શ્રુતજ્ઞાનનાં સાગરનાં લાખેણાં મોતી .
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
શાસ્ત્રની ગહનતા પામ્યા વિના શાસ્ત્રના હૃદય પાસે પહોંચી શકાતું નથી. શાસ્ત્રોમાં મળતાં સૂત્રો કે વાક્યોનો જો ઊંડો અને સર્વવ્યાપી અભ્યાસ ન હોય તો ઘણીવાર એનો સાવ વિરુધ્ધ અર્થ તારવવામાં આવે છે. આને પરિણામે શાસ્ત્રનાં અભ્યાસીઓને, ગ્રંથનાં રહસ્યો ઉકેલનારને અને આવનારી પેઢીને કાં તો આવી વાત સમજાતી નથી અથવા તો એ અંગે શંકા ઉભી થાય છે અને પરિણામે એ શાસ્ત્રના કે શ્રુતજ્ઞાનના ગંભીર રહસ્યને પામી શક્તો નથી.
સેંકડો ગ્રંથરત્નોમાં આ સિદ્ધાંતોનું આલેખન થયું હોય છે. અનેક પદાર્થો અને વિષયો પર જૈન ધર્મના પૂર્વાચાર્યોએ ગ્રંથ-રચના કરી છે. એ સઘળાં ગ્રંથોમાં રહેલા તત્વોને સંગ્રહિત કરીને હિત તારવવાનો અને એનો યથાયોગ્ય મર્મ આપવાનો યત્ન ' આર્યયુગ' ગ્રંથ દ્વારા કરવામાં આવ્યો છે. આપણા સમયનો આ એક મહત્ત્વનો શ્રુતપુરુષાર્થ છે, જેને પરિણામે અધ્યાત્મ જિજ્ઞાસુને સાચી સમજ પ્રાપ્ત થશે. સાધુ-સાધ્વીજી, શ્રુતપ્રેમીઓ, ધર્મપ્રેમીઓ, વિદ્વાનો અને અન્ય જિજ્ઞાસુઓને સિદ્ધાંતના સત્યનું દર્શન થશે અને એમની આત્મસાધનામાં ઉપયોગી બનશે.
શ્રુતરક્ષાનાં આ કાર્યમાં અત્યાર સુધીમાં 'ગીતાર્થ ગંગા' સંસ્થા દ્વારા પચીસ લાખ માનવ કલાકો વપરાયા છે. ત્રેવીસસોથી વધારે ગ્રંથોનાં પદાર્થોનું વિવિધ દૃષ્ટિએ તત્ત્વમંથન કરાયું છે. અગાધ પંચાગી શાસ્ત્રો અને પૂર્વોચાર્યો રચિત અનેક ગ્રંથરત્નોનું તત્ત્વમંથન કરીને એનું નવનીત તારવવામાં આવ્યું છે.
આ રીતે છેલ્લાં બત્રીસ વર્ષથી કાર્યરત એવી 'ગીતાર્થ ગંગા' સંસ્થાએ એના પ્રથમ ગ્રંથમાં ચાર મુખ્ય વિષયોની વ્યાખ્યા, લક્ષણ અને સ્વરૂપ વગેરે આઠ દૃષ્ટિઓથી તારવીને આલેખ્યા છે. લોકભોગ્ય શૈલીમાં એને રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હકીકતમાં તો આ 'આર્યયુગ' સંક્ષિપ્ત વિષયકોશ ૧૦૮ જેટલાં વિષયો અને તેનાં ૧૫૦૦૦ જેટલાં ઉપવિષયોનો સંક્ષેપમાં તૈયાર કરવાનો મહાપુરુષાર્થ કરે છે. પ્રત્યેક વિષયનો વ્યુત્પત્તિ અર્થ, વ્યાખ્યા, વિકલ્પવાચી, સ્વરૂપ, જુદાં જુદાં ગ્રંથોમાંથી તારવીને બતાવે છે. શાસ્ત્રીય અર્થોને સૂક્ષ્મ પાસાંઓથી સંકલિત કરવાનું પ.પૂ. મોહજિતવિજયજી મહારાજના સમુદાયના આચાર્યશ્રી યુગભૂષણસૂરિજી મહારાજે આ ભગીરથ કાર્ય કરવાનું બીડું ઝડપ્યું અને એની ફલશ્રુતિ રૂપે ૨૭ ભાગોમાં પ્રગટ થનારી આ યોજનાનો પ્રથમ ભાગ આપણને પ્રાપ્ત થયો છે, એ આ મહાનકાર્યની સહુને ઝાંખી કરાવે તેવો છે. આનું સંકલન મુનિ નયજીતવિજયજી તથા મુનિ સૌમ્યજીતવિજયજીએ કર્યું છે. જ્યોતિભાઈ શાહ, વિનિત ભંડારી અને પ્રેક્ષા નિરવભાઈ શાહ વગેરે વ્યક્તિઓએ આમાં ઉમદા સહયોગ આપ્યો છે.
