આચાર્યશ્રીને 'કાશીવાળા' તરીકે ઓળખીએ છીએ,પણ ખરેખર તો તેઓને 'કાશી-કેસરી' કહેવા જોઇએ!
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
મારા ગુજરાતમાં તેજસ્વી વિદ્વાનોનું નિર્માણ થાય, વિદેશમાં જઇને ધર્મપ્રચાર કરે એવા તેજસ્વી યુવાનો તૈયાર થાય અને વિદેશીઓની જૈન ધર્મ અને જૈન સાહિત્ય વિશેની વિદ્યાપ્રીતિનું સંવર્ધન થાય એવા હેતુથી આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ બારસો-તેરસો માઇલનો એટલે કે લગભગ બસો દિવસનો કઠિન વિહાર કરીને કાશીનગરમાં આવ્યા. આ નગરમાં એમણે અત્યંત વિરોધી વાતાવરણ વચ્ચે કાર્ય કર્યું, પણ પોતાની વિદ્વત્તા, વક્તૃત્વ અને પ્રતિભાથી વિરોધી વાતાવરણ ઓછું થયું અને સર્વત્ર સન્માન પામવા લાગ્યા.
એક સમયે વિરોધ કરનારા પંડિતો અને શાસ્ત્રીઓ એમના કાર્યથી અત્યંત પ્રભાવિત થતા ગયા. સંસ્કૃત અને પ્રાકૃતના વિદ્વાનો તૈયાર થયા. અપ્રકાશિત ગ્રંથોનાં સંશોધન અને સંપાદનનું અદ્ભુત કાર્ય થયું અને વિ. સં. ૧૯૬૪માં મહારાજશ્રીને કાશી-નરેશના હસ્તે 'શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય'ની પદવી મળી. જૈન ધર્મ ઉપરાંત હિંદુ ધર્મના જ્ઞાતા તરીકે અને ષડ્દર્શનના અભ્યાસી તરીકે એમની ખ્યાતિ ચોમેર પ્રસરી.
વાતાવરણમાં એવો તો પલટો આવ્યો કે જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશેની સામગ્રીના અભાવે અનેક અજૈન વિદ્વાનો ગેરસમજ ધરાવતા હતા. તેવા સમયે આચાર્યશ્રીના ગ્રંથોએ એક નવું વાતાવરણ સર્જ્યું અને વિ. સં. ૧૯૬૦માં એક ગ્રંથ પ્રકાશનની શ્રેણી શરૂ કરી. પચાસેક જેટલા ઉત્તમ ગ્રંથો પ્રગટ કર્યા અને દેશ-વિદેશમાં એ ગ્રંથો પહોંચતા જૈન સાહિત્યનો અભ્યાસ વધ્યો.
ગંગા નદીના એક ઘાટ પર સાર્વજનિક રૂપે પશુશાળાની સ્થાપના કરી અને એની રક્ષકસમિતિમાં હિંદુ, જૈન ઉપરાંત મુસલમાન અને ખ્રિસ્તી સભ્યોને પણ લેવામાં આવ્યા. વિદ્યાના ધામ તરીકે ઓળખાતા કાશીના પંડિતો વચ્ચે આવું પ્રભાવશાળી કાર્ય કરનાર આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજીની ઓળખ આપણો સમાજ માત્ર 'કાશીવાળા' તરીકે ન ચાલે. કદાચ નામોના સામ્યને કારણે 'કાશીવાળા' એવું કૌંસમાં લખવામાં આવતું હશે, પરંતુ ખરેખર તો એમને 'કાશી-કેસરી' કહેવા જોઇએ.
ખેર, પણ એક સમયે સૂરિજી પ્રત્યે પુણ્યપ્રકોપ ધરાવનારા કાશીના વિદ્વાનો પણ ધીરે ધીરે સૂરિજીની પ્રતિભાને ઓળખીને એમનો આદર કરવા લાગ્યા. કાશીના વિદ્વાન રામમિશ્રજી યશોવિજયજી જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવા આવતા. પાઠશાળાઓનાં દ્વેષીઓને સબક શીખવવા માટે તેઓ પાલખી અને છડીદાર સાથે ધામધૂમપૂર્વક આવ્યા હતા. એમણે તો તૈયારી બતાવી હતી કે જરૂર પડયે ખુલ્લા પગે પણ આવવાનું વિચારતા હતા. પંડિત રામમિશ્રજી એકલા પંડે કાશીના એકસો પંડિતો સાથે એકલા ઝઝૂમી શકે તેવા હતા. તેઓની સાથે સૂરિજીએ ધર્મચર્ચા કરી. પં. રામમિશ્રજી એમના પ્રત્યે આત્મીયભાવ અને આદરભાવ ધરાવવા લાગ્યા.
