Get The App

જેમના દર્શનમાત્રથી સહુ કોઈનો ઉદ્ધાર થાય, તેમને જોઈને હાલિકમુનિ વેશ છોડીને નાસી ગયા!

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
જેમના દર્શનમાત્રથી સહુ કોઈનો ઉદ્ધાર થાય, તેમને જોઈને હાલિકમુનિ વેશ છોડીને નાસી ગયા! 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- ખેડૂતનું હૃદય ગૌતમસ્વામીની સરળ વાણી પર ઓળઘોળ થઈ ગયું. કોઈ વર્ષોના પરિચિત હોય તેવો આત્મીય ભાવ ગૌતમસ્વામી પ્રત્યે અનુભવવા લાગ્યો. એમને જોઈને હાલિક અતિ પ્રભાવિત થયો.  એણે ગૌતમના ચરણોમાં વંદના કરતાં કહ્યું, "આપ મારા પર કૃપા કરો. આપનો શિષ્ય બનવાની મારી તીવ્ર ઈચ્છા છે

જન્મજન્માંતરના યોગનો પરિપાક થયો. તીર્થંકર ભગવાન મહાવીર અને ઈન્દ્રભૂતિ ગૌતમ અભિન્ન બની ગયા. ભગવાન મહાવીરનું સર્વગ્રાહી જ્ઞાન અને શિષ્ય ગૌતમની અવિરત જિજ્ઞાસાને પરિણામે બંને ધર્મસત્યના ઉદ્ગાતા બની ગયા. ગુરૂની ભક્તિ, ગુરૂની સેવા અને ગુરૂનો વિનય એ જ ગૌતમસ્વામીના જીવનમાં પદે પદે પ્રગટ થવા લાગ્યા. મનમાં કોઈ શંકા જાગે એટલે આતુર બાળકની માફક ગૌતમસ્વામી પ્રશ્ન કરતા હતા. ભગવાન મહાવીર એમના કેવળ જ્ઞાન, શ્રુતાભ્યાસ અને વિશિષ્ટ જ્ઞાનના બળે પૂર્ણ વાત્સલ્યથી એ પ્રશ્નોના ઉત્તર આપતા હતા.

ભગવાન મહાવીર અને ગુરૂ ગૌતમસ્વામી વચ્ચે સ્નેહતંતુના છેડા યુગ યુગ સુધી લંબાયેલા હતા. ગુરૂ-શિષ્ય વચ્ચેના પ્રશ્ન અને ઉત્તરનું ક્ષેત્ર બધા વિષયોને સ્પર્શતું હતું. ત્રણ કાળ, ત્રણ લોક, ચાર ગતિ અને ચાર અનુયોગની વાતનો એમાં સમાવેશ થતો હતો. 'भंते'ના સંબોધનથી ગૌતમસ્વામી પ્રશ્નરૂપે જિજ્ઞાસા પ્રગટ કરતા હતા અને 'गोयम्'ના સંબોધનથી પ્રભુ મહાવીર ઉત્તર આપતા. ગુરૂ-શિષ્યની આ અદ્ભુત બેલડી હતી. બંને ઠેર ઠેર સાથે વિહાર કરતા હતા.

એક વાર ભગવાન મહાવીર એક નાના ગામમાં પ્રવેશતા હતા ત્યારે ગામની બહાર આવેલા ખેતરમાં એક દૃશ્ય જોયું. એક હળ ચલાવતો હાલિક થાકેલા બળદ પર ઉપરાઉપરી લાકડીઓ વીંઝતો હતો. બળદો થાકી ગયા હતા. હાલિકને કોઈ પણ ભોગે ખેતર ખેડવું પડે તેમ હતું. બીજું કરે પણ શું ? આ દૃશ્ય જોઈને પ્રભુ મહાવીરનું હૃદય દ્રવી ઊઠયું. એમણે ગૌતમસ્વામીને કહ્યું, "પ્રિય ગૌતમ ! જરા આ હાલિકને સમજાવો. ધર્મ અને કર્મનો કંઈક ભેદ બતાવો કે જેથી એ બળદને આવો માર મારતો અટકી જાય." ગૌતમસ્વામી હાલિકની પાસે ગયા. એમના દેહનું તેજ જોતાં જ હાલિક સ્તબ્ધ થઈ ગયો. એમની સરળ વાણી એના હૃદયમાં ઊંડે ઊતરી ગઈ. એ ખેતર ખેડવાનું કામ છોડીને ગૌતમસ્વામીના ચરણમાં બેસી ગયો. 

ગુરૂ ગૌતમસ્વામીએ ખેડૂતને કર્મ અને ધર્મનો ભેદ સમજાવ્યો. દયાનું મહત્ત્વ સમજાવ્યું. આત્માનું કલ્યાણ કરવાનો ઉપદેશ આપ્યો અને ધર્મનું શરણ સ્વીકારવા સમજાવ્યું. ખેડૂતનું હૃદય ગૌતમસ્વામીની સરળ વાણી પર ઓળઘોળ થઈ ગયું. કોઈ વર્ષોના પરિચિત હોય તેવો આત્મીય ભાવ ગૌતમસ્વામી પ્રત્યે અનુભવવા લાગ્યો. એમને જોઈને હાલિક અતિ પ્રભાવિત થયો. એણે ગૌતમના ચરણોમાં વંદના કરતાં કહ્યું, "આપ મારા પર કૃપા કરો. આપનો શિષ્ય બનવાની મારી તીવ્ર ઈચ્છા છે. હવે કદી કોઈ પ્રાણીને દુ:ખ આપીશ નહીં. આપના સાન્નિધ્યમાં રહીને આપની આજ્ઞામાં રહીશ. આપની માફક જ અહિંસા અને સત્યનું પાલન કરીશ."