વિશેષ તો દરેક ઉપવિષયને અંતે એનો ગુજરાતી અને હિન્દીમાં સાર આપવામાં આવ્યો છે. આ સાર એ હકીકતમાં તો અભ્યાસીને માટે દિશાદર્શક અને મૂળગામી છે. વાચકોને એનો ખ્યાલ આમાં ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત રૂપે આપેલા લખાણથી પણ આવી શકે. આપણે જે માનીએ છીએ અને શાસ્ત્રમાં કેવી જુદી વાત કરી છે એ દર્શાવતાં થોડાંક શ્રુતમોતી જોઈએ. એના દ્વારા જૈન ધર્મની સૂક્ષ્મતાનો ખ્યાલ આવશે. આજના સમયમાં પ્રવર્તમાન એવા કેટલાંક ખ્યાલો અને હકીકતમાં લખાયેલા ધર્મસિદ્ધાંતોનો ભેદ તો અહીં 'આર્યયુગ'માં એ વિષયની આપેલી સમજણમાંથી તમે પામી શક્શો.
કલહ
કોઈ વ્યક્તિ ન ગમતું વર્તન કરે ત્યારે સ્વાર્થથી કષાયને વશ થઈ તેની સામે અસભ્ય ભાષામાં બોલવું, અસભ્ય વર્તન કરવું, ઝઘડવું વગેરે કલહ કહેવાય છે. સામાન્યથી આ રીતે વર્તવું તે ક્રોધ જેવું જ લાગે, પરંતુ કલહ તે ક્રોધ પછીની અવસ્થા છે. પ્રતિકૂળતા આપનાર ઉપર અકળામણનો ભાવ થાય તે ક્રોધ છે, જ્યારે અકળામણથી આગળ વધીને તેની સાથે ઝઘડો થાય, ગમે તેમ બોલે ત્યારે તે કલહ કહેવાય છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે જે ઘરમાં કલહ હોય ત્યાં લક્ષ્મીનો વાસ ન હોય. કલહ જ્યારે અસહિષ્ણુતા, મૃષાવાદ, માયા, અસભ્યતા, દ્વેષ, માન આદિ અનેક દોષોને જન્મ આપનાર બને, ત્યારે તે કલહ જ પાપનું સ્થાન એટલે કે કલહપાપસ્થાનક કહેવાય છે.
ક્રોધ
ભૌતિક સ્વાર્થની પૂર્તિ ન થાય ત્યારે સામેવાળા પ્રત્યે ગુસ્સો આવે, અકળામણ થાય તેને ક્રોધ કહેવાય છે. ક્રોધમાં સામાન્ય રીતે બીજાને નુકસાન પહોંચાડવાનો, બીજાનું ખરાબ કરવાનો ભાવ ગર્ભિત રીતે રહેલો હોય છે. ક્રોધ સામી વ્યક્તિને બાળે કે ન બાળે, પણ પોતાના આત્માને તો અવશ્ય બાળે છે. ગૌભદ્ર બ્રાહ્મણ આદિ ઉત્તમ મુનિઓના પણ પતનનું કારણ ક્રોધ બન્યો છે. ક્રોધ સંયમનો ઘાત કરનાર છે, નરકનું દ્વાર છે, બોધનો નિરોધ કરનાર છે, આથી શાસ્ત્રોમાં તેની ઘણી નિંદા કરી છે, ક્રોધથી જ્યારે દ્વેષ, અહંકાર, અસહિષ્ણુતા, ક્રૂરતા, હિંસા આદિ દોષો ઉત્પન્ન થાય ત્યારે તે પાપોનું સ્થાન એટલે કે ક્રોધપાપસ્થાનક બને છે.
