Get The App

પુરાણી દાનભાવના ચાહે છે નવી દિશા ! .

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
પુરાણી દાનભાવના ચાહે છે નવી દિશા !                       . 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

આવી જ એક વિશેષ અનુપમ ઘટનાનું સ્મરણ વીર ભામાશાની પત્ની લક્ષ્મીનાં જીવનમાં જોવા મળે છે, જ્યારે ભામાશા રાણા પ્રતાપના સ્વતંત્રતાના યુદ્ધ માટે સર્વસ્વ સમર્પણ કરવાનો વિચાર કરે છે, ત્યારે એની પત્ની લક્ષ્મીને પણ પરાધીન અવસ્થા કોરી ખાતી હતી. ભામાશાએ રાણા પ્રતાપને શસ્ત્રો અને સૈનિકો માટે સંપત્તિ આપવાનો વિચાર કર્યો, ત્યારે લક્ષ્મીએ ભામાશાના હાથમાં ચાવીઓ મૂકતાં કહ્યું,' ભોંયરામાં જેટલું ધન છે તે બધું જ રાણાને પહોંચાડી દેજો. વળી ધન સમર્પતી વખતે મનમાં સહાય કર્યાનો ખ્યાલ કે પાછું લેવાની ઇચ્છા કદી રાખશો નહીં.'

ભામાશાએ કહ્યું,' આવું કેમ કહે છે ?'

લક્ષ્મીએ કહ્યું,'જુઓ ! આ તો એમનું ધન એમને સમર્પિત કરીએ છીએ. મેવાડની ધરતી અને એના રાણાઓના રાજમાં રહીને જ આપણા પૂર્વજોએ આ વિપુલ ધનસંપત્તિ મેળવી છે. આ ભૂમિમાંથી મળેલી સંપત્તિ દ્વારા આપણું લાલનપાલન થયું. એ માતૃભૂમિના ઉદ્વાર કાજે ધનનો ઉપયોગ કરવો એ તો આપણી સૌથી મોટી ફરજ અને પરમ ધર્મ છે.'

લક્ષ્મીના આ શબ્દો સાંભળીને ભામાશાના ઉત્સાહમાં નવા પ્રાણ પુરાયા. મનોમન વિચારવા લાગ્યા કે ધન્ય છે આ નારીને, કે જેનામાં દેશને માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની ઉદાત્ત ભાવના છે. પોતાને માટે, ઘડપણને કાજે કે ભવિષ્યને કારણે થોડું પણ ધન કે સોનું રાખવાની એના મનમાં લેશમાત્ર ઇચ્છા નથી. એથીયે વિશેષ તો કશુંય પાછું મેળવવાની કોઈ અભિલાષા નથી. વીર ભામાશા એમની અઢળક સંપત્તિ લઈને રાણા પ્રતાપ પાસે ગયા. બાર વર્ષ સુધી પચીસ હજાર સૈનિકોનો નિર્વાહ થઈ શકે તેટલી વિપુલ સંપત્તિ હતી. રાણા પ્રતાપે ફરી સ્વાધીનતાનો બુલંદ પોકાર જગાવ્યો. ભામાશાના દાનની સાથે લક્ષ્મીના ત્યાગની સર્વત્ર પ્રશંસા થઈ રહી.

અહીં ઇન્દોરનાં શેઠ હુકમચંદજીનું સ્મરણ થાય છે. એમની પાસે અઢળક સંપત્તિ હતી. કોઈએ પૂછયું કે,' તમારી પાસે કેટલી સંપત્તિ છે ?'

તો એમણે જવાબ આપ્યો,' સત્યાવીસ લાખ.'

પૂછનારને વિશ્વાસ ન બેઠો, કારણકે એમનો શીશમહલ જ પચાસ લાખનો હતો. મીલો અને બીજો કારભાર તો જુદો. પુછનારે સંશય દાખવ્યો તો શેઠે કહ્યું કે,' આ હાથથી સત્યાવીસ લાખ જ દાનમાં અપાયા છે. જેનો લાભ અન્યોને મળ્યો છે એ જ મારી મૂડી કહેવાય.'