પંડિત મદનમોહન માલવિયાએ યોજેલા સનાતન ધર્મ મહાસભાના અધિવેશનમાં માલવિયાજીના પ્રભાવને કારણે અને કુંભમેળાના આકર્ષણને કારણે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા, ત્યારે તેમાં રૂઢિચુસ્તો અને સુધારકો બંને હતા. આ સમયે બે જૂથ વચ્ચે અમુક બાબતે ઝઘડો થયો. સામસામી બોલાચાલી થઇ. આવે સમયે શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજીના પ્રથમ શ્લોકે જ એક આગવું વાતાવરણ સર્જી દીધું. પાંચ-દસ મિનિટ બોલવાની સૂરિજીને મહેતલ હતી, પણ વિદ્વત્તા, વક્તૃત્વ અને તપસ્વિતાના પ્રભાવથી પોણા બે કલાક સુધી તેઓએ પ્રવચન આપ્યું અને તોફાને ચઢેલા શ્રોતાઓને સૂરિજીએ થંભાવી દીધા હતા.
એક બીજી ઘટના પણ જોઇએ, સોળ-સત્તર પાનાંનું વ્યાખ્યાન 'સુજન સંમેલનમ્'એ શ્રી રામમિશ્ર શાસ્ત્રીએ જૈન ધર્મ અને જૈન સિદ્ધાંત વિશે કરેલી સ્તુતિ અને પ્રશંસા ધરાવતું વ્યાખ્યાન છે. એ સમયે કાશીના પંડિતો એમ કહેતા કે જૈન સિદ્ધાંત પવિત્ર હોય તો પણ મરેલા કૂતરાના દેહમાં રહેલ ગંગાજળ જેમ અપવિત્ર છે, એમ ખુલ્લંખુલ્લું કહેતા, ત્યારે આ વ્યાખ્યાન એક સીમાચિહ્ન રૂપ ગણાય.
જોધપુરમાં યોજાયેલા જૈન સાહિત્ય સંમેલનમાં ડો. સતીશચંદ્ર વિદ્યાભૂષણને મહારાજશ્રીએ નિમંત્રણ આપ્યું અને તેઓએ અહીં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન સંમેલનના અધિવેશનમાં આપ્યું. એમાં અંતે 'મુક્તિ'ના વિષય પર મહારાજશ્રીનું વ્યાખ્યાન સહુ કોઇને પ્રભાવિત કરી ગયું. આમ જોધપુરમાં મળેલું સાહિત્ય સંમેલન એક ઐતિહાસિક ઘટના બની ગઈ.
આ તબક્કે પોતાના ગુરુની જ્ઞાન પરંપરાને શોભાયમાન કરે એવું શિષ્યવૃંદ પણ તૈયાર થયું. પૂજ્ય ઇન્દ્રવિજયજી, પૂજ્ય મંગલવિજયજી, પૂજ્ય ભક્તિવિજયજી, પૂજ્ય વિદ્યાવિજયજી, પૂજ્ય ચંદ્રવિજયજી, પૂજ્ય જયંતવિજયજી, પૂજ્ય વિશાળવિજયજી, પૂજ્ય ન્યાયવિજયજી, પૂજ્ય હિમાંશુવિજયજી વગેરે શિષ્યોએ એક યા બીજા પ્રકારે ગુરુનું કાર્ય આગળ વધાર્યું. એમના શિષ્યો તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સાહિત્ય, ન્યાય, જ્યોતિષ, મંત્ર-તંત્ર જેવા જુદા જુદા વિષયોમાં પારંગત હતા. તેઓના ગ્વાલિયરના મહારાજા અને સૂરિજીના ભક્તોના આર્થિક સહયોગથી શિવપુરીમાં શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ સંસ્થા ઘણી વિકસી અને તેમાંથી તૈયાર થયેલા જૈન વિદ્વાનો અને પંડિતોએ એક શકવર્તી વિદ્યાકાર્ય કર્યું. ભાવનગરમાં યશોવિજયજી જૈન ગ્રંથમાળાની સ્થાપના કરવામાં આવી અને તેનો સતત વિકાસ કર્યો. સૂરિજીની વિશેષતા એ હતી કે પોતે સ્થાપેલી સંસ્થાઓમાં ક્યાંય પોતાનું નામ નહીં, પણ ઉપાધ્યાય યશોવિજયજીનું નામ મળે અને એ રીતે પોતાને મળેલી પ્રેરણાને તેઓ સદૈવ વંદન કરતા હતા.
