આટલું જાણીએ તો જ એની યોગ્ય રીતે આરાધના થાય !

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
આટલું જાણીએ તો જ  એની યોગ્ય રીતે આરાધના થાય ! 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- પર્વાધિરાજ પર્યુષણ

પર્વાધિરાજ પર્યુષણની આરાધનાનો અવસર જેમ નજીક આવી રહ્યો છે, તે સમયે જૈન ધર્મની ભાવનાઓના હાર્દને જાણવો જરૂરી બને છે. આ સંદર્ભમાં અહીં જૈન ધર્મની પરિભાષાનાં શબ્દોનો અર્થ અને એની પાછળનો મર્મ આલેખવામાં આવ્યો છે. ધર્મમાં વપરાયેલી પરિભાષાની સાચી સમજ હોય તો જ આપણે સાચા અર્થમાં ધર્મપાલન કરી શકીએ છીએ.

પર્વાધિરાજ પર્યુષણ : નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થમાં જેમ શ્રી શત્રુંજયતીર્થ મહાન છે, દાનમાં અભય મહાન છે, ધ્યાનમાં શુક્લધ્યાન મહાન છે, રત્નમાં ચિંતામણિરત્ન મહાન છે એમ સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે.

પર્યુષણનો અર્થ છે 'સમસ્ત પ્રકારે વસવું.' પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે 'સમસ્ત પ્રકારે વસવું'. એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિર વાસ કરીને ધર્મની આરાધના કરતા હોય છે, પરંતુ પર્યુષણનો લાક્ષણિક અર્થ છે 'આત્માની સમીપ વસવું'. આત્મવિજય માટે આત્મઓળખ અનિવાર્ય છે. એ આત્મતત્ત્વને જોવા માટે એકાંત અને શાંતિ જોઈએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઈએ અને એ નિવૃત્તિમાં આત્મવિશ્લેષણની આંતરપ્રવૃત્તિ જોઈએ.

આત્માની સમીપ રહેવું એટલે શું ? અનંતકાળથી આત્મા મોહ અને મિથ્યાત્વમાં અથવા કષાય અને અજ્ઞાાનમાં જ વસતો આવ્યો છે. પોતાના સ્વ-ભાવને ભૂલીને વિભાવને જ નિજ સ્વરૂપ માની બેઠો છે. પરિણામે માનવી પારાવાર પીડા, દુ:ખ, કંકાસ અને કલેશમાં ડૂબેલો છે. ભૌતિક લાલસાના મૃગજળ તરફ આંધળી દોટ લગાવી રહ્યો છે.

આવા માનવીને પર્યુષણ પર્વ પૂછે છે કે આ પર્વ સમયે વિચાર કર કે તું કોણ છે ? તે શું મેળવ્યું છે ? અને શું પામવાનું તારું લક્ષ્ય છે ? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. એ માનવીને ભૌતિક સમૃદ્ધિની મૂર્છામાંથી જગાડતું પર્વ તે પર્યુષણ પર્વ છે. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું આ પરમ પવિત્ર પર્વ છે. અજ્ઞાાનમાંથી સમ્યક્જ્ઞાાન તરફ, સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લઈ જનારું પર્વ છે.

આ માટેનું પ્રથમ કાર્ય છે ભાવનાશુદ્ધિનું. જૈન ધર્મ ભાવનાનો ધર્મ છે, આથી નમસ્કાર મહામંત્ર કોઈ વ્યક્તિને નહીં, પણ અરિહંતને નમસ્કાર કરે છે. અરિહંત એટલે જેણે આંતર શત્રુઓને જીત્યા છે. આત્મભાવનાની શુદ્ધિ પર જીવનની વિશુદ્ધિનો આધાર છે. ચિત્તમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવોને આપણે ધારણ કરવાના છે. પર્વાધિરાજ પર્યુષણમાં પાંચ કર્તવ્યો કરવાનાં હોય છે, એના વિના સાધના અધુરી રહે છે.

નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થમાં જેમ શત્રુંજય તીર્થ મહાન છે, દાનમાં અભય મહાન છે, ધ્યાનમાં શુક્લધ્યાન મહાન છે. રત્નમાં ચિંતામણિરત્ન મહાન છે એમ પર્વમાં પર્યુષણ પર્વ મહાન છે.

ભગવાન મહાવીરની આવી છે આ પર્વ વિશેની અનુપમ વાણી ! હજારો જીવો આકંઠ સ્નાન કરી મનચિત્ત દ્વારા આત્મા પર લાગેલા એક વર્ષના મેલને દૂર કરશે. આ મહાપર્વની આરાધનામાં પાંચ કર્તવ્ય તો કરવાં જ જોઈએ. એ વિના આખી ય આરાધના અધૂરી રહે.

(૧) અમારિ પ્રવર્તન : જૈન ધર્મનો મર્મ અહિંસા અને અભયમાં છે, મનથી કોઈને હણીએ નહિ. વચનથી કોઈને હણીએ નહિ. કાયાથી કોઈને હણીએ નહીં. હું કોઈને ઈજા કરીશ નહિ. મને કોઈ ઈજા કરશે નહિ. આ સાચો અભય ! મને જેમ સુખ પ્યારું છે, ભોજન પ્યારું છે, જ્યારે વધ અને બંધ અપ્રિય છે. એમ દરેકને પણ પ્રિય- અપ્રિય હોય છે. આ જ સાચી અહિંસા. યથાપિંડે તથા બ્રહ્માંડે એવી માનવીની ભાવના.

અભય એ સંસારની સર્વશ્રેષ્ઠ બક્ષિસ છે. અભયદાન એ મહાદાન છે. જૈન ધર્મમાં સંપૂર્ણ અહિંસામય જીવનને ઉચ્ચ આદર્શ તરીકે સ્થાપવામાં આવ્યું છે. વ્યવહારમાં આ આદર્શનું અમલીકરણ કરવા માટે જેવો પ્રયોગ જૈન પરંપરામાં થયો છે એવો બીજે ક્યાંય થયો નથી.

સંસારમાં વેરઝેરની સળગતી હોળીને અભયદાનથી દિવાળીમાં પલટાવવાનો આજે નિશ્ચય કરીએ.

(૨) સાધર્મિક વાત્સલ્ય : સાધર્મિક એટલે અહિંસા - સત્ય - આદિ પાળનાર માનવી. પરમાત્મા તીર્થંકરના ધર્મશાસનને માનનારા સર્વ સાધર્મિક કહેવાય છે. ધર્મક્રિયા ઓછી-વત્તી કરતા હોય, પરંતુ જિનશાસન પ્રત્યે શ્રદ્ધાવાન હોય તે સાધર્મિક કહેવાય. એ સાધર્મિકભાવ એણે એના આચરણમાં મુકવો જોઈએ. એ અંગે પૂણિયા શ્રાવકનું દ્રષ્ટાંત જાણીતું છે. પૂણિયો શ્રાવક રૂની પૂણિયો બનાવીને ઓછી રકમમાં સંતોષભેર જીવતો હતો. પણ રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા અને આ માટે બંનેને એકાંતરે ઉપવાસ કરવો પડતો હતો. આ સાધર્મિક પ્રેમ એ સમ્યગ્દર્શનની નિશાની છે.

સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ તરફ આ આત્મતુલ્ય દ્રષ્ટિથી જોતો માનવી પોતાની નજીકના જ સાધર્મિકને કઈ રીતે ભૂલી શકે ? પોતાના સાધર્મિકની બાહ્ય અને આંતરિક મુશ્કેલીઓ દૂર કરવા માટે તન, મન અને ધનથી તૈયાર રહેવું જોઈએ.

(૩) ક્ષમાપના : મન ભારે અટપટો પદાર્થ છે. કોઈવાર ખેંચતાણ થઈ જાય, કોઈવાર અજાણે ભૂલ થઈ જાય, આવે સમયે ક્ષમા માંગી લેવાય, ક્ષમા આપી દેવાય. બસ, ફેંસલો આવી ગયો.

