આટલું તો અચૂક જાણીએ .
- આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
- પર્વાધિરાજ પર્યુષણ
પર્વાધિરાજ પર્યુષણના સમયે એની પરિભાષાઓને અને એની પાછળ છુપાયેલી ભાવનાઓને સમજવી અતિ આવશ્યક છે. જો ધર્મના ભીતરની એ ભાવનાઓ સમજાય નહીં, તો એને અનુસરીને થતી ક્રિયા તે સાચી ક્રિયા થાય નહીં અને સાચી ક્રિયા વિના સઘળું ધર્મપાલન વ્યર્થ થઈ જાય. આથી જૈન ધર્મની કેટલીક ભાવનાઓ વિશે અહીં વિચાર કરીએ છીએ.
પ્રતિક્રમણ ઃ પ્રતિક્રમણનો શાબ્દિક અર્થ છે 'પાછા ફરવું તે.' વ્યક્તિ પ્રતિક્રમણ કરતી વખતે પોતાના ભીતરમાં રહેલા દોષો જુએ અને એને પોતાની ભૂલ સમજાય, ત્યારે એ પાછો ફરી સ્વ-સ્થાનમાં સ્થિર થઈ સ્વસ્થતા અને શાંતિ-સમાધિનો અનુભવ પ્રતિક્રમણમાં કરે છે. આમ પ્રતિક્રમણનો હેતુ વ્યક્તિને સંસારનાં સર્વ દુઃખોથી મુક્ત કરવાનો તેમજ એને શાશ્વત શાંતિ અને સમાધિ પ્રાપ્ત થાય તેવો છે. ઇતિહાસમાં દિલ્હીના બાદશાહ ફિરોજશાહ તુઘલક યુદ્ધ સમયે પણ પ્રતિક્રમણ કરીને ધર્મનિષ્ઠા દાખવી હતી. જે જોઈ બાદશાહે એની ધર્મનિષ્ઠાને બિરદાવી હતી.
એક અર્થમાં કહીએ તો અશુભ યોગોથી નિવૃત્ત થઈને સાચા હૃદયથી ઉત્તરોત્તર શુભ યોગોમાં પ્રવૃત્ત થવું એનું નામ પ્રતિક્રમણ. આમ પાપથી પાછા ફરવા માટે સુસજ્જ આરાધકે કાયમી શુદ્ધિ માટે સૌ પ્રથમ પાપસેવનનાં કારણોને જાણીને તેનો ત્યાગ કરવો જરૂરી છે. કારણકે એનો નાશ થાય ત્યારે જ સાચું પ્રતિક્રમણ થાય.
આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીએ 'ત્રૈકાલિક શુદ્ધિ' માટે પ્રતિક્રમણની ઉપયોગિતા દર્શાવી છે. અહીં સાધક પાપનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રતિજ્ઞાાબદ્ધ બને છે. આ ત્રૈકાલિક શુદ્ધિ એટલે શું ? એનો મર્મ એ છે કે પ્રતિક્રમણથી ભૂતકાળની ભૂલો અને અશુભ યોગમાંથી નિવૃત્તિ થાય છે અને શુભ યોગમાં પ્રવૃત્તિ થાય છે, પણ એની સાથોસાથ ભવિષ્યમાં પણ શુભ યોગની પ્રવૃત્તિ માટે દૃઢ સંકલ્પ થતો હોવાથી સાધકની ત્રૈકાલિક શુદ્ધિ થાય છે. ભૂતકાળ અને વર્તમાનકાળની ભૂલોમાંથી મુક્ત થઈને ભવિષ્યમાં એ ભૂલો ન થાય તેની કાળજી રાખવાની છે. સંવત્સરીના દિવસે વર્ષભરમાં થયેલા દોષોની ક્ષમા માગવામાં આવે છે.
સ્થાપનાજી ઃ પ્રતિક્રમણ સમયે નવકાર, પંચિદિય સૂત્ર જેમાં હોય તે, તે ન હોય તો જૈન ધર્મને લગતાં સૂત્રો હોય તેવી અથવા સ્તવનાદિકની ચોપડીની પણ કરી શકાય છે. આ સ્થાપના બાજોઠી ઉપર સાપડો મૂકીને કરવી, તેમ ન બને તો ઊંચી રહે તે રીતે વ્યવસ્થા કરવી.
