રાજા શ્રેણિકની સમગ્ર રાજસમૃદ્ધિ કરતાં વધુ મોંઘી છે પુણિયાની એક સામાયિક!
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
પુણિયા શ્રાવકના ચરિત્રના નિમિત્તે આપણે સામાયિક વિશે વિચારીએ તો ગુજરાતી સાહિત્યના કવિ હરિહર ભટ્ટનું સ્મરણ થાય છે. એમનું પ્રસિદ્ધ કાવ્ય તે 'એક જ દે ચિનગારી'. આમાં પરમાત્મા પાસે એક ચિનગારી માગવામાં આવી છે. આ ચિનગારી એટલે થોડી ક્ષણોની અલૌકિક અનુભૂતિ. સામાયિકમાં શ્રાવક બે ઘડીના સાધુપણાનો અનુભવ પામે છે. અડતાલીસ મિનિટ સામાયિકમાં રહેલો ગૃહસ્થ સંસાર-વ્યવહાર ત્યજી સાધુના જેવું આચરણ કરવારૂપ સામાયિક વ્રત પાળે છે, પરંતુ આ અડતાલીસ મિનિટનું સામાયિક એ તો અંતરયાત્રાનું પ્રથમ સોપાન છે. એ પછીનું બીજું સોપાન તે શ્રુત સામાયિક- જે અંતરયાત્રા માટે પથપ્રદર્શક બને છે. ત્રીજું સમ્યકત્વ સામાયિક એ અંતરયાત્રા માટે પથપ્રદર્શક બને છે. ત્રીજું સમ્યકત્વ સામાયિક એ અંતરયાત્રા માટેનું આધ્યાત્મિક પાથેય અર્પે છે. દેશ-વિરતિ સામાયિકએ આ આધ્યાત્મિકતાના માર્ગ પર આવતો આખરી વિસામો છે અને સર્વવિરતિ સામાયિક એ અંતરયાત્રાનું શિખર છે, જેને પરિણામે સાધક રાગ-દ્વેષથી મુક્તિ, સમભાવમાં સ્થિરતા અને પ્રશમભાવમાં લીનતાનો અનુભવ કરે છે.
સામાયિકનાં આધ્યાત્મિક પાસાંને જોયા બાદ એના વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પાસાંઓ વિશે વિચારવું જોઈએ. માનવમનના સંશોધકોએ એમ સિદ્ધ કર્યું કે કોઈ પણ વ્યક્તિની એકાગ્રતા અડતાલીસ મિનિટથી વધુ રહી શક્તી નથી. સામાયિકનો સમય પણ આટલો જ નિર્ધારિત છે. આપણાં શાસ્ત્રોએ પણ કહ્યું કે છદ્મસ્થ આત્માનો અધ્યવસાય કોઈ પણ એક વિષયમાં વધારેમાં વધારે અડતાલીસ મિનિટ સુધી સ્થિર રહી શકે છે.
સામાયિક અને આદર્શ ભક્તિનું ઉદાહરણ એટલે પુણિયો શ્રાવક. આ એક એવો શ્રાવક હતો કે જેની ધર્મભાવના ખુદ ભગવાન મહાવીરે વખાણી હતી. રાજગૃહી નગરીમાં વસતો પુણિયો શ્રાવક ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને આચારમાં અપરિગ્રહનું પાલન કરવા લાગ્યો. હસતે મુખે ગરીબી સ્વીકારનાર પુણિયાએ પોતાની પૈતૃક મિલકતનું દાન કર્યું હતું અને જાતે રૂની પૂણીઓ બનાવીને મળતી બે આના જેટલી રકમમાં સંતોષભેર જીવતો હતો. સંતોષ સાથે સંપત્તિને સંબંધ નથી. અઢળક સમૃદ્ધિ ધરાવનાર અસંતોષમાં જીવતો હોય. સંતોષ એ તો વ્યક્તિના સ્વભાવમાં ખીલવવાની ચીજ છે.
પુણિયા શ્રાવકમાં પ્રભુ તરફ ભક્તિ હતી. એ જ રીતે પ્રભુના શાસનના સાધર્મિકો તરફ અપાર સ્નેહ હતો. આથી રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા. આ કારણે બંનેને એકાંતરે ઉપવાસ કરવો પડતો હતો. આવો બાર વ્રતધારી પુણિયો આત્મ-સમભાવમાં એકાકાર બનીને રોજ એક સામાયિક કરતો હતો. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ ? એણે એની પત્નીને પૂછયું કે આજે સામાયિકમાં મારું ચિત્ત સ્થિર રહેતું નથી. આવું કેમ થાય છે એનું કારણ મને સમજાતું નથી !
