હું પોતે મારો નાથ નહીં ? મારા પણ કોઈ નાથ છે !

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
હું પોતે મારો નાથ નહીં ? મારા પણ કોઈ નાથ છે ! 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

પર્વાધિરાજ પર્યુષણના સમાપન પછી આપણી યાત્રા પુન: ચાલુ થાય છે. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશે એક અજોડ પરિવર્તન આણ્યું હતું. એમના અપરિગ્રહના સિદ્ધાંતે એક નવી દુનિયાનું સર્જન કર્યું. એમણે કહ્યું કે 'પરિગ્રહ એ પાપનું મૂળ છે. માત્ર કોઈ વસ્તુની પ્રાપ્તિ કે સંગ્રહ એ જ પરિગ્રહ નથી, પરંતુ કોઈ વસ્તુ માટેની મૂર્છા અને આસક્તિ એ પણ પરિગ્રહ છે. આ પરિગ્રહ એ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને આસક્તિ એ પાંચેય પાપોની જડ છે. આજે આપણે જોઈએ છીએ કે વર્તમાન જગતની અસીમ યાતનાઓનું મુખ્ય કારણ માનવીની બહેકેલી પરિગ્રહવૃત્તિ છે.

માણસ એમ માને છે કે પરિગ્રહથી સુખ મળે છે, પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુ:ખનું અને બંધનનું કારણ બને છે તેમજ માનવીને બાહ્ય વસ્તુઓનો ગુલામ બનાવે છે.

'શ્રી સૂત્રકૃતાંગ' નામના જૈન આગમના પ્રથમ અધ્યયનમાં અપરિગ્રહની વાત કરવામાં આવી છે. પરિગ્રહને કારણે જ પાપ થાય છે, હિંસા થાય છે, ભય અને અસત્યનો આશરો લેવાય છે. પરિગ્રહની લાલસાએ માનવીને દાનવી બનાવ્યો છે. એનામાં નિરંતર ભોગવૈભવની લાલસાનું તાંડવ રચ્યું છે. આથી વર્તમાન સમયના ચિંતકો ભારે વિષાદ સાથે એટલું જ કહે છે,' The less i have, the more i am.’ ( જેટલો ઓછો પરિગ્રહ એટલો વધુ આનંદ)

જીવનના વ્યવહારમાં માર્ગાનુસારીના પ્રથમ નિયમ 'ન્યાયસંપન્ન વૈભવ :' ના પાયા પરથી અપરિગ્રહના આદર્શ તરફ મીટ માંડી શકાય. પરિગ્રહની મૂર્છામાં ડૂબેલા આવતી કાલના જગતને અને એમાં રચ્યા-પચ્યા રહેનારા માનવીને ભગવાન મહાવીરનો અપરિગ્રહનો ઉપદેશ નવા સંદર્ભ નવી આશા અને નવી સમાનતા તરફ દોરી જાય ખરો. આમ, પાંચ યામનું નિરૂપણ કરીને ભગવાન મહાવીર કહે છે,

'જેમ વાયુ ભડભડ સળગતી જ્વાલાઓને ઓળંગી જાય છે તેમ, આ રીતે જીવનારો આદર્શ માનવી સંસારની જ્વાલાઓને ઓળંગી, પરમ આનંદનો ભાગી થશે.'

એ રીતે અપરિગ્રહના આદર્શના અનેક પ્રસંગો જોવા મળે છે. રાજકુમાર વર્ધમાને સંસારત્યાગ પૂર્વે એક વર્ષ સુધી દાન (વર્ષીદાન) કર્યું હતું અને દીક્ષાના દિવસ સુધી એ દાનનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. એ રીતે એમણે દાન આદી ચાર પ્રકારના ધર્મોનું ઉત્કૃષ્ટ આરાધન કર્યુ અને એમાના પ્રથમ દાનનાં ગુણને વર્ષીદાન દ્વારા પ્રગટ કર્યો. એ પછી જૈન ઇતિહાસમાં અનેક દાનવીરો થયા અને મહાન ત્યાગીઓ થયા, જેમણે તમામ ધનસંપતિનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી. એવું એક ઉદાહરણ શાલિભદ્ર અને ધન્નાશેઠનું છે.