આ રીતે દાન પાછળની વિશેષ ભાવના જોવા મળે છે. પુણિયો શ્રાવક અને એની પત્ની બંને એકાંતરે ઉપવાસ કરીને રોજ એક સાધર્મિકને ભાવથી જમાડતા હતા. મહારાજા સંપ્રતિએ ગરીબોને વિનામૂલ્યે ભોજન આપતી દાનશાળાનું નિર્માણ કર્યું હતું. આવી તો એક એકથી ચડિયાતી કેટલીય ઘટનાઓ ઇતિહાસનાં પૃષ્ઠે આલેખાઈ છે, પણ એની સાથોસાથ વર્તમાનયુગમાં પણ આવા અનેક દાનવીરો જોવા મળે છે.

અમદાવાદની ઉત્તમ શિક્ષણ સંસ્થાઓ અને ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના પાછળ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું યોગદાન હતું. એ જમાનામાં અરવિંદ મીલનો ધોતીજોટો જગતભરમાં જાણીતો હતો, પણ કસ્તૂરભાઈનો નિયમ એવો હતો કે વર્ષમાં માત્ર ચાર ધોતીજોટા જ વાપરવા. આથી જેણે સમગ્ર દેશમાં પોતાના શિક્ષણ અને ધાર્મિક કાર્યોથી ખ્યાતિ મેળવી હતી. તેવા શ્રી કસ્તૂરભાઈને ધોતીયું સાંધતા જોયા છે. સંપત્તિને પોતાની સાદાઈથી શોભાવનારા દાનવીરો મળ્યા છે. એ જ પરિવારનો વારસો એમના પુત્ર શ્રેણીકભાઈએ જાળવ્યો, તો દીપચંદ ગારડીએ દાનવીર તરીકે સર્વત્ર નામના મેળવી, પણ એક વાર એમની સાથે બહાર જવાનું હતું. ત્યારે એ અડધો કલાક મોડા આવ્યા અને કહ્યું,' કુમારપાળ, જરા બૂટના સોલ તૂટી ગયા હતા. સોલ નવા નંખાવ્યા હવે છ મહિના ચાલશે.' મુસાફરીમાં જાય તો સામાનમાં સૌથી નાની પેટી એમની હોય. એમણે રુપજીવિનીઓની દીકરીઓ માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલ કરી હતી !

એવી જ દાનશીલતા યુ.એન. મહેતા અને શારદાબહેનમાં જોવા મળી જેમણે કેળવણી અને અન્ય ક્ષેત્રોમાં કામ કર્યું. દીપક નાઈટ્રેડનાં પૂર્વ ચેરમેન સી.કે.મહેતાની દાન સાથેની નિ:સ્પૃહતા અદ્ભુત હતી. આવા તો અનેક દાનવીરો હશે કે જેમણે પોતાના દાનથી અનેક ક્ષેત્રોમાં કાર્ય કર્યું હશે. પૂજ્ય આચાર્યશ્રી માધવપ્રિયદાસજીના ગુરુકુળમાં વિદ્યાર્થી બાલમંદિરથી માંડી એમ.બી.એ. સુધીની પદવી મહિને એક રૂ.ની ફી ભરીને પ્રાપ્ત કરે છે. અનેક સાધુ મહાત્માઓએ અનેક ક્ષેત્રોમાં માનવજાતને સુખાકારી આપવાનું કામ કર્યું છે. અહીં માત્ર થોડા ઉદાહરણ આપ્યાં છે. બીજા ઘણાં મહાત્માઓ અને શ્રેષ્ઠીઓનાં કાર્યોનો સમાવેશ કરવો જોઈએ, પણ તે થઈ શક્યો નથી માટે ક્ષમાપ્રાર્થી છું. એમાંની ઘણી વિભૂતિઓ અને વ્યક્તિઓનો આ વિશેષાંકમાં સમાવેશ થયો હશે તેમ માનું છું.

