Get The App

વિક્રમ સંવત પૂર્વે 500 વર્ષે વૈશાખ સુદ અગિયારસે !

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
વિક્રમ સંવત પૂર્વે 500 વર્ષે વૈશાખ સુદ અગિયારસે ! 1 - image


- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

ભગવાન મહાવીરની વાણી ઈન્દ્રભૂતિ ગૌતમના હ્ય્દયમાં પ્રકાશ પાથરવા લાગી. ઈન્દ્રભૂતિ ગૌતમનું સમગ્ર હ્ય્દય મહાવીરમય બની ગયું.

બીજી બાજુ અપાપા નગરીમાં સોમિલ બ્રાહ્મણ અને અન્ય દિગ્ગજ પંડિતો મહાપંડિત ઈન્દ્રભૂતિ ગૌતમ વાદ-ચર્ચામાં વિજયી બનીને ક્યારે આવે એની રાહ જોતા હતા, ત્યાં તો વિજયના આનંદને બદલે નિરાશાના આઘાતજનક સમાચાર મળ્યા. એમણે જાણ્યું કે શ્રમણ મહાવીરને પરાજિત કરવા ગયેલા મહાપંડિત ઈન્દ્રભૂતિ ગૌતમ એમના સમર્પિત શિષ્ય બની ગયા. ધૂંવાંપૂંવાં થઈ ગયેલા સોમિલે મહાયજ્ઞા મુલતવી રાખ્યો. યજ્ઞામાં બલિ માટે લાવવામાં આવેલાં અનેક પશુઓને અભયદાન મળ્યું. નગરજનો ધીરે ધીરે યજ્ઞાસ્થળેથી વીખરાવા લાગ્યા.

બીજી બાજુ ત્રણ ગઢવાળા દિવ્ય સમવસરણમાં શિષ્યત્વ અંગિકાર કર્યા પછી ગણધર ગૌતમ ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીર સમીપ આવ્યા અને સવિનય વંદના, નમસ્કાર કરીને જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કર્યો, भते किं तत्त्वम् । ભગવાન તત્ત્વ શું છે ?

ભગવાન મહાવીરે કહ્યું, उप्पनेइ वा' અર્થાત્ ઉત્પાદ-ઉત્પન્ન થાય છે, પરંતુ આ ઉત્તરથી ઈન્દ્રભૂતિની જિજ્ઞાસા તૃપ્ત ન થઈ.  તેઓ વિચારવા લાગ્યા કે જો બધું ઉત્પન્ન જ થતું હોય, તો આ સીમિત ભૂમિ પર એ બધાનો સમાવેશ કઈ રીતે થાય ?

આથી પુન : પ્રશ્ન કર્યો, भंते किं तत्वम् ।' ભગવાન તત્ત્વ શું છે ?

પ્રભુ મહાવીરે કહ્યું, विगमेइ वा' વિગમ એટલે કે નષ્ટ થાય છે.

ઈન્દ્રભૂતિનું માનસ ફરી શંકાશીલ બની ગયું. એ વિચારવા લાગ્યા કે જો નષ્ટ જ થતું હોય તો બધું જ નષ્ટ થઈ જાય અને સંસાર સંપૂર્ણ રિક્ત થઈ જાય.

આથી પોતાના સંશય નિવારણ માટે પુન:પ્રશ્ન કર્યો, भंते किं तत्वम् ।'ભગવાન તત્ત્વ શું છે ?

પુન: ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો, धुएति वा અર્થાત્ ધ્રુવ શાશ્વત રહે છે.

આ ઉત્તર સાંભળીને ઈન્દ્રભૂતિને સમાધાન પ્રાપ્ત થયું. એમનો સંશય દૂર થયો. આ ત્રિપદીનો નિષ્કર્ષ એ છે કે પર્પાય દ્રષ્ટિએ પ્રત્યેક વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પરંતુ દ્રવ્ય દ્રષ્ટિએ જે કંઈ છે તે ધ્રુવ છે, નિત્ય છે અને શાશ્વત છે.

