આત્માનું પતન કરે તે નહિ, આત્માનું ઉત્થાન કરે તે પર્વ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
આત્માનું પતન કરે તે નહિ, આત્માનું ઉત્થાન કરે તે પર્વ 1 - image


- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

ઘીની નદી વહી રહી હતી. 

ચારેકોર જ્યાં જુઓ ત્યાં ઘી જ ઘી. 

લોકો આવતા. કોઈકના હાથમાં ઘીનો ડબ્બો તો કોઈકના હાથમાં ઘીનો ઘડો. કોઈકના હાથમાં ઘીની તપેલી તો કોઈકના હાથમાં ઘીનો વાટકો. જાતજાતના પાત્રમાં ઘી લઈને ભાત ભાતના માણસો આવી રહ્યા હતા અને એ ઘીથી શિવમંદિરમાં શિવલિંગ પર અભિષેક કરતા હતા. 

આજે અહીં એક પર્વ હતું. તેનું નામ હતું - "પવિત્રા-આરોપણ". 

પદ્મિનીખંડ નામના એ નગરમાં વરસમાં આ પર્વ એકવાર આવતું. 'પવિત્રા-આરોપણ' નામના આ પર્વ પવિત્ર એવા ઘીનું આરોપણ શિવજીને કરવામાં આવતું. આજે હજારો માણસો વાસણોમાં ઘી લઈને આવતા અને એ પરમ પર્વ પર પવિત્ર ઘી શિવલિંગ પર અભિષેક રૂપે અર્પણ કરતા.

પછી એ ઘી શિવલિંગ પરથી રેલાતું  રેલાતું આગળ વધવા માંડયું. નદીની જેમ આગળ વધતું ઘી જ્યાં જગ્યા મળતી ત્યાં ફેલાતું જતું હતું. આમ ચારેકોર ઘી ફેલાઈ ગયું હતું.

આ પર્વ પર સાગરદત્ત નામે એક શૈવભક્ત પણ ત્યાં આવ્યો હતો. તેણે પણ શિવલિંગ પર ઘીનો અભિષેક કર્યો અને પછી થોડીવાર ત્યાં જ શિવજીના ધ્યાનમાં ઊભો રહ્યો.

થોડીવારે તેણે આંખો ખોલી. ઘીની નદી તરફ નજર ફેરવી. જ્યાં જ્યાં ઘીની ધાર જતી હતી, ત્યાં તેણે ધારી-ધારીને જોયું. 

ચાલનારા લોકોના પગમાં ઘી આવતું હતું. એટલું જ નહિ, પણ ઘીની સોડમથી આકર્ષાઈને ઉધઈ- કીડી વગેરે જીવ-જંતુઓ પણ ત્યાં આવતા હતા. અને એ બધાં ભક્તોના પગમાં ચગદાઈ રહ્યા હતા.

એણે ધ્યાનથી જોયું. લોકો બે-ધ્યાન બની ચાલી રહ્યા હતા. ઘીનો અભિષેક કરનારા કોઈપણ જીવોનું ધ્યાન જીવ-જંતુઓ પર જતું ન હતું. પરિણામે ઘીની સાથે-સાથે જીવ-જંતુઓ પગ નીચે કચડાઈ મરતા હતા.

સાગરદત્તથી આ જોયું ન ગયું. એ શિવભક્ત હતો, પણ દયાળુ હતો. એ દરેક જીવમાં શિવને જોનારો હતો. શિવજીની પૂજામાં આ હાલતાં-ચાલતાં જીવોની હિંસા એ જોઈ ના શક્યો.

ભગવાનની અભિષેક-પૂજા કરતાં કરતાં જીવોની હિંસા કરીએ તો એ પૂજા લેખે કેવી રીતે લાગે ? અભિષેક દૂધનો હોય, પાણીનો હોય કે ઘીનો હોય, એ તારનારો બનવો જોઈએ, મારનારો નહીં. એમાં વિવેક હોવો જોઈએ, અંધભક્તિ નહીં. ભક્તિમાં શિવ-શક્તિ હોવી જોઈએ અને જીવ-મુક્તિ હોવી જોઈએ, મૃત્યુ નહિ.

કોઈપણ પર્વ આત્માના ઉત્થાન પર્વ માટે થવું જોઈએ. અવિવેક તો આત્માની વિપત્તિ નોંતરનારું છે. આત્માનું પતન કરે તે પર્વ નહીં.

