જિનાગમના હાર્દ અને હૃદયને પ્રગટ કરતો 'આર્ય યુગ' ગ્રંથ
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
કોઈ એક સંસ્થા શ્રુતજ્ઞાાનનું ભગીરથ કાર્ય કરે તેનાથી કેટલાંય નવાં અજવાળાં પ્રગટે છે. આવું કાર્ય અનેક માર્મિક રહસ્યો પ્રગટ થાય તેવું કાર્ય 'ગીતાર્થ ગંગા' સંસ્થાએ 'આર્ય યુગ' ગ્રંથના પ્રકાશન દ્વારા કર્યુ. છેલ્લાં ત્રણ-ત્રણ દાયકાથી કાર્યરત આ સંસ્થા પાસે દોઢ લાખથી વધુ પુસ્તકો, બે હજારથી વધુ હસ્તપ્રતો, સિત્તેર હજારથી વધુ ગ્રાફિક્સ, છ હજારથી વધુ સામયિક અને એક લાખથી વધુ અખબારોમાં પ્રગટ થયેલાં લેખો આદિનો સંગ્રહ પ્રાપ્ત થાય છે. એનાં આદ્ય ગચ્છસ્થાપક પૂજ્ય મોહજિતવિજયજી મ.સા. અને ગચ્છાધિપતિ પૂ.આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયયુગભૂષણસૂરીશ્વરજી દ્વારા એક વિશિષ્ટ દૃષ્ટિકોણ સાથે આ સંસ્થાની પ્રેરણા કરવામાં આવી. અત્યારે આ સંસ્થા એક હજારથી વધુ ગ્રંથોમાંથી પંદર હજાર વિષયો પર એક વિરાટ કોશનું સર્જન કરે છે અને એ કોશની પાછળ જિનશાસનનાં માર્મિક રહસ્યો પ્રગટ કરવાનો આશય રાખવામાં આવ્યો છે.
સામાન્ય રીતે પ્રત્યેક ગ્રંથનું પ્રાગટય અનેક રીતે વિશિષ્ટ છે. 'આર્ય યુગ' ગ્રંથ એ સંસ્કૃતિનાં, પ્રભુના શાસનનાં, પાયાનાં તત્વોનો પરિચય કરાવે છે. 'ગીતાર્થ ગંગા' જેવી શ્રુતજ્ઞાાનને વરેલી સંસ્થા દ્વારા પ્રકાશિત આ ગ્રંથથી ગંગોત્રીનો ખ્યાલ આવે છે. ગંગાનો ઉદ્ભવ ગંગોત્રીમાંથી થાય છે અને એ રીતે જિનશાસનનાં સૂત્રોમાં રહેલા ગહન રહસ્યોને એના મૂળ સાથે અહીં ઉદ્ઘાટિત કરવામાં આવ્યાં છે.
આ એવાં રહસ્યો છે કે જેના પર શાસનની ઇમારત રચાયેલી છે. ક્યારેક આપણે શિખરને જોઈએ છીએ. અહીં એના પાયાને જોવાનો પ્રયત્ન થયો છે. આ પ્રયત્ન એ શ્રુતજ્ઞાાનનો એક ભગીરથ પ્રયત્ન છે. ભગીરથ પ્રયત્ન એ માટે કે જિનશાસનના માર્મિક રહસ્યોનાં મૂળને દર્શાવવાની સાથોસાથ જે જુદાં જુદાં ગ્રંથોમાં આ રહસ્યો પ્રાપ્ત થાય છે, તેની વાત પણ કરી છે.
એક જ વિષય પર સમયે સમયે જુદાં જુદાં શાસ્ત્રપાઠો મળે છે. જુદાં જુદાં ગ્રંથકારોએ એ વિષયનું પોતિકી દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. એમાં ક્યાંક એવું પણ બને કે એ વિષય અંગે કોઈ વિરુધ્ધમાં પણ વાત કરવામાં આવી હોય. આવી વાતોનું નિરસન કરવું અને સત્યને ઉજાગર કરવું તેવો પ્રયત્ન સાચે જ મહત્વનો છે. આનો અર્થ એ કે આ ગ્રંથમાં અચૌર્ય મહાવ્રત સંબંધી, અઢાર પાપસ્થાન વિશે, અઢાર હજાર શિલાંગ રથો સંબંધી, અનશન સંલેખના અને સમાધિ મરણ વિશે વિવિધ ગ્રંથોમાં મળતા ઉલ્લેખો આપવામાં આવ્યાં છે. આ ઉલ્લેખો એ આપણને એક નવીન દિશાનો ઉઘાડ આપે છે. વિશેષ તો આપણા જે તત્ત્વ સિદ્ધાંતો છે એને ખોલીને આપે છે, જેથી આપણા સિદ્ધાંતોને એના મૂળ સ્વરૂપે આલેખે છે અને એથીયે વિશેષ એનો ગુજરાતી અને હિન્દીમાં સમગ્રતયા પરિચય આપે છે.
