સંહાર અણુશક્તિથી, સર્જન અણુવ્રતથી ! .
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
એક એવું આંદોલન કે જે હેતુની સિદ્ધિને માટે નહીં, કોઈ ધ્યેયની પ્રાપ્તિ માટે નહીં, બલ્કે સમગ્ર માનવજાતિના ઉત્થાન માટે છે. જગત બદલવાની વાત કરતા પહેલાં, માનવીને બદલવો પડે અને એ માનવીમાં માનવત્વ આણીને પરિવર્તન સાધવાનું કામ આપણા દેશમાં અણુવ્રત આંદોલને કર્યું છે. સમગ્ર માનવજાતિના કલ્યાણને માટે માનવસમુદાયની જાગૃતિનો સંદેશ એમાં છુપાયેલો છે. કોઈ પણ દેશનો આધાર એના મૂલ્યનિષ્ઠ માનવીઓ પર હોય છે. એ દેશ કે એ પ્રજાનું માનવચરિત્ર ઉચ્ચ હોય તો જ એ સાચી શાંતિ અને સ્થાયી સુખ પામી શકે છે. આવા એક મહાન સક્રિય આદર્શ સાથે અણુવ્રત આંદોલનનો આરંભ થયો.
તાજેતરમાં એ અણુવ્રત લેખક પુરસ્કાર સૂરતમાં અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી દ્વારા પરમ પૂજ્ય અણુવ્રત અનુશાસ્તા આચાર્યશ્રી મહાશ્રમણજીની નિશ્રામાં અને સંસ્થાના અધ્યક્ષ શ્રી અવિનાશજી નાહર તથા અંકેશભાઈ, સંતોષ સુરાણા અને અન્યની ઉપસ્થિતિમાં આ એવોર્ડ મને એનાયત કરવામાં આવ્યો. અણુવ્રત પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી લેખક તરીકેનો આનંદ પ્રગટ કરવાની સાથોસાથ આ આંદોલન સાથે જોડાયેલાં કેટલાંક વિચારો પણ પ્રગટ કર્યા.
ભારતને ૧૯૪૭માં અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મળી, પરંતુ દેશની ખરી મુક્તિ હજી બાકી હતી. ૧૯૪૭ની આઝાદી એ રાજકીય આઝાદી હતી, પરંતુ આધ્યાત્મિક આઝાદી બાકી હતી. એવે સમયે માત્ર બે વર્ષ બાદ ૧૯૪૯માં અણુવ્રત આંદોલનનું પ્રવર્તન થયું અને દેશ અને દુનિયાને આધ્યાત્મિક આઝાદીનો એક નવો માર્ગ બતાવ્યો. આજે અણુવ્રત આંદોલન ગૌરવશાળી અમૃત વર્ષમાં પ્રવેશે છે, ત્યારે અણુવ્રત દ્વારા આ જગતને મળેલા અમૃતની વાત કરવી છે.
યોગી અરવિંદને પૂછવામાં આવ્યું કે,'પશ્ચિમની સંસ્કૃતિને પૂર્વની સંસ્કૃતિનો શો સંદેશ છે ?' ત્યારે યોગી અરવિંદે જણાવ્યું કે,' પશ્ચિમની સંસ્કૃતિને પૂર્વની સંસ્કૃતિનો એક જ સંદેશ છે અને તે એ કે માણસ પોતાની જાતને શોધીને જ જગતને બચાવી શક્શે.'
એ જાતને શોધવાની વાત ૨૦૫૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરે અણુવ્રત દ્વારા માનવગરિમાની સ્થાપના કરી અને ગણાધિપતિ તુલસીજીએ અણુવ્રત આંદોલન દ્વારા માનવજાગૃતિની વાત કરી.
આજનો માનવી આગ્રહોને કારણે વિવાદ અને છેક યુદ્ધ સુધી પહોંચી ગયો છે. અતિ સંગ્રહને કારણે એના જીવનમાંથી સુખે વિદાય લીધી છે.
અપાર પરિગ્રહને કારણે અપરિગ્રહના આનંદને ભૂલી ગયો છે અને પારાવાર પૂર્વગ્રહોને કારણે એનું જીવન સળગતી આગ જેવું બન્યું છે. અણુવ્રત કહે છે કે,' જો જીવનમાંથી આગ્રહ જાય. સંગ્રહ જાય, પરિગ્રહ જાય અને પૂર્વગ્રહ જાય તો ઇશ્વરનો અનુગ્રહ ઉતરતા વાર લાગતી નથી.' પણ આવું જીવન સાંપડે કઈ રીતે ? જો જીવનમાં અણુવ્રતનું પાલન થયું હોય તો જ એ અનુગ્રહ સાંપડે.
