ભગવાન મહાવીર સમતાનું શિખર અને તિતિક્ષાનું તેજ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
ભગવાન મહાવીર સમતાનું શિખર અને તિતિક્ષાનું તેજ 1 - image


- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ

ભ ગવાન મહાવીરની વિહારયાત્રા ચાલે છે. એમણે અનાર્ય દેશ ગણાતા લાઢ દેશમાં વિહાર કર્યો અને ત્યાં કોઈ ઉજ્જડ અને વેરાન સ્થાનમાં એમને રહેવું પડતું. ત્યાંના અનાર્ય લોકો એમને મારતા અને બચકા ભરવા માટે એમની પાછળ દોડતાં હતાં. માંડ માંડ લૂખો-સૂકો આહાર મળતો હતો. આવા લાઢ પ્રદેશમાં ચોતરફ હિંસા હતી, ત્યાં પ્રભુ મહાવીરે વિહાર કરીને અહિંસાનો આહલેક જગાવ્યો. અહિંસાનો સાચો ઉપદેશ હિંસક પ્રદેશોમાં જ જરૂરી છે અને એ પ્રભુ મહાવીરના જીવનમાં અહીં જોવા મળે છે. એમણે નગરોમાં રહેવાનું પસંદ કર્યું નહીં, બલ્કે નગરનાં ઉદ્યાનમાં રહેતા અને એ પછી એમણે લાઢ પ્રદેશમાં અનેક સંકટો સહન કર્યાં.

ભગવાન મહાવીર સ્વામીએ વિહારનાં છઠ્ઠું વર્ષે કયલી સમાગમ, જમ્બૂસંડ, તંબાય સન્નિવેશ, કૂપિય-સન્નિવેશ, વૈશાલી ગ્રામક-સન્નિવેશ થઈને શાલિશીર્ષ ગામમાં આવ્યા. અહીંના રમણીય ઉદ્યાનમાં તેઓ કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા.

માઘ મહિનાની કડકડતી ઠંડી હતી. હાડ સોંસરવો ઊતરી જાય તેવો પવન સુસવાટા લેતો હતો. એમાંય પ્રભુ મહાવીર ખુલ્લા, વિશાળ ઉદ્યાનમાં હતા તેથી પવન એમના વસ્ત્રવિહોણા દેહ પર શૂલની માફક ભોંકાતો હતો. ભલભલા બળિયાનાં હાડ ધ્રૂજી ઊઠે એવી આ કારમી ઠંડી હતી. શાલિશીર્ષના ગ્રામજનો તો ગરમ વસ્ત્રો ઓઢીને સૂતાં હતાં, છતાં કારમી ઠંડી એમને ધ્રુજાવતી હતી. રાતના સમયે થીજી જાય એવી ઠંડીમાં ભગવાન મહાવીર વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા હતા. બહારની દુનિયા વીસરાઈ ગઈ હતી. એમના અંતરના જગતમાં અજવાળાં પથરાયેલાં હતાં. ધ્યાનસ્થ દશા પણ એવી કે ગમે તેવો સુસવાટાભર્યો પવન આવે, ગમે તેવી કારમી ઠંડી હોય છતાં તદ્દન અડોલ, અપ્રતિબદ્ધ અને આલંબનરહિત હતા.

આ સમયે કટપૂતના નામની વ્યંતરીએ ધ્યાનસ્થ મહાવીરને જોયા અને એનું પૂર્વ વેર પ્રજ્વળી ઊઠયું. ભગવાનના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એમને એક રાણી હતી. એ અણમાનીતી રાણીનું નામ વિજયવતી હતું. એ પછી ઘણા ભવભ્રમણ બાદ કટપૂતના બની હતી. એણે જ્યારે પ્રભુ મહાવીરને જોયા, ત્યારે એના હ્ય્દયમાં ભક્તિની પાવન ભાવના ઊભરાઈ નહીં, બલ્કે દ્વેષનો દઝાડતો દાવાનળ જાગી ઊઠયો. ભગવાન મહાવીરનું મુખારવિંદ જોઈને વાત્સલ્યનો અનુભવ થવાને બદલે એનું હ્ય્દય વેરથી ધગધગી ગયું. આનું કારણ એ હતું કે જુગજૂના વેરનો વિપાક જાગ્યો હતો. આ વેરને પરિણામે કટપૂતનાએ ધ્યાનસ્થ મહાવીરનો ધ્યાનભંગ કરવાનો વિચાર કર્યો. એમને હેરાન-પરેશાન કરવાના ઉપાયો વિચારવા લાગી.

