Get The App

અત્યંત વિપરિત પરિસ્થિતિ વચ્ચે આચાર્યશ્રીએ કાશીનગરના ચોકમાં ઊભા રહીને વ્યાખ્યાનો આપ્યાં

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
અત્યંત વિપરિત પરિસ્થિતિ વચ્ચે આચાર્યશ્રીએ કાશીનગરના ચોકમાં ઊભા રહીને વ્યાખ્યાનો આપ્યાં 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

મહુવા નગરના પનોતા પુત્ર આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીનું ગુરૂ સ્મૃતિ મંદિર ભૂતકાળની અનેક સ્મૃતિઓ જગાવે છે. વાત તો એવી બની હતી કે આચાર્યશ્રીને એમ થયું કે, 'મારા વ્હાલા વતન મહુવામાં એક પુસ્તકાલય હોવું જરૂરી છે. જ્ઞાનવૃદ્ધિ થાય તો જ તેજસ્વી સાધકો મળે માટે ગ્રંથાલય જરૂરી છે. જ્ઞાનપ્રાપ્તિ માટે પાઠશાળામાં પંડિતો દ્વારા અધ્યાપન થાય તે જરૂરી છે અને આવા એક વિચારમાંથી એવો ભાવ જાગ્યો કે ઠેર ઠેર પુસ્તકાલય અને પાઠશાળાની સ્થાપના થવી જોઈએ.'

આ ભાવનામાંથી આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સ્થાપેલી કેટલીય સંસ્થાઓના બીજનું વાવેતર થયું. આચાર્યશ્રીની એક જ ભાવના હતી કે જેમ અગાઉ ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કાશીમાં જઈને જ્ઞાનોપાર્જન કર્યું હતું. કાશીના દુર્જેય વિદ્વાનોની સભામાં પાંચસો પંડિતોને એકલે હાથે જીતીને એમણે ન્યાયાચાર્યનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં ન્યાય વ્યાકરણ, યોગ અને અધ્યાત્મનાં એકસોથી વધુ ગ્રંથોની રચના કરી હતી. આજે માત્ર 'ઉપાધ્યાયજી' વિશેષણ બોલો એટલે શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયની સ્મૃતિ જાગે છે અને 'ઉપાધ્યાયજીનું વચન છે' એવું કોઈ પણ વચન શાસ્ત્રીય બાબતમાં અંતિમ નિર્ણય ગણાય છે.

આ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી બાર વર્ષ કાશીમાં રહીને ભણ્યા હતા, એ જ રીતે વિદ્યાર્થીઓ અને પોતાના શિષ્યોને કાશીમાં રાખીને ભણાવવા જોઈએ. કારણ એટલું કે એ કાશીનગરમાં ભિન્ન ભિન્ન દર્શનોના અનેક અધ્યાપકો મળે. આ અધ્યાપકો મારા વિદ્યાર્થીઓને દર્શનશાસ્ત્રનો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરાવી શકે. આવા પંડિતો પાસે અભ્યાસ કરવાની તક મળે, તો જ સમાજમાં તેજસ્વી વિદ્વાનોનું નિર્માણ થાય. વિદેશમાં જઈને ધર્મપ્રચાર કરે તેવા તેજસ્વી યુવાનો ઘડવાનો પણ એમનો હેતુ હતો, આથી એમણે ગુજરાતમાંથી બારસો-તેરસો માઈલનો વિહાર કરીને કાશી જવાનું નક્કી કર્યું. આસપાસના ગુજરાતી સમાજે તો હાથ જોડીને વિનંતી કરી, "ગુરૂદેવ, ગુજરાત છોડીને આટલે બધે દૂર જવાની શી જરૂર છે ? વળી ત્યાં ક્યાં કોઈ આપણું પરિચિત છે, આથી આપ ગુજરાતમાં વિહાર કરો, તો આપના આત્માને આનંદ થશે."