બાકી તો પેલા કવિએ કહ્યું,' જન્મ આપણો, મરણ આપણું, માત્ર વચ્ચેની જિંદગી જ નહીં. તો આ વચ્ચેની જિંદગીને સુખી કરવા માટેનું અમૃત છે અણુવ્રત.
આધુનિક યુગમાં જૈન સમાજમાં માનવકલ્યાણને અનુલક્ષીને આધ્યાત્મિક ક્રાંતિને પ્રગટ થવાનું મન થયું અને તે ગણાધિપતિ તુલસીજીના રૂપમાં પ્રગટ થયું. પ્રજ્ઞાાને પ્રગટ થવાનું મન થયું અને તે આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજીના રૂપમાં પ્રગટ થઈ અને અહિંસાથી અણુવ્રતથી ભાવનાને જન-જનમાં ખીલવવાનું મન થયું અને તે આચાર્યશ્રી મહાશ્રમણજીના રૂપમાં પ્રગટ થયું.
આજના વર્તમાનયુગમાં સૌથી વધુ અછત કઈ છે ? કોની સ્કેરસીટી છે ? કોઈ કહે છે,' અનાજ નથી તેથી ભૂખમરો જોવા મળે છે,' કોઈ કહે છે કે,' માણસ ભ્રષ્ટાચારથી ઘેરાઈ ગયો છે માટે ક્યાંય સદાચાર જોવા મળતો નથી. હકીકતમાં આ દેશમાં સૌથી મોટી અછત કેરેક્ટરની છે અને એ દેશની અછત દૂર કરવાનો ઉપાય અણુવ્રતે બતાવ્યો છે.
આંદોલનના બે સ્વરૂપ હોય છે : એક હોળી અને બીજું નવસર્જન. માત્ર હોળી એ નાશ છે, એ પછી નવસર્જન થવું જોઈએ. આંદોલન ઘણીવાર અનિષ્ટનો વિનાશ કરે છે, પણ ઇષ્ટનું સર્જન કરતી નથી. જ્યારે અણુવ્રત આંદોલન એ સમૂળગી અને સર્વાંગી ક્રાંતિ છે, એક અવિરત ક્રાંતિ છે. જે ક્યાંય ઉભી નહીં રહે. આ સમયે બે સ્મરણો જાગે છે : એક છે આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજીની ઉપદેશવાણી. એક સમયે તેઓએ કહ્યું કે ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું કે,' બ્રાહ્મણ હોય એ જૈન કે શુદ્ર હોય એ જૈન, અમીર હોય એ જૈન કે ગરીબ હોય એ જૈન.' ત્યારે ભગવાને ઉત્તર આપ્યો કે,' વિશુદ્ધ ચેતા :' જેનું ચિત્ત શુદ્ધ હોય તે જૈન.
આ અણુવ્રત આંદોલન એ જૈનની વ્યાખ્યાનો પ્રારંભ છે. ભગવાન મહાવીરની આગમવાણીનો એક સાદ સંભળાય છે,' એક્કો હુ માણુસ્સ જાઈ'. અને એ અહીં દેખાય છે કે 'સમગ્ર માનવજાતિ એક થાવ.' અને એ મનુષ્યજાતિને એક થવાની ભાવના એના નૈતિકવિકાસ, ચરિત્ર વિકાસ અને અહિંસક મૂલ્યોની પુન:સ્થાપનામાંથી આપણને મળી છે અણુવ્રત આંદોલનની ભાવના. આ આંદોલન શબ્દનો અર્થ જ એ છે કે એ અવિરત ગતિ એ માનવ-માનવમાં, યુગે યુગે ચાલતી માનવજીવન અંતરયાત્રા છે. એ પ્રાચીન કે અર્વાચીન નથી, પણ શાશ્વત છે.
મેક્સિમ ગોર્કી એક વાર રશિયાના ગામડાંઓમાં જઈને માનવીએ કરેલી પ્રગતિનો ખ્યાલ આપતો હતો. એ કહેતો હતો કે,' હવે માણસ આકાશમાં ઉડશે, દરિયાના પેટાળમાં પહોંચી જશે, એ શું નહીં કરી શકે ?'
ત્યારે એક અનુભવી બુઝર્ગે લેખક મેક્સિમ ગોર્કીને સવાલ કર્યો કે, 'માણસને ધરતી પર કેમ સારી રીતે જીવવું જોઈએ એ કોણ શીખવશે ?' તો આ ધરતી પરના માણસની વાત છે.
