જીવનમાં મહિમા કોનો, નિયતિનો કે પુરુષાર્થનો !
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
જૈન ધર્મના આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવે માનવસભ્યતાનું આદ્ય નિર્માણ કર્યું. એમના દ્વારા વિશ્વમાં પારિવારિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, શાસન વ્યવસ્થા અને રાજનીતિની સ્થાપના થઈ. એ જ રીતે તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા ગણાયા. એમને વિશે એક મહત્ત્વનો સેમિનાર ૧૯મી ઓક્ટોબર, શનિવાર આચાર્યશ્રી વિજયયશોવર્મસૂરિજી મહારાજ, આચાર્યશ્રી ભાગ્યયશસૂરિજી મહારાજ, પ.પૂ.આ. હ્નીંકારયશસૂરિજી મહારાજ તથા પૂજ્ય તીર્થયશ મ.સા.ના માર્ગદર્શન હેઠળ 'ઋષભાયન : ભારતીય સંસ્કૃતિના પુરોધા' નામના પરિસંવાદનું આયોજન થયું છે. આ પૂર્વે તીર્થંકર ઋષભદેવ ભગવાન વિશે આવો પરિસંવાદ રાજનગરમાં યોજાયો નથી. તેથી આ સેમિનાર મહત્ત્વનો બનશે અને તે સમયે જગતને અસિ, મસિ અને કૃષિ શીખવનાર એવા માનવસંસ્કૃતિનું ઘડતર કરનારા ભગવાન ઋષભદેવ વિશે દિનેશ હોલમાં વક્તવ્ય થશે.
એક અર્થમાં કહીએ તો ભગવાન ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીર સુધીની પરંપરા જોઈએ, ત્યારે નિયતિને પુરુષાર્થનો મહિમા જોવા મળે છે અને એ સંદર્ભમાં આ પ્રસંગને જોઈએ.
પોલાસપુરમાં સદ્દાલપુત્ર નામનો અત્યંત ધનવાન કુંભાર વસતો હતો. એની પાસે ત્રણ કરોડની સ્વર્ણરાશિ અને દસ હજાર ગાયોનું વ્રજ હતું. વળી નગરબહાર આવેલી એની પાંચસો દુકાનોમાં અનેક જાતનાં માટીનાં વાસણો ઘડતાં અને વેચાતાં હતા. સદ્દાલપુત્ર અને તેની પત્ની અગ્નિમિત્રા નિયતિવાદી આજીવક મતમાં માનતાં હતાં. આજીવક મત ભગવાન મહાવીરના એક સમયના શિષ્ય અને પછી કટ્ટર પ્રતિસ્પર્ધી બનેલા ગોશાલકે સ્થાપ્યો હતો. એની માન્યતા હતી કે જે થવાનું હોય છે, તે થાય છે. એમાં માણસનાં ઉત્થાન, બળ, વીર્ય અને પરાક્રમ નિરર્થક છે.
ભગવાન મહાવીર કંપિલપુરથી વિહાર કરીને પોલાસપુર ગામની બહાર આવ્યા, ત્યારે નિયતિવાદના પરમ પૂજારી સદ્દાલપુત્રે ભગવાનને પોતાને ત્યાં પધારવા વિનંતી કરી. શૈયા, ફળ આદિ ગ્રહણ કરવાની કૃપા કરવા માટે અનુરોધ કર્યો.
ભગવાન મહાવીર કુંભકાર સદ્દાલપુત્રને ત્યાં ગયા, ત્યારે એ કેટલાંક સૂકાં વાસણોને તડકામાંથી છાંયડામાં અને છાંયડામાંથી તડકામાં મૂકતો હતો. સદ્દાલપુત્ર એના કામમાં તલ્લીન હતો, ત્યારે ભગવાને એને પૂછયું, ''સદ્દાલપુત્ર ! તારાં આ વાસણો કેવી રીતે બન્યાં ? ક્યાંથી આવ્યાં?''
