Get The App

ઓ ! સૂરિદેવ ! તમારી પૂજા શી રીતે કરું ? .

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
ઓ ! સૂરિદેવ ! તમારી પૂજા શી રીતે કરું ?                            . 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે, એની ભૂગોળ બદલાઈ જાય છે અને સમય જતાં એનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.

આજે જ્યારે આપણો ભવ્ય ભૂતકાળ વીસરાઈ રહ્યો છે, ત્યારે પરમ પૂજ્ય આચાર્યશ્રી શીલન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબે એમની આગવી વિદ્વત્તાથી આપણા ગ્રંથભંડારોમાં છુપાયેલા પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યના ઉત્તમ ગ્રંથરત્નોનો પરિચય આપ્યો છે, તો એની સાથોસાથ શ્રુતજ્ઞાાનનાં અનેકવિધ કાર્યો કરીને પ્રમાણમાં પ્રમાદગ્રસ્ત સમાજને જ્ઞાાન, સાહિત્ય અને સંશોધનનો મહિમા સમજાવ્યો છે અને એ જ રીતે એમણે આપણા પૂર્વ ઇતિહાસની ઉજ્જવળ ગાથાને પ્રગટ કરી છે.

મહુવામાં શાસનસમ્રાટશ્રીના જીવનને આલેખતું સ્મૃતિ-સ્થળ હોય, ૧૮૯૩માં અમેરિકામાં જૈન ધર્મનો સંદેશો ફેલાવનાર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિની વાત હોય કે સમર્થ સંશોધક અને વિદ્વાન મોહનલાલ દલીચંદ દેસાઈના મૂલ્યવાન ગ્રંથોનું પુન:પ્રકાશન હોય, એ સહુના અભૂતપૂર્વ કાર્યોને પ્રખર વિચારક અને વિદ્વાન પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજીએ સમાજને બતાવ્યાં છે. વર્ષોથી તેઓ વિચારતા હતા કે, 'શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિશ્વરજી મહુવાના છે અને મહુવામાં તેમનું સ્મારક છે, તો આચાર્ય વિજયધર્મસૂરિ મહારાજ શાસનસમ્રાટના ગુરુભાઈ હોવાના કારણે તેઓ  આપણા ગુરુ જ કહેવાય.' તેઓ મહુવાના છે અને તેથી આ નગરમાં તેમનું સ્મારક થવું જોઇએ. એવા વિચારને અંતે મહુવામાં એમના જન્મઘરની જગ્યાની આસપાસ સુંદર મકાનનું સર્જન કર્યું. કલાત્મક આરસપહાણની ડેરીનું નિર્માણ કરીને તેમાં આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા)ની ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી. એ પાદુકાનાં પૃષ્ઠભાગે તેઓ આરસની પ્લેટ પર ઉપવાસીને કોતરેલી ભવ્ય છબીની સ્થાપના કરી અને મહુવામાં શ્રી મહુવા તપગચ્છ જૈન સંઘ દ્વારા આ તો ત્રણ દિવસનો જ્ઞાાનોત્સવ યોજાયો.

વળી એથીયે વિશેષ ગુરુમંદિરની પ્રતિષ્ઠાની સાથોસાથ એ ગુરુ (આ. શ્રી વિજયધર્મસૂરિજી)ના જીવનનો પરિચય આપતાં પુસ્તકો તેમજ અન્ય પુસ્તકો પણ પ્રગટ કર્યાં. આમ ગુરુમંદિરની સાથે ગ્રંથમંદિર પણ આપણને મળ્યું. આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સ્વયં પ્રખર વિદ્વાન હતા અને સંશોધનાત્મક સંપાદનો અને પ્રકાશનોનો જૈન ધર્મ સંઘમાં એમણે પ્રારંભ કર્યો. અનેક ખોટાં પ્રતિપાદનો એમણે સુધરાવ્યાં. આવા પૂજ્ય પુરુષ અને મહાન પ્રતિભા વિશે આપણા બે સર્જકોનાં ઉદ્ગારો જોઇએ.

લેખક, સંપાદક, સમાજસુધારક, ઇતિહાસપ્રેમી અને પુરાતત્ત્વવિદ્ એવા શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ પરીખ 'સુશીલ' એણનું શિક્ષણ પૂજ્ય વિજયધર્મસૂરિજી મહારાજના સાન્નિધ્યમાં મેળવ્યું હતું. એમની પાસે એમણે જૈન, બૌદ્ધ અને હિંદુદર્શનનું અધ્યયન કર્યું. એમના વિદ્યાર્થીકાળમાં એમના જીવન પર ઘણો પ્રભાવ પડયો. એમણે 'અમારા ગુરુદેવ' નામે શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું ચરિત્ર લખ્યું.