એ સમયે વિદ્યાનું કેવું ભવ્ય વાતાવરણ સર્જાયું હશે, તેની તો કલ્પના જ કરવી રહી. ક્યાંક વર્ષોથી બંધ રહેલા પુસ્તકભંડારો ખોલાવ્યા, એમાં વર્ષોથી એમ ને એમ પડી રહેલી હસ્તપ્રતોને બહાર આણી, ઠેર ઠેર ગ્રંથાલયો અને પાઠશાળાઓ સ્થાપી, શ્રી યશોવિજયજી ગ્રંથમાળામાં પ્રકાશન માટેની વ્યવસ્થા કરી. શિલાલેખો અને જૂનાં ઐતિહાસિક વૃતાંતો પ્રગટ કર્યાં, જનસમૂહ પાસે જૈન સંસ્કૃતિને મૂકવાની યોજના ઘડી, વિરોધી વાતાવરણ વચ્ચે જ્ઞાનોપાસનાનો મહાયજ્ઞા આદર્યો અને એ જ રીતે એમના સંપર્કમાં આવતા આ દેશના હિંદુ પંડિતો હોય, બૌદ્ધ ધર્મના અભ્યાસીઓ હોય કે પશ્ચિમના તત્ત્વચિંતકો હોય - એ સહુની સાથે એમનો ગાઢ સંપર્ક રહ્યો. ધર્મ, સાહિત્ય અને શાસ્ત્રો પ્રત્યેની એમના અગાધ અભિરુચિને કારણે સંશોધન અને પ્રકાશન પણ થયાં. આ ગ્રંથોએ વિદેશના વિદ્વદ્જગતને જૈનશાસ્ત્રોના અજવાળાનો પહેલો અનુભવ કરાવ્યો.
પાશ્ચાત્ય વિદ્વાનો આ સંસ્થાની મુલાકાતે આવતા, સૂરિજીને મળવા આવતા, અહીં સંશોધનાર્થે જર્મન વિદુષી શ્રીમતી શેર્લોટ ક્રાઉઝે આવ્યાં હતાં અને એમને સહુ કોઇ 'સુભદ્રાદેવી'ને નામે ઓળખતા હતા. વિદેશી સંશોધકો જ્ઞાનપ્રાપ્તિ માટે એકલવ્ય જેવી સાધના-આરાધના કરતા હોય છે, તેનું તેઓ જીવંત દ્રષ્ટાંત હતા. લાંબા પ્રવાસો કરવા પડે અથવા તો કેટલાય માઇલો દૂર જઇને ગ્રંથો મેળવવા પડે તો પણ એનો તેઓને લેશમાત્ર કંટાળો હોતો નથી. દેશ-વિદેશનાં અનેક વિદ્વાનો આ વિરલ વિદ્યાયાત્રામાં સામેલ થયાં અને આચાર્યશ્રીની મહાન પ્રતિભાનો ખ્યાલ તો ત્યારે આવે કે જ્યારે ભારતનાં તો ઠીક પણ ઇટાલીના એલ.પી. ટેસિટોરી અને અલ્લે ફ્રોન્ટી તૂચિ જેવાએ એમની ચરિત્રગાથા લખી છે. એમની વિદ્વતાં અને પ્રતિભાનો સ્પર્શ પામેલા મહાનુભાવો, વિદ્વાનો અને સર્જકોની વાત હવે પછી ક્યારેક કરીશું.