Get The App

મનનું મૌન સાધવું- આ છે મૌન એકાદશીની સાધના મનને સ્થિર-શાંત કરવું - આ છે મૌન એકાદશીની આરાધના

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
મનનું મૌન સાધવું- આ છે મૌન એકાદશીની સાધના મનને સ્થિર-શાંત કરવું - આ છે મૌન એકાદશીની આરાધના 1 - image


- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

મૌન એકાદશીનો પરમ પવિત્ર દિવસ.

આગ લાગી. ભયંકર આગ. લપકારા મારતી આગ.

ક્યાંયથી કોઈથી ય અને કોઈ રીતે ય કાબૂમાં ન આવતી આગ.

આખા નગરને ભરડો લેતી આગ, નાગની જેમ આ આગે આખા નગરને ભરડો લીધો છે.

કોઈ જગ્યા બાકી નથી રહી, જ્યાં આગનો આતંક છવાયો ના હોય.

ઝાડ-પાન સહિત બધા જીવ-જંતુ બળીને ભસ્મ થઈ ગયા. મકાનો આદિ સળગીને રાખ થઈ ગયા.

માણસો તો બધા નગરની બહાર નીકળી ગયા. બધા એકબીજાને શબ્દોનો, હાથનો, હૂંફનો સાથ આપીને બહાર નીકાળી રહ્યા હતા. નીકાળી શકાયા એટલા જાનવરોને પણ તેમણે નગરની બહાર નીકાળી દીધા.

નગરની બહાર જે નીકળ્યા, તે આગના આતંકથી બચી જવા પામ્યા. જે નગરની અંદર રહી ગયા, તે બધા આગના પેટમાં સ્વાહા થઈ ગયા.

મૌન એકાદશીના આ પવિત્ર દિવસે સૌએ મૌન પૂર્વક જ્ઞાાન-ધ્યાનની સાધના કરવાની હોય ત્યાં આજે ભયંકર કોલાહલ ઉભો થયો છે. બચાવો- બચાવો અને ભાગો-ભાગોની બૂમરાણથી આખું નગર શબ્દાદ્વૈત બની ગયું હતું.

અંદર આખું નગર સળગીને રાખ થઈ ગયું છે અને બહાર આખું નગર ઉભું-ઉભુ સળગીને રાખ થઈ રહેલા નગરને જોઈ રહ્યું છે.

આ સાથે-સાથે નગરની બહાર ઉભેલા નગરમાં એક ચર્ચા જોર પકડી રહી છે. એ ચર્ચા છે- સુવ્રત શેઠની. સુવ્રત શેઠનું શું થયું ?

જ્યારે લોકો નગરમાંથી બહારની તરફ ભાગી રહ્યા હતા. ત્યારે બધા સુવ્રત શેઠને પણ બહાર આવી જવાનું કહી રહ્યા હતા. પણ શેઠના ઘરમાં કંઈ જ હલચલ નહોતી થઈ રહી.

આજે મૌન એકાદશીનો દિવસ હોઈ સુવ્રત શેઠ પૌષધ લઈને ધ્યાનમાં બેઠા હતા. અને સુવ્રત શેઠને નિયમ હતો કે પૌષધ લઈને ધ્યાનમાં બેઠા હોઈએ પછી  કંઈ જ બીજી પ્રવૃતિ નહીં કરવાની. દુનિયા આખી ઉથલ-પાથલ થઈ જાય, પણ અહીં સુવ્રત શેઠની પેટનું પાણીય ન હલે.

અહીં પણ સુવ્રત શેઠ બહાર ક્યાંય જણાયા નહીં, તેથી સૌને લાગ્યું કે નક્કી આજે તેઓ અગ્નિદેવનો કોળિયો બની ગયા હશે.

નગરની બહાર સુવ્રત શેઠને લઈને ચર્ચા થઈ રહી છે. ત્યારે નગરની અંદર પોતાના ઘરમાં જ સુવ્રત શેઠ મૌન સાથે ધ્યાન કરી રહ્યા છે.

