જૈન ધર્મની અનોખી અને આગવી છે પ્રાર્થના-પદ્ધતિ !
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
દીન, હીન અને લાચાર બનેલો માનવી પ્રારબ્ધના ખોળે જઈને બેસે અને પોતાના હાથ, પગ અને ચિત્ત નિષ્ક્રિય કરીને પુરુષાર્થ ત્યજીને પ્રભુ કૃપાની યાચના કરે તે કેવું ? વળી એની યાચના કોઈ સાંસારિક પ્રયોજન માટે હોય કે પછી ભૌતિક સિદ્ધિ માટે હોય, એમાં એ ઇશ્વરને સામેલ કરે તે કેવું ? દુરાચરણ કરનારને સજા થાય, ત્યારે તે ઇશ્વરકૃપા યાચે તે કેવું ? ભૂલ કે દોષ પોતાના હોય અને ઇશ્વરની પાસે જઈને એ એને સજામાંથી છૂટકારો અપાવવા માગણી કરે તે કેવું ?
આ સંદર્ભણાં જૈન ધર્મની વિચારસરણી જુદી છે તે સાંસારિક પ્રયોજનોની સિદ્ધિની ઇશ્વર પાસે માગણી કરતો નથી. એ વ્યક્તિના સ્વપુરુષાર્થમાં અર્થાત્ એના આત્મબળમાં માને છે. આમ જૈન ધર્મ એ આત્મા પર કેન્દ્રિત થયો છે. એ કહે છે કે,' દેહ અને આત્મા ભિન્ન છે. આ આત્મા અનાદિ છે, દેહ સાથે એનો સંબંધ છે તેમ છતાં એ આત્માને ઓળખી શક્તો નથી. મોટેભાગે માનવી દેહ સુધી જ પહોંચે છે જ્યારે એનો આત્મા એ સદૈવ જ્ઞાાનરૂપ હોય છે. દેહ અને આત્માની ભિન્નતા બતાવીને સાધના કરનારે પોતાના દેહની અંદર બિરાજમાન અને શરીરથી ભિન્ન એવા પોતાના આત્મા પર નજર ઠેરવવી જોઈએ. એ આત્મા દેહરૂપી દેવળમાં વસે છે, પણ જેમ ઇશ્વરના દર્શન કરવા માટે સઘળું છોડીને મંદિરમાં જવું પડે છે, તેમ આત્માના દર્શન માટે દેહની આસપાસ ભમવાનું કે એની સતત ખેવના કરવાનું છોડી દેવું પડે છે, તો જ આત્મદર્શન થાય, તો જ આત્મવિકાસની કેડી મળે. મોક્ષમાર્ગ પ્રતિ ગતિ કરી શકાય.
આ દેહના મમત્વને કારણે માણસ બાહ્ય ભૌતિક જગતમાં જીવતો રહે છે અને પછી એનો સઘળો પ્રયત્ન બાહ્યજગતમાં સિદ્ધિ, પ્રસિદ્ધિ, કીર્તિ, સંપત્તિ કે વાસનાતૃપ્તિ મેળવવાનો હોય છે. આમ માણસ દેહની આસપાસ ભમનારી વ્યક્તિ પોતાના ભૌતિક જગત પર પ્રભાવ પાડવા પ્રયત્ન કરે છે, તો આત્માને ઓળખનારી વ્યક્તિ એ પોતાના નિજ સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરે છે. આવો આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત કહ્યો છે અને આવા આત્માને મોક્ષ હોય છે, શરીરને નહીં.
જેમ દેહ સાથે વસ્ત્રનો સંબંધ છે, તલવાર સાથે મ્યાનનો સંબંધ છે તે રીતે માનવીના શરીરમાં દેહ અને આત્મા જુદા હોય છે અને તેવા આત્મામાં પરમાત્મા જગાડવાની વાત જૈનદર્શનમાં કરવામાં આવી છે. આને પરિણામે એમાં જાતિ કે વર્ણનું મહત્ત્વ નથી, પણ ચારિત્ર્યની મહત્તા છે. વળી આત્મતત્વની દૃષ્ટિએ બધા સમાન હોવાથી ઊંચ-નીચનો કોઈ ભેદભાવ નથી. બ્રાહ્મણ કે ક્ષુદ્ર, સ્ત્રી કે પુરુષ , યુવાન કે વૃદ્ધ, રાય કે રંક જે કોઈ પુરુષાર્થ કરે તે મોક્ષના અધિકારી છે. ઇશ્વરકૃપા પર આધાર રાખીને પ્રારબ્ધને સહારે જીવતા માનવીની ગુલામી દૂર કરવાનો અને આત્મોન્નતિ સાધીને મોક્ષ-પુરુષાર્થ કરવાનો ઉપદેશ જૈન ધર્મમાં આપવામાં આવેલો છે.
