સચરાચર વિશ્વમાં અને ત્રણે લોકમાં અજવાળાં પાથરતી ભવ્ય ઘડી !

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
સચરાચર વિશ્વમાં અને ત્રણે લોકમાં અજવાળાં પાથરતી ભવ્ય ઘડી ! 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

આત્મયોગી મહાવીરના સંસારત્યાગ પછીનો દીક્ષાનાં સાડા બાર વર્ષનો અરણ્યવાસ અને કષ્ટસહનનો ગાળો રૃંવાડાં ખડાં કરે તેવો હતો. આટલી નિર્ભયતા અને આટલી સહનશીલતા ન કોઈએ દીઠી હતી કે ન કોઈએ સાંભળી હતી. મધ્યમ પાવાનગરીથી નીકળીને યોગી મહાવીર જંભિયગ્રામની કલકલ અવાજે વહેતી ઋજુવાલિકા નદી પાસે આવ્યા. નદીકિનારે આવેલાં લીલાંછમ ખેતરોમાં શ્યામાકનું સાલવૃક્ષોની ઘેરી ઘટા ધરાવતું હર્યુભર્યું ખેતર હતું. સાલવૃક્ષોની ઘટામાં આવેલા એક ખંડેર ચૈત્યની પાછળ ભગવાન મહાવીર ગોદોહાસને ધ્યાનમાં બેઠા હતા. સંધ્યાના સોનલવર્ણા વાતાવરણમાં ગીત ગાતા ખેડૂતો અને વાંસળી વગાડતા ગોવાળો ગામ ભણી જતા હતા. ગાયોના ગળાની રણઝળતી ઘંટડીઓ સંગીતમાં સૂર પુરાવતી હતી.

વૈશાખ માસની સુદ દસમના દિવસનો ચોથો પ્રહર હતો. આ સમયે યોગી મહાવીરને ચોવિહાર છઠ્ઠનું તપ હતું. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. પ્રભુ શક્લ ધ્યાનની મધ્યમાં વર્તતા હતા. આજે એમની જીવનસાધનાની સિદ્ધિની ક્ષણ આવી પહોંચી હતી. સાધનાના સાગરમાં ઘૂમતા જહાજને જાણે કિનારો મળતો હતો ! આત્મમંથનની ચરમસીમા સધાતી હતી.

આસપાસના વાયુમંડળમાં એકાએક પરિવર્તન આવ્યું. ગ્રીષ્મના ઊના ઊના વાયરા વસંતની હૂંફ આપવા લાગ્યા. હરણાં ભૂમિ પર ઊછળી-ઊછળીને ગેલ કરવા લાગ્યાં અને સામે ઊભેલા વાઘના ભયને સાવ વીસરી ગયાં. ઓહ ! અભયની ઉપસ્થિતિ ધરાવતી સૃષ્ટિમાં ભય કેવો ! એક જીવ તો બીજા જીવનો પરમ મિત્ર છે !

હિંસક વાઘના હૃદયમાં હેતની વર્ષા થઈ રહી. એ પોતાની નજર સામે ગેલ કરતાં હરણાંઓને વહાલભરી આંખથી નીરખવા લાગ્યો 'જાણે એ કહેતો હોય કે મારાથી ડરવા જેવું કે ભાગવા જેવું કશું નથી. જીવનનો મૂળ મંત્ર 'જીવો અને જીવવા દો' હું સમજ્યો છું.'

ખેતરની ઝાડીમાંથી એકાએક નોળિયો અને સાપ બહાર નીકળી આવ્યાં. પણ આશ્ચર્ય તે કેવું ! બંને વચ્ચેનું પેઢી-દર-પેઢી ચાલ્યું આવતું વેર વીસરાઈ ગયું અને વહાલમાં એકબીજા સાથે ગેલ કરવા લાગ્યા.

ઓહ ! સૃષ્ટિમાં આવું પરિવર્તન શાને ? આકાશમાં ઉલ્લાસ વેરાયો અને પૃથ્વી આનંદમાં નાચવા લાગી. હવા મધુર સંગીત ગુંજવા લાગ્યું.