પણ આ. શ્રી વિજયધર્મસૂરિજીએ વિનંતીનો અસ્વીકાર કરતાં કહ્યું, "સાધુપુરુષોએ મુશ્કેલીથી ડરી જઈ અમુક સ્થળે ન જવું તે વિચાર અનુચિત છે. મને ચોક્કસ ખાતરી છે કે ત્યાં જવાથી દરેક પ્રકારના લાભ જ થવાના."

એક મંગલ પ્રભાતે આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ છ સાધુઓ અને દસ શિષ્યો સાથે ગુજરાત છોડયું અને તેઓ વિ.સં. ૧૯૫૯ની અક્ષયતૃતીયાએ કાશી પહોંચ્યા. અહીં કોઈ પરિચિત નહોતું. વળી જૈનો પ્રત્યે અને તેમાંય જૈન સાધુઓ પ્રત્યે તો સનાતની પંડિતોમાં ભારે અણગમો અને સૂગ હતાં, આથી રહેવાનું સ્થળ મેળવતાં પારાવાર મુશ્કેલી પડી. માંડ માંડ એક જૂની-પુરાણી ધર્મશાળામાં ઉતારો મળ્યો. ચાંચડ-માંકડ અને જીવજંતુઓનો ત્યાં તોટો નહોતો.

આવી વિપરીત પરિસ્થિતિ હોવા છતાં આ. શ્રી વિજયધર્મસૂરિજીનો નિશ્ચય લેશમાત્ર ડગ્યો નહીં. બીજા જ દિવસે નમતા પહોરે પોતાના શિષ્યોને લઈને નગરના ચોકમાં ઊભા રહીને એમણે વ્યાખ્યાન આપ્યું. હિંદી ભાષા પર પ્રભુત્વ હોવાથી એમનું વ્યાખ્યાન સાંભળવા માટે લોકો એકઠા થતા હતા. એ પછી તો રોજ નમતા પહોરે કાશીના જુદા જુદા લત્તાઓમાં ઊભા રહીને વ્યાખ્યાનો આપવા લાગ્યા અને લોકસમૂહમાં એમને પ્રત્યે ભક્તિભાવ જાગવા લાગ્યો.

લગભગ બસો દિવસના કઠિન વિહાર પછી આચાર્યશ્રી કાશી પહોંચ્યા હતા અને એ સમયે કાશીનું વાતાવરણ આચાર્યશ્રીની સામે મોટા પડકારરૂપ હતું. એના સંસ્કૃત ગણાતા શાસ્ત્રીઓ અને વિદ્વાન પંડિતો પણ પરંપરાગત રીતે જૈન ધર્મ પ્રત્યે ભયંકર પૂર્વગ્રહો ધરાવતા હતા. જૈન મુનિનો વેશ વિચિત્ર લાગે, જૈનો વેદ-ઉપનિષદને માનતા નથી. તે એમને સહેજે પસંદ ન પડે. વળી જૈનો ક્ષુદ્રો, સ્ત્રીઓ, બાહ્ય વર્ણને શાસ્ત્ર શીખવવામાં વિરોધ રાખતા નથી, યજ્ઞા-યાગને માનતા નથી અને ગંગાજીનાં નિર્મળ પાણીને પણ ગાળે છે. આવી બધી માન્યતાને કારણે અત્યંત વિરોધી વાતાવરણમાં આચાર્યશ્રીને કાર્ય કરવું પડયું. સાથે ગુજરાતના કેટલાક લોકોએ ફેલાવેલી અફવાનો અને નિંદાનો પણ સામનો કરવો પડયો, પરંતુ આ પ્રતાપી આચાર્યશ્રીએ કાશીમાં રહીને પોતાની વિદ્વત્તા, વક્તૃત્વ અને પ્રતિભાથી એવો પ્રભાવ પાડયો કે ધીરે ધીરે વિરોધી વાતાવરણ ઓછું થવા લાગ્યું અને તેઓ સર્વત્ર સન્માન પામવા લાગ્યા.