એણે વિચાર્યું કે શિયાળાની આ કડકડતી ઠંડી એવી છે કે આ સમયે ભલભલાનાં ગાત્રો થીજી જાય. ભલે મહાવીર આ ઠંડીની સામે હજી સુધી અડોલ ઊભા હોય, પરંતુ એમના પર હિમ જેવું ઠંડુ પાણી રેડું કે જેથી એ થરથરી જાય, ઠંડીથી ઠૂંઠવાઈ જાય. આમ થશે તો જ વેરથી બળતા મારા હ્ય્દયને થોડી ટાઢક વળશે.

કટપૂતનાએ તાપસીનું રૂપ ધારણ કર્યું. એની જટામાંથી મેઘની ધારાની માફક હિમની શીતળતાને ભુલાવે એવું ટાઢું પાણી ભગવાન મહાવીરના દેહ પર વરસાવવા લાગી. ભગવાનના કોમળ ખભા પાસે ઠંડી હવાની કાતિલ લહેરો ફેલાવવા લાગી. એક બાજુ બરફના જેવું ઠંડુ જળ ભગવાન પર છાંટવા માંડયું અને બીજી બાજુ તલવારના પ્રહારથી પણ વધુ તીક્ષ્ણ એવા જોરદાર પવનનો સુસવાટો શરૂ થયો.

કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોઈ રહી. એને હતું કે હમણાં આ યોગી ધ્રુજી ઊઠશે. ધ્યાન ધ્યાનને ઠેકાણે રહેશે અને જીવ બચાવવા દોડી જશે. અસહ્ય પવનના સુસવાટા નહીં ખમાય એટલે ચીસાચીસ કરી મૂકશે. એની આખીયે લીલા સમેટાઈ જશે.

કટપૂતનાનો આ શીત ઉપસર્ગ એવો હતો કે સામાન્ય માનવી તો આવી ઠંડીથી સાવ અચેતન બની જાય અને ઠૂંઠવાઈ-ઠૂંઠવાઈને મૃત્યુ પામે.

કટપૂતનાએ ભગવાનની કાયાને કષ્ટ આપવામાં કશું બાકી રાખ્યું નહીં, પણ કાયાની માયા કે મમતા મહાવીરને ક્યાંથી સ્પર્શે ? કાયાનું કષ્ટ એમને ક્યાંથી ધ્રુજાવી શકે ? બાહ્ય આપત્તિ એમને ક્યાંથી અકળાવી શકે ? કટપૂતનાને થયું કે થોડો વખત આ સહન થાય પણ લાંબો વખત સહન થશે નહીં. થોડા સમયમાં જરૂર આ યોગી શાલિશીર્ષનું ઉદ્યાન છોડીને ભાગી જશે. આમ વિચારતી કટપૂતનાએ સતત ઠંડું જળ અને કાતિલ પવનોનો મારો ચાલુ રાખ્યો. આખી રાત એણે ભગવાન મહાવીરને ધ્રુજાવી નાખવા કોશિશ કરી, કિંતુ પ્રભુ તો સુમેરુ પર્વતની જેમ પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા.

