દીપાવલીની એ રાત અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠી !
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
જૈન ધર્મમાં દિવાળીના દિવસો આવી રહ્યા છે, ત્યારે જૈન ધર્મમાં આલેખાયેલા દિવાળી અને બેસતા વર્ષના એક આગવા મહિમાને જોઈએ. દિવાળીની મધરાતે શ્રમણ ભગવાન મહાવીર આજના બિહાર રાજ્યના પાવાપુરી ગામમાં નિર્વાણ પામ્યા. ભગવાન મહાવીરનું બેંતાલીસમું ચોમાસુ પાવાપુરીમાં હતું. ત્રણ મહિના પૂર્ણ થયા અને ચોથો મહિનો પણ અડધો વીતી ગયો, ત્યારે ભગવાન મહાવીરના ઉપદેશોની સોળ-સોળ પ્રહર સુધી અખંડ વર્ષા થતી રહી. ભગવાનના નિર્વાણ સમયની માહિતી મળતાં પાવાપુરીના ઘરઘરમાં શોક, ઉદાસી અને ગમગીની છવાઈ ગયાં હતા.
આ સમયે સામાન્ય જનો વ્યાકુળ બની ગયા હતા અને વિચારતા હતા કે પ્રભુની આ અલૌકિક છબી ફરી ક્યાં અને ક્યારે નિહાળવા મળશે ? યુગો પછી સાંપડેલી આ અમૃતવાણી શું હવે સાંભળવા મળશે નહીં ? જ્ઞાાનીઓ શોક અને આનંદને સમાન ગણવાનો ઉપદેશ આપતા હતા. હવે ભગવાન મુક્તિને વરશે અને દેહની દીવાલ દૂર થશે, તેમ હોવા છતાં તેમનું હૈયું હાથ રહેતું નહોતું. દેવો અને ઋષિઓ મધુર શંખ બજાવી રહ્યા હતા. એમની સેવામાં આવેલા દેવોના સ્વામી ઈન્દ્ર પણ મૃત્યુ-ઉત્સવની બધી રચના કર્યા બાદ હૈયું હારી બેઠા. અંતિમ પળે પ્રભુના અભાવની કલ્પના એમને અકળાવનારી લાગવા માંડી. ઈન્દ્રરાજે પ્રભુને કહ્યું, ''આપના ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાાન હસ્તોતરા નક્ષત્રમાં થયા હતા. અત્યારે આપના નિર્વાણના નક્ષત્રમાં ભસ્મગ્રહ સંક્રાંત થાય છે તો સર્વજ્ઞા અને સર્વશક્તિમાન એવા આપ નિર્વાણની ઘડી થોડી લંબાવી દો તો?''
દેવોના સ્વામી ઈન્દ્રની મનમાં એવી ઈચ્છા હતી કે એક વાર નિર્વાણઘડી આઘી ઠેલાય, એ પછી જોયું જશે. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે તેવુંય બને.
ભગવાન મહાવીરે કહ્યું, ''ઈન્દ્રરાજ ! મારા દેહ પ્રત્યેનો મોહ આજે તમને આવું બોલાવી રહ્યો છે. મારી નિકટ રહ્યા છતાં તમે એ ભૂલી ગયા કે આયુષ્ય કદી વધારી શકાતું નથી. એવું કદી થયું નથી અને કદી થશે નહીં.''
એ સમયે ભગવાને સતત સોળ પ્રહર સુધી ચાલેલી અંતિમ દેશનામાં ૫૫ અધ્યયન પુણ્યફળવિપાકનાં અને ૫૫ અધ્યયન પાપફળવિપાકનાં વર્ણવ્યાં હતાં. ૩૭મું પ્રધાન નામક અધ્યયન કહેતાં-કહેતાં ભગવાન પર્યંકાસનમાં સ્થિર થઈ ગયા હતા. ભગવાને બાદર કાયયોગમાં સ્થિર રહીને બાદર મનોયોગ, બાદર વચનયોગનું નિરુંધન કર્યું. પછી સૂક્ષ્મ કાયયોગમાં સ્થિર થઈને બાદર કાયયોગને રોક્યો. વાણી અને મનના સૂક્ષ્મ યોગને શુક્લધ્યાનના લ્લહિંઢ્ઢહ્ર ેંઉંપ્ંરૂમેંણક્ેંણ' નામના તૃતીયા ચરણને પ્રાપ્ત કરી સૂક્ષ્મ કાયયોગને નિરુંધન કર્યો અને હ્રિંઢઋડરુવ્થ્ેંઉંપ્ંેંદ્યશ્નરૂઋત્ નામના શુક્લધ્યાનનું ચતુર્થ ચરણ પ્રાપ્ત કર્યું. ફરીથી અ, ઈ, ઉ, ઋ, લૃના ઉચ્ચારણકાલ જેટલી શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરી.
ચતુર્વિધ અઘાતી કર્મદળનો ક્ષય કરીને ભગવાન મહાવીર શુદ્ધ, બુદ્ધ અને મુક્ત અવસ્થા પામ્યા. આંખોને આંજી દેનારું તેજવર્તુળ પ્રગટ થયું. તારાગણોથી સુશોભિત અમાવાસ્યાની રાત્રિ એકાએક અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠી. ચારે દિશામાં જયનાદ સંભળાયો. વર્ષાઋતુના ચોથા માસનો કૃષ્ણ પક્ષ હતો. પંદરમો દિવસ હતો. પક્ષની ચરમરાત્રિ અમાસ હતી. એક યુગના પાંચ સંવત્સર હોય, તેમાંથી ચંદ્ર નામનો બીજો સંવત્સર હતો. એક વર્ષના બાર મહિના હોય, તેમાંથી એ પ્રીતિવર્ધન નામનો ચોથો મહિનો હતો.