કાશીમાં યશોવિજય પાઠશાળા અને હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરીની સ્થાપના કરી. જૈન ધર્મના બે મહાન ધુરંધરો કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ.નાં નામ કાશીમાં પ્રચલિત કર્યાં અને સાથોસાથ સંસ્કૃત, વ્યાકરણ, કાવ્યાલંકાર, નાટક, જ્યોતિષ, ન્યાય વગેરે વિષયોમાં પોતાના વિદ્યાર્થીઓને પારંગત બનાવવા લાગ્યા. કાશીમાં પ્રવર્તતા જૈનો માટેનાં દ્વેષને દૂર કરવાના ઉપાય રૂપે તેઓ જાહેર સ્થળોએ વ્યાખ્યાન આપવા લાગ્યા, અને એ રીતે જૈન ધર્મનાં ઉત્તમ તત્ત્વોથી સહુને વાકેફ કર્યા.

મધુર અને બુલંદ અવાજ, ગુજરાતી-સંસ્કૃત-પ્રાકૃત તથા હિન્દી ભાષા પરનું પ્રભુત્વ, અનેક શ્લોકો અને કાવ્યપંક્તિઓ કંઠસ્થ હોવાની સાથોસાથ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ વગેરે ધર્મગ્રંથોથી પરિચિત હોવાને કારણે તેઓ કાશીના રાજઘાટ, મણિકર્ણિકા ઘાટ, કંપની બાગ જેવાં જુદાં જુદાં જાહેર સ્થળોએ પહોંચીને એક કલાક સુધી ઊભા ઊભા વ્યાખ્યાન આપતા. આ વ્યાખ્યાનોએ એવી તો ચાહના જગાવી કે હજાર-બે હજારની મેદની થવા લાગી અને સ્વયં કાશીનરેશને સૂરિજીનું વ્યાખ્યાન સાંભળવાની ઉત્સુક્તા જાગી. એ સમયે કાશીનરેશને ખ્યાલ આવ્યો કે જૈન સાધુઓ વાહનનો ઉપયોગ કરતા નથી કે નાવમાં બેસતા નથી, ગાદી-તકિયા સહિત જરિધાન કીમતી આસનનો ઉપયોગ કરતા નથી. આ ત્યાગ-વૈરાગ્ય જોઈને કાશીનરેશ પ્રભાવિત થયા અને જૈન-જૈનેતર સહુને સ્વીકાર્ય બને એવી વાણીમાં ધર્મકથા રજૂ કરી. આ ઘટનાનું પરિણામ એ આવ્યું કાશી-નરેશે પાઠશાળાની મુલાકાત લેવાનું અને આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું. પોતાના વિદ્યાતેજથી વિરોધી વાતાવરણમાં કેવો પલટો આણ્યો !

કાશીના બે વર્ષના નિવાસ દરમિયાન મહારાજશ્રીને વિ.સં. ૧૯૬૨માં યોજાયેલા કુંભમેળા સમયે પંડિત મદનમોહન માલવિયએ સનાતન ધર્મ મહાસભાનું અધિવેશન યોજ્યું હતું, ત્યારે સુરિજીએ 'ધર્મની એક્તા' એ  વિષય પર પ્રવચન આપ્યું ને વાતાવરણમાં એવો પલટો આણ્યો કે અલાહાબાદમાં આર્યસમાજ, ખ્રિસ્તી સમાજ વગેરે સંસ્થાઓએ તેઓશ્રીને જૈન ધર્મનાં વ્યાખ્યાનો માટે નિમંત્રણ આપ્યું. દરભંગાના નરેશે મહારાજશ્રીને પોતાના શિષ્યો સાથે બંગલે પધારવા નિમંત્રણ આપ્યું અને  એમના કાર્યમાં આર્થિક સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી. સમય જતાં કાશીમાંથી શિવપુરીમાં સંસ્થાની સ્થાપના કરી. આ શિવપુરી સંસ્થાએ અનેક વિદ્વાનો અને સર્જકો આપ્યાં અને શિવપુરીમાં પ્રાપ્ત કરેલી વિદ્યાએ ગુજરાતનાં વિદ્યાજગતને તેજસ્વી બનાવ્યું એ વિશે હવે પછી જોઈશું.


Google NewsGoogle News