા-વાજિયાના પર્યુષણા મહાપર્વ ચાલી રહ્યા છે. અહિંસાનું આ સર્વોત્કૃષ્ટ મહાપર્વ છે. અહિંસાના સર્વોપરી મહાપુરુષ એવા ભગવાન મહાવીર સ્વામીની જીવનગાથાનો આ અણમોલ અવસર છે.

સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના સત્તર (૫+૧૧+૧) કર્તવ્યોના વર્ણન પછી ભગવાન મહાવીરના ૨૬ (સત્યાવીશ) પૂર્વભવ અને ૨૭મો અપૂર્વભવ ઊછળતા ઉત્સાહ સાથે ઉજવાય છે.

આજે તો ભગવાન મહાવીરની સંપૂર્ણ જીવની વર્ણવાય. પ્રભુની જીવની સ્વરૂપ સંજીવની સૌને સજીવન કરે છે. ભગવાનના અવતરણથી માંડી ભવનિસ્તરણ (નિર્વાણ) સુધીની સંપૂર્ણ સંજીવની આજે શ્રોતાઓ સમક્ષ પીરસાય છે. અને સૌ જીવો જીવનને સજીવન કરે છે.

પરમોચ્ચ અહિંસાના પાલક એવા પ્રભુ મહાવીરની અહિંસાયાત્રા આ પર્વમાં ઉજવાય છે. સૌ જીવો યથાશ્કતિ આમાં તન-મન-ધનથી જોડાય છે.

રંગે-ચંગે આ અહિંસા પર્વને પોતાના આત્મામાં રંગે છે અને આત્માને રંગીન બનાવે છે.

પર્યુષણા મહાપર્વના દિવસોમાં સૌ જીવો આત્માના પ્રદેશે-પ્રદેશે અહિંસા-સંયમ અને તપનો તિરંગો લહેરાવે છે.

ભારતીયના મુખે રાજિયા-વાજિયા શેઠનું નામ સાંભળતા જ ખોજગી ચૂપ થઈ ગયો. મોદી (ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી) નું નામ સાંભળતા જ જેમ વિદેશોમાંથી (યુક્રેન આદિ) સહીસલામત બહાર નીકળી જવાય છે, તેમ આ સમયે રાજિયા-વાજિયા શેઠનું નામ આપીને ભારતીયો સહી સલામત થઈ જતા.

ખોજગીએ તરત જ એ ૨૨ ભારતીયોને સહીસલામત તેમના સ્થાને સુરક્ષા સાથે પહોંચાડી દીધા.

પ્રભાવના

તા.૭/૯/૨૪ના રોજ સમસ્ત વિશ્વ 'મિચ્છામિ દુક્કડં' ના જે પરમ પવિત્ર શબ્દોથી ગુંજી ઉઠશે-ગાજી ઉઠશે, તે મહાનતમ જૈનધર્મની યશોગાથા જે જયકારાથી તે ૨૨ ભારતીયોએ લલકારી તે જયકાર હતા -

''રાજિયા-વાજિયા શેઠનો જય હો,

અહિંસા પરમો ધર્મનો જય હો.

પર્યુષણા મહાપર્વનો જયજયકાર હો.''


Google NewsGoogle News