આત્મજાગૃત પુણિયાની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડી વારે યાદ આવતાં શ્રાવિકાએ કહ્યું,' હું પાછી આવતી હતી ત્યારે માર્ગમાં અડાણાં છાણાં પડયાં હતાં. એ સિવાય તો બીજું કશું અણહકનું ક્યારેય લાવી નથી.
પુણિયા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું,' અરે ! રસ્તામાં પડેલાં છાણાં એ આપણાં ન કહેવાય. જેના પર કોઈનો અધિકાર ન હોય એના પર રાજનો અધિકાર કહેવાય. જાઓ, છાણાં જ્યાં હતાં ત્યાં પાછાં મૂકી આવો.'
પુણિયાની આત્મજાગૃતિ એટલી હતી કે એક નાનીશી ક્ષતિ પણ એના અંતરને વલોવી નાખતી હતી.
એક વાર મહારાજ શ્રેણિકે મૃત્યુ બાદ પોતાની કઇ ગતિ થશે એમ પૂછયું, ત્યારે ભગવાન મહાવીરે નરકગતિ થશે તેમ કહ્યું. પોતાના પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતાં સહેજે અચકાતા નહીં. રાજા શ્રેણિકે આમાંથી ઉગરવાનો ઉપાય પૂછયો ત્યારે ભગવાને કહ્યું,' પુણિયા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય મળે તોય તારી નરકગતિ ટળશે.' રાજા શ્રેણિક પુણિયા શ્રાવક પાસે એક સામાયિક ખરીદવા ગયા.
પુણિયાએ રાજાને કહ્યું કે ભગવાન પાસેથી સામાયિકનું મૂલ્ય જરા જાણી આવો. ભગવાન મહાવીરે કહ્યું કે સાચા શ્રાવક પુણિયાની સામાયિકનું મૂલ્ય આંકવું અશક્ય છે. એક નહીં બલ્કે અનેક મેરુ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો તેનાથી પણ વધારે પુણિયાની એક સામાયિકની દલાલી છે. એક આખીયે સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેકગણું હોય.
આનો અર્થ એ કે પુણિયા શ્રાવકની સામાયિક અમૂલ્ય છે. એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી. ભગવાન મહાવીરે આ જ વાત બીજી રીતે દર્શાવતાં કહ્યું કે કોઈ માણસ અશ્વ ખરીદવા જાય અને એ ઘોડાની લગામની કિંમત જેટલી થાય એટલી પુણિયાની સામાયિક સામે રાજા શ્રેણિકના રાજભંડારની થાય. આમ અશ્વની કિંમત તો બાકી જ રહે. મહારાજ શ્રેણિકે જોયું કે એમની સમગ્ર રાજસમૃદ્ધિ પુણિયાની એક સામાયિક પણ ખરીદી શકે તેમ નથી. આથી તેઓ નિરાશ થયા, પરંતુ સાથોસાથ સાચા શ્રાવક પુણિયાની ધર્મભાવનાને મનોમન વંદન કરી રહ્યા. સામાયિક તો આત્મભાવની સાધના છે. રાગદ્વેષની વિષમતાથી ચિત્તને દૂર કરીને 'જન'માંથી ' જિન' બનવું એ સામાયિકનું આધ્યાત્મિક મૂલ્ય છે. રાજા શ્રેણિકનો ધનથી સામાયિક ખરીદવાનો અહંકાર નષ્ટ થઈ ગયો. સાચી સામાયિકની વાત થતાં તરત જ પુણિયા શ્રાવકનું સ્મરણ થાય છે. પ્રભુ મહાવીરના ભક્ત આ શ્રાવકનું સ્મરણ થાય છે. પ્રભુ મહાવીરના ભક્ત આ શ્રાવકના જીવનમાંથી ધર્મક્રિયાની ગરિમા પ્રગટ થાય છે. વળી પુણિયાનું જીવન પણ સાચા શ્રાવકને શોભે તેવું અપરિગ્રહી હતું. પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં એ પુણિયા શ્રાવકને ધન્ય છે.