અષ્ટગ્રહયુતિ V/s વિશ્વશાંતિ આરાધનાસત્ર
- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
- 'કુદરત આપણને પાઠ ભણાવે તે પહેલાં આપણે પૂજાપાઠ કરી લઈએ.' એમ કહીને પૂજયશ્રી આરાધનાનું બળ પૂરૂં પાડતાં.
૧
'એક બે નહિ, પણ પૂરા આઠ'?
'શું?'
'પૂરા આઠ'
'પણ શું?'
'આઠ ગ્રહો-સૂર્ય, મંગળ, શુક્ર, શનિ વગેરે. લગભગ બધાં જ.'
'તે શું છે તેનું ?'
'આ વરસે આઠ ગ્રહોનો એક વિલક્ષણ સંયોગ થવાનો છે. જેની ભયંકર નુકશાની મુંબઈ મહાનગરીને ભોગવવી પડે તેમ છે. અનેકવિધ આફતો આવી શકે તેમ છે. આવશે જ તેમ નહીં, પણ આવી શકે તેમ છે. આઠ-આઠ ગ્રહોની ગાંઠ-સાંઠ કંઈ કેટલીયે મારણગાંઠ બાંધે તેમ છે.
'દેશ-દુનિયા ઉપર અનેકવિધ ઉપડવો આવી શકે તેમ છે. આ ગ્રહો કંઈ કેટલાયે ગ્રહોને ખેદાન-મેદાન કરી નાંખશે, કંઈ જ કહેવાયે નહીં ?
આવી અનેકવિધ વાતો જયોતિષીઓ જણાવી રહ્યા હતા.
મુંબઈ તો આમ ભરાતું- ઉભરાતું મહાનગર. ચારે બાજુ દરિયાના ઉછળતા પાણીના મોજાથી ઘેરાયેલું મહાનગર. દરિયો પૂરીપૂરીને ટાપુનો વિસ્તાર થયેલો. આમ ભય તો એકબાજુ ઉભો જ છે ક્યારે દરિયો અહીં ટાપુ પર ફરી વળે અને મુંબઈ મહાનગર એ મહાસાગરમાં વિલીન થઈ જાય તે ખબર નહીં !ળ
જ્યોતિષીઓની આઠ ગ્રહોની યુતિની વાતે તો મુંબઈગરાઓમાં મહાભય પ્રસરાવી દીધો. અહીં તો બધુ જ મહા.. મહાનગર, મહાસાગર.. ગ્રહોની યુતિ પણ મહા-મોટી. તો ભય પણ મહા જ હોય ને !
ભારત અને ચીનનું યુદ્ધ થયું. ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભારત-ચીન કરાર કર્યો. ચીન જે જમીન હડપી ગયું. તે નુકશાન પણ ભયંકર થયું.
એના જ આસપાસના સમયની આ વાત છે. શાયદ યુદ્ધ પૂર્વેની જ આ વાત છે. વિક્રમસંવત ૨૦૧૮ની આ વાત.
મુંબઈની જનતા ભયભીત હતી, એ તે સમયના જૈન ધર્માચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજથી ન જોવાયું. સમર્થ વ્યક્તિ બીજાના દુઃખ-દારિદ્રય દૂર કર્યા વિના ના જ રહે. તેમ આ જૈનાચાર્યે પણ મુંબઈના દુઃખને દૂર કરવા નજીક આવ્યા. દુઃખીના દુઃખને દૂર કરવા દુઃખીની નજીક આવે, તેનું નામ સંત. દુનિયાને ચિંતામુક્ત કરવાનું ચિંતન કરે તે સંત. પારકી પીડાને પોતાની ગણી એ પીડાના કીડાને દૂર મૂકી આવે તે સંત. ઉપાધિની ઉપધિને દરિયામાં પધરાવી દે તે સંત.
મુંબઈ મહાનગરના હાર્ટ સમા ગોડીજી ઉપાશ્રય (પાયધુની)માં બિરાજમાન હતા પૂજયશ્રી.. ગોડીજી સંઘ= વિજય દેવસૂરસંઘના આ જીર્ણોદ્વાર પામેલા નૂતન ઉપાશ્રયનું આ પ્રથમ ચાતુર્માસ હતું. જેઓશ્રીની પ્રેરણાથી નવનિર્માણ પામ્યો. આ ઉપાશ્રય, એ જ આચાર્યશ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ. આ પંચમજલી ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન હતા. ધર્મની મૂર્તિસમા પૂજયશ્રીએ ગ્રહોની વિલક્ષણયુતિની વાત જાણી.