કામરાગ
મનગમતા રૂપ આદિ પાંચ ઇન્દ્રિયોના વિષયો અથવા સ્ત્રી આદિને વિષે થતી પ્રીતિ કે અભિષ્વંગ તે કામરાગ છે. કામરાગમાં અંધ થયેલા જીવો વાસ્તવિકતાને તો જોઈ શકતા નથી, પરંતુ ઊંઘુ જુએ છે, દા.ત. સ્ત્રીઓના અશુચિમય શરીરના અંગોને ચન્દ્ર, કમળ આદિરૂપે જુએ છે અને તેમાં મોહિત થાય છે. તેઓ તે તે અંગોના પારમાર્થિક સ્વરૂપને વિચારતા નથી. ભલભલા માંધાતાઓ પણ પાંચ ઇન્દ્રિયોના વિષયો અને સ્ત્રીના રાગથી પતન પામીને બધું ગુમાવે છે, તે પ્રત્યક્ષ જ છે. વળી, કામમાં આસક્ત જીવો ઉત્સુક અને ભયભીત હોય છે. સંતોષ અને અજંપાથી દુ:ખી થાય છે. કામરાગને સંસારનું મૂળ કહ્યું છે. અનિત્ય આદિ બાર ભાવનાઓથી ભાવિત થઈને વૈરાગ્ય દ્વારા તેને ભેદી શકાય છે.
દૃષ્ટિરાગ
નિહ્નવો, કુવાદીઓ કે કુપ્રાવચનિકો આદિનો જે પોતાનો મત, પંથ, સંપ્રદાય પ્રત્યેનો જે પક્ષપાત, રાગ અથવા ગાઢ અભિનિવેશ છે, તે દૃષ્ટિરાગ છે. તેમજ આતત્ત્વનો, પોતે માનેલી વાતનો, પોતાના અભિપ્રાયનો તથા પોતાના દોષોનો આગ્રહ તે પણ દૃષ્ટિરાગ જ છે. દૃષ્ટિરાગને વશ જીવો સાર-અસાર, તત્વ-અતત્વનો વિચાર કરી શકતા નથી. પોતાની વાતને જ સાચી માને છે અને તેના પર રાગ કરે છે. બીજાની વાતને ખોટી માને છે અને તેની નિંદા પણ કરે છે. પોતે તો અતત્ત્વના માર્ગે ચાલે છે, સાથે અનેક મુગ્ધજીવોને પણ તે માર્ગે લઈ જઈ, તેમના પતનનું કારણ બને છે અને તે રીતે તેઓ સ્વ-પરના અનંતસંસારનું કારણ બને છે. દૃષ્ટિરાગી જીવો અન્યદર્શન પ્રત્યે માત્સર્યભાવ તથા અસહિષ્ણુતાના કારણે મધ્યસ્થતા ગુણથી ઘણાં દૂર રહે છે. સર્વ રાગોમાં દૃષ્ટિરાગ ઘણી મહેનતે કાઢી શકાય તેવો છે.
દ્રવ્યરાગ
જિનશાસનમાં કોઈપણ શબ્દનું નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપાના આધારે વર્ણન કરવામાં આવે છે. પ્રસ્તુતમાં 'રાગ' શબ્દને દ્રવ્યનિક્ષેપના આધારે સમજાવ્યો છે. જેના વડે રંગાય તે રાગ. પદાર્થને રંગવામાં કામ લાગે તેવા હળદર આદિ રંગ તે દ્રવ્યરાગ કહેવાય. આત્મિક દૃષ્ટિએ, આત્મામાં રાગના પરિણામનું કારણ બને તેવું રાગવેદનીયકર્મ પણ દ્રવ્યરાગ કહેવાય. આ કર્મરૂપ દ્રવ્યરાગના સામાન્યથી ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે. બંધપરિણામને અભિમુખ કર્મપુદ્ગલે, બધ્યમાન કર્મપુદ્ગલો, બદ્ધ કર્મપુદ્ગલો અને ઉદીરણાઆવલિકાને પામેલા કર્મપુદ્ગલો. આ રાગવેદનીયકર્મ આત્મામાં રાગ પેદા કરી પદાર્થ ઉપર ગમો પેદા કરાવવાની શક્તિ ધરાવે છે.
સામાન્ય રીતે સમાજમાં જે વિચારો પ્રવર્તતા હોય છે, તે ક્યારેક ઉપરછલ્લાં હોય છે અને તેથી જ આવું શ્રુતજ્ઞાન ધર્મના મૂળ સુધી લઈ જાય છે અને એના પર રચાયેલાં સિદ્ધાંતનો ખ્યાલ આપે છે. ' આર્યયુગ'ની ગ્રંથશ્રેણી દ્વારા ભવિષ્યમાં અનેક તાત્ત્વિક વિષયોનો વાસ્તવિક અને પ્રમાણિત અર્થ સહુને પ્રાપ્ત થશે.