અવેરભાવ જ્યાં હોય, ત્યાં કોણ શત્રુ રહે ? પોતાના ગુણને રજસમાન અને પારકાના ગુણને પહાડ સમાન જોનાર તેમ જ પારકાના પહાડ જેવા અવગુણને રજ સમાન જોનારો માનવી સાચો ક્ષમાપ્રાર્થી છે.

ભગવાન મહાવીર કહે છે કે જે ઉપશમે છે ઉપશમાવે છે જે ખમે છે, ખમાવે છે તે જ સાચો આરાધક છે. આત્મશુદ્ધિ અને આરાધનાનો સાચો સરવાળો છે ક્ષમાપના. પર્યુષણ પર્વના અંતિમ દિવસે સાંવત્સરિક પરિક્રમણ દ્વારા સર્વ જીવોની હૃદયપૂર્વક ક્ષમાપના કરવી તે આ મહાપર્વનું હાર્દ છે. ક્ષમાપનાનો ધર્મ સૌથી મહાન છે અને સંવત્સરિના દિવસે વેર, વિરોધ, વિખવાદ વગેરેનો ક્ષમાના આદાન-પ્રદાનથી પ્રેમપૂર્વક અંત આવે છે.

(૪) અઠ્ઠમ તપ : જૈન ધર્મમાં તપનું ખૂબ મહત્ત્વ છે. જૈન દર્શને તપના વિજ્ઞાાનની ઊંડી ચકાસણી કરી છે. બાહ્ય તપના છ ભેદ અને અભ્યંતર તપના છ ભેદ એમ કુલ તપના બાર પ્રકાર બતાવ્યા છે. આમાં નાના- મોટા, સશક્ત-અશક્ત, સ્ત્રી અને પુરુષ સહુ કોઈનો સમાવેશ થાય છે. યથાશક્તિ તપનો આદેશ આપીને અતિ તપનો વિરોધ બતાવ્યો છે, મન પર કાબૂ રહે અને ચેતના જવલંત રહે એટલું તપ. અઠ્ઠમ તપ એટલે સતત ત્રણ દિવસનાં ઉપવાસ. આ અઠમ તપ અત્યંત પ્રભાવશાળી હોય છે, કોઈ ચક્રવર્તી રાજા દિગ્વિજય કરવા નીકળે તે પહેલા તેઓ અઠ્ઠમ તપ કરે છે.

આ તપસ્યા એટલે ત્રણ દિવસની અન્નબંધી નહિ, પણ એ તપ ઇન્દ્રિય શુદ્ધિ અને મનશુદ્ધિ કરનાર અગ્નિનો તાપ હશે. એમાં એ તપશે. તપ્યા પછી એનું કુંદન, કથીર વિહોણું બનશે. માયા ગળશે, મદ ઓગળશે. મન નિર્મળ થશે.

(૫) ચૈત્યપરિપાટી : ચૈત્ય એટલે જિન મંદિર. તેની પરપાટી એટલે યાત્રા કરવી. પર્યુષણના આઠ દિવસોમાં સાંસારિક કાર્યોથી નિવૃત્તિ મેળવીને ધર્માનુષ્ઠાનમાં જોડાઇ જવું. બિમારને જેમ વૈદ્ય આરામ લેવાનું કરે છે એમ ધમાલ અને ધાંધલમાંથી નિવૃત્તિ લઇ પ્રભુદર્શન, વંદન, પૂજનમાં મન, વચન અને કાયાનો મેળ સાધીને ભાવપૂર્વક જોડાઇ જવું. જિનેશ્વર ભગવાનની પ્રતિમાને સાક્ષાત ભગવંત માની અત્યંત ભાવ અને ઉલ્લાસપૂર્વક એની પૂજા, વંદના, ભક્તિ કરવાનું કર્તવ્ય આમાં સમાવેશ પામે છે.

આ છે આત્મશુદ્ધિ અને જગત કલ્યાણને ચીધતાં પર્યુષણ પર્વનાં પાંચ મુખ્ય કર્તવ્ય!


Google NewsGoogle News