અઝીમ પ્રેમજી શિક્ષણને માટે કાર્ય કરે છે. વિશ્વ વિખ્યાતની સર્જરીનાં વિખ્યાત ડોક્ટર કે.સી. મહેતાના પિતાનું અવસાન ગુલેન બારી સિન્ડ્રોમ (Guillain-Barre Syndrome)થી થયું. આજે ઇંગ્લેન્ડમાં એક સંસ્થા દ્વારા આ બિમારી અંગે સંશોધન કરી રહ્યા છે. હવેનાં જમાનામાં વ્યક્તિ કોઈ એક ક્ષેત્ર પસંદ કરે છે અને એ ક્ષેત્રમાં પોતાની દાનગંગા વહેવડાવે છે. જેમકે બીલ ગેટ્સે ગેટ્સ ફ્રાઉન્ડેશન દ્વારા શિક્ષણનાં વિસ્તરણ માટે અને વૈશ્વિક આપત્તિ સમયે ઉમદા સહાય કરી છે. અમેરિકાની ગાયિકા, કવયિત્રી અને અભિનેત્રી ટેલર સ્વિફ્ટ આજનાં યુવાનોમાં અત્યંત ચાહના ધરાવે છે. એણે દરેક ક્ષેત્રમાં દાન કર્યું છે, એને માટે પોતાના ચેરિટી શો આપ્યાં છે અને ઓનલાઈનથી ગ્રસિત બાળકોને કઈ રીતે બચાવી શકાય તેને માટે પણ ઘણું દાન કર્યું છે. આમ દાનનો પ્રવાહ ધર્મ સંસ્કારોની સાથોસાથ મૂંઝાયેલી, ગભરાયેલી, પીડિત, અભાવગ્રસ્ત માનવતાની મદદે આવી છે.

દાનનાં સંદર્ભમાં પારસી કોમની દાનની પદ્ધતિ ધ્યાન ખેંચે છે. જૈન સમાજમાં ઘણાં ક્ષેત્રો કોઈ દાનવીરની રાહ જુએ છે. આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે અને જૈન ધર્મનાં સિદ્ધાંતો વિજ્ઞાન આધારિત છે, એમ જોરશોરથી કહીએ છીએ. પરંતુ એ સિદ્ધાંતોને પુરવાર કરવા માટે કોઈ પ્રયોગશાળાનું હજી નિર્માણ થયું નથી. જૈન આહાર અને આચારમાં રહેલી વૈજ્ઞાનિકતાની વાત ક્યારેક ક્યારેક સંભળાય છે, પરંતુ એને વિશે કોઈ સુનિશ્ચિત આયોજન કે જનજાગૃતિ ફેલાવનારી સંસ્થા મળતી નથી.

જ્ઞાનના ક્ષેત્રમાં વિચારીએ તો રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિજીની પ્રેરણાથી શરૂ થયેલા 'જૈન વિશ્વકોશ'માં જૈન ધર્મનાં એકસો વિષયોનાં અધિકરણો (લેખો) પ્રાપ્ત થાય છે. હકીકતમાં જૈન સમાજ પાસે એનો વિસ્તૃત પરિભાષાકોશ હોવો જોઈએ. ચરિત્રકોશ, ગ્રંથકોશ અને એનો વિજ્ઞાનકોશ પણ હોવો જોઈએ.

કોઈ એવી સંસ્થા હોય કે જ્યાં વ્યક્તિની ધર્મદર્શન વિશેની જિજ્ઞાસા સંતોષી શકાય. જેમકે અમેરિકામાં વીરચંદ ગાંધીએ સ્થાપેલી Oriental Philosophy  અને Esoteric Studies નામની વિલિયમ પાઈપની દેખરેખ હેઠળ ચાલતી સંસ્થાએ શું કાર્યવાહી કરી હતી. એ જાણવાની એની જિજ્ઞાસા તૃપ્ત કરે. દાનની ભાવનાને કારણે જૈનસમાજ સમૃદ્ધ ગણાય છે, પરંતુ હકીકતમાં ઘણો મોટો વર્ગ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવતો હોય છે, તો સમાજનાં એ સભ્યોની માહિતી એકત્રિત કરીને યોગ્ય રીતે એમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકાય એવી મધ્યસ્થ સંસ્થા હોવી જોઈએ.

વિદેશમાં રહેલા જૈનોએ ભારતમાં આવતી આપત્તિ સમયે ઘણી સહાય કરી છે, પરંતુ એ અંગે કોઈ મધ્યસથ સંસ્થા હોય તો ભારતમાં એનો કારોબાર બરાબર ચાલી શકે. આવાં અનેક ક્ષેત્રો છે, જ્યાં દાનનો પ્રવાહ વહે તે જરૂરી છે. સંપ્રદાયો હાથમાં હાથ મિલાવીને આવાં ક્ષેત્રોમાં કાર્ય કરે, તો વસ્તીની ઘટતી સંખ્યા હોવા છતાં ધર્મને જ જાળવી શકાશે. આ તબક્કે તો દાન આપનાર નવાં નવાં ક્ષેત્રોના દૃષ્ટા બને, એવી જ અભ્યર્થના.


Google NewsGoogle News