વિકટ વિહાર, ગ્લાનિ, અગવડ અને અછતની પરિસ્થિતિ વચ્ચે તેઓએ પોતાના ગુરુદેવને અડગપણે ઊભેલા જોયા. એમના સ્વભાવમાં એવું ઊભરાતું અને નીતરતું  સૌહાર્દ અનુભવ્યું કે જે કોઇ તેમના સંપર્કમાં આવે તેમને સૂરિજી પોતાના જ લાગતા. સૂરિજીનો હું કૃપાપાત્ર છું અને એમનો સદ્ભાવ  મારા પર વરસી રહ્યો છે, એવો સહુ કોઇને અનુભવ થતો. કોઇ વિદ્યાર્થી સૂરિજી પાસે પોતાની જરૂરિયાતની વસ્તુ માગે તો તેઓ કહેતા કે,

'તમે એક વાર અભ્યાસ કરીને તમારું પાણી બતાવી આપો, તો હું તમને સોનેથી મઢી દઈશ. મારે તો શાસ્ત્ર ને સિદ્ધાંતોને અજવાળામાં લાવવાં છે, દ્રવ્ય તો આપમેળે પગમાં આવીને પડશે.' અને આ  પાઠશાળામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મારવાડથી વિદ્યાર્થીઓ આવ્યા. જો કોઇ ગુજરાતી બ્રાહ્મણ વિદ્યાર્થી મળે અને સાધનરહિત જણાય તો માતાની માફક આ પાઠશાળામાં સ્થાન મળતું. રાત્રે આ વિદ્યાર્થીઓને ભણવા-વાંચવા માટે કોડિયું પણ ભાગ્યે જ મળતું, જેઓને આવો દીવો મળે તે મહાભાગ્યશાળી ગણાતો. આવી અનેક મુશ્કેલીઓ વચ્ચે તેઓની સામે એક જ આશાકિરણ નૃત્ય કરતું 'પચાસ-સાઠ વિદ્યાર્થીઓમાંથી એક પણ એવો વિદ્યાર્થી નીકળશે કે જે મારા શ્રમ અને સાહસને સિદ્ધિનો મુકુટ આરોપશે.'

'અમારા ગુરુદેવ' ગ્રંથમાં સુશીલે પોતાના ગુરુ વિશે અને એ સમયની પરિસ્થિતિ વિશે માર્મિક આલેખન કર્યું છે. અહીં તો એટલું જ કહીશું કે આવા ગુરુવર્ય પાસેથી જ્ઞાાનપ્રાપ્તિ કરનાર સુશીલે એમના ગ્રંથોથી ગુજરાતને રળિયાત કર્યું છે. ગુરુવર્યના અકાળે અવસાન થયાના સમાચાર સાંભળી સુશીલને મર્માઘાત થયો. આભનો એક જબરજસ્ત થાંભલો તૂટી પડયો હોય અને દિશાઓ પણ રડતી હોય એણ લાગ્યું...ગુરુદેવની વિદાય ટાણે એમણે લખ્યું.'

'તેમની તપ્તકાંચન સમી તે ગૌરમૂર્તિ, તેમના દિલમાં ચોવીસે ચોવીસ કલાક ધગધગતી શાસનસેવાની પવિત્ર હોમાગ્નિ હજી મારાં નેત્રો સામે તર્યા કરે છે. તેમનું સ્મરણ પણ કેટલું પ્રભાવિક છે ? તેમની પુરાણ સ્મૃતિઓમાં પણ કેટલો અનુપમ અને અનંત રસ ભર્યો છે ! ઘણી સ્મૃતિઓ ભુલાઈ ગઈ છે, ભુલાતી જાય છે, છતાં અવકાશના વખતે છૂટા ધુમાડાની જેમ કેટલીયે સ્મૃતિઓ આવી આત્માને રસથી સિંચે છે...

'સ્વર્ગસ્થ ગુરુ માટે શી શી સેવાઓ સર્જુ ? નથી એટલો શ્રીમંત કે તેમની સમાધિ ઉપર એક બીજો તાજમહેલ ખડો કરું ? નથી ગગનવિહારી સષ્ટા કે કોઇ નવી સૃષ્ટિ રચી તેમાં સિંહાસન સ્થાપી સ્વામી શ્રી વિજયધર્મસૂરિજીનો ત્યાં સ્નેહથી અભિષેક કરું, નથી એટલો તપસ્વી કે તેમની સમાધિની રાખ પાસે તપ આદરી બેસી તેમના નામની નિત્ય માળા જપ્યા કરું ? શું કરું ? કંઇ નથી સમજાતું !...'