એમણે આ શીતલ જળછંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. સુસવાટાભર્યા પવનને આનંદની લહરીમાં પલટાવી દીધો. કટપૂતના હારી-થાકી અને એનો ક્રોધ ધીરે ધીરે શમી ગયો. પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અદ્દભુત તિતિક્ષા અને કેવી અમાપ સમતા છે મહાવીરમાં ! એ ભગવાન મહાવીરના ચરણમાં નમી પડી અને પોતાના આવા ઘોર અપરાધ માટે એમની ક્ષમા માંગી. ક્ષમાસાગર વાત્સલ્યમૂર્તિ પ્રભુ મહાવીરની પ્રેમધારા અવિરત વરસતી હતી ! આ સમયે સમભાવોની ઉચ્ચ શ્રેણી પર ચઢવાને કારણે પ્રભુ મહાવીરને વિશિષ્ટ અવધિજ્ઞાાન (લોકાવધિજ્ઞાાન)ની ઉપલબ્ધિ થઈ.

સાધનાકાળમાં એક પછી એક ઉપસર્ગો આવે છે અને તપસ્વી મહાવીર સમભાવે સહન કરે છે. સાધનાના પથ પર પ્રયાણ કરતાં એમની તપઆરાધના પણ સતત ચાલતી રહે છે.

વિશ્વને કાયોત્સર્ગ ધ્યાનની વિરલ પદ્ધતિ આપી, અને એ કાયોત્સર્ગ ધ્યાન પણ પ્રત્યેક સમયે ભિન્ન-ભિન્ન રીતે જોવા મળે છે. તપસ્વી મહાવીર સાનુલદ્વીપ ગામની બહાર હતા ત્યારે એમણે ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા પ્રતિમા નામની તપશ્ચર્યાની આરાધના કરી.

ચારેય દિશાઓમાં ચાર ચાર પ્રહર સુધી કાયોત્સર્ગ ધ્યાન કરવું તે ભદ્રા પ્રતિમા કહેવાય. આ પ્રતિમાની આરાધના કરનારે પ્રથમ દિવસે પૂર્વ દિશા તરફ મુખ કરીને અને રાત્રે દક્ષિણ દિશા તરફ મુખ કરીને કાયોત્સર્ગ ધ્યાન કરવાનું હોય છે. બીજા દિવસે પશ્ચિમ દિશા બાજુ મુખ રાખીને અને રાત્રિએ ઉત્તર બાજુ મુખ રાખીને કાયોત્સર્ગ ધ્યાનની આરાધના કરે છે.

દીર્ઘતપસ્વી મહાવીરે ભદ્રા પ્રતિમા પછી મહાભદ્રા પ્રતિમાનો પ્રારંભ કર્યો. એમાં ચારે દિશામાં એક દિવસ-રાત કાયોત્સર્ગ કરવામાં આવે છે. મહાવીરે ચાર અહોરાત્ર સુધી એની આરાધના કરી. એ પછી સર્વતોભદ્રા પ્રતિમાનો પ્રારંભ કર્યો, એમાં દસ દિવસ-રાત લાગ્યાં. આ પ્રતિમામાં દશે દિશામાં ક્રમશ: અહોરાત્ર કાયોત્સર્ગ કરવામાં આવે છે. આમ મહાતપસ્વી મહાવીરે સોળ દિવસ સુધી સતત ધ્યાનમગ્ન અને ઉપવાસી રહીને આ કઠોર તપશ્ચર્યાની આરાધના કરી.

આવા કઠોર તપનું પારણું કઈ રીતે કર્યું તપસ્વી મહાવીરે ? એમના અનુયાયી આનંદ શ્રાવકને ત્યાં બહુલા દાસી પાસેથી ભગવાને ભિક્ષાનો સ્વીકાર કર્યો. બહુલા ભાવવિભોર બની ગઈ. એક સામાન્ય દાસીની ભક્તિનો આવો ભાવભર્યો સ્વીકાર ! બહુલાએ આપેલા એ અન્નથી દીર્ઘતપસ્વી મહાવીરે પારણું કર્યું. રાજાએ બહુલાને દાસીપણામાંથી મુક્ત કરાવી. ચોતરફ આનંદ પ્રવર્તી રહ્યો. સૌએ કહ્યું, ''જેમની પાસેથી ભવમુક્તિ મળે છે, એમની પાસેથી આવી દાસત્વમુક્તિ મળે એમાં આશ્ચર્ય શું ?"


Google NewsGoogle News