તોફાનમાંથી તારનાર આ છે તારણહાર .

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
તોફાનમાંથી તારનાર આ છે તારણહાર                            . 1 - image


- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ

- એણે જોયું કે રેતીમાં ચક્ર, ધ્વજ, અંકુશ ધરાવતાં પગલાં જોવા મળ્યાં.  એ વિચારવા લાગ્યો,' નક્કી આ માર્ગે કોઈ ચક્રવર્તી એકાકી જઈ રહ્યા છે. એ અત્યારે મુશ્કેલીમાં હશે

ભ ગવાન મહાવીરની વિહારયાત્રાને પગલે પગલે આપણે આગળ ચાલીએ, ત્યારે અનેક ઘટનાઓ બનતી હોય છે. ભગવાન સુરભિપુર જતા હતા, ત્યારે રથ પર બિરાજીત પાંચ નૈયક રાજવીઓ મળ્યાં. એમણે પ્રભુ મહાવીરને વંદના કરી. આ રાજાઓ પ્રદેશી રાજાઓ પાસે જતા હતા. વિહાર આગળ ચાલ્યો. સુરભિપુર જવા માટે પ્રભુ મહાવીરને બે કાંઠે ભરપૂર ગંગાનદી ઓળંગવાની હતી. સિદ્ધદંત નામનો નાવિક પોતાની નાવ ગંગાકિનારે લઈને ઉભો હતો. એક પછી એક પ્રવાસીને નાવમાં બેસાડતો હતો. પ્રભુ મહાવીર પણ ગંગાનદી પાર કરવા માટે ઉતારુઓ સાથે નાવમાં ચઢયા. સમય થતાં નાવ ઉપડી. આ સમયે એકાએક ડાબી બાજુના કિનારા પર ઘુવડ બોલ્યુ. કેવું કહેવાય ? ઓહ ! ધોળા દિવસે ઘુવડનો અવાજ સંભળાય તે !

આ નાવમાં ખેમિલ નામનો એક નિમિત્તવેત્તા બેઠો હતો. એ એકાએક બોલી ઉઠયો,' અરે ભાઈઓ ! આ તો ભારે અપશુકન થયા. ઘુવડનો અવાજ આપણા સહુને માથે મોટી આફત લાવશે. મને એમ લાગે છે કે પ્રાણ ગુમાવવાનો વારો આવે તો પણ નવાઈ નહીં.'

આમ બોલતો નિમિત્તવેત્તા ખેમિલ નાવના પ્રવાસીઓને જોવા લાગ્યો. ત્યાં ખેમિલની દૃષ્ટિ પ્રભુ મહાવીર પર પડી. એ વાત્સલ્યમૂર્તિને જોતાં જ ખેમિલના ચહેરા પર આનંદની રેખાઓ તરવરી ઉઠી. એણે કહ્યું,' અરે પ્રવાસીઓ ! હવે તમે લેશમાત્ર ચિંતા કરશો નહીં. જેમ એકના પાપે વહાણ ડૂબે, તેમ એક મહાપુરુષના પુણ્યબળથી ડૂબતી નૌકા પણ તરી જતી હોય છે. આ નાવમાં એવા એક મહાત્મા બિરાજમાન છે કે જેમના પુણ્યને કારણે કદાચ આપણા બધા પર સંકટ આવે, તો પણ એનો નાશ થશે.'

સિદ્ધદંત કુશળ નાવિક હતો. થોડીવારમાં જ એની નાવને ગંગાનદીની અધવચ સુધી ખેંચી ગયો. સહુને એમ લાગ્યું કે હવે સામે પાર પહોંચ્યા જ સમજો, પરંતુ એવામાં એકાએક ભયંકર વાવાઝોડું ઘસી આવ્યું. વીજળીના કડાકા બોલવા લાગ્યા, આકાશમાં ગર્જનાઓ થવા લાગી. ગંગાનદીમાં પહાડ જેવડાં ઊંચા-ઊંચા મોજાં ઊછળવા લાગ્યાં. આ તોફાનને કારણે નાવ આમતેમ ડોલવા- ફંગોળાવા લાગી. એનો કૂવાથંભ તો તૂટીને નીચે પડયો. સઢના ચીરેચીરા ઊડી ગયા. નાવના ઉતારુઓ આકુળવ્યાકુળ બની ગયા.

