Get The App

સમી ગામની સૌરભને પુનઃવંદના ભવોભવ તમારું શરણ હોજો !

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
સમી ગામની સૌરભને પુનઃવંદના ભવોભવ તમારું શરણ હોજો ! 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

જેવું અન્ન તેવું મન. આજે આપણે જોઈએ છીએ કે માણસ સ્વાદના હુકમનો તાબેદાર ગુલામ બની ગયો છે અને એક અર્થમાં કહીએ તો એ પોતાના દાંતથી પોતાની જિંદગીની કબર ખોદે છે. એના આહારમાં આવતી વિકૃતિ એ માત્ર એના દેહ પુરતી જ મર્યાદિત હોતી નથી, પરંતુ એના ચિત્તને, એના સ્વભાવને, એની વાણીને અને એની જીવન જીવવાની પદ્ધતિને પ્રભાવિત કરે છે. આથી જ જૈન આચારધર્મમાં વિવિધ તપનો મહિમા છે અને એમાં આયંબિલ વર્ધમાન તપ એ વિશેષ મહિમાવાન છે.

જે કર્મના રસને તપાવે અર્થાત્ બાળી નાખે તે તપ છે. આ તપમાં વિગઇનો ત્યાગ કરવામાં આવે છે. એની પાછળનો મુખ્ય ભાવ તો રસત્યાગનો રહેલો છે. વિગઇ એટલે વિકૃતિ. જે રસના સેવનથી મન, વચન અને કાયામાં વિકૃતિ આવે તે વિગઈ. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને મેવા-મીઠાઈ આ છ વિગઇઓ છે અને આ છ વિગઇઓ જેમાં હોય તેવી વાનગી આહારમાં ન લેવી તે છ વિગઈનો ત્યાગ કહેવાય છે.

આવી છ વિગઈના ત્યાગ સાથે કરાતું એકાસણું એ આયંબિલ કહેવાય છે. આ આયંબિલ એ આપણી સ્વાદવૃત્તિને જીતવા માટેનો અમોઘ ઉપાય છે. એમાં ચઢતા ક્રમે ઓળી કરવી તે વર્ધમાન તપ કહેવાય છે અને આમ આયંબિલ વડે વૃદ્ધિ પામતું જે તપ તે આયંબિલ તપ કહેવાય છે. આ તપની શુદ્ધ ભાવપૂર્વક આરાધના કરવામાં આવે તો તીર્થકર નામકર્મનો બંધ થાય છે. શ્રી શ્રીચંદ કેવળીએ પૂર્વભવે આ તપ કર્યું હતું અને આ તપ એ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા કરતા હોય છે.

આયંબિલ તપ એ ઘણું કઠિન તપ છે. વળી એમાં લુખ્ખું-સૂકું, મીઠા-મરચા વિનાનું (જમતી વખતે મીઠું તરત લેવું હોય તો શેક્લું લેવાય. તેને બલવન કહે છે)  તેમજ તેલ-ઘી વગરનું ભોજન કરવાનું હોય છે અને તે પણ દિવસમાં એક જ વખત. આ પ્રકારનું ભોજન બનાવવાની વધુ સુગમતા માટે તપના આરાધકો આયંબિલ શાળામાં આવે છે. જ્યાં આ તપમાં ખાઈ શકાય તેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. વળી સમૂહમાં આ તપ થતું હોવાથી તપશ્ચર્યા સરળ બને છે અને અન્યને પ્રેરણારૂપ પણ થાય છે. આયંબિલ શાળામાં ઉકાળેલા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે.

જુદા જુદા પ્રસંગોએ આ માંગલિક અને પ્રભાવક આયંબિલ તપ કરવામાં આવે છે. ચૈત્ર અને આસો મહિનાના નવ દિવસના આયંબિલ સાથે નવપદની ઓળીની આરાધના કરે છે. ઘણા ભાવિકો વર્ધમાન તપ પણ કરે છે. આ તપમાં પણ આયંબિલની મુખ્યતા છે.

ઘણા લોકો પર્વ તિથિએ પણ આયંબિલ કરે છે. મોટાં શહેરો અને જ્યાં જૈનસમાજ સારા પ્રમાણમાં હોય, ત્યાં આયંબિલ શાળાઓ જોવા મળે છે. આમાં ઘણાં ધાર્મિકજનો એક દિવસની તિથિ લખાવીને તપની અને તપસ્વીની અનુમોદના કરે છે. આ રીતે નિઃશુલ્કપણે આનું આયોજન કરવામાં આવે છે.