દિશાઓ દર્પણ જેવી બની ગઈ. તાપ, સંતાપ અને પરિતાપથી પીડિત જગતમાં સ્નેહ, શાંતિ અને સૌહાર્દના વાયરા વાઈ રહ્યા. યોગી મહાવીરે ક્ષપકશ્રેણીનું આરોહણ કર્યું. શુકલ ધ્યાનના બીજા ચરણમાં મોહનીય, જ્ઞાનવરણ, દર્શનાવરણ અને અંતરાય- આ ચાર ઘાતી કર્મોનો ક્ષય થયો. અનંત, અનુપમ, સંપૂર્ણ અને સર્વ અવયવયુક્ત, બાધારહિત અને આવરણરહિત એવું કેવળજ્ઞાન- કેવળદર્શન પ્રગટ થયું. એમને સંસારની કોઈ ગૂંચ ન રહી. સંસારની સર્વ ગ્રંથિનું ભેદન થયું. થોડીવારમાં તો વાતાવરણ ગાજી ઊઠયું : 'સર્વજ્ઞા, સર્વદર્શી, નિગ્રંથ ભગવાન મહાવીરની જય હો !' આખો સંસાર અપૂર્વ પ્રકાશથી ઝગમગી ઊઠયો. દિશાઓ શાંત અને વિશુદ્ધ થઈ ગઈ. મંદમંદ સુખકર પવન ફૂંકાવા લાગ્યો. અરીસામાં જેમ સામે રહેલા પદાર્થમાત્રનું પ્રતિબિંબ પડે તેમ કેવળજ્ઞાન થતાં તમામ પદાર્થો સ્પષ્ટ પ્રતિબિંબની માફક દૃષ્ટિગોચર થવા લાગ્યા. એમનો નિર્મળ આત્મા લોકાલોકને અને તેમાં રહેલા પદાર્થમાત્રના સંપૂર્ણ ભાવને પ્રત્યક્ષ જાણવા અને જોવા લાગ્યો. આ પછીનો સમય તે જીવનમુક્ત સ્થિતિ ગણાય. દેવતાઓનાં આસન ડોલવા લાગ્યાં. તેઓ દિવ્ય દેવદુંદુભિનો ઘોષ કરવા લાગ્યા. ભગવાનનો કૈવલ્ય મહોત્સવ ઊજવવા માટે પૃથ્વી પર આવ્યા.

કેવળજ્ઞાની પ્રભુ મહાવીર 'અર્હન્' થયા. અશોક વૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યથી પૂજવાયોગ્ય બન્યા. રાગ-દ્વેષોને જીતનારા જિન થયા.

મહાવીર હવે દેહધારી ઇશ્વર, પરમાત્મા, અરિહંત, તીર્થકર દેવ થયા. અઢાર પ્રકારના દોષમાંથી એક પણ દોષ હોય તો તેઓ પરમાત્મા કે ઇશ્વર થઈ શક્તા નથી. આ અઢાર દોષ છે : ૧. અજ્ઞાન, ૨. ક્રોધ, ૩.મદ, ૪. માન, ૫. લોભ,  ૬. માયા, ૭. રતિ, ૮. અરતિ, ૯. નિદ્રા, ૧૦. શ્લોક, ૧૧.અસત્યવચન, ૧૨.ચોરી, ૧૩. મત્સર, ૧૪.ભય, ૧૫. પ્રાણીવધ, ૧૬. અનુરાગ, ૧૭. ક્રીડા અને ૧૮.હાસ્ય.

જ્યારે આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિ દિવાકર 'પરમપરમાત્મસ્તુતિ દ્વાત્રિંશિકા' ગ્રંથમાં વર્ણવે છે કે ૧. દુગંચ્છા, ૨. ભય, ૩. અજ્ઞાન, ૪. નિદ્રા, ૫. અવિરતિ, ૬. કામાભિલાષ, ૭. હાસ્ય, ૮. શોક, ૯. દ્વેષ, ૧૦. મિથ્યાત્વ, ૧૧. રાગ, ૧૨. રતિ, ૧૩. અરતિ અને ૧૪. દાનાન્તરાય, ૧૫. લાભાન્તરાય, ૧૬. ભોગાન્તરાય, ૧૭. ઉપભોગાન્તરાય અને ૧૮. વીર્યાન્તરાય. એ અઢાર દોષોમાંથી એક પણ દોષ જેમનામાં નથી, તેવા એક માત્ર જિનેન્દ્ર પરમાત્મા અમારું કલ્યાણ કરો.

