જ્ઞાનવિમુખ ગુજરાતને એક-એકથી ચડિયાતી સમર્થ વિદ્યાપ્રતિભાઓ આપી!
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
ગુજરાતમાં જ્ઞાન, તત્વદર્શન, સંશોધન અને સાહિત્યના ક્ષેત્રે આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ અનેક વિદ્વાનો આપ્યાં છે. એમના ભવ્ય જીવન અને કવનને દર્શાવતું એક પવિત્ર સ્મારક એમની જન્મભૂમિ પર વિદ્વાન, સંશોધક આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી સર્જાયું. આજે યાદ કરીએ છેક કાશીમાં રહીને ગુજરાતને એક-એકથી ચડિયાતા વિદ્વાનો, વિચારકો અને સંશોધકો આપનાર આચર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજીના આ ભગીરથ વિદ્યાયજ્ઞાને.
ગુજરાતને મળેલી પંડિતવર્યોની ભેટ એ સૂરિજી પાસેથી પ્રાપ્ત થયેલો મહાન વિદ્યાવારસો છે. ભારતીય વિદ્યા, જૈન વિદ્યા અને ભારતીય દર્શનોની વિવિધ શાખાઓના પ્રચંડ અધિકૃત વિદ્વાન અને ભારતના ગૌરવસમા જીવનસાધક મહાપુરુષ પંડિત સુખલાલજીએ સોળ વર્ષની ઉંમરે બળિયાના ભયંકર રોગમાં સપડાઈ જતાં એમની આંખોનું તેજ સદાને માટે હરાઈ ગયું. પંડિતજીએ જ્યારે સાંભળ્યું કે કાશીમાં આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ જૈન વિદ્વાનો તૈયાર કરવા માટે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે, ત્યારે કુટુંબની હજાર ના હોવા છતાં પંડિતજી કાશીમાં ગયા.
અહીં ત્રણ વર્ષમાં અઢાર હજાર શ્લોકપ્રમાણ 'સિદ્વહેમવ્યાકરણ' કંઠસ્થ કરી લીધું. સાથે ન્યાય અને સાહિત્યનો અભ્યાસ પણ કર્યો. મુખ્યમથક કાશીમાં રાખીને અવારનવાર તેઓ નવન્યાયનો અભ્યાસ કરવા માટે મિથિલા પ્રદેશમાં જતા હતા અને આ નવ વર્ષ દરમિયાન પ્યારા વતનથી દૂર રહીને તેઓ વ્યાકરણ, કાવ્ય, કોશ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રના સમર્થ વિદ્વાન બની ગયા. દર્શન અને તત્વજ્ઞાનના પારગામી પંડિત બની ગયા અને પંડિતજી પાસેથી આપણને શ્રી દલસુખભાઈ માલવણિયા, શ્રી પદ્મનાભ જૈની, ઈંદુબહેન ઝવેરી જેવા અનેક વિદ્વાનો પ્રાપ્ત થયા. પંડિત સુખલાલજીએ 'પ્રમાણમીમાંસા' ગ્રંથ સૂરિજીને અર્પણ કરતાં લખ્યું,
विधाप्रचारचित्ताय, विजयधर्मसूरये ।
मह्दिधामूलमंत्राय, कुर्वे सादरमर्पणम् ।।
વિદ્યાપ્રચાર એ જ જેમની ઝંખના હતી અને મને પણ જેમની પાસેથી વિદ્યાનો મૂળ મંત્ર મળ્યો. તેમને વિજયધર્મસૂરિને આ ગ્રંથ આદરપૂર્વક અર્પણ કરું છું.
