જૈન સંઘઃ ઉજળી આવતીકાલનું સર્જન
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
એ કાએક દારુણ યુદ્ધનો પ્રારંભ થયો અને આકાશમાં ચોતરફ બોમ્બ ઝીંકનારાં વિમાનો ચકરાવા લેવા લાગ્યાં. ભૂમિ પર માણસો, પશુઓ અને પક્ષીઓ બોમ્બના સર્વનાશથી બચવા માટે પોતાનો જીવ હથેળીમાં લઈને નાસતાં હતાં, ત્યારે એક દીવાલ પર બે બેફિકરાં ગીધ કશાય ઉચાટ કે ચિંતા વગર બેઠાં હતાં.
નિરાંતે વાતો કરતાં આ ગીધ પર એક પક્ષીની નજર પડી અને એણે ઉતાવળે ગીધ પાસે જઈને ધમણિયા શ્વાસે કહ્યું ઃ
'અરે, ચાલો ભાગી છૂટો. યુદ્ધ ફાટી નીકળ્યું છે. માનવ દાનવ બનીને એકબીજાનાં લોહી માટે તરસ્યો બન્યો છે. માનવીઓની લડાઈમાં વિના કારણે આપણે ખુવાર થઈ જઇશું. ચાલો ભાગો. હજીયે જીવ બચાવવાની, ઊગરી જવાની તક છે.'
પક્ષીની આ વાત સાંભળીને પેલાં વૃદ્ધ અને અનુભવી ગીધ ખડખડાટ હસી પડયાં અને ઠાવકા અવાજે બોલ્યાં,' અરે, અમારે માટે તો માનવીની લડાઈ એ સ્વાદિષ્ટ મીઠાઈ છે. યુદ્ધ એ તો સોનેરી અવસર. માનવીનું યુદ્ધ અને તેનું મોત એટલે અમારે માટે મહેફિલ, મિજબાની અને જ્યાફતના દિવસો.'
બીજા વૃદ્ધ ગીધે એ પક્ષીને ચીપી-ચીપીને કહ્યું,' તેં અમારાં શાસ્ત્રો ક્યાંથી વાંચ્યાં હોય ? અમારાં શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ગીધ પર કૃપા વરસાવવા માટે જ ઇશ્વર માનવીને યુદ્ધ ઘેલો બને છે. ગીધને માટે જ યુદ્ધ અને માનવીનો મેળ ઇશ્વર સર્જે છે.'
વર્ષોના અનુભવી ગીધને નાસી છૂટવાની સલાહ આપનાર પક્ષી વીલા મોઢે પાછું ફર્યું. બંને ગીધ યુદ્ધની મોજ માણવા પાંખો ફેલાવીને આકાશમાં અહીંતહીં આનંદભેર ઘૂમવા લાગ્યાં. જમીન પર બેસીને મીઠાં ભોજનનાં સ્વપ્નાં સેવવા લાગ્યાં, પરંતુ એવામાં જ બોમ્બ પડયો અને એમના અવશેષ પણ શેષ ન રહ્યા.
પરિવર્તનને પારખી નહીં શકનાર અને ભવિષ્યને ઓળખી નહીં શકનારની સ્થિતિ પેલા ગીધ જેવી થાય છે. જે માત્ર ભૂતકાળના દોર પર ચાલે છે, તે વર્તમાનમાં વિસંવાદ જ સર્જે છે. થયેલા પરિવર્તનને ઓળખવા માટે સતત ગતિશીલ દૃષ્ટિ જોઈએ. ભવિષ્યનો વિચાર નહીં કરનારી દૃષ્ટિ વર્તમાનમાં સ્થિતિસ્થાપક બની રહે છે.
વર્તમાન પર ઊભા રહીને ભૂતકાળની ચાલે ચાલવાને બદલે ભવિષ્યનો વિચાર કરે તે જગતને નવો રાહ ચીંધી શકે છે. તમે જરા કલ્પના કરો કે ભગવાન મહાવીર સ્વામીએ કેવી પ્રચંડ ક્રાંતિ કરી અને એથી જ તમે સહુ મહાવીરશાસનના શ્રાવક-શ્રાવિકાઓ એ મહાન ક્રાંતિના ધારક છે. કલ્પનાએ કરીએ કે એ સમયે કેવું પરિવર્તન આવ્યું હશે. ભગવાન મહાવીરનો જન્મ થયો, તે સમયે ધરતી પરના સર્વ જીવો સંતપ્ત હતા. સ્વર્ગના શોખીન થોડા માણસોએ પૃથ્વી પરના વિશાળ જનસમાજ માટે નરક ખડું કરી દીધું હતું. પરલોકની મીઠી લાલચ આપીને આ લોકને દુઃખી દુઃખી કરી નાખ્યો હતો.માણસ પ્રારબ્ધને ખોળે જઈને બેઠો હતો. પોતાનાં હાથ, પગ અને મગજ નિષ્ક્રિય કરીને પુરુષાર્થથી પરવારી ગયો હતો. એ એમ માનવા લાગ્યો હતો કે જે કાંઈ થાય તે પ્રારબ્ધથી થાય છે, પણ એ વાતને સ્વીકારતો નહોતો કે પ્રારબ્ધ પણ ઘડાય છે પુરુષાર્થથી. પુરુષાર્થ કે પ્રયત્નને બદલે પ્રમાદ અને પામરતાને સહારે જીવન ગાળતો હતો.