પૃથ્વી પર જાણે અમૃતની વર્ષા થવા લાગી. કાયયોગથી પ્રભુ મહાવીર આહાર-વિહાર આદિ કરતા હતા. વચનયોગથી દેશના (ઉપદેશ) આપતા હતા. મનોયોગથી અનુત્તરવાસી દેવોની શંકાનું સમાધાન કરતા હતા. કેવી ભવ્ય હતી એ ઘડી !

કેવી અપૂર્વ હતી એ અનુપમ ઘડી ! સચરાચર વિશ્વમાં અને ત્રણે લોકમાં અજવાળાં પથરાયાં.

ઇ.સ.પૂર્વ ૫૫૭ની વૈશાખસુદ દશમની આથમતી સંધ્યા પૃથ્વીના પટ પર પોતાના ઓળા પાથરી રહી હતી. ઋજુવાલિકા નદીને કિનારે પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થયા. આઠ પ્રાતિહાર્યથી પૂજવાયોગ્ય બન્યા. પ્રાતિહાર એટલે છડીદાર. ઇન્દ્રે નિયુક્ત કરેલા દેવો ભક્તિથી તીર્થકરની પાસે નિયમિત રીતે જે વસ્તુઓ રજૂ કરે તે પ્રાતિહાર્ય કહેવાય. અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિ અને છત્ર- એ આઠ પ્રાતિહાર્યો તીર્થકરની ઉપસ્થિતિની સદાસર્વદા આલબેલ પોકારતા રહે છે.

અપાર આનંદિત દેવો ચોથા કલ્યાણકની ઉજવણી કરવા માટે આવી પહોંચ્યા. તેઓએ ભગવાન મહાવીરને વંદન કર્યા. એક શાશ્વત નિયમ એવો હતો કે જે સ્થાન પર કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ હોય, ત્યાં તીર્થકર એક મુહૂર્ત સુધી થોભે છે અને પાવનકારી ધર્મદેશના આપે છે.

ભગવાન મહાવીર હવે સાક્ષાત્ પરમાત્મા બન્યા, તેથી દેવો ભક્તિ કરવા માટે આવે છે અને ભગવાનને પ્રવચન આપવા માટે વ્યાખ્યાન-પીઠ બનાવે છે. આ સમવસરણ એટલે એક અનોખો અવસર ! સુર,અસુર કે માનવ- સહુ કોઈ એ અવસરની પ્રતીક્ષા કરતા હોય. સ્વયં ઇન્દ્ર પોતાના પરિવાર સહિત એ સ્થળે આવીને સમવસરણની રચના કરે. વાયુકુમાર દેવતાઓ એ ભૂમિ પરથી કચરો અને કંટકો દૂર કરે. મેઘકુમાર દેવો સુગંધી જળનો છંટકાવ કરીને એ સ્થળને સુવાસિત કરે. એ સમયે છ ઋતુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરે અને વ્યંતર દેવતાઓ જમીનથી સવા કોશ ઊંચી સુવર્ણ અને રત્નોથી શોભતી ઊંચી પીઠ બનાવી આપે. ભુવનપતિ દેવતાઓ દસ હજાર પગથિયાં ઊંચો ચાંદીનો ગઢ રચે. એ ગઢ પર સમતલ ભૂમિ બનાવે છે. જ્યોતિષી દેવતાઓ પાંચ હજાર પગથિયાંવાળા સુવર્ણ ગઢની રચના કરે. આવા સમવસરણની પ્રભુ મહાવીરની ધર્મદેશના માટે દેવોએ રચના કરી.


Google NewsGoogle News