સ્થાપનાચાર્યજી ઃ ગુરુદેવની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યજીને જ ગુરુતુલ્ય માનીને ક્રિયાના આદેશો કે જે જે આજ્ઞાાઓ લેવાની છે તે તેમની પાસેથી લેવામાં આવે છે. સ્થાપનાજીની ચોપડી ફાટેલી કે બગડેલી ન હોવી જોઈએ. ગુરુદેવની હાજરીમાં ક્રિયા કરવાની હોય, તો શ્રાવકોને આ સ્થાપના કરવાની હોતી નથી. બાજોઠ, સાપડો એ સ્વચ્છ અને અખંડ હોવા જોઈએ અને તેનો બહુમાનપૂર્વક ઉપયોગ કરવો.
કટાસણું-આસન ઃ પ્રતિક્રમણ સમયે જીવરક્ષા શુદ્ધિ વગેરે માટે ગરમ કપડાંનું કટાસણું રાખવામાં આવે છે. જે જમીન પર બેસવા માટે વપરાય છે.
મુહપત્તિ ઃ અમુક પદ્ધતિએ વાળેલું કોરુ કાપડ. સૂત્ર બોલતી વખતે મુખમાંથી નીકળતી હવા દ્વારા વાયુકાયના જીવને દુઃખ કે હિંસા ન થાય તે માટે મુખ આગળ રાખવામાં આવે છે. જીવદયા માટે શરીરની પણ પ્રમાર્જના (ચોખ્ખાઈ) કરવાનું કોરા કાપડનું આ અનિવાર્ય સાધન છે. આ મુહપત્તિનું પચાસ બોલ બોલવાપૂર્વક પડિલેહણ થાય, તો મુહપત્તિનો ઉદ્દેશ યથાર્થ રીતે જળવાય.
ચરવાળો ઃ સામાયિક, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓમાં ચરવળાનો ઉપયોગ કરવામાં આવે છે. એની પાછળનો હેતુ એ જ યણાનું એક સાધન છે. પુરુષો માટે ગોળ દાંડીનો અને સ્ત્રીઓ માટે ચોરસ દાંડીનો ચરવળો હોય છે. એનો ગુચ્છો ઉનનો હોવો જોઈએ અને એની દાંડી સુખડની- સીસમની કે ઉત્તમ કાષ્ઠની હોવી જોઈએ. સામયિક અને આદિ પ્રતિક્રમણ ક્રિયાઓમાં ચરવળાનો ઉપયોગ ઉભા થવા માટે પણ કરવામાં આવે છે.
ઊભા રહીને કાઉસ્સગ્ગ કરો, ત્યારે ચરવાળો ડાબા હાથમાં અને મુહપત્તિ જમણા હાથમાં રાખવાનાં છે. ચરવળો અધવચ્ચેથી પકડવાનો હોય છે અને બંને હાથ પગની નજીક રાખવાના હોય છે.
અતિચાર ઃ અજાણતા પાપ થઈ જાય અથવા તો સંજોગાધીન પરવશ થઈ જવાથી જે પાપ થાય તે અતિચાર કહેવામાં આવે છે. સંવત્સરિ પર્વ સમયે સાંવત્સરિક પ્રતિક્રમણમાં થયેલા આ અતિચારોની વાત કરવામાં આવે છે અને અતિચાર સૂત્રમાં શ્રાવકને ૧૨૪ અતિચાર બતાવ્યા છે.
અભિગ્રહ ઃ દૃઢ મનથી અમુક પ્રકારની કઠિન પ્રતિજ્ઞાાઓ લેવી તે. આ પ્રતિજ્ઞાાએ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી લઈ શકાય છે. જેમકે અમુક વસ્તુ જ લેવી અને અમુક ન લેવી એ દ્રવ્યથી. એ જ રીતે ક્ષેત્ર એટલે અમુક સ્થાનમાંથી લેવાની પ્રતિજ્ઞાા કરવી. કાળ એટલે કે અમુક કલાક, દિવસ કે મહિને લેવાનો અભિગ્રહ કરવો અને ભાવ એટલે કે અમુક પ્રકારના દાતા આપશે તો જ લઈશ. આવી રીતે ઘણા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ અભિગ્રહ લેતા હોય છે.