બીજે જ દિવસે સંઘની વચ્ચે પૂજ્યશ્રીએ વાત મૂકી. આકાશમાં આઠ ગ્રહો ભેગા થાય છે, તો આપણે આ મુંબઈની ધરતી પર નવદિવસનો વિશિષ્ટ કાર્યક્રમ રાખીશું. આકાશને ધરતી પર ઝૂકવું પડશે. ગ્રહોને અહીંના ગ્રહો પર નેહનજર કરવી જ પડશે.
પૂજયશ્રીની પ્રેરણા થઈ. પૂજાપાઠનો પ્રારંભ કરવામાં આવ્યો. 'કુદરત આપણને પાઠ ભણાવે તે પહેલાં આપણે પૂજાપાઠ કરી લઈએ.' એમ કહીને પૂજયશ્રી આરાધનાનું બળ પૂરૂં પાડતાં. નવદિવસીય આ આરાધનાના કાર્યક્રમનું નામ અપાયું - વિશ્વશાંતિ આરાધના સત્ર.'
મુંબઈનગરીમાં અનેક સંઘો-ઉપાશ્રયો- જિનાલયોનું નિર્માણ કરનારા પૂજયશ્રી ધર્મસૂરિજી મહારાજની જુદ્ધસાભરી પ્રેરણાથી મુંબઈ આરાધનાના હિલોળે ચડયું. તપ-જપ અને અનુષ્ઠાનના રંગે રંગાયા. સંપૂર્ણ વિશ્વમાં શાંતિ પ્રસરે તે માટે ઉત્તમ વિચારોનો મહાસાગર પૂરા મહાનગર ઉપર ફરી વળ્યો.
જ્યાં જુઓ ત્યાં નવકારનો જપ. સૌના હોઠે નવકાર મહામંત્ર. સૌના હૈયે વિશ્વશાંતિના શાંત વલયો. એક મહાન આધ્યાત્મિક બળ ઉભું થયું. એક સૂક્ષ્મ તાકાત પેદા થઈ.
અરબ મહાસાગર આ રબના મહાસાગર સામે શાંત ચિત્તે સ્વસ્થ રહ્યો. મુંબઈ કુદરતી પ્રકોપથી બચી ગયું.
પ્રભાવના
ઉપરોક્ત 'વિશ્વશાંતિ આરાધના સત્ર' ના નવદિવસમાં કુલ ૪૦૦૦ આચંબિલ થયા. હજારો અયંમ થયા. અઢી કરોડ નવકાર મહામંત્રનો જાપ થયો. પાંચ લાખ લોગસ્સ સૂત્રનો જાપ થયો. બે લાખ ઉવસગ્ગહંર સ્તોત્રનો જપ થયો.
મુંબાદેવી મંદિરના ચોકમાં વિરાટ 'શાંતિનગર' અને 'મહાવીર મંડપ'ની રચના થઈ. જેમાં અનેક ધાર્મિક આયોજનો થયા.
અરહિંત મહાપૂજન-શાંતિસ્નાત્ર આદિપૂજનમાં ૨૫૦૦ માણસોએ દર્શન-પૂજનનો લાભ લીધો.
છેલ્લા દિવસે વિરાટ શાંતિયાત્રા યોજાઈ. જેમાં એક લાખ લોકો જોડાયા. આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા મુંબઈની લગભગ બધી જ જગ્યાએ શાંતિધારાના જળનું સિંચન કરવામાં આવ્યું હતું.
અષ્ટગ્રહયુતિ તો સર્જાઈ, પણ અષ્ટગ્રહ પૈકીનો કોઈ ગ્રહ કષ્ટગ્રહ ના બન્યો.
વર્તમાન સમયમાં થતાં સાધુ-સાધ્વીજી અને તીર્થો પરના ઉપદ્રવો દૂર કરવા જપ અને તપનું સૂક્ષ્મબળ ઉભું કરવું જ રહ્યું. દરેક સંઘો આ વાત પર ધ્યાન આપે.