એણે કહ્યું,' દેવ ભલે મોટો હોય, ગમે તેવું તેમનું સ્વર્ગ હોય, પણ માણસથી મોટું કોઈ નથી. માણસ માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે !'
अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ ।
अप्पाणमेव अप्पाणं, जइत्ता सुहमेहए ।।
એમણે કહ્યું કે દુર્જેય યુદ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે તેને બદલે જે એકલો પોતાની જાતને જીતે છે તેનો એ વિજય પરમ વિજય ગણાય છે.
આમ વ્યક્તિ પોતે જ પોતાના ભાગ્યનો ઘડનારો છે, પણ એનું ભાગ્ય એ એના કર્મ મુજબ ઘડાતું હોય છે. એક અર્થમાં કહીએ તો જો એ પોતાના આત્માને ઉત્કૃષ્ટ માર્ગે લઈ જાય તો એ સ્વયં પરમાત્મા બની શકે છે. 'તું પણ મહાવીર બની શકે છે' એવો ભાવ આ ધર્મની વિચારણામાં સમાયેલો છે. પરિણામે જૈન ધર્મમાં ઇશ્વર કે તીર્થકર જીવોનો ઉદ્વાર કરી શકતા નથી, પણ તેઓ એના ઉદ્વારનો માર્ગ બતાવે છે. એટલે કે આપણા સ્થૂળ પ્રયોજનોને સિદ્ધ કરવાનું કાર્ય એ કરતા નથી, બલ્કે આપણા જીવનને એવો પ્રકાશનો પંથ બતાવે છે કે આવાં સ્થૂળ પ્રયોજનો સહેજે આકર્ષે નહીં. બાકી વ્યક્તિના જીવનમાં કર્મ એ પ્રભાવક હોય છે અને એ કર્મથી મુક્ત કરવાનો પ્રયત્ન વ્યક્તિએ સ્વયં કરવાનો હોય છે.
હિંદુ ધર્મના ભક્તિમાર્ગમાં જેમ પ્રભુ જગતનાં નાથ છે, તેઓ સઘળી ઇચ્છા પૂર્ણ કરનારા છે અને આખું ય જગત ઇશ્વરનું મંગલમય સર્જન છે એવી વિચારધારા જૈનદર્શનમાં જોવા મળતી નથી. જૈન ધર્મના તીર્થકરો એ પ્રકારનું સંસારલક્ષી કાર્ય કરતા પણ નથી, પરંતુ ભક્તિમાર્ગની અસરને કારણે જૈન ધર્મમાં તીર્થકરની કૃપા કે ઇશ્વરને નાથ કે પ્રીતમ તરીકે સ્વીકારવાનું વલણ જોવા મળે છે. અહીં તીર્થકરને શરણે જવાની વાત નથી, પરંતુ એમના માર્ગે ચાલવા માટે જરૂરી તીર્થકર પ્રત્યેની આસ્થા માટેની પ્રાર્થના છે. એના સ્તવન સાહિત્યમાં ઇશ્વરના શરણની વાત જોવા મળે છે અને એ અર્થમાં જોઈએ તો એના સ્તવનોમાં ભક્તિનું પ્રાધાન્ય, પ્રભુકૃપાની યાચના, તીર્થકરનું શરણ તથા દાસ્યભાવે મુક્તિની માગણી અને પ્રભુને સ્વામી માનવાની ભાવના જોવા મળે છે.
