યુવાની યોગ્ય પાત્રમાં ભોગવવી રહી, જે-તે એઠાં પાત્રમાં ન ભોગવાય
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
'સ્વર્ગલોકની રંભા-ઉર્વશીને પણ શરમાવે એવા અદ્ભુતરૂપની સ્વામિની ઉપરંભા નામે મારી સખીએ આપના અદ્ભુત અને ઉદ્ભૂત રૂપ તથા પરાક્રમની યશોગાથા જ્યારથી સાંભળી છે, ત્યારથી તે આપને ચાહે છે. આપના રૂપની તે દીવાની થઈ બેઠી છે. તેણીએ નિર્ણય કર્યો છે, આ યુવાની એમનેમ રગદોળવી નથી. તમારા શરીરતળે રગદોળાવી છે. આપના પરાક્રમી ભુજાઓમાં તે પોતાની કેડને સમાવવા ચાહે છે. આપના સમાગમે તેના દિલમાં લાગેલી આગ શમાવવા ઈચ્છે છે. આપ તેનો સ્વીકાર કરો.'
તંબૂમાં એકલા બેઠેલા એ યુવાનને એક યુવાન સ્ત્રી પોતાની સખીની ઈચ્છા રજૂ કરી રહી છે.
'યુવાન રૂપનો દીવાનો હતો. દીવા જેવું ઝબકતું રૂપ હતું. પણ એ પોતાની યુવાની આ રીતે જ્યાં ત્યાં અભડાવવા નહોતો ઈચ્છતો. દીવાજેવું ઉદ્ભૂત રૂપને એ વાસનાની આગમાં પરિણમાવવા ચાહતો ન હતો.'
યુવાની વાપરવા જરૂર મળી છે, પણ વેડફવા નહીં, જ્યાં ત્યાં આ રૂપને અભડાવીને વાસનાના કૂવામાં નાખી નથી દેવાનું. યોગ્ય પાત્રમાં જ એ રૂપનો દીપ પ્રગટાવાય. તો જ એ રૂપનો દીપ ઝળાહળા થાય. અને પવિત્રતાના પ્રકાશને પાથરનારો થાય. યુવાન ધૂંવા-પૂંવા થઈ ગયો. ભવાં તંગ કરતાં તેણે કહ્યું - 'તું શું સમજે છે ? હું વાસનાની ગટરનો ગંધાતો કીડો નથી, કે જ્યાં ત્યાં મારા અંગને પ્રવેશ કરાવું.' મારા દેહની પવિત્રતાને હું અખંડ રાખવા ચાહું છું.'
સ્ત્રીએ એટલી જ સહજતાથી વધીને કહ્યું - 'મહારાજ, તમે નારાજ ના થાઓ. મારી મહારાણી-સખી પાસે અદ્ભુત રૂપ-સૌદર્ય સાથે વિશિષ્ટ વિદ્યાઓ પણ છે. દુર્લંદયાપુરી નામે આ નગરીના કિલ્લાના કવચ તરીકે પ્રગટાવેલી આગને શાંત કરી દે તેવી આશાલી નામે વિદ્યા પણ તેની પાસે છે. વળી, તેણીએ કહેવડાવ્યું છે કે દુનિયાના કોઈપણ યુદ્ધમાં હાર ન ખવડાવે, પણ સમસ્ત જીત અપાવે એવું પરમચક્ર જેવું સુદર્શનચક્ર પણ તમને મળી જશે. બસ, મારી રંભા જેવી ઉપરંભાનો સ્વીકાર કરો. આપના આલિંગનને ઝંખતી એ દીવાનીની યુવાનીને આપના દેહની દીવાની-વાની ચખાડી દ્યો.'
પોતાના પવિત્ર દેહને જ નહીં, પણ કાનને પણ આ રીતે નહીં અભડાવવા માંગતો એ યુવાન તરત જ અંદરના કક્ષમાં ચાલ્યો ગયો.
આને કહેવાય સાચી યુવાની. આ છે પવિત્ર યુવાની. પોતાની યુવાનીને જ્યાં ત્યાં અડકાવીને અભડાવીને અપવિત્ર કરતો આજનો યુવાને આ આદર્શ પુરુષમાં પોતાનો ચહેરો નીરખી લેવો જોઈએ.
યુવાની યોગ્ય પાત્રમાં ભોગવવા માટે મળી છે, જ્યાં-ત્યાં જેના-તેના એઠાં પાત્રમાં પોતાના અંગને અપવિત્ર કરવા માટે નથી મળી.
આ યુવાન એટલે બીજો કોઈ નહીં, રામાયણની મહાકથામાં ખલનાયક-વીલન તરીકે ચીતરાયેલો રાક્ષસવંશ-નરેશ રાવણ છે.
