મિચ્છા મિ દુક્કડમ્ .
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
ધરા ધખધખી રહી હતી. ધોમધખતો બપોર હતો. ગૌતમસ્વામી અડવાણે પગે અને ઉઘાડે મસ્તકે ભિક્ષા વહોરીને પાછા ફરતા હતા. દિગ્દિગંતવિજયી ગૌતમના મુખ પર નમ્રતા તરવરતી હતી. જ્ઞાાનનો ગર્વ ગળાઈ ગયો હતો. 'મારું એ સાચું'ના બદલે 'સાચું એ મારું'માં માનનારા મહાવીરના આ પરમ શિષ્ય હતા. આ સમયે ભગવાન મહાવીર વાણિજ્યગ્રામના એક ચૈત્યમાં ઊતર્યા હતા.
ગૌતમસ્વામી લબ્ધિઓના ભંડાર હતા તેમ છતાં ક્યારેય પોતાની સિદ્ધિઓનો ગર્વ એમને સ્પર્શી શક્યો ન હતો. ચાર જ્ઞાાનના ધારક, અનેક વિદ્યાના પારંગત અને મહાપંડિત હોવા છતાં પાંડિત્યનો ગર્વ એમણે ક્યારેય અનુભવ્યો ન હતો. વિશાળ ધર્મસંઘના સમર્થ નાયક હોવા છતાં નમ્રતાના નખશિખ આરાધક હતા. એમની સાધનામાં આત્મદર્શનની ઉત્કટ તાલાવેલી હતી. તેઓ સતત વિચાર કરતા કે ક્યારે હું પૂર્ણ વીતરાગ બનું, ક્યારે મને મોક્ષની પ્રાપ્તિ થાય. સમતા, સત્ય અને સમન્વયનો સુમેળ સાધવાની ભગવાન મહાવીરની કળા ગૌતમસ્વામીમાં સોળે કળાએ ખીલી ઊઠી હતી.
ધોરી માર્ગ વીંધીને ચાલ્યા જતા ગૌતમસ્વામીને ખબર મળી કે ભગવાન મહાવીરના ગૃહસ્થ શિષ્ય આનંદ મૃત્યુપર્યંતનું અનશન ધારણ કરીને દર્ભની પથારીએ પોઢયા છે. ભગવાન મહાવીરની જેમ જ્ઞાાતૃવંશનો ક્ષત્રિય આનંદ વાણિજ્યગ્રામના કોલ્લાકસન્નિવેશ નામના પરામાં રહેતો હતો. આનંદ અને એની પત્ની શિવાનંદાનું ગૃહજીવન અત્યંત સુખી હતું અને બંને ભગવાન મહાવીરના ધર્મના અનુરાગી હતા. ગૃહસ્થ આનંદને સમજાયું કે એ ભગવાન મહાવીરના સંઘના મુનિઓ જેવું ઉગ્ર તપ, ત્યાગ, સંયમ કે વૈરાગ્યનું ઉત્કટ પાલન કરી શકે તેમ નથી. તેથી ભગવાન પાસે એ ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતો સ્વીકારે છે અને એના જીવનની આરાધનામાં વધુ ને વધુ ઉત્કટતા સાધે છે. શ્રાવકધર્મ સ્વીકાર્યાને વીસ વર્ષ વીતી ગયાં પછી આનંદ શ્રાવકે એક દિવસ ભૌતિક સમૃદ્ધિ અને સાંસારિક સંબંધોનો ત્યાગ કર્યો. પોતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો અને વેપારનો સઘળો ભાર સોંપીને તેઓ પૌષધશાળામાં જઈને વિવિધ તપશ્ચર્યાઓ કરવા લાગ્યા. પોતાના આત્માને વધુ ને વધુ નિર્મળ બનાવતા હતા. આત્માની અમરતા અને દેહની નશ્વરતા એને બરાબર સમજાઈ હતી. આખાય વાણિજ્યગ્રામમાં આનંદ શ્રાવકની અંતિમ સાધનાની વાત ફેલાઈ હતી. દયાના અવતાર ગૌતમ અઢાર કોટિ હિરણ્યના સ્વામી, દશ હજાર ગાયોવાળા છ-છ વ્રજના માલિક આનંદ શ્રાવકને શાતા પૂછવા ગયા. મહાવીરના આ પટ્ટશિષ્યને જોઈને આનંદે વંદન કર્યાં અને પૂછયું,
"ભગવન્, કોઈ ગૃહસ્થને અવધિજ્ઞાાન થઈ શકે છે ખરું ?"
"જરૂર. શ્રમણોપાસકને ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાં પણ ત્રીજું મહાજ્ઞાાન - અવધિજ્ઞાાન થઈ શકે છે."
આ સાંભળીને આનંદના ચહેરા પર તેજ પ્રગટી રહ્યું. એણે કહ્યું, "ભગવન્, મને તેવું અવધિજ્ઞાાન થયું છે. તેને કારણે અહીં બેઠાં બેઠાં હું પૂર્વ-પશ્ચિમ ને દક્ષિણમાં લવણ સમુદ્રમાં પચાસ જોજન સુધી જોઈ શકું છું. ઉપર આકાશમાં સૌધર્મકલ્પ સુધી અને નીચે પાતાળમાં લોલચ્ચુઅ નરકાવાસ સુધીના તમામ પદાર્થ હું પ્રત્યક્ષ જાણી શકું છું."