આ ત્રિપદીને જરા સમજી લઈએ, કારણ કે એ અત્યંત મહત્ત્વની છે.

ઉપન્ને ઈ વા - દરેક પદાર્થ ઉત્પન્ન પણ થાય છે.

વિગમે ઈ વા - દરેક પદાર્થ નાશ પણ પામે છે.

ધુવે ઈ વા - દરેક પદાર્થ સ્થિર પણ રહે છે.

આને સરળ શબ્દોમાં સમજીએ તો સોનાની લગડીમાંથી નેકલેસ બનાવ્યો હોય તો તે પદાર્થ નેકલેસ રૂપે ઉત્પન્ન થયો, લગડી રૂપે નાશ પામ્યો અને સોના રૂપે સ્થિર રહ્યો.

હકીકતમાં તો ત્રિપદી એ સમગ્ર તત્ત્વમિમાંસાનો આધાર છે અને સર્વ તીર્થકરો માટે ત્રિપદીની પ્રરૂપણા સમાન હોય છે. આ ત્રિપદી સૂત્રના ગણધર ભગવંતોએ પોતાના જ્ઞાનાકાશમાં બરાબર ઝીલી લઈને એનો કરોડો શ્લોકપ્રમાણ વિસ્તાર કર્યો.

આ ત્રિપદી દ્વારા વિશેષે તો અજ્ઞાન અને અશ્રદ્ધામાં અટવાયેલી પ્રજાને વાસ્તવિક સ્વરૂપ સમજાવીને જાગૃત કરી. એમને દર્શાવ્યું કે જગતનાં તમામ પદાર્થો આ નિયમને આધીન છે. આ નિયમ એએ જ જગત પ્રવર્તક છે. પદાર્થ માત્ર સત્ છે, પરંતુ તે ઉત્પાદ, વ્યયયુક્ત છે.

ઈન્દ્રભૂતિ ગૌતમ પાછા નહીં આવતાં એમના નાના ભાઈ અગ્નિભૂતિ મહાવીરને જીતવા ચાલ્યા. અગ્નિભૂતિના ચિત્તમાં વર્ષોથી શંકા હતી કે કર્મ છે કે નહીં ? ભગવાન મહાવીરે આ શંકા દૂર કરતાં સમજાવ્યું કે શરીરથી કર્મ અને કર્મથી શરીરનો ઉદ્દભવ થાય. દેહ અને કર્મની પરંપરા અનાદિ છે. અગ્નિભૂતિ ખુદ જિતાઈ ગયા. બંને મોટા ભાઈઓ એમના પાંચસો શિષ્યો સહિત ભગવાન મહાવીર પાસે દીક્ષિત થયાનું સાંભળીને સૌથી નાનો ભાઈ વાયુભૂતિ મહાવીરને મહાત કરવા નીકળ્યો. વાયુભૂતિ ભગવાન મહાવીરની સમીપ પહોંચ્યા કે ભગવાને જીવ અને શરીર એક છે કે જુદા જુદા એવા એના મનના સંશયનો ઉત્તર આપ્યો. આ સમાચાર સાંભળીને પંડિત વ્યક્ત આવ્યા. એમને પંચભૂત અંગે સંશય હતો. જગતમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ સાચાં છે કે સ્વપ્નવત્ એવી એમની શંકાનું નિવારણ કર્યું. એ પછી પંડિત સુધર્માના ઈહલોક અને પરલોક વચ્ચેના સંશયને દૂર કર્યો. મંડિક બ્રાહ્મણના બંધ અને મોક્ષ વિશેના સંશયનું નિવારણ કર્યું અને પછી આવેલા પંડિત મૌર્યપુત્રનો દેવ છે કે નહિ તે સંશય દૂર કર્યો, અકંપિતના નરકના અસ્તિત્વ વિશેનો સંશય અને અચલભ્રાતાની પાપ-પુણ્યના અસ્તિત્વ વિશેની શંકા દૂર કર્યાં. દસમા પંડિત મેતાર્યને પરલોક વિશે અને અગિયારમા પંડિત પ્રભાસને મોક્ષ વિશે સંશય હતો. એ બધા પંડિતોના સંશયનું ભગવાન મહાવીરે હ્ય્દયસ્પર્શી રીતે અને અનુભવને આધારે નિરાકરણ કર્યું. ભગવાન મહાવીરની અહિંસા, સમતા, અનેકાન્ત પદ્ધતિ અને નયવાદની પરિપૂર્ણ દ્રષ્ટિનો સહુને અનુભવ થયો. પ્રથમ પાંચ પંડિતોના ૫૦૦-૫૦૦ શિષ્યો, છઠ્ઠા અને સાતમા પંડિતોના ૩૫૦-૩૫૦ શિષ્યો અને છેલ્લા ચાર પંડિતોના દરેકના ૩૦૦ શિષ્યોએ મહાવીરના ચરણે પોતાની જાત સમર્પિત કરી. આમ એકસાથે ૪,૪૧૧ પુણ્યાત્માઓએ મહાવીરનો ઉપદેશ સ્વીકારતાં ધર્મક્ષેત્રે ચમત્કારરૂપ ઘટના બની. એ અવિસ્મરણીય દિવસ હતો વિક્રમ સંવત પૂર્વે ૫૦૦ વર્ષે વૈશાખ સુદ અગિયારસનો !