જૈન સાહિત્યમાં સ્તુતિ, સ્તવન, પદ અને સજ્ઝાય જેવાં કાવ્યપ્રકારો દ્વારા આ પ્રાર્થના કરવામાં આવી છે. જૈન તીર્થકરોનાં સ્તવનો વિશુદ્ધ અંત:કરણથી, ભાવપૂર્વક ગાવાથી, સમ્યક્ત્વની શુદ્ધિનું તાત્કાલિક ફળ અને પરંપરાએ મોક્ષનું ફળ મળે છે. અર્થાત્ આરાધકને દર્શનબોધિ, જ્ઞાાનબોધિ અને ચારિત્ર્યબોધિનો લાભ પ્રાપ્ત થાય છે અને એ ભાવમંગલથી એને મુક્તિનું મહાસુખ પામે છે.
જૈનદર્શનની દૃષ્ટિએ પ્રાર્થના વિશેની આટલી ભૂમિકા જોયા બાદ હવે કેવી કેવી પ્રાર્થનાઓ પ્રાપ્ત થાય છે, તેનો વિચાર કરીએ.
પ્રાર્થના શબ્દનો અર્થ વિચારીએ તો પોતાના પ્રકૃષ્ટ અર્થની સિદ્ધિ માટે જે કંઈ કરવામાં આવે તે પ્રાર્થના. માનવીનો પ્રકૃષ્ટ અર્થ કયો ? એનો મુખ્ય પુરુષાર્થ કયો ? શાશ્વત આનંદની પ્રાપ્તિનો એનો પ્રયાસ કયો ? તો તે છે મોક્ષ. આપણી સંપૂર્ણ નિર્મળ અને સંપૂર્ણ જ્ઞાાનનંદથી ભરેલી અવસ્થા તેનું નામ મોક્ષપ્રાપ્તિ. અર્થાત્ આપણે આત્મસાધના કરતાં કરતાં સંપૂર્ણ જ્ઞાાન-આનંદને પામીએ, સંપૂર્ણ નિર્મળ દશાને પ્રાપ્ત થઈએ અને એ દશા તે મોક્ષ એના પ્રકૃષ્ટ અર્થની સિદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
આ પ્રાર્થના પૂર્વે કેટલીક શરતો હોય છે. જેમકે સૌથી પહેલા તો સાધકમાં નમ્રતા હોવી આવશ્યક છે. જો એનામાં લઘુતા ન હોય તો અહંકાર એના ચિત્ત પર સવાર થઈ જાય છે. જેના આંગણામાં અહંકાર હોય એને કદી આત્મદર્શન થતું નથી. આથી જૈન ધર્મમાં દર્શાવેલાં આઠ પ્રકારનાં જુદાં જુદાં અભિમાનને અળગા કરીને પ્રાર્થનામાં પ્રવેશવું જોઈએ. જો અહંકાર કે અભિમાન હોય તો વ્યક્તિમાં સાચી શરણાગતિ પ્રગટ થતી નથી. આથી જ શ્રીમદ્ રાજચંદ્રજી (પત્રાંક ૨૬૪, ગાથા ૧૮) કહે છે,
'પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય;
દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?'
આ રીતે જો એ અહમ્નાં અંધકારમાં ફસાઈ જશે તો એને અંતરાત્માનો પ્રકાશ પ્રાપ્ત થતો નથી અને તેથી એના જીવનમાં ભક્તિનું પ્રાગટય ન થાય, તો તીર્થકરની શરણાગતિ ક્યાંથી પ્રાપ્ત થાય ?
જો ચિત્તમાં 'હું જ્ઞાાની', 'હું મહાન', 'હું ધનવાન', 'હું સત્તાવાન'- એવો 'હું' જ ઘુમતો હોય તો એવા અજ્ઞાાનજનિત ભાવો ધરાવતો ઉપાસક પ્રભુનું સાચું શરણ ગ્રહી શક્તો નથી. એ અહમ્માંથી નીકળીને અર્હમ્ તરફ જવો જોઈએ અને ત્યારે પ્રભુ પ્રત્યે એ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજની માફક કહેશે,
'તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે,
વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે.
ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે.'
આ રીતે સાધકમાં એક સમર્પણભાવ હોવો જોઈએ અને એનો હેતુ તીર્થકરની આજ્ઞાાનું અવલંબન લઈને કલ્યાણમાર્ગ પામવાનો હોવો જોઈએ. (ક્રમશ:)