રાજગૃહી નગરીના મહાકુબેર સમા શાલિભદ્ર અને એમના બનેવી શેઠ ધન્નાશાના ભોગ-વિલાસ અને વૈભવની કેટલીય અદ્ભુત લાગે તેવી દંતકથાઓ નગરમાં વહેતી હતી. શાલિભદ્રના પિતા ગૌભદ્રે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી હતી. એમનો યુવાન પુત્ર શાલિભદ્ર માતાના અતિ લાડકોડ અને અપાર સંપત્તિની જાહોજલાલી વચ્ચે જીવતો હતો. રાત-દિવસ હવેલીના સાતમાં માળે જ રહેતો શાલિભદ્ર ભોગ-વિલાસમાં એટલે ગળાડૂબ હતો કે એણે ક્યારેય હવેલીના સાતમા માળેથી નીચે ઉતરીને જગતને જોયું- જાણ્યું નહોતું. આ રાજગૃહ નગરીમાં સવાલાખ સુવર્ણમુદ્રાની કિંમત ધરાવતા મહામૂલ્યવાન રત્નકંબલ લઈને એક વેપારી વેચવા આવ્યો હતો. એની પાસે આવા સોળ રત્નકંબલ હતા, પરંતુ એની કિંમત સાંભળીને મહારાજા શ્રેણિકે એકેય ખરીદ્યા નહીં. રત્નકંબલનો વેપારી શાલિભદ્રના ભવ્ય પ્રાસાદમાં પહોંચી ગયો. કારોબાર સંભાળતી શાલિભદ્રની માતા ભદ્રાએ કહ્યું કે મારા ઘરમાં બત્રીસ પુત્રવધૂ છે, માટે સોળ કંબલ આપી દે, પણ બીજા પછી પહોંચાડજે જરૂર. વેપારીએ રત્નકંબલનું મૂલ્ય કહ્યું પણ ભદ્રાએ એના તરફ લક્ષ્ય આપ્યું નહીં અને મુનીમને કિંમત ચૂકવી આપવા જણાવ્યું.

બીજે દિવસે મહારાણી ચેલણાએ મહારાજા શ્રેણિકની સમક્ષ હઠ લીધી કે મારે માટે એક રત્નકંબલ તો તમે ખરીદી લાવો. રાજાએ તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે સોળ રત્નકંબલના બે-બે ટુકડા કરીને ભદ્રાએ પુત્ર શાલિભદ્રની બત્રીસ પુત્રવધૂને આપી દીધા હતા, પરંતુ એ પુત્રવધૂઓને રત્નકંબલનો સ્પર્શ કઠોર લાગતાં એનો એમણે પગલૂછણિયાં તરીકે ઉપયોગ કર્યો છે. મહારાજા શ્રેણિકના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ ભદ્રાને ત્યાં પધાર્યા. ભદ્રાએ પોતાના પુત્ર શાલિભદ્રને સાતમા માળથી નીચે આવીને નમસ્કાર કરવા કહ્યું.

શાલિભદ્રે કહ્યું,' તમે ઘરના માલિક છો. શ્રેણિકનું જે કંઈ મૂલ્ય હોય તે આપીને ખરીદી લો. એમાં વળી મારે નીચે આવવાની જરૂર શી ?

ભદ્રાએ કહ્યું,' હે પુત્ર ! શ્રેણિક એ કોઈ ખરીદવાની વસ્તુ નથી. તેઓ તો આપણા રાજ્યના મહારાજા છે. આપણા નાથ છે. આપણી ઘણી વિનંતી પછી તેઓ આપણે ત્યાં પધાર્યા છે.'

