Get The App

ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન 1 - image


- આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

દરેક ધર્મની પ્રાર્થનાની પાછળ એ ધર્મનાં પાયાના આચાર, વિચાર, અને ઇશ્વર પ્રત્યેનો અભિગમ રહેલો છે. આ સંદર્ભમાં જોઈએ તો જૈન ધર્મની પ્રાર્થનાની વિશેષતા એ છે કે એમાં બાહ્ય જગતની સિદ્ધિ, પ્રસિદ્ધિ, કીર્તિ, સંપત્તિ કે ઇચ્છાતૃપ્તિની માગણી હોતી નથી. બલ્કે જૈન ધર્મ કહે છે કે દેહ અને આત્મા ભિન્ન છે અને આ ભિન્નતા ઓળખીને સાધકે પોતાના દેહમાં બિરાજમાન અને શરીરથી ભિન્ન એવા આત્મા તરફ દૃષ્ટિ ઠેરવવી જોઈએ અને તેથી જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત એવો આત્મા પોતાના નિજ-સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરે છે અને એ દ્વારા એ મોક્ષપ્રાપ્તિ તરફ ગતિ કરે છે.

વ્યક્તિ પોતાનું ભાગ્ય ઘડતો નથી, બલ્કે એનું ભાગ્ય તો એના કર્મ મુજબ ઘડાતું હોય છે અને તેથી આત્માને ઉત્કૃષ્ટ માર્ગે લઈ જવાની આમાં વિચારધારા જોવા મળે છે. વિશુધ્ધ અંતઃકરણથી ભાવપૂર્વક પ્રાર્થના કરવાથી સમ્યકત્વની શુદ્ધિનું તાત્કાલિક ફળ અને પરંપરાએ મોક્ષનું ફળ મળે છે, પરંતુ આ માટે સાધકમાં સમર્પણભાવ હોવો જોઈએ અને જ્યારે વ્યક્તિના અહમ્નું વિસર્જન થાય ત્યારે જ એને સાચું આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન વિના આત્મજ્ઞાન વિના સાચું વ્રતપાલન થાય નહીં. સાચા વ્રત વિના સમ્યગચારિત્ર્ય પ્રાપ્ત થાય નહીં. સમ્યગ્ચારિત્ર્ય વિના મોક્ષ થાય નહીં અને મોક્ષ વિના અનંત આનંદનો અનુભવ થાય નહીં. આને માટે જરૂરી દૃઢ ધર્મશ્રદ્ધા અને એવી દૃઢ શ્રદ્ધાથી એ પરમાત્માને પ્રાર્થના કરે છે,

'પતિતઉદ્વારન નાથજી, અપનો બિરુદ વિચાર,

ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર.

જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન,

કરુણાનિધિ કૃપાળુ હે  ! શરણ રાખ હું દીન.'

(શ્રી લાલાજી રણજિતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના)

આથી જૈન ધર્મમાં ભાવનું મહત્ત્વ છે. દાન, શીલ, તપ, અને ભાવ એ એના ચાર સ્તંભો છે, પણ એમાં ભાવનું સૌથી વધુ મહત્ત્વ આંકવામાં આવ્યું છે, કારણકે દાન, શીલ, તપની પાછળ સાચો ભાવ ન હોય તો સઘળું વ્યર્થ છે. આથી જે કંઈ કરીએ તે સાચા ભાવથી કરીએ.

'ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન,

ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.'

આમાં સંસારના સુખની કોઈ યાચના નહીં, બલ્કે પરમાર્થ મોક્ષમાર્ગ પ્રત્યેની ગતિ હોય છે. જૈન ધર્મમાં ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધાનું મહત્ત્વ છે, જેમ સ્વામી વિવેકાનંદે પરમાત્મામાં વિશ્વાસનું મહત્ત્વ કહ્યું છે. આમ પ્રાર્થના એ સાધકની નમ્રતા, શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક બની રહે છે. એ આ ભવમાં કે પરભવમાં કોઈ લૌકિક વૈભવની ઇચ્છા કરતા નથી. હિંદુ ધર્મની માફક જૈન ધર્મની પ્રાર્થનામાં પણ પ્રભુ પ્રત્યે પોતાના દોષોનું નિવેદન કરીને પ્રાયશ્ચિત કરતી પ્રાર્થનાઓ મળે છે. 'આ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ' એમ કહીને પોતાનાં દુષ્કૃત્યોની ગણના કરીને એને મિથ્યા કરવાની વિનંતી અહીં સાધક કરે છે. આત્મશુદ્ધિની આ પ્રક્રિયાનો પ્રાર્થના રૂપે પણ ઘણો વિસ્તાર થયો છે. ઉપયોગનાં સ્તરે નહીં, પણ યોગના સ્તરે સાધક પ્રાર્થના કરતો હોય છે અને શ્રીકુંદકુંદાચાર્યે ('ભાવપાહુડ'-૧૦૬)માં કહ્યું છે તેમ,

' જે અશુભભાવે દોષ કંઈ કીધા વચન, મન, કાયથી ;

ગુરુ સમીપ નિંદા તેની કર તું, ગર્વ કે માયા તજી.'