ગૌતમે હાલિકને આર્હતી દીક્ષા આપી. એ ગૌતમસ્વામીનો શિષ્ય બનીને મહાવીરના ધર્મનો સાધુ બન્યો. આ ઘટનાથી ગૌતમસ્વામીના હૃદયમાં અપાર આનંદ થયો. એક માનવીના જીવનનું કલ્યાણ કર્યાની પ્રસન્નતા જાગી.

એ પછી ગુરૂ ગૌતમ અને શિષ્ય હાલિક ચાલવા લાગ્યા. રસ્તામાં હાલિકે વિનયપૂર્વક ગૌતમસ્વામીને પૂછયું, "હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ."

ગૌતમસ્વામીએ કહ્યું, "મારા ગુરૂ સર્વજ્ઞા તીર્થંકર મહાવીરસ્વામી પાસે જઈ રહ્યા છીએ."

મુનિ તો દાદા ગુરૂના દર્શન માટે આતુર બની ગયા. એ વિચારવા લાગ્યા કે મારા ગુરૂ આટલા બધા જ્ઞાની છે, તો એમનાય ગુરૂ કેટલા બધા મહાજ્ઞાની હશે ! એમના મનમાં દર્શનની એટલી બધી ઉત્સુક્તા જાગી કે સાવ ટૂંકો માર્ગ એમને અતિ લાંબો લાગતો હતો. 

ગૌતમસ્વામી અને હાલિકમુનિ પ્રભુ મહાવીરની પાસે આવ્યા. પહેલાં તો પ્રભુદર્શનની પોતાની ઝંખના પુરી થયાનો હર્ષાવેશ અનુભવી રહ્યા.  ગૌતમ અને હાલિક પ્રભુની વધુ નજીક આવ્યા. પ્રભુનાં કરૂણાભીનાં નયનો સાથે હાલિકમુનિની આંખો મળી. આંખો મળતાં જ હાલિકનું હૃદય અજંપો અનુભવી રહ્યું. જાણે કોઈ ભૂત પાછળ પડયું હોય તેમ મુનિનો વેશ ત્યજીને નાસી ગયા. એનું અંતર આજે કોઈ વાત માનવા તૈયાર નહોતું. ગુરૂ ગૌતમસ્વામી તો આ ઘટનાથી સ્તબ્ધ બની ગયા. પ્રભુ મહાવીરના દર્શનમાત્રથી કેટલાય જીવનો ઉદ્ધાર થઈ જાય ત્યારે આ કેમ સાધુનો વેશ છોડીને નાસી ગયા ?

ગૌતમસ્વામીની વિમાસણનો ખુલાસો આપતાં ભગવાન મહાવીરે કહ્યું, "ગૌતમ ! જીવમાત્ર પૂર્વના કર્મને અને પૂર્વના વેરઝેરને વશ હોય છે. હાલિકના જીવની સાથે તમારો પૂર્વજન્મોનો સ્નેહ હતો, તેથી તમારો ઉપદેશ સાંભળીને એને સુલભ બોધિત્વની પ્રાપ્તિ થઈ પણ એ સાથે એને પૂર્વભવનું વેર યાદ આવી ગયું. અગાઉના ભવમાં હું ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો ત્યારે હાલિકનો જીવ પ્રજાને રંજાડતા સિંહનો હતો. એ સિંહને ત્રિપૃષ્ઠ વાસુદેવે મારી નાખ્યો હતો. એ પછી એ જ સિંહ દેવલોકમાં સુદંષ્ટ્ર નાગકુમાર રૂપે જન્મ્યો. એણે મહાવીરના સાધનાના આરંભકાળમાં એમની નાવ ડુબાડવા કોશિશ કરી હતી. એ જ નાગકુમાર આ ભવે હાલિકરૂપે જન્મ્યો હતો." આટલું રહસ્ય દર્શાવીને પ્રભુ મહાવીરે કહ્યું,

"હે ગૌતમ ! મને જોઈને એની વેરભાવની જૂની વાસના જાગી ઊઠી. મુનિનો વેશ તમને પાછો આપીને નાસી ગયો. આવા હોય છે પૂર્વવેરના પડછાયા. આનું સાચું મારણ તો છે વીતરાગ ભાવ."

"તો આપે મને એને ઉપદેશ આપવા મોકલ્યો શા માટે ?" ભગવાન મહાવીર કહ્યું, "પ્રિય ગૌતમ ! તમારી પાસેથી એ સમ્યકત્વનો સ્પર્શ પામે, તે માટે તમને પ્રતિબોધ આપવા મોકલ્યા હતા. થોડા સમયને માટે પણ સમ્યકત્વની પ્રાપ્તિ થવાને કારણે એ એક દિવસ મોક્ષનો અધિકારી બનશે."


Google NewsGoogle News