સાગરદત્ત આવી ઉદાત્ત ભાવના સાથે આગળ વધ્યો. લોકોનું ધ્યાન દોરવા માટે તે આગળ આવ્યો. પણ કોઈને કંઈ જ પડી ન હતી. પૂજાની પડાપડી હતી.

દયાલુ સાગરદત્ત હવે આચરણની ભૂમિકા પર આવ્યો. એણે જાતે જીવોને બચાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. ઘીની ધારે ધારે આવતી ઉધઈ-કીડી આદિને કૂણા હાથે ઊંચકતો અને બાજુમાં એક ધારે મૂકી દેતો. એકધારી એની આ પ્રક્રિયા ચાલુ હતી.

ઘણા લોકોને માત્ર ઉપદેશ આપવાની જ ટેવ પડી ગઈ હોય. આમ ધ્યાન રાખો. આમ કરાય. આમ ના કરાય. સાગરદત્ત સમજતો હતો. આવી ભીડમાં કોણ સાંભળવાનું હતું ? કોણ ભળવાનું હતું આ બચાવકાર્યમાં ? સૌને ચીડ હતી અને ઉપદેશમાં ઘણાંને તિરસ્કાર હોય છે.

સાગરદત્ત આ બધું સમજતો હતો. એટલે જાતે જ આ કાર્ય કરી રહ્યો હતો. કોઈ કરે કે ના કરે, મારે જાતે આ કામ કરવું જોઈએ. કોઈ ના કરે તો મારે ના કરવું, એ ધર્મીનો મંત્ર નથી. બીજા શું કરે છે, એ નહીં, મારે શું કરવું જોઈએ, એ જોવાનું કામ ધર્મીનું છે.

સાગરદત્તની આ દયાલુ પ્રવૃતિ કેટલાક રૂઢિચુસ્ત અંધ ભક્તોથી સહન ના થઈ. એ રોષે ભરાયા. તિરસ્કારભરી નજરે એને જોવા લાગ્યા.

'અરે, આ તો જૈન સાધુના રવાડે ચડયો લાગે છે. આવું તે અહીં કાંઈ થતું હશે ? અહીં આવી પ્રક્રિયા કરવાની જરૂર નથી. આને અહીંથી ખસેડો. આ આપણી ભક્તિને આ રીતે વખોડી રહ્યો છે.' આમ બોલીને તેઓ સાગરદત્તની નજીક આવ્યા. સાગરદત્તને એક તરફ ખસેડયો. ધક્કો મારીને બહાર કાઢયો અને સાગરદત્તે જે ઉધઈ વગેરેને એક બાજુ લીધી હતી, તે પગથી ચગદી નાંખી.

સાગરદત્તથી આ જોયું ન ગયું. તેનો દયાલુ આત્મા આશ્રમના આચાર્ય પાસે ગયો. પણ તેમણે પણ તેને કંઈ દાદ ના આપી. એટલે તે ત્યાંથી રવાના થયો.

હવે તે પંચમહાવ્રતધારી સાધુઓના પરિચયમાં આવ્યો. જીવ દયાના પરિણામો વધતા ગયા. સાધુઓને વંદન કરતો, દાન આપતો, અહિંસાની આરાધના કરતો.

પરિણામ એ આવ્યું કે જન્માંતરમાં તે વીસમા ભગવાન શ્રી મુનિસુક્ત સ્વામીની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યો અને સદગતિ સાધી ગયો. તે મૃત્યુ પામીને ય મોક્ષ પામી ગયો.

પ્રભાવના

જીવદયાના સંસ્કાર પહેલા સાગરદત્તનું આયુષ્ય બંધાઈ ગયું હતું. તેથી તે જન્માંતરમાં અશ્વ-ઘોડો બન્યો. પણ જીવદયાના સંસ્કારના પ્રભાવે એને તીર્થંકરનો સમાગમ થયો. ભરૂચમાં તેને ભગવાન મળ્યા.

ભગવાનની દેશના સાંભળ્યા પછી તેનામાં વ્રત-નિયમના પરિણામ જાગ્યા. તેણે ભગવાન પાસે નિયમ લીધો. "કોઈ પણ જીવની હિંસા નહીં કરવી અને અચિત વસ્તુનો ત્યાગ કરવો. એટલે કે લીલું ઘાસ નહીં ખાવું. કાચું પાણી નહીં પીવું."

ઘોડાના આ નિયમથી પ્રભાવિત થયેલા નગરજનો પણ તેને અચિત ઘાસ અને અચિત પાણી આપતા.

ત્યારથી આ ભરૂચતીર્થ "અશ્વાવબોધ તીર્થ" તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યું.


Google NewsGoogle News