યોગી મહાવીરનાં કરુણાભીનાં લોચનને છેડે આંસુ આવ્યાં!

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
યોગી મહાવીરનાં કરુણાભીનાં લોચનને છેડે આંસુ આવ્યાં! 1 - image


- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ

યો ગી મહાવીરના દેહ પર વસ્ત્ર નથી, પૃથ્વી પર બિછાનું નથી. હાથમાં પાત્ર નથી. મિત્ર પ્રત્યે મહોબત નથી. શત્રુ પ્રત્યે શત્રુતા નથી. ફુલ ને કાંટા પર સમાન પ્યાર છે. પોતાની કોઈ રૂપે પણ પિછાન આપવાનો જ ઈન્કાર છે. માનવ માનવને ખાય એવા પ્રદેશમાં આ ધર્મચક્રવર્તી જાય છે, ને અહિંસાનો દિગ્વિજય સાધી પાછા ફરે છે ! કરુણા અને પ્રેમ પાસે સંસારની સર્વ તાકાતનો એ છેદ ઉડાવી દે છે ! આત્મશક્તિ પાસે સંસારની સર્વ શક્તિઓને શરણાગતિ લેવરાવે છે.

સ્વર્ગના રાજાધિરાજ ઈન્દ્ર માનવગાથાઓ ગાવાના અને માનવયશના વંદનના રસિયા છે. એમણે મહાયોગી મહાવીરની પ્રશસ્તિ કરતા કહ્યું કે,  'દેવોને પણ નમવા યોગ્ય એક નવરત્ન અત્યારે પૃથ્વી પર વિચરે છે. હું એ મહાનરત્ન મહાપ્રભુ મહાવીરને નમું છું, વંદુ છું, સ્તવું છું. એ મહાયોગી, મહાધ્યાનીને પોતાના ધ્યાનમાંથી, પોતાના નિર્ધારમાંથી ચળાવવા માટે મનુષ્ય, પશુ, પ્રાણી, રાક્ષસ, યક્ષ, અસુર કે ખુદ દેવતાઓ કે દેવતાઓનો રાજા પણ સમર્થ નથી !ત્ત્

આખી દેવસભા આ પ્રશસ્તિ સાંભળી રહી અને સ્વર્ગમાં બેઠી બેઠી પૃથ્વીના પટ પર વિહરતા એ મહામાનવને વંદી રહી. આ વખતે દેવોની અસ્મિતાનો આગ્રહી, સંગમ નામનો દેવ કહે છે કે, 'ઈન્દ્રરાજે રાઈનો પહાડ કર્યો, એ મોટાની મોટાઈ છે. હવે હું એ પહાડની રાઈ કરીને દેવોને બતાવીશ. એ રીતે દેવલોકની અસ્મિતા જાળવીશ.' એ વખતે જ સ્વર્ગ અને પૃથ્વીને ભેદતા ભયંકર ધડાકા થયા. એ સાથે સંગમદેવ પૃથ્વી તરફ રવાના થયો.

મહાયોગી મહાવીર આ વખતે મ્લેચ્છ ભૂમિમાં વિહરતા હતા. દ્રઢભૂમિ નામના પ્રદેશમાં, પેઢાલ ઉદ્યાનમાં પોલાશ ચૈત્યમાં મહાપ્રતિમા નામનું વ્રત લઈને એ ધ્યાનમાં રહ્યા હતા. એક સૂકા પદાર્થ પર નજર સ્થિર કરી, પાંપણનો પલકારો પાડયા વગર એ તપ કરવાનું હતું ! તપસ્વીની એ રાત્રિ એકાએક કાળરાત્રિ બની ગઈ ! મ્લેચ્છ દેશમાં સાધુ-સંતોને કોણ પિછાણે ? અહિંસા-સત્યનો મહિમા કોણ જાણે ? રાત જામતી ગઈ, ને પિશાચો પોકાર પાડતા હોય, એવા અવાજો સંભળાવા લાગ્યા. હવામાં દુર્ગંધ વહી રહી. નાક સડી જાય તેવી એ ઉગ્ર વાસ હતી ! એકાએક ધૂળનો બવંડર ઊઠયો. તમામ પ્રદેશ ધૂળથી રજોટાઈ ગયો. મહાવીરનાં પણ કાન, નાક, મોં બધું ભરાઈ ગયું. પણ સહુથી વધુ પીડા તો નેત્ર અનુભવી રહ્યાં. નેત્ર ખુલ્લાં રાખવાની પ્રતિજ્ઞાા હતી. નેત્ર ધૂળથી ભરાઈ ગયાં, તોય પોપચાં તો અણનમ રહ્યાં ! આ બવંડર ધીરે ધીરે શમતો ચાલ્યો, ત્યાં એકાએક કીડીઓ ઊભરાઈ ઊઠી. સોય જેવા તીવ્ર મુખવાળી એ કીડીઓ, મહાવીરના દેહ પર રાફડો જમાવી બેઠી. આખો દેહ સૂજી ગયો. હજી આ ઉપદ્રવ ચાલુ હતો ત્યાં ડાંસો-લાલ મોંવાળી ઘીમેલો આવી, વીંછી અને નોળિયા આવ્યા, પાછળ સર્પ ધસી આવ્યા. મહાવીરનો દેહ ચાળણી જેવો થઈ ગયો, પરંતુ દેહની અપાર વેદના હોવા છતાં મુખેથી એક ધીમો આર્તનાદ પણ સંભળાતો ન હતો.