સદ્દાલપુત્રે કહ્યું, ''પહેલાં તો આ માત્ર માટીનાં ઢેફાં હતાં. એ માટી લાવવા માટે મારે કેટલાંય જાનવરોને કામે લગાડવાં પડયાં. પછી ચોખ્ખા જળથી માટીને કાલવી અને મારી પ્રિય પત્ની અગ્નિમિત્રાના પગોએ એને કેળવી તેનો પિંડ બનાવ્યો. પછી કુશળ કારીગરોના હાથે તે ચાક પર ચઢી. આટલું બધું કર્યા પછી આ ઘડો કે હાંડો તૈયાર થયાં છે.''
આ સાંભળીને ભગવાન મહાવીરે કહ્યું, ''વાહ ! આ ઘડો બનાવવા માટે તને ઘણી મહેનત પડી, ખરું ને ? શો તારો પુરુષાર્થ ! તારી શક્તિ અને પુરુષાર્થથી જ તેં ઘડો બનાવ્યો ને!''
ભગવાન મહાવીરની આ વાત સાંભળીને સદ્દાલપુત્ર ચમક્યો. આજીવક મતના નિયતિવાદને જ પરમ સત્ય માનનાર સદ્દાલપુત્ર અત્યારસુધી અન્ય મતને અયથાર્થ અને પુરુષાર્થને વ્યર્થ માનતો હતો.
પહેલાં તો ભગવાન મહાવીરના પ્રશ્નનો ઉત્તર આપતાં સદ્દાલપુત્ર થોડો અચકાયો. પુરુષાર્થનો સ્વીકાર કરે તો પોતે જે માને છે તે નિયતિવાદનું ખંડન થાય.
એણે બચાવ કરતાં કહ્યું, 'આ વાસણો નિયતિ-બળથી બન્યાં છે. એમાં પુરુષાર્થ કશું પરિવર્તન કરી શકતો નથી. જે થવાનું હોય છે તે થાય જ છે.'
ભગવાન મહાવીરે સ્નેહથી પૂછયું, ''નિયતિથી જ જો આ બધું થતું હોય તો કોઈ જોરજુલમથી તારાં વાસણો ફોડી નાખે. નિંભાડો બુઝાવી નાખે, તને મારે, લૂંટે અને તારી પત્ની અગ્નિમિત્રાને દુષ્ટ ઈરાદાથી ઉપાડી જાય, તો પણ તેમાં તારે તો ખિજાવાનું કે કોપનું કંઈ કારણ જ ન રહ્યું, ખરું ને?''
સદ્દાલપુત્ર ગુસ્સાના આવેશમાં આવીને બોલ્યો, ''ભગવાન! એવા દુષ્ટને તો મારું, કાપું. એને કદી જીવતો જવા ન દઉં.''
'અરે સદ્દાલપુત્ર, તારો જ સિદ્ધાંત તું કેમ ભૂલે છે ? તારા સિદ્ધાંત પ્રમાણે તો ન કોઈ માણસ વાસણ ફોડે છે, ન કોઈ તારી પત્નીને ઉપાડી જાય છે. તારા મત મુજબ તો કોઈના પ્રયત્ન વિના બનવાનું છે તે બનતું રહે છે. નિયતિવાદના ઉપાસકને વળી ઉત્થાન, બળ કે પુરુષાર્થની શી ખેવના?'
સદ્દાલપુત્ર ઊંડા વિચારમાં ડૂબી ગયો. ભગવાનના યથાર્થ તર્ક આગળ એની નિયતિવાદની માન્યતા ડોલવા લાગી. એ દિવસે એના અજ્ઞાાનનાં પડળ ખસી ગયાં. એણે વીરધર્મને સાચી રીતે પિછાણ્યો. ભગવાન મહાવીરને નમસ્કાર કરીને કહ્યું,
''હું આપનો ઉપદેશ સાંભળવા ઈચ્છું છું.''