આચાર્યશ્રી તુલસીજીએ માત્ર એક નવું દર્શન આપ્યું છે. અણુબોમ્બ એ માનવનો વિનાશ કરે છે, જ્યારે અણુવ્રત એ માનવનો વિકાસ કરે છે અને એટલે જ એ માનવવિકાસની તાકાતનું નિર્માણ કરવા માટે અણુવ્રત છે. માનવીના ભીતરી ગૌરવની સ્થાપના માટેનો આ પ્રયાસ છે અને તેથી ઘણી વ્યક્તિઓ તેમની આસપાસ જુએ, કોઈક ઊંચે જુએ, કોઈક વાદળ જુએ, પણ અહીં સમગ્ર આકાશને જોવામાં આવ્યું છે,
આજે અણુબોમ્બથી ત્રાહિમામ પોકારતી દુનિયાને ઉગારવાનો કોઈ રસ્તો હોય તો તે અણુવ્રત આંદોલન છે અને જુઓ આ આંદોલન સાથે કેવી નવી નવી ધારાઓ જોડાયેલી છે. એમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજી દ્વારા જીવન વિજ્ઞાાન અને પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ જોડાયો. તો આચાર્યશ્રી મહાશ્રમણજી દ્વારા મહાવીરને ભૂલીને મહાભારત તરફ જતા જગતને સંયમની વિચારધારા આપવામાં આવી. નશામુક્તિ અભિયાનથી આરંભીને સંયમની આધારભૂમિ પર પ્રમાણિકતાના મહિમાની સાથોસાથ આહાર, આરોગ્ય અને પ્રકૃતિની સમજ દ્વારા એક માનવનિર્માણનો આ મહા પ્રયાસ છે.
બર્ટ્રાન્ડ રસેલે 'ફ્યુચર ઓફ મેનકાઈન્ડ' નામે જગતના ભવિષ્યના વિશે એક નિબંધ લખ્યો છે. એમાં એણે વિશ્વનાં ભવિષ્યની ત્રણ શક્યતા બતાવી છે. (૧) સમગ્ર જીવસૃષ્ટિનો અંત, (૨) થોડા લોકો બચી જશે અને ફરી આદિમયુગના જીવનનો પ્રારંભ થશે, અને (૩) મનુષ્યજાતિ એક થશે. આ મનુષ્યજાતિની એકતાની શક્યતા અણુવ્રતમાં છે. આચાર્યશ્રી તુલસીજીએ 'અણુ કા સિંહનાદ' ની વાત કરી હતી. આજે એ સિંહનાદની સૌથી વધુ જરૂર છે. નવા યુગને એક નવો મોડ આપવાની જરૂર છે. માનવીય એકતા, સહ અસ્તિત્વની ભાવના, માનવીય ચારિત્ર, સાચા મૂલ્યોની પ્રતિષ્ઠા અને આત્મનિરીક્ષણની પદ્ધતિ એ પાંચેય બાબતો દ્વાર એક એવો માનવનું નિર્માણ કરવું છે. આચાર્યશ્રીએ સાઢે સાત દશક પહેલાં જાતિ, ધર્મ, સંપ્રદાય અને વર્ગ વિશેષના ભેદને બદલે માનવ માત્રના કલ્યાણની પવિત્ર ભાવના દર્શાવી હતી.
सुधरे व्यक्ति, समाज व्यक्ति से, राष्ट्र स्वयं सुधरेगा ।
तुलसी अणुव्रत-सिंहनाद, सारे जग में प्रसरेगा ।।
આપણે સહુએ, જે સમાજમાં હોઈએ ત્યાં, જે સંપ્રદાયમાં કે ધર્મમાં હોઈએ ત્યાં, જે વિદ્યાલય કે સંસ્થામાં હોઈએ ત્યાં અણુવ્રતની ભાવનાઓનો જીવનમાં સાક્ષાત્કાર કરીને, વર્ગીય અણુવ્રતી બનીને જગતમાં નૈતિકતા ને આધ્યાત્મિકતાની સુવાસ ફેલાવીએ અને વિશ્વગુરુ કહેવાતા ભારતને અધ્યાત્મગુરુ બનાવીએ. આપણા અણુવ્રતનાં સંકલ્પો વિરાટ વિશ્વને સંહારમાંથી સત્ય, સર્જન, સંયમ, સમભાવ અને સાત્વિકતા તરફ જરૂર લઈ જશે.