આ પછી મસ્તાન માતંગ આવ્યો. એણે તપસ્વી મહાવીરને ઉપાડી ઉપાડીને આકાશમાં ઘા કરવા માંડયા. પછી મહાપિશાચ આવ્યો, પોતાનું ખપ્પર ભરવા ! એ ગયો, ત્યાં લોહીતરસ્યો ભયંકર વાઘ આવીને કારમી કિકિયારી સાથે તૂટી પડયો. પોલાદનેય પિગળાવી નાખે તેવાં દુ:ખો મહાવીરનું એક રૂંવાડું પણ ફરકાવી ન શક્યા.

ત્યાં તો ન જાણે ક્યાંથી યશોદા ને પ્રિયદર્શના રોતાં-કકળતાં આવી પહોંચ્યાં. યશોદા હૈયું વલોવી નાખે તેમ કલ્પાંત કરતી રડતી હતી : 'હે નાથ ! હાથ ગ્રહીને શું આમ અંધારે કૂવે નાખવી હતી ? આના કરતાં તમે અમને મારીને મુનિ થયા હોત તો સારું. તમારા ભાઈએ મને દીનહીન બનાવી ઘરમાંથી કાઢી મૂકી છે !' આટલું બોલીને યશોદાએ મોટેથી ઠૂઠવો મૂક્યો. ભલભલાનું હ્ય્દય ચિરાઈ જાય, તેવું એ દ્રશ્ય હતું. એ હજી પૂરું થયું ન હતું ત્યાં તો પ્રિયદર્શનાએ પ્રાણપોક જેવા અવાજે કહ્યું : 'તમારે ઘેર જન્મીને મેં અપરંપાર દુ:ખ વેઠયું છે. પતિએ કાઢી મૂકી. મોટા કાકાએ જાકારો આપ્યો. બાળબચ્ચાંવાળી હું હવે પડું, દરિયો પૂરું કે આગમાં ઝંપલાવું ?' પણ મહાવીરને તો આ કંઈ જ સ્પર્શતું નથી ! થોડી વારમાં આ બધું જાણે અદ્રશ્ય થઈ ગયું ! એકાએક પાંચ સુંદરીઓના સૂરથી, મધુર ગીતથી અને અપાર રૂપથી સમગ્ર વનપ્રદેશ ઝળાહળા થઈ ગયો. એમણે તપસ્વી મહાવીરને આકર્ષવા પ્રયત્ન કર્યો, પણ મહાવીર જલકમલવત્ અલિપ્ત હતા.

આખરે સુંદરીઓ જાણે નિરાશ થઈ, ચોધાર આંસુથી રડતી રડતી અદ્રશ્ય થઈ ગઈ. સુંદરીઓ ચાલી ગઈ. રાત પણ ચાલી ગઈ હતી. ત્યાં એક રસોઈયો આવ્યો. એ ચૂલો કરવા પથરા શોધતો હતો. પથરા નહોતા મળતા. મહાવીરને સ્થિર ઊભેલા ને પોતાને કંઈ મદદ કરતા ન જોઈ, એણે વિચાર્યું : 'લાવ ને ! આના બે પગ વચ્ચે અગ્નિ તપાવી અન્ન રાંધું !' અગ્નિ ઝગ્યો, પણ મહાવીરના અંતરનો ઝળહળાટ ધીમો ન પડયો. એટલામાં તો એક ચંડાળ પંખીના પાંજરા લઈને આવ્યો. મહાવીરને વૃક્ષના થડની જેમ અડોલ જોઈ, કોઈ 'માતમા' લાગે છે, કહી એની મજાક ઉડાવવા લાગ્યો, ને એમના દેહ પર પોતાના પાંજરાં લટકાવી દીધાં. ભૂખ્યાં પંખી ચાંચો મારી મારી દેહમાંથી માંસ ઠોલવા લાગ્યાં.