બીભત્સ દેખાતા રાક્ષસનો આ અવતાર નથી. પણ રાક્ષસ નામે દ્વીપના કારણે પ્રસિદ્ધ થયેલ રાક્ષસ નામે વંશનો આ એક પવિત્ર માનવ છે. દુર્લંધ્યા નામની નગરીને જીતવા માટે પોતાના ભાઈઓ અને સૈન્ય સાથે ત્યાં આવેલ છે. પણ દુર્લંધ્યા-નરેશ નલકુબેરનામે રાજાએ કિલ્લો બંધ કરાવી કિલ્લાની ચારે બાજુ ૧૦૦ યોજન જેટલી ખાઈ ખોદાવી તેમાં અગ્નિ પ્રગટાવી દીધો છે. આ અગ્નિ વિદ્યાબળ સિવાય શાંત થાય નહીં અને કોઈ દુશ્મન રાજા આ નગરીને જીતી શકે નહીં.
આ સ્થિતિ વચ્ચે કુબેર રાજાની પટરાણી ઉપરંભા રાવણના રૂપ-પરાક્રમથી મોહિત થઈ પોતાની સખી સાથે કહેવડાવે છે કે તેનો અને વિદ્યાનો સ્વીકાર કરો. વિદ્યાબળે ખાઈની આગ શાંત કરો અને પોતાના બાવડાના બળે દબાવી-દબાવીને નારી દેહની આગ શાંત કરો.
પણ રાવણ પરસ્ત્રીથી દૂર રહેનારો એક ઐરાવણ હાથી જેવો પવિત્ર માનવી હતો. તેણે આવું સાંભળી, તરત જ અંદરના કક્ષમાં જઈ પોતાના ભાઈ વિભીષણને કહ્યું, 'જો, આ સ્ત્રીને કહી દે કે રાવણ આવો ગંદો નથી. એઠાં પાત્રમાં પોતાના અંગને અભડાવનારો તે નથી. તું સ્થાન ભૂલી છે.'
દુનિયા ભલે રાવણને માનવના બદલે રાક્ષસ તરીકે ચીતરતી હોય. પણ તેનું ચિત્ર-ચરિત્ર પવિત્ર હતું. એકાદ ભૂલ તો સહુ કોઈથી થાય. તેથી કોઈ ખરાબ નથી બની જતો.
વિભીષણની બુદ્ધિએ અલગ રાહ લીધો. ભાઈ સાથે વિચારણા કરીને સખીને હાં કહી. ઉપરંભા પાસે વિદ્યા મેળવી લીધી. ખાઈની આગ શાંત કરીને નલકુબેરને જીતી લીધો. પોતાનું શરણ સ્વીકારનાર કુબેરને રાવણે છોડી દીધો. અને તેનું રાજ્ય તેનું પાછું સોંપી દીધું.
પછી ઉપરંભાને શિખામણના સૂરમાં રાવણે કહ્યું 'મારા માટે પરસ્ત્રી એ માતા અને બહેન સમાન છે. જ્યારે તમે તો મને વિદ્યા આપવા દ્વારા વિદ્યાગુરુ પણ બન્યા છો. માતા અને બેન સાથે અગમ્ય ક્રીડા ન થાય તો વિદ્યા આપનાર સાથે પણ આવી વાસનાજન્ય ચેષ્ટા ન કરાય. તમે તમારા પતિ સાથે રહો. એમની સેવા કરો. પતિવ્રતા બનજો. જ્યાં ત્યાં આ દેહને અપવિત્ર ના બનાવશો. અને બીજાના દેહને પણ વાસનામાં અપવિત્ર ના બનાવશો.'
રાવણની આ પવિત્રતાને ધ્યાનમાં રાખવી જ રહી.
પ્રભાવના :- અત્યારે દુનિયામાં ૩૦૦ પ્રકારની રામાયણો છે એમાં જૈન જગતની પણ એક વિશિષ્ટ અને શિષ્ટ રામાયણ છે. આ રામાયણના અનુસારે રાવણ એ માનવ જ છે. માથે શિંગડાવાળો કે દસ મોઢાવાળો રાક્ષસ નથી.
આ અવસર્પિણીના બીજા તીર્થકરશ્રી અજિતનાથ ભગવાનના સમયના એક રાજા હતા, નામે શ્રી મેઘવાહન. રાક્ષસનિકાયના ઈન્દ્ર ભીમેન્દ્રે તેને રાક્ષસ નામનો દ્વીપ ભેટ આપ્યો હતો. બસ ત્યારથી તેમનો વંશ રાક્ષસવંશ કહેવાયો. રાવણ પણ આ રાક્ષસકુલ-રાક્ષસવંશમાં થયા છે નહિ કે ૧૦ માથાવાળો રાક્ષસ આકારનો રાક્ષસ.