ભગવાન મહાવીરે સદ્દાલપુત્રને તત્ત્વનો ઉપદેશ આપ્યો. એના હ્ય્દયમાં જૈન ધર્મ તરફથી શ્રદ્ધા દ્રઢ થઈ. એણે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યાં. નિયતિવાદનો ત્યાગ કરી એ પુરુષાર્થપ્રધાન જૈન સાધનાપથનો અગ્રણી બન્યો. એણે ઘેર આવીને એની પત્ની અગ્નિમિત્રાને આખી વાત સમજાવી. અગ્નિમિત્રા પોતાનો રથ સજાવી ભગવાન મહાવીર પાસે ગઈ અને એમનો દિવ્ય ઉપદેશ સાંભળ્યો. એણે પણ ભગવાન પાસેથી બાર વ્રતધારક ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. વીરધર્મનો મર્મ અંતરમાં ઉતાર્યો.
સદ્દાલપુત્રને પુરુષાર્થ અને અનેકાંતનો મહિમા સમજાયો. એણે એકાંત નિયતિવાદનો ત્યાગ કર્યો. ભગવાનના પુરુષાર્થપરાયણ સાધનામાર્ગને સ્વીકાર્યો. જીવ-અજીવ આદિ તત્ત્વોનો જાણકાર બન્યો અને જુદાં જુદાં સ્થળોએ જઈને ભગવાનનાં એ સિદ્ધાંતનો પ્રસાર કરવા લાગ્યો. આ સાંભળી આજીવક સંપ્રદાયના મંખલીપુત્ર ગોશાલકને વિચાર થયો, સદ્દાલપુત્રએ આજીવન ધર્મનો અસ્વિકાર કરી હવે નિગ્રંથ ધર્મનો સ્વીકાર કર્યો છે. આથી એ પોલાસપુરમાં યોજાયેલી આજીવક સભામાં ગયો અને ત્યાં પાત્ર આદિ ઉપકરણ રાખીને અન્ય આજીવકો સાથે સદ્દાલપુત્રને ઘેર ગયો. સદ્દાલપુત્રએ ગોશાલકને આવતો જોયો, પરંતુ એના તરફ કોઈ પ્રકારે આદર પ્રગટ કર્યો નહીં. બલ્કે એ ભગવાન મહાવીરના ગુણગાન ગાવા લાગ્યો. ગોશાલકે ભગવાન મહાવીર વિશે અયોગ્ય વચનો કહ્યા, ત્યારે સદ્દાલપુત્રએ એનો વિરોધ કર્યો અને એણે કહ્યું, 'તમે આટલા બધા નિપુણ છો તો શા માટે અમારા ધર્માચાર્ય સાથે વિવાદ કરતા નથી.'
સદ્દાલપુત્રએ કહ્યું કે, 'એ મારે માટે યોગ્ય નથી.' આવી રીતે ગોશાલકે સદ્દાલપુત્રને ચલાયમાન કરવાનો અને ક્ષુબ્ધ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં એને સફળતા ન મળી. આથી ગોશાલક પોલાસપુર નગર છોડીને ચાલ્યો ગયો. જ્યારે સદ્દાલપુત્રએ ચૌદ વર્ષ સુધી વિવિધ પ્રકારના શીલ પાલન આદિ કરીને પોતાના આત્માને ભાવિત કરીને ચૌદ વર્ષ વ્યતિત કર્યા.
પંદરમુ વર્ષ ચાલુ હતું, ત્યારે એક દેવતાએ ઉપસર્ગ કર્યો અને કહ્યું કે, 'જો તું ધર્મથી વિચલિત નહીં થાય, તો હું તારી પત્ની અગ્નિમિત્રાને લઈને તારી સામે જ એની હત્યા કરીશ.'
આમ છતાં સદ્દાલપુત્ર અડગ રહ્યો. દેવતાએ એને બીજાવાર અને ત્રીજીવાર કહ્યું. એવામાં અગ્નિમિત્રા આવી અને એ દેવતા કશું કરી શક્યા નહીં. આ રીતે સદ્દાલપુત્રની ઘટના દ્વારા ભગવાન મહાવીરેં પુરુષાર્થનો મહિમા કર્યો. માત્ર નસીબ જ બધું કરે છે અને જીવનની એકેએક ઘટના એના આધારે બને છે એવા નિયતિવાદનો અસ્વિકાર કર્યો.