વિરલ વિદ્યાપ્રતિભા શ્રી બેચરદાસ જીવરાજ દોશી પોતાની વિદ્યાની ઝંખના પૂરી કરવા માટે કાશીમાં બે વર્ષ રહ્યા. અહીં સ્વ. હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં ગ્રંથસંપાદનનું કાર્ય શરૂ કર્યું. આ પુસ્તકો કોલકાતાની સંસ્કૃત કોલેજની તીર્થની પરીક્ષામાં અભ્યાસક્રમમાં હતા અને પંડિત બેચરદાસજીએ પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં નિપુણતા મેળવી. સૂરિજીએ એમને અને પંડિત હરગોવિંદદાસજીને પાલિ ભાષા શીખવા માટે શ્રીલંકા મોકલ્યા અને આઠ મહિના અભ્યાસ કરી પાછા કાશી આવી યશોવિજય ગ્રંથમાળાના પ્રાચીન ગ્રંથોનું સંપાદનનું કામ કર્યું. તેમની પાસે પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, પાલિ ભાષા પરનું અસાધારણ પ્રભુત્વ અને જે સત્ય હોય તેને મૂળ સ્વરૂપે રજૂ કરવાના ક્રાંતિકારી વલણને લીધે તેમણે શરૂ કરેલ આગમોને પ્રકાશિત કરવાનો અને તેના અનુવાદો પ્રસિદ્ધ કરવાનો માર્ગ સમાજ માટે ખૂલી ગયો. વળી તેઓએ પંડિત હરગોવિંદદાસ સાથે રહીને એમણે યશોવિજય જૈન ગ્રંથમાળાનાં સોળ પુસ્તકોનું સંપાદન કર્યું. આ જ કાશીની પાઠશાળાએ પંડિત હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠ જેવા વિદ્વાનો આપ્યા. જેમણે સંસ્કૃત, પ્રાકૃતના અનેક ગ્રંથોનું સંશોધન કરીને જૈન સાહિત્યમાં મહત્વનું પ્રદાન કર્યું. યશોવિજય પાઠશાળામાં તૈયાર થયેલા આ વિદ્યા સુવાસિત પુષ્પએ ઘણાં વર્ષો કોલકાતામાં રહીને અધ્યાપનકાર્ય કર્યું. 'સુરસુંદરી ચરિયમ્' અને 'સુપાસનાહ ચરિયમ્' જેવા પ્રાકૃત ગ્રંથોનું સંશોધન કર્યું.
'હરિભદ્રસૂરિચરિત્ર'ના કર્તા યશોવિજય જૈન ગ્રંથમાળા અને જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાળાના સંપાદક, ન્યાય-વ્યાકરણ તીર્થ પંડિત હરગોવિંદદાસ શેઠનો કોશકાર તરીકેનો ભગીરથ વિદ્યા-પુરુષાર્થ છે. એમણે પ્રાકૃત શબ્દ, તેના સંસ્કૃત સમાન શબ્દો, હિન્દી ભાષામાં અર્થ તેમજ પ્રાકૃત ગ્રંથોમાંથી તે અર્થને દર્શાવતાં અવતરણો તે-તે ગ્રંથની નોંધ સહિત એકત્રિત કર્યાં છે અને ત્રણ ભાગમાં પ્રાકૃત શબ્દકોશ પ્રગટ કર્યો.
આ પૂર્વે ડો.સ્વાલિએ એમ કહ્યું હતું કે, 'પ્રાકૃત, સંસ્કૃત કે અંગ્રેજીમાં કરી આપવા માટે દસ હજાર રૂપિયા જોઈએ, પરંતુ એ સમયે કોઈએ આ રકમ આપવા તૈયારી બતાવી નહોતી, પરંતુ પંડિત હરગોવિંદદાસ શેઠે જાતે પ્રાકૃતકોશનું કાર્ય કરીને તે પ્રગટ કર્યું હતું.' આમાં અનેક પ્રગટ અને અપ્રગટ પ્રાકૃત ગ્રંથોનો ઉપયોગ એમણે કર્યો હતો અને એ સમયે મનાતું કે આવું ભગીરથ કામ તો માત્ર યુરોપિયન સ્કોલર જ કરી શકે એ એમણે કરી બતાવ્યું હતું.
