હિંસાના દાવાનળ વચ્ચે પ્રભુ મહાવીર જગાવે છે અહિંસાનો આહલેક
- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ
ભ ગવાનનાં મનમાં એવો વિચાર જાગ્યો કે હજી મારે ઘણા કર્મક્ષય કરવાનાં બાકી છે. પરિચિત પ્રદેશોમાં વિહાર કરવાથી કર્મોનો ક્ષય કરવામાં વિલંબ થાય છે. આથી અનાર્ય પ્રદેશમાં જવું જોઈએ, જ્યાં મારો કોઈ પરિચિત ન હોય અને હું મારા કર્મોને શીઘ્રતાથી નષ્ટ કરી શકું. આથી ભગવાન લાઢ દેશમાં વિહાર કરે છે, એ સમયે એને અનાર્ય દેશ માનવામાં આવતો હતો. અહિંસાની સાચી પરીક્ષા ચોતરફ હિંસાનો દાવાનળ સળગતો હોય ત્યારે થાય છે. ભગવાન મહાવીર એવા પ્રદેશમાં પ્રવેશ્યા હતાં કે જ્યાં ક્રૂર સ્વભાવવાળા જંગલી લોકો વસતા હતા. માનવલોહી એમનું પ્રિય પીણું હતું અને નરમાંસ એમનું મિષ્ટ ભોજન હતું. એની ચારે દિશાઓમાં હાહાકાર સિવાય બીજો કોઈ અવાજ ન હતો. ચોતરફ વેલ અને લતાઓની જેમ નરમુંડમાળા લટકી રહી હતી. પગલે પગલે મરેલા માનવીઓની લાશો ગંધાઈ રહી હતી.
આવા પ્રદેશમાં મહાવીર અને એમનો શિષ્ય ગોશાલક ઉત્સાહ અને ઉમંગથી આગળ વધે છે. એમના પગમાં થડકારો નથી. આંખમાં ભયનો પડછાયો નથી. પહાડના ઢોળાવ પરથી દોડતાં આવેલાં કૂતરાંઓ આ બંનેના દેહને વળગે છે. લાગ મળે બેચાર બચકાં ભરીને માંસના કટકા મોંમાં લઈને દોડી જાય છે.
આ જોઈને મહાવીરને શિષ્ય ગોશાલકે કહ્યુ,' આ શ્વાનોને નિવારવા માટે એકાદ દંડ હાથમાં રાખીશું.'
શ્રમણ મહાવીર બોલ્યા,'દંડ રાખીએ કે હથિયાર રાખીએ- બંનેમાં ભાવના સરખી છે. પ્રતિકારનું સાધન તો ઠીક પણ માત્ર મુખેથી 'હૈડ' શબ્દનો ઉચ્ચાર કરીએ તો પણ આપણી અહિંસાની પ્રતિજ્ઞા તૂટી જાય.'
' તો શું કરીશું ?'
'કોઈ આપણને કરડતું નથી, કોઈ આપણને કરડી શકે નહીં, મનમાં એવી ભાવના રાખો. સંસારમાં સહુ દેહના બળનો મહિમા ગાય છે. આપણે આત્માની અનંત શક્તિનો મહિમા પ્રગટ કરવો છે.'
એમનો આ વિહાર નિકાચિત કર્મની નિર્જરા કાજેનો હતો. સામાન્ય માનવી પોતાની ચિંતામાં જીવન વ્યતીત કરે છે. પોતાના સુખની અહર્નિશ ખોજ કરે છે. રોજે રોજ થતાં નવાં કર્મબંધનોની એને કશી ચિંતા હોતી નથી. આવે સમયે કર્મની નિર્જરાનો વિચાર તો ક્યાંથી આવે. જ્યારે અહીં નિકાચિત કર્મની નિર્જરા માટે વિહાર ચાલતો હતો.
વિહાર કરતા કરતા ભગવાન મહાવીર સમૃદ્ધ વૈશાલી નગરીમાં પ્રવેશ્યા અને આખી નગરીમાં આનંદ અને ઉલ્લાસ ફેલાઈ ગયા.
કુમાર વર્ધમાન યોગી મહાવીર બનીને પોતાના વતન વૈશાલીમાં પધાર્યા હતા. ઠેર ઠેર તોરણો બાંધ્યા હતાં. રંગબેરંગી ધજાઓ ફરકતી હતી. નગરજનોનાં હૈયામાં આનંદની છોળો ઉછળવા લાગી. ઊંચા ઊંચા મહેલોમાં વસતા વૈભવશાળી શ્રેષ્ઠીઓ પ્રભુને પોતાને ત્યાં પધારવા વીનવતા હતા. ગગનચુંબી પ્રાસાદોમાં રહેતા રાજપુરુષો ભગવાનનાં પગલાંથી પોતાનો આવાસ પાવન કરાવવા ઇચ્છતા હતા. બધા વિચારે કે પ્રભુ કોના પ્રાસાદમાં ઉતારો રાખશે ? કોની હવેલીને પોતાનું સ્થાન બનાવશે ? કોને આ પુણ્યફળ સાંપડશે?
ભગવાન મહાવીરને તો ઊંચી હવેલી કે તૂટેલી ઝૂંપડી સરખાં હતાં. અમીર ને ગરીબ એક હતા. ધનિક ને નિર્ધન સમાન હતા. એમને તો કોઈને અગવડ ન થાય, મોહ-માયાનું બંધન આડે ન આવે, એવા સ્થાને રહેવું હતું.