આવા શ્રી વર્ધમાન તપ આયંબિલની જીવનભર આરાધના પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયભક્તિસૂરિજી મહારાજે કરી હતી. એમની પાસેથી અનેક સાધકોને અને અન્યોને આ તપ માટેની અપૂર્વ પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. આથી તેઓ વર્ધમાન તપોનિધિ વિશેષણથી પણ ઓળખાતા હતા, પરંતુ એની સાથોસાથ એમણે સમી, રાધનપુર, શંખેશ્વર, મુંબઇ-કુંભાર ટુકડાના આયંબિલ ખાતા માટે પ્રેરણા પણ આપી. તેઓએ આયંબિલ શાળાઓની સ્થાપનાની ભવ્ય પ્રેરણા આપી.

આજથી દોઢસો વર્ષ પહેલાં સમીવાળા મહારાજ તરીકે પ્રસિદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભક્તિસૂરિજી મહારાજનો જન્મ જિનશાસનની મોટામાં મોટી શાશ્વતી ઓળીની તપશ્ચર્યાના શરૂઆતના મંગલ દિવસે વિ.સં. ૧૯૩૦ના આસો સુદ આઠમના શુભ દિને થયો હતો. માતા-પિતાએ મહોત્સ્વપૂર્વક બાળકનું નામ મોહનલાલ રાખ્યું અને નાની વયથી જ તેઓમાં ઉત્કૃષ્ટ ધર્મભાવના જોવા મળતી. પંચ પ્રતિક્રમણ અને નવસ્મરણનો અભ્યાસ કર્યો અને યુવાનીમાં જાણે તપની વસંત ખીલી હોય તેમ વિધિપૂર્વક વીસસ્થાનક તપ, ચોસઠ પહોરી પૌષધ, ચાર વર્ષ સમોવસરણ તપ, સિંહાસન તપ જેવા અનેક તપની આરાધના કરી અને વૈરાગ્યના પંથે ચાલીને એમણે વિ.સં. ૧૯૫૭ના મહાવદ દસમના દિવસે પૂજ્ય આચાર્યશ્રી ધર્મસૂરિજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ થયા.

તેઓ શાસ્ત્રવિશારદ જૈન ધર્મના સમર્થ જ્ઞાતા કાશીવાળા આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવાભક્તિ કરતા જ્ઞાન-તપના માર્ગે આગળ વધતા રહ્યા. તેમજ શ્રી આયંબિલ તપ દ્વારા વર્ધમાન તપની આરાધના અને પ્રેરણા કરતા રહ્યા. કાશી સુધીનો લાંબો વિહાર કરીને તેઓ પૂજ્ય ગુરુદેવના દર્શન કરવા ગયા. એ પછી ગણિપદ, પન્યાસપદ અને આચાર્યપદથી અલંકૃત થયા. આચાર્ય પદવીના પ્રસંગના સંબંધમાં ઝવેરી જેસિંગલાલ માણેકલાલ જેઓ સમી ગામના વતની છે અને જેઓનું આજે ૧૦૦મુ વર્ષ ચાલે છે. (તા.૨૫-૧૨-૨૦૨૪ ૧૦૦મુ વર્ષ પૂર્ણ થશે. ૧૦૧માં પ્રવેશ થશે.) તે વખતે બાર વર્ષની ઉંમરના હતા. તેઓ એ સમયનો પ્રસંગ યાદ કરતાં કહે છે કે,' આચાર્ય પદવીના સમાચાર મળતાં સમી ગામના વડેચા ઘેલચંદ મગનચંદે આચાર્યપદવી ઉપર શ્રીસંઘવતી જવાનું નક્કી કર્યું, ત્યારે વારૈયા વમળશી દલસુખભાઈએ વડેચા ઘેલચંદભાઈને કહ્યું કે,'માણેકચંદ ઝવેરીના જેસિંગને સાથે લઈ જાવ.' વડેચા ઘેલચંદભાઈએ મારા પિતાશ્રીને બોલાવીને કહ્યું કે, 'આચાર્યપદવી ઉપર પાલિતાણા જવું છે, તમારા જેસિંગને મારી પાસે મોકલો.'

પિતાશ્રીએ હા પાડતાં અમે બંને પાલિતાણા જવા નીકળ્યા.

આ બાજુ પૂ.પં.મ.સા.ના શિષ્યો પૂ.મુ.શ્રી સુમતિવિજયજી વગેરેએ કહ્યું કે,' સાહેબ, ટ્રેઇન આવી ગઈ છે ઘણા ભક્તો આવ્યા છે, પરંતુ સમી શ્રી સંઘમાંથી કોઈ આવ્યું નથી.'