'નાથ' શબ્દ સાંભળતાં જ શાલિભદ્રના મનમાં વિચારોનો ઝંઝાવાત જાગી ઉઠયો. શું હું પોતે મારો નાથ નહીં ? મારા પણ કોઈ નાથ છે ? કોઈ એવો માર્ગ અપનાવું કે જેથી મારો કોઈ નાથ રહે નહીં. પરાધીનતાનો આવો અંચળો કોઈ પણ ભોગે ફગાવી દેવાનો એણે નિશ્ચય કર્યો. માતાની આજ્ઞાાનું પાલન કરીને શાલિભદ્રે રાજા શ્રેણિકને નમસ્કાર તો કર્યા, પણ એના મનમાં 'આટઆટલાં ધન-વૈભવ વચ્ચે પણ પોતે પોતાનો માલિક નથી.' એ સવાલ કોરી ખાતો હતો. એવામાં શાલિભદ્રે ધર્મઘોષ મુનિનો ઉપદેશ સાંભળતાં જ્યાં પૂર્ણ સ્વાધીનતા છે એવા આત્મસાધનાના માર્ગે વિચરવાનો પ્રબળ સંકલ્પ કર્યો. કર્મશૂર આત્મા ધર્મશૂર થવા ઉત્સુક બન્યો. માતાને પોતાની દીક્ષા લેવાની ભાવનાની વાત કરી, ત્યારે માતાએ એને ધીરે ધીરે ધન અને પત્નીનો પરિત્યાગ કરવાની શિખામણ આપી. કહ્યું કે ત્યાગનો આવો ક્રમિક અભ્યાસ જ તને સાચો ત્યાગી બનાવશે. એ પછી ચાલુ રહેલી માતાની વિનવણી, પત્નીઓની લાલચ અને સંસારની મોહકતા શાલિભદ્રને ચળાવી શકી નહીં.

શાલિભદ્રની બહેન સુભદ્રા અને ધનાઢય પતિ શેઠ ધન્નાશા સાથે રાજગૃહીમાં જ વસતી હતી. એ પોતાના પતિ પાસે બેઠી હતી ત્યારે શાલિભદ્રના ત્યાગનું સ્મરણ થઈ આવતાં એની આંખમાં આંસુ ઉમટી આવ્યાં. આ જોઈને શેઠ ધન્નાશાએ કહ્યું કે રોજ એક એક ત્યાગ કરવાથી શાલિભદ્રને કશું નહીં મળે, આ તો કાયરતા કહેવાય . દીક્ષા લેવી હોય તો લઈ જાણવી જોઈએ. સુભદ્રાએ ટોણો માર્યો કે કહેવું સરળ છે. ત્યાગ કરવો મુશ્કેલ છે. પત્નીનાં આવાં વચનો ધન્નાશાના હૃદયમાં તીરની જેમ ભોંકાઈ ગયાં. એ ક્ષણે જ શેઠ ધન્નાશા સુભદ્રા અને બીજી સાત પત્નીઓને ત્યાગીને નીકળી ગયા. તેઓ શાલિભદ્ર પાસે ગયા અને કહ્યું કે ત્યાગમાં આવી કાયરતા ન શોભે. પરિણામે જેમ કાંચળી ઉતાર્યા પછી સાપ એની સામે જોતો નથી. તેમ બંને જગતની બધી માયા વીસારીને ચાલી નીકળ્યા. રાજગૃહીના નગરજનોએ સગી આંખે નિહાળ્યું કે અપાર વૈભવમાં ઉછરેલા શાલિભદ્ર અને ધનની છોળોની વચ્ચે જીવતા ધન્નાશા હવે શેઠ મટીને સાધુ બની ગયા હતા.

ભગવાન મહાવીર રાજગૃહી નગરીની બહાર સમવસરણમાં હતા ત્યારે શાલિભદ્ર અને શેઠ ધન્નાશાએ એમની પાસે આવીને દીક્ષા ગ્રહણ કરી. બંનેએ સુખ-સાહ્યબીમાં આળોટેલા પોતાના જીવનને સંયમના કઠોર માર્ગે ગાળવાનો દૃઢ સંકલ્પ કર્યાે. ભીતરમાં જાગેલા આત્મબળે એમને શરીરની સઘળી માયા, સુવિધા અને ચિંતા વીસરાવી દીધી. સાધુ બનીને, સ્વાધીન આત્માના પથિક બનીને સંયમની આરાધનામાં લીન થઈ ગયા.


Google NewsGoogle News