એક માસમાં બે પક્ષ હોય એમાંથી તે નંદિવર્ધન પક્ષ હતો. એક પક્ષમાં પંદર દિવસ હોય એમાં એ અગ્નિવેશ્ય નામનો પંદરમો દિવસ હતો. એક પક્ષમાં પંદર રાત્રિ હોય તેમાં તે દેવાનંદા નામની પંદરમી રાત્રિ હતી. એ સમયે અર્ચ નામનો લવ હતો. મુહૂર્ત નામનો પ્રાણ હતો. સિદ્ધ નામનો સ્તોક હતો. નાગ નામક કરણ હતું.
એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત હોય તેમાં સર્વાર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું. એ સમયે સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ હતો. જે રાત્રિએ ભગવાનનું પરિનિર્વાણ થયું તે રાત્રિએ કાશીકોશલના અઢાર રાજાઓ પૌષધવ્રતમાં હતા. એમણે કહ્યું કે આજે આ જગતમાંથી ભાવઉદ્યોતે વિદાય લીધી, હવે આપણે દ્રવ્યઉદ્યોત કરીશું. સંસારને ઝળહળાવી રહેલો મહાદીપક આંતરચક્ષુઓને ઉજમાળ કરી ચર્મચક્ષુઓની સામેથી બુઝાઈ ગયો. આ સમયે દેવોના ગમન-આગમનને કારણે પૃથ્વી આલોકિત બની હતી. સુર અને અસુરોના બધા ઈન્દ્રો પોતાના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. શક્રના આદેશથી જુદા જુદા દેવો તરત જ ગોશીર્ષ ચંદન આદિ કાષ્ઠો લઈ આવ્યા અને ચિતા તૈયાર કરાવી. ભગવાનના અતિ પવિત્ર પાર્થિવ શરીરને ક્ષીરોદકથી સ્નાન કરાવવામાં આવ્યું. હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના અલંકાર પહેરાવીને એમના દેહને દેવનિર્મિત શિબિકામાં પધરાવ્યો. દેવોએ દિવ્યધ્વનિ સાથે પુષ્પોની વૃષ્ટિ કરી.
ઈન્દ્રોએ આ શિબિકા ઉઠાવી અને ઉચિત સ્થાને મૂકી. બંદીજનની માફક દેવતાઓ ''જય જય''નો ધ્વનિ કરતા હતા. ગંધર્વો પ્રભુ મહાવીરના ગુણનું વારંવાર સ્મરણ કરતા એમના ગુણોનું ગાન કરવા લાગ્યા. સેંકડો દેવતાઓ શોકદર્શક મૃદંગ જેવાં વાદ્યો વગાડવા લાગ્યા. દેવાંગનાઓ શોકથી ભારે હૈયે શિબિકા આગળ નૃત્ય કરતી ચાલવા લાગી. શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિ અને શોકથી આકુળવ્યાકુળ થઈ ગયાં. તેઓ ગીત અને રુદન કરતાં હતાં. સાધુ-સાધ્વીઓનાં હ્ય્દયમાં અપાર શોક છવાઈ ગયો.
ઈન્દ્રે પ્રભુનું શરીર ચિતા પર મૂક્યું. અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રજ્વલિત કર્યો. વાયુકુમાર દેવોએ વાયુ પ્રસારિત કર્યો, જ્યારે અન્ય દેવોએ ઘૃત અને મધુ ચિતામાં નાખ્યાં. આ રીતે પ્રભુ મહાવીરના પાર્થિવ શરીરની દહનક્રિયા કરવામાં આવી. એ પછી મેઘકુમારે જલની વર્ષા કરી ચિતાને શાંત કરી.
ચારે બાજુ જયનાદ સંભળાયા : 'પ્રભુ નિર્વાણ પામ્યા!'
હવામાં શંખ ફૂંકાયા, વનમાં દુંદુભિ વાગ્યાં. સંસારને ઝળહળાવી રહેલો મહાદીપક આંતરચક્ષુઓને ઉજમાળ કરી ચર્મચક્ષુઓથી સામેથી બુઝાઈ ગયો. ઈન્દ્રરાજ મોહની દારુણ પળો પર વિજય મેળવી હવે સ્વસ્થ થયા અને કહેવા લાગ્યા : ''દીપક પેટાવો ! દીપાવલિ રચો ! પ્રભુ નિર્વાણ પામ્યા.'' અમાવાસ્યાની એ રાત અનેક દીપકોથી ઝળહળી ઊઠી.
ભગવાનનો નિર્વાણ ઉત્સવ રચાઈ ગયો. નિર્વાણના આગલા દિવસે એટલે કે કાળી ચૌદશે ભગવાન મહાવીરે આખો દિવસ ધર્મોપદેશ આપ્યો હતો. એમનો આ અંતિમ ઉપદેશ તમને 'શ્રી ઉત્તરાધ્યય સૂત્ર' નામના આગમગ્રંથમાં પ્રાપ્ત થશે. આજે પણ જૈનસમુદાયમાં કાળીચૌદસ અને દિવાળીના બે દિવસો દરમિયાન 'શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'નું વાચન અને શ્રવણ કરવામાં આવે છે.
આ ઉપરાંત દિવાળીની રાત્રે ધાર્મિકજનો ભગવાન મહાવીરસ્વામીનો જાપ અને એમનું ધ્યાન ધરે છે. દિવાળીની મધ્યરાત્રીએ દેવવંદન (વિશેષ પ્રાર્થના) કરવામાં આવે છે. આમ વિ.સં.પૂર્વે ૪૭૦ વર્ષે દિવાળીની પાછલી રાત્રે ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું.