Get The App

વીર ધર્મની વહે છે વાણી,મોક્ષ માર્ગ આપે છે જાણી!

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
વીર ધર્મની વહે છે વાણી,મોક્ષ માર્ગ આપે છે જાણી! 1 - image


- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ

- "માણસે આ માટે સત્યનો અને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્ય, ગુણ અને શ્રમથી મહાન થઈ શકે. આ માટે ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ અને ઉચ્ચ ઘેર જન્મ લેવાની જરૂર નથી."

ભ ગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાાન થયું તે સમયથી પ્રતિદિન ત્રણ કલાકની એમની દેશનાએ કેટલાય માનવીઓનાં જીવનમાં પરિવર્તન આણ્યું. ધર્મશાસ્ત્રની વાતો તો દેવગિરા સંસ્કૃત ભાષામાં જ થાય, તેવી માન્યતા હતી. આને પરિણામે સામાન્ય માનવી ધર્મભાવનાઓ જાણી-સમજી શકતા નહીં અથવા તો ઉચ્ચ ગણાતા લોકો કહે, તે સ્વીકારવું પડતું હતું. સામાન્ય લોકોને ન સમજાય એમાં જ ધર્મની મહત્તા લેખાતી હતી. સમજાય એ તો સામાન્ય વિદ્યા, ન સમજાય તે ઉચ્ચ વિદ્યા એવો ભ્રમ સર્વત્ર વ્યાપેલો હતો. પરિણામે ધર્મ, કર્મ અને તત્ત્વની ચર્ચા લોકભાષામાં - જનસામાન્યની વાણીમાં થતી નહીં.

ભગવાન મહાવીરે પહેલે પગલે ભાષાની મહાન ક્રાંતિ કરી. એમણે એ સમયની મગધ દેશની અર્ધમાગધી ભાષામાં પોતાની ઉપદેશ-વાણીનો ધોધ વહેવડાવ્યો. જીવનનાં અને ધર્મનાં ગૂઢ રહસ્યો સરળ, સુગમ અને સર્વજનભોગ્ય ભાષામાં પ્રગટ કર્યાં. સર્વત્ર અહિંસા, અવેર અને પ્રેમનો સંદેશો ગુંજવા લાગ્યો. પૂર્વ ભારતના અગિયાર મહાપંડિતો એમની પ્રચ્છન્ન શંકાઓનું સમાધાન પામ્યા. એક દિવસમાં ૪,૪૧૧ શિષ્યો બને તેવી વિરલ ઐતિહાસિક ઘટના સર્જાઈ હતી. 

ભગવાન મહાવીરસ્વામીનો અહિંસાનો સંદેશો સર્વત્ર ગુંજી રહ્યો. એમણે કહ્યું,

"દેવ ભલે મોટો હોય, ગમે તેવું એમનું સ્વર્ગ હોય, પણ માણસથી મોટું કોઈ નથી. માણસ માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે."

"માણસે આ માટે સત્યનો અને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્ય, ગુણ અને શ્રમથી મહાન થઈ શકે. આ માટે ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ અને ઉચ્ચ ઘેર જન્મ લેવાની જરૂર નથી."

"ધર્મ સાધુ માટે છે અને ગૃહસ્થે લીલાલહેર કરવાના છે, એ માન્યતા સાવ ભૂલભરેલી છે. સાધુની જેમ સંસારી-ગૃહસ્થના પણ ધર્મ છે. સાધુ સર્વાંશે- સૂક્ષ્મ રીતે- વ્રતનિયમ પાળે, ગૃહસ્થ યથાશક્તિ સ્થૂળ રીતે પાળે. એ માટે સાધુએ પાંચ મહાવ્રત અને ગૃહસ્થે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત - એમ બાર વ્રતવાળા ધર્મથી જીવતરનું ઘડતર કરવું જોઈએ. એમ કરે તો માનવીનો બેડો પાર થઈ જાય." અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - એ પાંચ મહાવ્રતનું નિરૂપણ કર્યું.

એમણે કહ્યું કે, "તમે નીરખ્યું તે જ સત્ય, એવો એકાંત આગ્રહ ન રાખો. સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય અને તેના પરની તમારી શ્રદ્ધા અને બીજાની નજરનું સત્ય અને તે વિશે તેની વિચારણા જોવી જોઈએ. જીવનની સર્વ દૃષ્ટિએ સમાવતો આ અનેકાન્તવાદ સંસારના ઝઘડાઓનાં મૂળને ખોદી કાઢશે."

આમ અનેક પ્રદેશમાં વિહરીને એમના ઉપદેશથી વિશાળ માનવસમૂહ પાવન થયો.

ભગવાન કેવળી પર્યાયના ત્રીસમા વર્ષે, દીક્ષાના બેંતાલીસમા વર્ષે અને જન્મના બોંતેરમા વર્ષે અંતિમ ચાતુર્માસ પૂર્ણ કરવા રાજગૃહથી પાવાપુરીમાં ચાતુર્માસ માટે પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ અહીં અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો, ત્યારે ચારેય નિકાયના દેવો,  ચતુર્વિધ શ્રીસંઘ, કાશી-કોશલ દેશ આદિ જનપદના માન્ય અઢાર ગણરાજાઓ તેમજ અન્ય વર્ગ ઉપસ્થિત હતો. આ સમયે પ્રભુએ પુણ્ય-પાપ વિશે ઉપદેશ આપ્યો. એમની અંતિમ દેશનાની અમૃતધારા સતત સોળ પ્રહર અર્થાત્ ૪૮ કલાક સુધી વરસતી રહી.

આ દેશના ઉત્તરાધ્યયન સૂત્ર રૂપે પ્રાપ્ત થાય છે. આ ઉત્તરાધ્યયન સૂત્રની ભાષા ઘણી પ્રાચીન છે. જૈન આગમમાં સૌથી જૂની ભાષા સંગ્રહિત થઈ છે. શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી સૂયગડાંગ સૂત્ર પછી ભાષાની પ્રાચીનતાની દૃષ્ટિએ આ ઉત્તરાધ્યયન સૂત્ર આવે છે. આ સૂત્ર અધ્યાત્મને માર્ગે ચાલનાર જીવોને માટે પથપ્રદર્શક છે. એના છત્રીસ અધ્યયનોમાં છત્રીસ વિષયોનું હૃદયંગમ નિરૂપણ થયેલ છે. સૂત્રની રચના અને એના પ્રત્યેક શબ્દ હૃદયંગમ છે. આ છત્રીસ અધ્યયનોમાં નિરૂપાયેલા વિષયો આ પ્રમાણે છે:

વિનયશ્રુત, પરિષહ, ચતુરંગીય, અસંસ્કૃત, અકામમરણીય, ક્ષુલ્લક નિર્ગ્રંથ, એલક, કાપિલિક, નમિપ્રવજ્યા, દ્રુમપત્રક, બહુશ્રુતપૂજ્ય, હરિકેશીય, ચિત્તસંભૂતીય, ઈષુકારીય, સભિક્ષુ, બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો, પાપશ્રમણીય, સંયતીય, મૃગાપુત્રીય, મહાનિર્ગંથીય, સમુદ્રપાલીય, રથનેમીય, કેશિગૌતમીય, સમિતિઓ, યજ્ઞાીય સામાચારી, ખલુંકીય, મોક્ષમાર્ગ ગતિ, સમ્યકત્વ પરાક્રમ, તપોમાર્ગ, ચરણવિધિ, પ્રમાદસ્થાન, કર્મ પ્રકૃતિ, લેશ્યા, અણગારાધ્યયન, જીવાજીવ વિભક્તિ.

આ છત્રીસ અધ્યયનોને વિષયાનુસાર પાંચ વિભાગમાં વહેંચી શકાય.

પ્રથમ વિભાગમાં સૈદ્ધાંતિક ચર્ચા છે. આ ચર્ચા ૨૪, ૨૬, ૨૮ થી ૩૬ અધ્યયનમાં મળે છે. આમાં જૈન તત્ત્વજ્ઞાાન, રત્નત્રયી, ગુણસ્થાનકો, લેશ્યા-કર્મ-સિદ્ધાંત વગેરે સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.

બીજો વિભાગ ચારિત્ર્ય અંગે છે. આ ૨૪, ૨૫, ૩૦, ૩૧, ૩૨ અધ્યયનમાં મળે છે. જેમાં પ્રવચનમાતા, સાચો યજ્ઞા, તપ, ચારિત્ર્ય-વિધિ અને પ્રમાદ-સ્થાનોનો સમાવેશ થાય છે.

ત્રીજો વિભાગ ભિક્ષુ આચારનો છે. ૧, ૨, ૬, ૧૧, ૧૫, ૧૭, ૨૬ અને ૩૫ અધ્યયનમાં વિનય, પરિષહો, ખોટા સાધુ, સાચો શાસ્ત્રજ્ઞા, સાચો ભિક્ષુ, પાપી શ્રમણો અને સાધુની ચર્ચા તથા ઘર વિનાના ભિક્ષુનો સમાવેશ થાય છે.

ચોથો વિભાગ સર્વ સામાન્ય વિષયોનો ગણાય. ૩, ૪, ૫, ૧૦ અધ્યયનમાં ચાર દુર્લભ વસ્તુઓ, અપ્રમાદ, મરણના પ્રકાર અને ગૌતમને ઉપદેશનો સમાવેશ થાય છે.

પાંચમો વિભાગ કથાઓ અને દૃષ્ટાંતોનો છે. આ ૭ થી ૯, ૧૨ થી ૧૪, ૧૯ થી ૨૩ અધ્યયનોમાં મળે છે.

આ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ (વિવેચના) થઈ છે, અને જૂનામાં જૂની ટીકાઓ પણ આ મૂળ સૂત્રો  ઉપર મળી આવે છે.

સૌથી જૂની ટીકા આચાર્ય ભદ્રબાહુની છે, જે નિજ્જુત્તિ, (सं.निर्युक्ति)ને નામે ઓળખાય છે. આ ટીકા બધી ટીકાઓ કરતાં ઉપયોગી ગણાય છે કારણ કે તેમાં જૈન ધર્મ વિશે પુષ્કળ પ્રમાણમાં પ્રાચીન માહિતી મળી આવે છે. પછીની ટીકાઓ દશમા શતકમાં લખવામાં આવેલી; તેમાં શાન્તિસૂરિનો ભાવવિજય અને દેવેન્દ્રગણિની (સન્ ૧૦૭૩) ટીકા મુખ્ય ગણાય છે. આ બંને વ્યક્તિઓ જૈનશાસનના અલંકારરૂપ અને પ્રખર વિદ્વાનો હતા તેથી તેની ટીકાઓમાં ઠેકાણે ઠેકાણે શાસ્ત્રાર્થ અને ખંડનમંડનની ઝલક જોવામાં આવે છે.

શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના દશમા દ્રુમપત્રક અધ્યયનમાં ભગવાન મહાવીરસ્વામીએ શ્રી ગૌતમસ્વામીને ઉદ્દેશીને છત્રીસ વખત समयं गोयम मा पमायए એવા શબ્દો કહ્યા છે. આનો મર્મ એ છે કે એ પ્રમાદગ્રસ્ત આત્માને તત્ક્ષણે જાગૃત થવાનું કહે છે. આમાં બોધક ચરિત્રો પણ આપ્યા છે. ચરિત્ર ચારિત્ર્યને ઘડે એ દૃષ્ટિએ મૃગાપુત્ર, ચિત્રસંભૂતિ અને અનાથીમુનિના ચરિત્ર સંસારની અસારતા દર્શાવીને વૈરાગ્યની પ્રેરણા આપનારા છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એટલે ધર્મના પાયારૂપ વિનયથી આરંભીને એના સર્વોચ્ચ શિખર સમા મોક્ષની યાત્રાનો આલેખ. આનું પ્રથમ વિનય અધ્યયન છે અને એનું અંતિમ અધ્યયન મોક્ષપ્રાપ્તિ છે. આ રીતે ઉત્તરાધ્યયન સૂત્રનું અધ્યયન એ વ્યક્તિને આત્માની ઊર્ધ્વયાત્રા માટે પ્રેરણા આપે છે.


Google NewsGoogle News