મારી દૃષ્ટિએ આ ગ્રંથોમાં વ્યુત્પત્તિઅર્થ, વ્યાખ્યા, સાન્વર્થ લક્ષણ, ચિહ્ન, પર્યાયવાચી, વિકલ્પવાચી અને સ્વરૂપ એમ આઠ રીતે પદાર્થનો બોધ કરાવવામાં આવ્યો છે. એક મહાન શ્રુતયજ્ઞાને કારણે સર્જાયુ છે અને એની સાથોસાથ હું કહીશ કે એને ગુજરાતી અને હિન્દીમાં એ વિચારનું જે નવનીત તારવવામાં આવ્યું છે, એ નવનીત શાસનનાં પાયાને, જિનશાસનનાં માર્મિક રહસ્યને બતાવીને એને યોગ્ય સ્વરૂપમાં પ્રસ્તુત કરે છે. કોઈ પણ ધર્મવિચાર કયારેક સંજોગો, અલ્પ બુદ્ધિ અને કવચિત્ અજ્ઞાાનને કારણે વિકૃત બની જતો હોય છે. આવે સમયે સૌથી આવશ્યક ફરજ એ છે કે શાસનનાં એ ધર્મવિચારના મૂળ ભાવને યથાતથ પ્રગટ કરવો.
'જૈન યુગ' ગ્રંથ દ્વારા આવા મૂળ ભાવને પ્રગટ કરવામાં આવ્યો છે. એની આલેખન શૈલી પણ વિશિષ્ટ છે. તો વળી એક જ વિષયનું સાંગોપાંગ નિરૂપણ અહીં જોવા મળે છે. એમાં એ વિષય વિશે ગીતાર્થ ગુરુ ભગવંતોએ આપેલા સૂત્ર અર્થને બતાવવામાં આવ્યો છે. શાસ્ત્રગ્રંથોમાં જ્યાં જ્યાં એ શબ્દનો અને એ રીતે એ ભાવનો ઉપયોગ થયો છે, તે શાસ્ત્રપાઠો આપવામાં આવ્યાં છે. આ રીતે આ ગ્રંથમાં પ્રમાણભૂતતા જાળવવાનો એક અદ્ભુત પ્રયત્ન થયો છે.
એનો પાયો એ છે કે સર્વજ્ઞા પરમાત્માઓ દ્વારા કથિત એવાં તત્ત્વોનો સર્વગ્રાહી અભ્યાસ થઈ શકે. એના તમામ સંદર્ભો પ્રાપ્ત થાય, એના વિશેનાં અન્ય ગ્રંથોનાં ઉલ્લેખો મળે અને આમ એક-એક ભાવ વિશે શાસ્ત્રોમાં આલેખેલાં રહસ્યો અને સર્વજ્ઞા કથિત તત્ત્વો પ્રકાશિત થાય. આમ 'આર્ય યુગ' ગ્રંથ એ તો આ વિરાટ કાર્યનો પ્રારંભ છે. પરંતુ આના દ્વારા જૈન સૂત્રોમાં રહેલો ગહન શબ્દબોધ એના મૂળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ વિભાગીકરણ એ તત્ત્વનાં સમગ્ર આકાશનો પરિચય આપે છે અને એથી જ 'આર્ય યુગ' ગ્રંથ એ તો આ વિરાટ કાર્યનો પ્રારંભ છે, પરંતુ આના દ્વારા જૈન સૂત્રોમાં રહેલો ગહન શબ્દબોધ એના મૂળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ વિભાગીકરણ એ તત્ત્વનાં સમગ્ર આકાશનો પરિચય આપે છે અને એથી જ 'આર્ય યુગ' ગ્રંથ એ એક સિમાચિહ્ન રૂપ ગ્રંથ બની રહ્યો છે.
આ ગ્રંથ પદાર્થ નિર્ણય અને પદાર્થની સ્પષ્ટતા માટે મહત્ત્વનો છે.
૧) શ્રુતજ્ઞાાન પર આક્રમણો
૨) જૈનોનાં જ્ઞાાનભંડાર બાળી નાખ્યા
૩) દુષ્કાળ આદિ નૈસર્ગિક આપત્તિઓને કારણે થયેલો શ્રુત વિચ્છેદ
૪) બુદ્ધિની મંદતા
૫) કંઠોપકંઠ ધારણ કરવાની અસમર્થતા
૬) વિદેશમાં
આવા સમયે પણ શ્રુતજ્ઞાાનનો ભંડાર જળવાઈ રહ્યો અને આપણે જાણીએ છીએ- પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય મહારાજ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આદિએ મહાન પ્રયત્નો કર્યા અને ગ્રંથ રચના કરી.