આખરે એક લુહારની નિર્જન કોઢ પર પસંદગી ઉતારી. બીમાર લુહાર હવાફેર માટે બીજે રહેવા ગયો હતો. સ્થળ શાંત હતું. ધ્યાનને યોગ્ય હતું. વળી પોતાનાથી કોઈને અગવડ પડે તેમ ન હતું. કોઈ હવેલી કે પ્રાસાદને બદલે લુહારની કોઢને ઉતારો બનાવ્યો.
સંજોગોવશાત્ છ મહિનાથી બહારગામ ગયેલો લુહાર સાજો થઈને પાછો આવ્યો. એણે જોયું તો પોતાના મકાનમાં કોઈ સાધુ જગ્યા જમાવી બેઠેલો ! મનમાં માન્યું કે નક્કી પોતાની ગેરહાજરીમાં કોઈએ જગ્યા પચાવી પાડી ! સબ ભૂમિ ગોપાલકી માનનારે આ ભૂમિ પોતાની કરી લીધી.
લાંબી બીમારીમાંથી ઉઠીને આવ્યો હતો. એમાંય આવતાવેંત આ સાધુને જોતાં જ એના ગુસ્સાનો પાર ન રહ્યો. માંડ મોતના મુખમાંથી બચીને ઘેર આવ્યો, ત્યાં વળી ઘરમાં પગ મૂકતાં જ આવા અપશુકન થયા !
ક્રોધ અવિચારી છે, ક્રોધી આંધળો છે. અંધ માનવી પોતે જોઈ શક્તો નથી, પણ પોતે શું કરે છે એ જાણે છે ખરો. જ્યારે ક્રોધથી અંધ તો પોતે શું કરે છે, એય જાણતો નથી !
ક્રોધથી ધૂંવાંપૂવાં થયેલા લુહારે વજનદાર ઘણ ઉપાડયો. 'એવા જોરથી માથા પર લગાવું કે પળવારમાં સોએ વરસ પૂરાં થઈ જાય !' આ જોઈને કેટલાક લોકો દોડી આવ્યા. કોઈએ લુહારને કહ્યું, 'અરે ભાઈ ! બીમારીમાંથી માંડ જીવતો થઈને પાછો ફર્યો છે તો પછી આવું કેમ કરે છે ?'
બીજાએ કહ્યું,' અરે ! સાધુ પ્રત્યે આવો ક્રોધ ન હોય. તારા ક્રોધ સામે આ સાધુની સમતા તો જો. શાંત થાય. બીમારીને કારણે આવેલી નબળાઈથી મન વારંવાર આળું બની જાય પરંતુ એથી કંઈ આવું કરાય ખરું ?
ત્રીજી વ્યક્તિએ કહ્યું,' તારી કોઢમાં કોઈ ચોર પેઠા નથી, લૂંટારા આવ્યા નથી, એક સાધુ આવ્યા છે અને તે ય સાધના કરે છે. આવા સાધુની હત્યા એ તો મહાપાતક કહેવાય. જરા વિચાર તો કર.'
લુહારને શાંત પાડવા સહુએ પ્રયત્ન કર્યો પણ આનાથી તો કમજોર લુહારનો ગુસ્સો ઓર વધી ગયો.
જીવસટોસટનો મામલો રચાયો. લુહારનો ક્રોધ કાબૂ બહારનો બની ગયો. ક્રોધનો અગ્નિ એવો છે કે જે માનવીને ખુદને બાળી નાખે. લુહારનો ચહેરો વિકરાળ બની ગયો. ભવાં ચઢી ગયાં. દાંત કચકચાવ્યા. એની આંખો અંગારા વરસાવવા લાગી. એ વજનદાર ઘણ ઉપાડીને ધ્યાનમાં લીન યોગી પર વીંઝવા તૈયાર થયો.
ભગવાન મહાવીર તો એમ ને એમ અડગ અને અડોલ ઉભા હતા. ન ક્યાંય ભય, ન સહેજે કંપ. ચહેરા પર ધ્યાનના પરમાનંદની રેખાઓ રમતી હતી. અચળ મેરુની જેમ ધ્યાનમાં મગ્ન હતા.
અરે ! આવી શાંતિ ! આવી સ્વસ્થતા ! હમણાં ખબર લઈ નાખું આની. આમ વિચારતા લુહારે જોશથી ઘણ વીંઝ્યો. હમણાં ઘણ વાગશે અને યોગીની કાયા ઢળી પડશે !
પણ આ શું ? ક્રોધથી ધૂંધવાતા અને ધ્રૂજતા હાથે લુહાર ઘણ વીંઝવા ગયો. દાઝ એટલી હતી કે અહીં અને અબઘડી જ આને ખતમ કરી નાખું. ઘણ ઊંચકીને વીંઝવા ગયો ત્યાં જ લુહારના હાથમાંથી ઘણ છટક્યો. એ સામે વીંઝાવાને બદલે એના પર પાછો પડયો. યોગીના મસ્તકને બદલે લુહારના મસ્તક પર ઝીંકાયો. બીમારીમાંથી માંડ બચેલો લુહાર તત્કાળ ક્રોધનો કોળિયો બની ગયો. બીજાનો નાશ કરવા જનાર ક્રોધી પોતાનો વિનાશ કરી બેઠો !