ભગવાન મહાવીરનો અગિયાર મહાપંડિતો સાથેનો આ વાર્તાલાપ 'ગણધરવાદ'ને નામે જાણીતો બન્યો.

આ ગણધરવાદની આલેખનશૈલી આગવી અને અનુપમ છે. સામાન્ય રીતે જિજ્ઞાસા ધરાવતી વ્યક્તિ સવાલ કરે અને જ્ઞાની એનો ઉત્તર આપે. આ ગણધરવાદમાં તો શંકા અને સમાધાન બંને ભગવાન મહાવીર આપે છે. તેઓ પહેલાં મહાપંડિતોના ચિત્તમાં વર્ષોથી રહેલા વણઉકલ્યા સંશયોને કહે છે અને પછી તેનો ઉત્તર આપે છે.

ભગવાન મહાવીર સર્વજ્ઞા હતા. સઘળું જાણનારાને પોતાના મનની શંકા કહેવાની જરૂર હોય ખરી ? અન્ય વ્યક્તિના મનને ઘેરી વળેલી શંકા તેઓ જાણતા જ હોય. મહત્ત્વની બાબત તો એ કે પોતાની સર્વજ્ઞાતાના કારણે તેઓ કોઈનેય કશું સ્વીકારી લેવાનું કહેતા નથી, બલ્કે તર્કશુદ્ધતાથી વિચાર કરવાનું સૂચવે છે. આમ ગણધરવાદમાં શ્રદ્ધા અને તર્કનું મનોરમ સંતુલન સધાયું છે.

વિરોધી મતનું ખંડન અને સ્વમતનું મંડન એ ભારતીય દર્શનની પરંપરા હતી. જ્યારે અહીં વિરોધી મતની કે વિરોધી શાસ્ત્રની ક્યાંય ટીકા નથી. કોઈ પણ શાસ્ત્રનું સર્વથા ખંડન કરવું તે અનેકાન્ત દર્શનને અનુસરતી તત્ત્વદ્રષ્ટિ માટે યોગ્ય ન ગણાય, આથી જ પ્રત્યેક પંડિતને ભગવાન મહાવીર એમના નામ અને ગોત્રથી સંબોધે છે. આમાં આત્મીયતાનો સ્પર્શ અનુભવાય છે. પછી એમનો સંશય કહે છે અને ત્યારબાદ વેદશાસ્ત્ર-પારંગત પંડિતોને વેદશાસ્ત્રના વાક્યનો નવીન અર્થ દર્શાવે છે. આ રીતે વિરોધી મતનો સમાદર, સમન્વયાત્મક દ્રષ્ટિકોણ, સ્યાદ્વાદ શૈલી અને અનેકાન્તદ્રષ્ટિનું વિરાટ આકાશ ગણધરવાદમાં જોવા મળે છે.


Google NewsGoogle News