ઉપવાસ ઃ અમુક દિવસ સુધી ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો. આ આહાર ચાર પ્રકારના હોય છે. (૧) અશન (૨) પાનરૂપ (૩) ખાદિમ રૂપ (૪) સ્વાદિમરૂપ. રોટલી, પૂરી, ભાત, મીઠાઈ વગેરે વસ્તુઓ દ્વારા ભૂખનું પૂરું શમન થાય તેને અશન કહેવામાં આવે છે. જ્યારે પાણીએ પાન કહેવામાં આવે છે. થોડેક અંશે ભૂખ સમાવી શકે એવાં ફળ-ફળાદિ અને મેવા જેવી વસ્તુઓને ખાદિમ કહેવામાં આવે છે. મુખશુદ્ધિ કરનાર લવિંગ, એલચી, તાંબૂલ વગેરેને સ્વાદિમ કહેવામાં આવે છે. તેમજ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તેને ચોવિહાર ઉપવાસ કહેવામાં આવે છે અને પાણી સિવાયના બીજા ત્રણ પ્રકારના આહારનો ત્યાગ એને તિવિહાર ઉપવાસ (અનશન) કહેવામાં આવે છે.
જૈન ધર્મના ઉપવાસની એ વિશેષતા છે કે તે છત્રીસ કલાકના હોય છે. ઉપવાસના આગલા દિવસે સૂર્યાસ્ત પહેલાં ભોજન લઈ લેવામાં આવે છે અને પછી ઉપવાસના દિવસ બાદ અર્થાત્ છત્રીસ કલાક પછી સવારે નવકારશી વખતે અન્ન-પાણી લેવામાં આવે છે. આમ એમાં અન્નજળ બંનેનો ત્યાગ હોય તેને ચૌવિહાર ઉપવાસ કહેવામાં આવે છે.
જૈન પરંપરાના ઉપવાસમાં અન્ય પરંપરાની માફક ફરાળ, ફળ કે ચા-દૂધ, કોફી લેવામાં આવતાં નથી. તેમજ સવારના આઠથી રાતના આ સુધી બાર કલાકના રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે પ્રતીક ઉપવાસ પણ હોતા નથી. ચૌવિહાર ઉપવાસમાં આગળના દિવસથી માંડીને બીજા દિવસની સવાર સુધી પૂરા છત્રીસ કલાકના આહારત્યાગની સાથે પાણીનો પણ સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. આ ઉપવાસ દ્વારા પાચનતંત્રને પાચનક્રિયાના કાર્યમાંથી મુક્તિ મળે છે અને એ રીતે શુદ્ધિકાર્યનો પ્રારંભ થાય છે. શરીરમાં કોઈ જગાએ વિષદ્રવ્ય એકઠાં થયાં હોય તો તે ઉપવાસ દરમિયાન એટોલિસિસની પ્રક્રિયા દ્વારા વિસર્જિત થવા માંડે છે.
એકાસણું ઃ આમાં વ્યક્તિ દિવસમાં માત્ર એક જ વાર ભોજન લે છે. આની પાછળની ભાવના એ છે કે દિવસ દરમિયાન સામાયિક, પ્રતિક્રમણ, શાસ્ત્રીય વાંચન, પૂજા, મંત્રજાપ જેવાં ધાર્મિક કાર્યોમાં વ્યક્તિ પોતાનો દિવસ પસાર કરતો હોય છે. સામાન્ય માનવીના જીવનનો ઘણો સમય એના ભોજનની આસપાસ જતો હોય છે. ત્યારે એકાસણા દ્વારા એક જ વાર ભોજન કરીને વ્યક્તિ ધર્મ-આરાધનાની ભાવનાથી અને કર્મનિર્જરાની ઇચ્છાથી પરિવર્તન સાધે છે. કેટલીક વ્યક્તિઓ એકથી વધુ દિવસો, અઠવાડિયા કે મહિના સુધી આ ક્રમને અનુસરે છે.