પ્રભાતી કિરણો ફૂટવાને હજી વાર હતી. ત્યાં આકાશમાં ભયંકર કાળચક્ર સુસવાટા કરવા લાગ્યું. કડાકા સાથે એ મહાવીર પાસે આવ્યું. પૃથ્વી એક સપાટે ચીરાઈ ગઈ. આકાશ જુના છાપરાની જેમ તૂટું તૂટું થવા લાગ્યું. ભલભલાને ગુલાંટ ખવડાવી ભોં ભેગા કરી દે, તેવો એક ધક્કો આવ્યો. પહાડ જેવા અડોલ મહાવીર કમરબૂડ પૃથ્વીમાં ઊતરી ગયા. થોડી વારે એ તોફાન શમ્યું. પ્રભાતી રંગ પૃથ્વી પર ફેલાયો.

એક વાર સાધુવેશમાં ચોરી કરતો એક માનવી પકડાયો. એણે કહ્યું : 'હું નિર્દોષ છું. હું તો મારા ગુરુની આજ્ઞાાને અનુસર્યો છું. ચાલો, મારા મહાગુરુને બતાવું.' ચોર સિપાઈઓને જ્યાં મહાવીર હતા ત્યાં લઈ ગયો. મહાવીરને પર-દોષ કહેવાના નહોતા. પેલો ચેલો છૂટી ગયો. મહાવીર બંધાઈ ગયા. થોડો માર પણ પડયો, ને લઈ ચાલ્યા ન્યાય માટે રાજદરબારમાં.

માર્ગમાં ભૂતિલ નામનો ઈન્દ્રજાળી મળ્યો. એણે મહાવીરને ઓળખ્યા. એણે કહ્યું : 'અરે, આ તો મહાત્યાગી મહાવીર છે - રાય સિદ્ધાર્થના પુત્ર !' મહાવીર બંધનમુક્ત થયા. એક વાર પાંચસો ચોર મળ્યા. તેઓ આનંદને ખાતર મહાવીરને ભેટી પડયા ને કહેવા લાગ્યા : 'અરે મામા ! તમે ક્યાંથી ?' ને મામને ભાણેજોએ રેતીમાં ઘસડયા. અંધેરી નગરી ને ગંડુ રાજા જેવા આ રાજમાં, શૂળી ચડાવવાનો ઘાટ પણ રચાઈ ગયો, પણ બધેથી આત્મવીર મહાવીરે અંતે વિજય મેળવ્યો. દિવસોથી મહાવીર ઉપવાસી હતા. ગામમાં કે નગરમાં કોઈ વાર ભિક્ષા માટે જાય, એટલે સારી વસ્તુ લોકો છુપાવી દે. અભક્ષ્ય અન્ન સામે ઘરે. મહાવીર એ કેમ સ્વીકારે ? આમ ભિક્ષાન્ન (ગોચરી) વગર છ છ મહિના ચાલ્યા ગયા, પણ હાર સ્વીકારવાનું મહાવીર કયે દિવસે સમજ્યા હતા ? આ દુ:ખો તો એમને મન પોતાના આત્માની અગ્નિપરીક્ષા હતી અને એમાં કાંચન શુદ્ધ નીકળ્યું હતું. એક દિવસ એક જણ આવ્યો. એ ગળગળા અવાજે બોલ્યો : 'હું સંગમ. આપને સતાવનાર. ક્ષમા ચાહું છું. ખરેખર, તમે જેવા દેવરાજ ઈન્દ્રે કહ્યું તેવા જ અડગ ધ્યાની ને તપસ્વી છો.'

આ સાંભળી છ છ માસથી હેરાન-પરેશાન થતા મહાયોગી મહાવીરના મુખ પરની એક રેખા પણ ન બદલાઈ. એમણે કહ્યું : 'સંગમદેવ ! અમે કોઈને આધીન નથી. મારી ચિંતા ન કરતો. તું તારે રસ્તે સુખેથી જા !' એમનો વરદ હાથ ઊંચો થયો. કમળ જેવાં લોચન વિકસ્યાં. એ લોચનના છેડે બે આંસુ હતાં. એ આંસુ જોઈને સંગમ નાચ્યો. એ બોલ્યો, ''ઓહ! ક્ષમાશીલ પ્રભુનાં કરુણાભીનાં લોચન જરૂર મુજ અપરાધીનું કલ્યાણ કરશે."

બીજે દિવસે મહાવીર ગોચરી માટે નીકળ્યા. ગોકુળ ગામમાં વત્સપાલિકા નામની વૃદ્ધ ગોપીએ પ્રભુને છ માસનું પારણું કરાવ્યું. સ્વર્ગને પૃથ્વીના પરમાણુઓ આનંદથી પ્રમુદિત થઈ ગયા !


Google NewsGoogle News