પૂજ્યશ્રીએ કહ્યું કે,' ધીરજ રાખો.

આ ચર્ચા ચાલતી હતી તે સમયે અમે પહોંચ્યા,' મત્થએણ વંદામિ' કહ્યું એટલે પૂજ્યશ્રીએ મુનિ સુમતિવિજયને કહ્યું કે,' જો સુમતિ, આ કોણ આવ્યું.'

આ ઉપરથી લાગે કે પૂજ્યશ્રીના હૃદયમાં સમી શ્રીસંઘનું શું અનોખું સ્થાન હતું ?

આવા અનેક પ્રસંગો જિનશાસનના ગૌરવવંતા પંડિતરત્નશ્રી વસંતભાઈ દોશી પાસેથી પ્રાપ્ત થયા છે. એમની પૂજ્યશ્રી પ્રત્યેની ભાવનાને અહીં વંદન કરું છું. વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજ દસ ચીજો વાપરવાનો નિયમ ચુસ્તપણે પાળતા હતા. એમણે બનારસ, મુંબઈ, કોલકાતા, આદિ અનેક ક્ષેત્રોમાં દીર્ઘચારિત્ર્ય પર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કર્યા. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી શ્રી સમેતશિખરજી, ગિરનારજી, શત્રુજંય આદિ તીર્થોની યાત્રા કરી. પોતાના વિહારમાં વારંવાર શ્રી શંખેશ્વરતીર્થની યાત્રા કરતા તેઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અપ્રતિમ ભક્તિભાવ ધરાવતા હતા અને આથી જ એમણે ૮૫મા વર્ષે એમનો અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું હતું, પણ પોતાની અંતિમ સાધના શ્રી શંખેશ્વર તીર્થમાં કરવાનું દર્શાવીને ડોકટરોની અનિચ્છા હોવા છતાં અપૂર્વ આત્મબળ દાખવી શંખેશ્વરમાં અંતિમ સાધના કરી. એમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કર્યા અને પૂજ્ય આચાર્ય વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજે ભાવભીની અંતિમ ઇચ્છા દર્શાવી  કે, ' હે દાદા ! ભવોભવ તમારું શરણ હોજો. તમારું શાસન પ્રાપ્ત થજો.' અને માળા હાથમાં લઈ મહામંત્રનો જાપ જપતાં વિ.સં.૨૦૧૫ના પોષ સુદ ત્રીજના દિવસે નશ્વર દેહનો ત્યાગ કર્યો.

રાધનપુર, ભાવનગર, સમી, શાહપુર (અમદાવાદ) , કપડવંજ, માણસા, પ્રાંતિજ, તળાજા વિવિધ સ્થળોએ વર્ધમાનતપની સંસ્થાઓની એમના ઉપદેશથી સ્થાપના થઈ. રાધનપુરમાં શેઠ જીવતલાલ પ્રતાપશીના સહયોગથી શ્રી વર્ધમાનતપની સંસ્થાનું મકાન બન્યું. વિ.સં.૧૯૮૧ અને ૧૯૯૨માં ભાવનગરનાં ચાતુર્માસ બાદ ભાવનગરથી પાલિતાણા પૌષધવ્રતધારી શ્રાવકો સાથે છરીપાલિત સંઘ નીકળ્યો હતો.

પૂજ્યશ્રીની સ્મૃતિના સ્મારક રૂપે 'શ્રી ૧૦૮ ભક્તિવિહાર મહાપ્રાસાદ' શંખેશ્વરની ભૂમિ પર નિર્માણ પામ્યું છે. આવા વર્ધમાન તપના પ્રેરક, એકતા અને સંપના અનુરાગી, ઉપરિયાળા તીર્થના ઉદ્વારક તેમજ વિશાળ શિષ્ય સમુદાય ધરાવનારા આચાર્યદેવ શ્રીમદ્ ભક્તિસુરિજી મહારાજનું સમીની ધરતી પોષ સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠ એટલે કે ત્રીજી, ચોથી અને પાંચમી જાન્યુઆરીએ પુનઃ પાવન વંદના કરે છે, તે કેવો મધુર સંયોગ કહેવાય. ધર્મભાવનાથી સુવાસિત ધરતીના પુષ્પની સુગંધ સહુને પુનઃઅનુભવવા મળશે.


Google NewsGoogle News