આ શબ્દકોશ पाइअ-सद्-महण्णवो (प्राकर्त-शब्द-महापर्वः) વિશે પંડિત બેચરદાસ દોશીએ કહ્યું છે કે, 'આ કોશ પંડિત હરગોવિંદદાસની વિજય પ્રશસ્તિ છે. એમણે આ મહાભારત કાર્ય કરી, બહાર પાડી પ્રાકૃતના અભ્યાસીઓને ઉપકૃત કરેલ છે અને ભવિષ્યની પ્રજાને અમૂલ્ય વારસો આપ્યો છે.'
પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને જેમનો પ્રત્યક્ષપણે ગાઢ પરિચય હતો એવા શ્રી રતિલાલ દેસાઈએ પણ વીરતત્વ પ્રકાશક મંડળની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો. શિવપુરી સંસ્થાએ એમને 'તાર્કિક શિરોમણિ' ની પદવી આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ એમણે કહ્યું કે, 'આ પદવીને હું લાયક નથી, માટે સ્વીકારી શકું તેમ નથી.' કિંતુ એમની વિદ્યાપ્રીતિની પ્રતીતિ અનુભવનારી સંસ્થાએ એમને 'તર્કભૂષણ' ની પદવી તો આપી જ.
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લગભગ પોણા બત્રીસ વર્ષ સુધી 'જૈન' સાપ્તાહિકમાં તંત્રીલેખ, સામયિક સ્ફુરણ, મણકો જેવા વિભાગો લખ્યા અને એમની તેજદાર કલમને કારણે 'જૈન' પત્ર વાચકવર્ગમાં અને સમાજમાં ઘણો આદર પામ્યું હતું. એવી જ રીતે એક લેખક તરીકે પણ એમણે દસ વાર્તાસંગ્રહો આપ્યા તેમજ કેટલાંક મહત્વનાં સંપાદનો પણ કર્યાં. એક પત્રકાર અને લેખક તરીકે સંશોધકવૃત્તિ, મૂલ્યાંકનલક્ષી બુદ્ધિ, પૂર્વગ્રહરહિત વિચારો અને માનવધર્મ પ્રસ્થાપિત કરવાની ઝંખના વગેરે દ્વારા શિવપુરી સંસ્થાના આ વિદ્યાર્થીને જૈન સમાજમા ંએક પ્રખર વિચારક તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આવી જ રીતે આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) દ્વારા પ્રેરિત પાલિતાણાના ગુરુકુળમાં પણ શ્રી શાંતિલાલ સાઠંબાકર જેવા જૈન સાહિત્યના વિદ્વાનો આપણને પ્રાપ્ત થયા છે. આવાં તો અનેક વિદ્યા-રત્નો આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલી સંસ્થાઓએ ગુજરાતને ભેટ આપ્યાં છે અને એ જ રીતે દેશનાં અન્ય રાજ્યોને પણ ભેટ આપ્યાં છે.
'માત્ર મહુવામાં એક સરસ પુસ્તકાલય હોવું જોઈએ. શ્રાવકોમાં તેજ આણવું હોય તો એમનામાં જ્ઞાનવૃદ્ધિ થવી જોઈએ અને જ્ઞાનવૃદ્ધિ કરાવવી હોય તો તેવા ગ્રંથો ગ્રંથાલય દ્વારા સુલભ થવા જોઈએ અને પાઠશાળાઓમાં પંડિતો દ્વારા એનું અધ્યયન થવું જોઈએ અને તેથી ઠેર ઠેર પુસ્તકાલય અને પાઠશાળાની સ્થાપના થવી જોઈએ.'
આવા એક વિચારબીજથી આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સ્થાપેલ સંસ્થાઓનું બીજ નખાયું અને એક જ ભાવના કે જેમ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી બાર વર્ષ કાશીમાં રહીને ભણ્યા હતા, એ જ રીતે વિદ્યાર્થીઓ અને પોતાના શિષ્યોને કાશીમાં રાખીને ભણાવવા જોઈએ. કારણ એટલું કે એ કાશીનગરીમાં ભિન્ન ભિન્ન દર્શનોના અનેક અધ્યાપકો મળે અને અહીં એક નવીન ઘટનાનો પ્રારંભ થાય છે, વિદ્યાપુરુષાર્થની મહાન ઘડી સર્જાય છે.