મૌન એટલે માત્ર શબ્દોનું મૌન નહીં. પણ મનનું મૌન. એટલે મનની સ્થિર અવસ્થા. મનની શાંત અવસ્થા તેનું નામ મૌન.

નહીં બોલવું એ માત્ર શબ્દોનું મૌન છે. પણ અંદર કોઈ પણ જાતનો ખળભળાટ ન થયો. એ છે મનનું મૌન.

આ મનના મૌનને જ મુનિનો ભાવ કહેવાય છે. આ મનના મૌન થકી જ મુનિત્વની સાધના ઝળહળે છે.

મનના મૌની કદાચ બોલતા હોય છતાંય તે મૌની કહેવાય- મુનિભાવના સાધક કહેવાય. એટલે તો સાધુત્વની અનેક વિશિષ્ટ પરિભાષાઓ પૈકીની એક પરિભાષા છે- સાધુ બોલતા છતાંય મૌની કહેવાય. કારણકે તેઓ મનથી મૌન છે.

મુનિ મનને ઝળકાવે છે- ચળકાવે છે- ચમકાવે છે.

મુનિ મનને મારતાં નથી પણ સમારે છે- સજાવે છે.

મનને મારે તે મુનિ નહીં, પણ મનને સમારે તે મુનિ.

મનને સજાવે- મનને સુધારે તે મુનિ.

આવા મુનિત્વના ભાવને-પ્રભાવને જે સમભાવે ભાવે છે, તેવા મૌનની સાધના સાધક મૌન એકાદશીને કરે છે.

સુવ્રત શેઠ પણ આવી જ સાધનામાં રમમાણ હતાં.

નગર આખું બહાર હતું- દ્રવ્યથી અને ભાવથી . જ્યારે સુવ્રત શેઠ અંદર હતા. નગરમાં, ઘરમાં, અને ભાવથી મનમાં- આત્મામાં.

નગરની અંદર આગ લાગી હતી. અને નગર બહાર લોકોના દિલમાંય આગ લાગી હતી.

જ્યારે અહીં સુવ્રતશેઠના દિલમાંય શાંતિ હતી. મનમાં અને આત્મામાં શાંતિ હતી. તો શેઠના ઘરમાં પણ શાંતિ હતી. આગ કયાંયથી પણ તેને અડકી શકી નહીં.

આગ શાંત થયા પછી સૌએ આ એક આશ્ચર્ય જોયું - નગરમાં રહેલ એકમાત્ર સુવ્રતશેઠના સ્થાનકો- ઘર, દુકાન, ગોદામ, જિનભવન, પોષ્ધશાલામાં ક્યાંય આગનો સ્પર્શ નથી.

આ ચમત્કાર જોયા પછી રાજા સહિત સમસ્ત નગરજનોએ મૌન એકાદશીની સાધના કરવાનો નિયમ ગ્રહણ કર્યો.

પ્રભાવના

તા. ૧૧-૧૨-૨૦૨૪ના રોજ મૌન એકાદશીના દિવસે સમસ્ત વિશ્વભરમાં અનેકાનેક સાધકો આખા દિવસની મૌન સાધના કરશે. ૯૦ તીથંર્કરોના ૧૫૦ કલ્યાણકો આજના પવિત્ર દિવસે થયા છે. ભરતક્ષેત્ર જેવા ૧૦ ક્ષેત્રોના આ ૧૫૦ કલ્યાણકો નિમિતે તે-તે તીર્થંકરો અને કલ્યાણકોના નામકીર્તન સાથે ૧૫૦ માળાનો મંત્રજાપ પણ ઘણાં સાધકો કરે છે. અને આજે નિર્જળા-ચોવિહાર ઉપવાસ અથવા તો શક્તિ ન હોય તેઓ ઉકાળેલા પાણી સાથેનો તિવિહાર ઉપવાસ પણ કરે છે.


Google NewsGoogle News