આ સંદર્ભમાં ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નવલિકા, ચરિત્ર, નાટક, બાળસાહિત્ય વગેરે વિપુલ સાહિત્યની રચના કરનાર પ્રસિદ્ધ સર્જક જયભિખ્ખુએ શિવપુરીના ગુરુકુળમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાંથી ગુરુકુળની 'તર્કભૂષણ'ની પદવી તેમજ કોલકાતા સંસ્કૃત એસોસિએશનની 'ન્યાયતીર્થ'ની પદવી મેળવી હતી. વિપુલ સાહિત્યસર્જન કરનારા જયભિખ્ખૂનું સર્વપ્રથમ સર્જન ૧૯૨૭ની ૨૦મી સપ્ટેમ્બરે લખેલી એમની પહેલી પુસ્તિકા 'ધર્મજીવન' છે. એ ગુરુકુળના પ્રેરક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજનું દસ પૃષ્ઠનું નાનકડું ચરિત્ર હતું અને પ્રથમ પુસ્તિકામાં સાયલાના વતની એવા જયભિખ્ખુએ લેખક તરીકે ' ભિક્ષુ સાયલાકર' એવું તખલ્લુસ રાખ્યું હતું.

ઓગણીસમાં વર્ષની વયે વિદ્યાર્થી અવસ્થામાં વીરતત્ત્વ પ્રકાશન મંડળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી 'જયભિખ્ખુ' પોતાની પાસે 'અલ્પ લેખનશક્તિ' હોવાનું કહીને પોતાને 'બાળલેખક' તરીકે ઓળખાવે છે અને અહીં છટાદાર શૈલીમાં એમણે આ સંક્ષિપ્ત ચરિત્ર લખ્યું છે. તેઓ નોંધે છે, 'આજે ગુજરાત અને કાઠિયાવાડમાં પણ જે સંસ્કૃતનાં મધુર ગુંજનો થઇ રહ્યાં છે અને વળી તેમાં જૈન સમાજમાં જે પંડિતોની હયાતી છે તે આ મહાત્માને આભારી છે.'

કાશીમાં શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજસાહેબે પોતાનાં વ્યાખ્યાનોથી ઘેલું લગાડયું. બંગાળના માંસાહારી પ્રદેશોમાં ઉપદેશ દ્વારા ઘણા માંસાહારીઓને શાકાહારી બનાવ્યા અને તે પછી સૂરિજી ગુજરાતમાં આવ્યા. ત્યારબાદ સૂરિજીના કાળધર્મ પછી પાંચ વર્ષે લખાયેલી આ પુસ્તિકામાં એ કાળધર્મની ઘટનાને આલેખતાં ભવિષ્યમાં પ્રવાહી વર્ણનશૈલીથી ઉત્તમ સાહિત્યકૃતિઓ રચનાર સર્જક 'જયભિખ્ખુ' અહીં લખે છે :

''વહાલા વાચકો ! આજે એ  પુનિત આત્મા નથી, પણ એમણે કરેલાં કાર્યો આપણને તેમની યાદ આપી આપણાં હૃદયોને રડાવી રહ્યાં છે. ભલે  તેમની પૌદ્ગલિક કાયા નાશ પામી, પણ તેમની કીર્તિ ને યશ તો સદૈવને માટે રહેશે.

પાઠકો ! આજે પણ એ સ્વર્ગસ્થ મહાત્માના દેહવિલયના સ્થાને તેના અવશેષો પર એક પાષાણી મહેલ તેના અનુયાયીઓએ બનાવ્યો છે અને આજે પણ  શિવપુરીના સીમાડે સંધ્યાના સુંદર સમયે જ્યારે સૂર્યનાં કિરણો પૃથ્વી માતાને અંત સમયે ભેટી લે છે - તે સમયે એ મહાત્માનું મંદિર તેના પૂજારીને અમરાપુરીના અનુપમ પ્રદેશ જેવું રમણીય દેખાય છે.

''ઓ ! સૂરિદેવ ! તમારી પૂજા શી રીતે કરું ? તમારા ચરણે કોઇ ગંભીર સરોવરનાં સ્વચ્છ કમળો ધરું કે મારી આત્મસરિતાનાં નાનાં નાજુક ફૂલો ? ભૂરિ ભૂરિ વંદના હો એ સાચા સાધુને !''

જયભિખ્ખુની છટાદાર શૈલીમાં આલેખાયેલા આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી એ કરેલી વિદ્યાક્રાંતિની વાત હવે પછી કરીશું.


Google NewsGoogle News