એ સમયે મંદિરો માયા અને મદનાં ધામ બન્યાં હતા. યજ્ઞા અને દક્ષિણા એનાં મુખ્ય કાર્ય બન્યાં હતાં. પોતાનાં પાપ ધોવા માટે બીજાનું લોહી રેડવામાં ધર્મ માનતો હતો. યજ્ઞાની વેદી પર હજારો પશુઓ પોતાનો જાન ગુમાવતાં અને મારનાર માનતો કે આનાથી એને સ્વર્ગની પ્રાપ્તિ થશે !
જ્ઞાાન પર મુઠ્ઠીભર લોકોનો કબજો હતો. તપ પણ અમુક લોકોના તાબામાં હતું. ગરીબ અને હલકા વર્ણને વળી જ્ઞાાન શું ? સ્ત્રીની સ્થિતિ ભારે કફોડી હતી. એ ગુલામની પણ ગુલામ હતી. એને પરિગ્રહ- માલસામાન જેવી સંઘરવાની વસ્તુ માનવામાં આવતી હતી. એનું સ્વતંત્ર વ્યક્તિત્વ એ યુગને અણગમતું હતું. કોઢના પશુની મુક્તિ સરળ હતી. પરંતુ મૃત્યુ વિના સ્ત્રીની મુક્તિ અસંભવિત હતી. ચારે વર્ણ ઊંચનીચના ભાવથી સાપ-નોળિયાની જેમ વર્તતા હતા. જન્મજાત મોટાઈનો ભારે કેફ હતો. દાસ અને અછૂતની દુર્દશાનો કોઈ પાર નહોતો. એને પૃથ્વી પર રહેવા ઘર નહોતું. ઉચ્ચ વર્ણના ગણાતાં લોકોના બેફામ જુલ્મો અને અવિચારી ત્રાસ મૂંગે મોઢે સહેવા પડતા હતા.
ભગવાન મહાવીરે પહેલે પગલે ક્રાંતિ કરી. એમણે કહ્યું કે જ્ઞાાન માત્ર જ્ઞાાની માટે નથી, સામાન્ય માનવી માટે પણ છે. સામાન્ય લોકો સમજે એ રીતે એમની ભાષામાં બોલવું જોઈએ. એ સમયે જનસામાન્યની ભાષા અર્ધમાગધી હતી. ભગવાન મહાવીરે સહુને સમજાય એવી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. મહાવીરનો ઉપદેશ સહુને સમજાયો અને બધાને માટે આત્મકલ્યાણનાં દ્વાર ખુલ્લાં થયાં. ભગવાન મહાવીરે સ્ત્રીને સ્વતંત્રતા બક્ષવા માટે બે મહાન સુધારા કર્યા. એક તો વ્રતમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને બીજું સ્ત્રી સંન્યાસિની થઈ દીક્ષિત થાય તો સર્વ બંધનોમાંથી મુક્ત બને એમ કહ્યું. ભગવાન મહાવીરે નારીને આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખરે પહોંચવાની દીવાદાંડી દર્શાવી.
ભગવાન મહાવીરે જાતિ અને વર્ણના મહત્ત્વને કાઢી નાખ્યું અને ચારિત્ર્યની મહત્તા સ્થાપી. એમણે કહ્યું,
દ્વઈંહ્રઢદૃ્ દ્ધછગ્દૃ્ખ્ત ર્ં્ખ્તલૃ, દ્વઈંહ્રઢદૃ્ ર્ં્ખ્તલૃ જ્જઋત્હ્ય્ખ્ત ળ
દ્ધલૃિં્ખ્ત દ્વઈંહ્રઢદૃ્ ર્ં્ખ્તલૃ, ઢિંભ્ખ્ત ર્ં્ખ્તલૃ દ્વઈંહ્રઢદૃ્ ળળ
કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર થવાય છે.
આમ એમણે શૂદ્રોને ગુલામીના અંધકારમાંથી બહાર કાઢયા અને પશુતામાંથી પ્રભુતા આપી. કોઈ પણ વર્ણનાં સ્ત્રી-પુરુષ આ ધર્મ સ્વીકારી શકે છે તેમ કહ્યું. ભગવાન મહાવીરની આ એક મહાન સામાજિક ક્રાંતિ ગણાય. એમણે સમગ્ર પરિસ્થિતિમાં પરિવર્તન આણ્યું. આત્માના ઊંડાણમાંથી ઊગેલા આ સત્યવિચારે સમાજમાં સ્થાયી રૂપ લીધું.