આનંદના અવાજમાં અનુભૂતિનો રણકો હતો. એમની આસપાસ ટોળે વળેલાં પરિવારજનો તેમની વાત આશ્ચર્યથી સાંભળી રહ્યાં. લબ્ધિના ભંડાર ગૌતમસ્વામી થોડી વાર વિચારમાં પડી ગયા ને બોલ્યા, "આનંદ, શ્રાવકને અવધિજ્ઞાાન થઈ શકે ખરું. પરંતુ તમે કહો છો તેટલું દૂરગ્રાહી હોઈ શકતું નથી. તમે ભ્રાંતકથન કર્યું છે. આવા કથન માટે તમારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ."
શ્રાવક આનંદને પોતાના દર્શનમાં દૃઢ શ્રદ્ધા હતી. એમણે કહ્યું, "ભગવન્, પ્રભુ મહાવીરના શાસનમાં સત્ય બોલનાર માટે પ્રાયશ્ચિત છે ખરું ?"
"ના."
"તો પછી આપે જ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે. આપે જ અસત્ય કથન કર્યું." આનંદે આત્મવિશ્વાસથી કહ્યું.
શ્રમણોપાસકના આ વિધાને ગુરૂ ગૌતમને ક્ષણભર વિમાસણમાં નાખી દીધા. લોકો કહેવા લાગ્યા કે આનંદે નાને મોઢે મોટી વાત કરી. ક્યાં સાધુશ્રેષ્ઠ ગૌતમ ને ક્યાં ગૃહસ્થ આનંદ ! અરે ! સાગર એ સાગર ને સરોવર એ સરોવર ! ગુરૂ ગૌતમ જ્ઞાાનસાગર છે. સરોવરને પાળ હોય, પણ સાગરને તે કંઈ પાળ હોય ?
મહાન ગણધર ગૌતમને સત્યનિર્ણયની ભારે તાલાવેલી લાગી. એમણે તરત જ ભગવાન મહાવીર પાસે જઈને આખી ઘટના કહી અને પ્રાર્થના કરી, "હે ભગવન્, આ વિષયમાં કોણે પ્રાયશ્ચિત્ત કરવું ઘટે ? મારે કે આનંદને?"
સત્યના મહાન સમર્થક અને પ્રરૂપક મહાવીરે લેશમાત્ર થોભ્યા વિના કહ્યું, "ગૌતમ, આ બાબતમાં તમારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. શ્રાવક આનંદ પાસે વેળાસર ક્ષમા યાચી લેવી જોઈએ."
વનનાં તમામ ઝાડવાંને તોફાની વાવંટોળ ઘડીભર ધ્રુજાવી નાખે, તેમ વાતાવરણમાં ધ્રુજારી પ્રસરી રહી. કેવો નિર્ણય ! ખુદ પ્રભુ પોતાના પટધરને ક્ષમા માગવાનું કહે ! ન શેહ, ન શરમ રાખી ! કદાચ જ્ઞાાની ગૌતમ ભૂલ્યા હોય, તો ખાનગીમાં પ્રાયશ્ચિત્ત આપે, પણ એક શ્રાવક પાસે જઈને ક્ષમાયાચના માગવાની ! અસંભવ ! અશક્ય ! ક્યાં ગૌતમ અને ક્યાં આનંદ ! ધર્મકર્મમાં થોડું સમજનારો એક શ્રાવક ક્યાં અને ધર્મકર્મના સિદ્ધાંતોના સાગર મહાજ્ઞાાની ગૌતમ ક્યાં ?
દુનિયા દેખતી રહી અને ગર્વ, અહમ્ ને અભિમાન જીતી ચૂકેલા ગૌતમ તો સીધા આનંદ પાસે ગયા ને કહ્યું, "આનંદ, તમે સાચા. મારા અસત્ય વિધાન માટે હું મિચ્છા મિ દુક્કડં માગું છું."
આનંદની આંખમાંથી આંસુની ધારા વહેલા લાગી. એણે બે હાથ જોડીને કહ્યું, "પ્રભુ ! મારી છેલ્લી ઘડી ઉજાળી ! જ્ઞાાનીને શોભતી કેટલી ભવ્ય નમ્રતા ! ભવોભવ અલભ્ય એવી કેવી લઘુતા ! જય ! પ્રભુ મહાવીરનો જય ! જ્ઞાાની ગૌતમનો જય !" ગૌતમસ્વામીનું હૃદય ભગવાન મહાવીર પ્રત્યે કૃતજ્ઞાતાથી ગદ્ગદ બની ગયું. કેવા કરૂણાસાગર ! એમણે પક્ષપાત રહિત બનીને અને સાચું દર્શન આપીને મને ઉગારી લીધો. આ રીતે ગુરૂ ગૌતમસ્વામીનું ચિત્ત સત્યપ્રાપ્તિનો આહ્લાદ અનુભવી રહ્યું.