આ રીતે ક્યારેક બાહ્ય જગત પ્રત્યે પોતે સેવેલા આકર્ષણ અંગે પ્રાર્થના દ્વારા પશ્ચાતાપ કરતો હોય છે. ભગવાનની સાક્ષીએ પોતાના એ દોષો વિસર્જીત કરતો હોય છે અને એથીયે વિશેષ એવા દોષો પુનઃ ન થાય તેવી  પ્રતિજ્ઞા કરતો હોય છે.

'હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી,

અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.'

આમ અહંકાર અને માયાચારથી દૂર થઈ એ મોક્ષમાર્ગ તરફ જવાની ભાવના સેવે છે. પ્રાર્થના અંતિમ લક્ષ્ય મોક્ષમાર્ગ છે. બીજાં પરદ્રવ્યોમાંનુ વિહાર કરવો નહીં, પણ નિજને મોક્ષપંથે લઈ જવું તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ રીતે જૈન ધર્મમાં તીર્થકરના ગુણોનું વર્ણન કરીને એની પ્રાપ્તિ સ્વ-જીવનમાં થાય એવો આશય રાખવામાં આવે છે.

યોગી આનંદઘનજીએ તો એમનાં સ્તવનોની પ્રથમ ગાથામાં ઇશ્વરની સ્તુતિ કરીને એ પછી આત્મસાધનાનાં સોપાન આપ્યાં છે, તો બીજી બાજુ તેઓ કહે છે કે તર્ક અને વિચારોની જળોજથામાં ગૂંથાયેલો સાધક ક્યાંય પહોંચતો નથી,' તરક વિચારે રે વાદ પરંપરા, પાર ન પહોંચે રે કોઈ ' એમ કહે છે. ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે, ત્યારે કેવી આનંદની અનુભૂતિ હોય છે એનું પણ આલેખન મળે છે.

આ સંદર્ભમાં જોઈએ તો જૈન ધર્મોમાં પ્રાર્થના એ પ્રયોગ અને અનુભવનો વિષય છે. એમાં સાધક પોતાના દોષો અંગે પ્રાયશ્ચિત્ત કરે છે. વળી પ્રાયશ્ચિત્તને જૈન ધર્મમાં એક અંગત તપ તરીકે દર્શાવ્યું છે. એના અનેક આચાર્યો અને શ્રાવકોએ ભક્તિ, પ્રાર્થના, આલોચના, પ્રાયશ્ચિત અને મોક્ષમાર્ગ પ્રત્યેની ગતિ-પ્રગતિનાં કાવ્યો લખ્યાં છે. આમ જૈન ધર્મની પ્રાર્થનાઓમાં તીર્થકરોનાં મહિમાગાનોની સાથોસાથ એમના પ્રત્યેની સાધકની લઘુતાનું પ્રાગટય જોવા મળે છે. સ્વજીવનમાં આત્મવિકાસ સાધવા માટે ઉત્તમ ગુણસંપદાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના જોવા મળે છે. કોઈ બાહ્ય સંપત્તિ, ભૌતિક સિદ્ધિ કે સાંસારિક પ્રયોજન નહીં, પણ ઉત્તમ આંતરિક ગુણસંપત્તિ મેળવવાની ઝંખના પ્રગટ થતી હોય છે. એમાં પણ પ્રભુને અનેક રૂપે આરાધવામાં આવ્યો છે. ક્યાંક પ્યારા પ્રિતમ તરીકે તો ક્યાંક ભવ તારક તરીકે.

ઇશ્વર પાસે ભૌતિક પ્રાપ્તિની પ્રાર્થના હોતી નથી, કારણ કે જૈન ધર્મમાં તીર્થકર સ્વયં વિતરાગ હોવાથી કશું આપતા નથી, એ આપે છે માત્ર પ્રકાશ અને એથી એમની પ્રાર્થના પ્રકાશ માટેની અને મોક્ષપ્રાપ્તિની યાચના માટેની જોવા મળે છે. પરમાત્માનું ધ્યાન કરવું, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા જેવા ચાર ભાવનાઓ અને એથીય વિશેષ બાર ભાવનાઓ ભાવવી અને એમ કરતાં કરતાં પછી જેમ જેમ આગળ વધે તેમ તેમ શું થાય?

'તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?' (શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૩૮, ગાથા-૫) આ રીતે જીવનમાં નિજસ્વરૂપમાં લીન થવાના અપૂર્વ અવસરને પામવા માટે મુમુક્ષુએ પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં આવો અપૂર્વ અવસર આવે, ત્યારે સાધકનો આત્મા પ્રકાશથી ઝળાહળા થઈ જાય છે. અને મોક્ષમાર્ગ પ્રતિ ગતિ-પ્રગતિ કરે છે.


Google NewsGoogle News