ભગવાન મહાવીરે નીડરતા અને દૃઢતાથી પોતાના વિચારો પ્રગટ કર્યા. ઊંચનીચની વિચારધારા અને વર્ણવ્યવસ્થામાં સમૂળી ક્રાંતિ કરી અને પ્રભુ મહાવીરે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો સંઘ સ્થાપ્યો. આવો સંઘ એ તીર્થ કહેવાય એટલે તેઓ તીર્થકર કહેવાયા. આનો અર્થ એ કે સંઘનો કેટલો અપાર મહિમા છે. વળી પર્વાધિરાજ પર્યુષણનાં અગિયાર કર્તવ્યોમાં સંઘપૂજાને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. પૂજ્ય સાધુ-સાધ્વીજીઓનો આપણા પર અનુપમ ઉપકાર છે અને સાથોસાથ એ સંઘની રચનાનો વિચાર કરો. કેવી ભવ્ય કલ્પના એ સમયે પ્રભુ મહાવીરે આપી છે. આ સંઘ એ એક અર્થમાં જગતની લોકશાહીનું આદ્ય-પહેલું-સ્વરૂપ છે.
એની આગવી આચારસંહિતાની તમે કલ્પના કરો. આજે દેશની વ્યવસ્થામાં બહુમતીનો મહિમા છે અને પદ અને પ્રતિષ્ઠાની બોલબાલા છે, ત્યારે જૈન સંઘની માંડણી એની વિશિષ્ટ આચારસંહિતા પર થયેલી છે. અહીં પદનું કોઈ પ્રભુત્વ નથી, સત્તાને કોઈ સ્થાન નથી, પોતાને સોંપાયેલા કાર્યનું નમ્રતાપૂર્વક પાલન એ જ એનું સર્વસ્વ છે. એક વિશાળ સમૂહ કઈ રીતે પોતાનો અહંકાર ઓગળીને પરસ્પર પ્રેમભાવથી એકબીજાને સહયોગ અને સદ્ભાવ આપીને રહી શકે એનું જીવંત ઉદાહરણ જૈન સંઘ છે. અહીં ધર્મભાવના આત્મસાક્ષાત્કારનો અને ધર્મપાલનની ઉદાર સમજનો મહિમા છે. ધર્મના મૂલ્યો એ જ સર્વસ્વ છે અને અહીં શ્રાવક અને શ્રાવિકાઓનો સમુદાય તેની સાથે રહીને ધર્મપાલન કરે છે. આ રીતે સંઘના હોદ્દા ધરાવતા શ્રાવક-શ્રાવિકા વિવેક અને વિનયથી સંઘના સઘળાં કાર્યનું વહન કરતા હોય છે.
ભગવાન મહાવીર સ્વામીએ આત્મસાધનાનો માર્ગ ચીંધ્યો છે અને એ રીતે શ્રાવક અને શ્રાવિકા પણ સંઘમાં રહીને આત્મસાધનાના ધ્યેય સાથે ધર્મપાલન કરે છે. આ સંદર્ભમાં તમે આજના લોકતંત્રને જોશો કે આજના બેંક, વેપારી, કામદારોના યુનિયનને જોશો, ત્યારે સંઘ રચનાનો તુલનાત્મક અભ્યાસ કરશો, તો ખ્યાલ આવશે કે તમારા સહુની પાસે સંઘના ઉત્કૃષ્ટ આયોજનનો કેવો વિશિષ્ટ અને ભવ્ય વારસો અને વૈભવ છે.
સાધુ અને સાધ્વીજીઓ એ તો સંઘમાં વણવખ્યું, માનવંતુ અને ઉચ્ચસ્થાન ધરાવે છે. આંતરિક આત્મસાધનાની સાથોસાથ તેઓ ધર્મોપદેશ આપીને વિશાળ જનસમુદાયને સદાચારના માર્ગે વાળે છે. નૈતિક, આધ્યાત્મિક અને ધાર્મિક મૂલ્યોનો પ્રસાર કરે છે, તો બીજી બાજુ શ્રાવક અને શ્રાવિકાએ પણ સાધુ-સાધ્વીની પ્રેમપૂર્વક અને આદરપૂર્વક પુજા-ભક્તિ કરે છે. આ સંઘએ ધર્મની 'મેનેજમેન્ટ' છે અને એટલે ધર્મની આરાધના માટે દેરાસર, જ્ઞાાનમંદિર, ગુરુમંદિર, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ શાળા, પાંજરાપોળ વગેરે વ્યવસ્થાઓ પણ સંઘ સંભાળે છે, તો બીજી બાજુ શ્રાવક-શ્રાવિકાઓને એકબીજાના સાધર્મિક માને છે અને પોતાના દુઃખી સાધર્મિકોના આંસુ લૂછીને એમને સ્વમાનપૂર્વક જીવનયાપન કરવામાં સહયોગી બને છે. જૈન ધર્મના પ્રસાર-પ્રચાર માટે કાર્ય કરે છે, તો કુદરતી આફતો સમયે દાન આપે છે અને પશુઓને મુક્ત કરીને જીવદયા દાખવે છે, આ છે આપણી સંઘ વ્યવસ્થા.