શ્રુતભવનમાં તમે પ્રવેશો છો. જિનશાસનનું આખુંય ભવન શ્રુત રૂપે પ્રગટે છે. એમાંથી તમને એક તેજપૂંજનું નાનકડું કિરણ મળે તો પણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. સંસારનાં દુ:ખો અને જન્મ-મરણની શૃંખલામાંથી મુક્તિ મળે. ચિંતન, સ્વાધ્યાય અને પરિશિલનથી અજ્ઞાાનનો અંધકાર દૂર થાય. જિનશાસનમાં આત્મશુદ્ધિથી આત્મસિદ્ધિની યાત્રા છે અને એ યાત્રાનો પથ એટલે આ આર્ય યુગ ગ્રંથ.
આ કાર્ય માટે એક હજારથી વધુ ગ્રંથોમાંથી વ્યાખ્યા, વ્યુત્પત્તિ, લક્ષણ આદિ લેવામાં આવ્યાં છે. ચાર મુખ્ય વિષયો અને એકસો ઓગણસાઈઠ પેટા વિષયો પર માહિતી પ્રાપ્ત થાય છે. આવા તો પંદર હજાર પેટા વિષયો પરનું સંકલન કાર્ય ચાલુ છે. આ ગ્રંથનું અવગાહન કરશો તો ખ્યાલ આવશે કે આ પુનિત કાર્ય માટે કેવો પ્રચંડ પરિશ્રમ કરવામાં આવ્યો હશે. આને માટે પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા, પ.પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી કલાનિધિશ્રીજી મ.સા. અને પૂ.નયજિતવિજયજી મ.સા.આદિ સાધુ ભગંવતો, પૂ. સાધ્વીજી નિર્મલદૃષ્ટિશ્રીજી મ.સા.આદિ સાધ્વીજી ભગવંતો, પૂ.સાધ્વીજી નિર્મલદૃષ્ટિશ્રીજી મ.સા.આદિ સાધ્વીજી ભગવંતોએ વિશેષ માર્ગદર્શન પ્રદાન કર્યું છે. તેનું ઋણ તો કોઈ રીતે ચૂકવી શકીએ, પરંતુ આ દ્વારા જિનાગમનો યોગ પ્રાપ્ત થશે એ જ મોટી ઘટના છે.
આપણે શ્રુતભક્તિ, શ્રુતાભ્યાસ અને શ્રુતરક્ષા કરનારા શ્રીસંઘે આ શ્રુતજ્ઞાાનની ગંગોત્રીમાંથી જિનાગમનાં રહસ્યો પામશે અને આવા ગ્રંથો વિશેષ બહાર પડશે, ત્યારે ગંગોત્રી એટલે કે પ્રારંભમાંથી શ્રુતજ્ઞાાનની ગંગાની પ્રાપ્તિ થશે. સંસાર રૂપી અટવીમાં અનંતકાળથી ભટકી રહેલા જીવને માટે ભોમિયો કહો, આપણા અધ્યાત્મ જીવનનું આ પરમ ઔષધ છે.
પણ હવે શું ? તો એ કાર્ય 'આર્ય યુગ' ગ્રંથ-શ્રેણી દ્વારા એ જેમ જેમ પ્રગટ થશે, તેમ તેમ એનો પ્રકાશ જિનાગમનાં અનેક રહસ્યોને પ્રગટ કરતો રહેશે.
એક મહાપ્રચંડશ્રુત કાર્ય આપણા સમયમાં અને આવા સમયમાં થઈ રહ્યું છે, તે એક ઐતિહાસિક ઘટના છે. શ્રુતજ્ઞાાનના સંદર્ભમાં એક વાર ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું, ' હે ભગવતં ! જ્ઞાાનસંપન્નતાથી જીવને શો લાભ થાય છે ?
ભગવાન મહાવીરે કહ્યું, 'જ્ઞાાન સંપન્નતાથી જીવ સમસ્ત તત્વોનો જ્ઞાાતા બને છે. જ્ઞાાનસંપન્નજીવ ચાર ગતિરૂપ સંસારનાં ભ્રમણમાં ભટકતો નથી. જેમ દોરામાં પરોવાયેલી સોય ખોવાઈ જતી નથી, એ રીતે શાસ્ત્રજ્ઞાાન સહિત જીવ સંસારમાં વિનષ્ટ થતો નથી, ભટકતો નથી. એ જીવ જ્ઞાાન, વિનય, તપ અને ચારિત્ર્યના યોગોથી અધિકથી અધિકતમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે. જે પોતે સિદ્ધાંતમાં વિશારદ થઈને બધાને માટે સન્માનનીય બને છે.'