બન્યું હતું એવું કે પ્રભુ મહાવીરે એમના ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકેના ભવમાં જે સિંહને માર્યો હતો તે સિંહનો જીવ સુદંષ્ટ્ર નામનો દેવ થયો હતો. પ્રભુ મહાવીરને જોતાં જ પૂર્વભવના વેરનું એને ઝેર ચઢયું. એણે ગંગાનદીમાં તોફાન શરૂ કરી દીધું. બીજા બધા યાત્રીઓ તો મરણને સામે જોઈને ભયભીત બની ગયા. કોઈ જોરજોરથી આક્રંદ કરવા લાગ્યા. કોઈ જોરથી ચીસો પાડવા લાગ્યા,  કોઈ બેબાકળા થઈને અહીંતહીં નાસવા દોડવા લાગ્યા, તો કોઈ હૈયાવરાળ કાઢવા લાગ્યા. સિદ્ધદંત જેવો કુશળ નાવિક પણ ખરેખર ડરી ગયો. માત્ર પ્રભુ મહાવીર નિષ્કંપ અને અડોલ હતા. એમના મુખ પર અભયની આભા પ્રસરેલી હતી. આસપાસ તોફાન અને પ્રભુને એનો કશો સ્પર્શ નહીં !

બીજી બાજુ આકાશમાં એક કાળું ઘનઘોર વાદળ તૂટી પડવાની તૈયારીમાં હતું. એમ થતું કે હમણાં પડયું કે પડશે ! જાણે પળવારમાં સર્વત્ર પ્રલય મચી જશે અને નાવ જલસમાધિ લઈ લેશે. ક્ષિતિજના એક ખૂણેથી બીજાં બે કાળાં ડિબાંગ વાદળ આકાશની વચ્ચે ધસી આવ્યાં. આ વાદળો મધ્ય આકાશનાં ઘેરાં વાદળો સાથે જોરથી અથડાયાં અને ભયંકર અવાજ ગાજી ઉઠયો. બધાને થયું કે હવે મોત ત્રાટક્યું જ સમજો !

આ સમયે કંબલ અને શંબલ નામના નાગકુમારો દોડી આવ્યા. આ નાગકુમારો એમના પૂર્વભવમાં બળદ હતા. તેઓ મથુરામાં એક પરમ શ્રાવક અને શ્રાવિકાના ઘેર વસતા હતા. એ શ્રાવક હતા જિનદાસ અને શ્રાવિકા હતાં સાધુદાસી. એમના સતત સહવાસથી આ બળદો પણ ધર્માત્મા બની ગયા હતા. આઠમ અને ચૌદશના દિવસે જિનદાસ અને સાધુદાસીને ઉપવાસ હોય તે દિવસે આ બંને બળદો પણ ખાવાનું બંધ રાખતા. આ શ્રાવક-શ્રાવિક ધર્મગ્રંથ વાંચે ત્યારે આ બળદો પણ ચૂપચાપ ઉભા રહીને શ્રવણ કરતા હતા. બંને બળદોના અંત સમયે શેઠે એમની પાસે ધર્મઆરાધના કરાવી હતી અને નવકાર સંભળાવ્યા હતા. આ બંને બળદો મૃત્યુ પામીને કંબલ અને શંબલ નામના નાગકુમાર દેવો થયા. એક નાગકુમારે નાવનું રક્ષણ કર્યું અને બીજાએ સુદંષ્ટ્ર દેવને પરાજિત કરીને એને ભગાડી મૂક્યો.

આમ, આવેલી આફતમાંથી ઉતારુઓ ઉગરી ગયા. પળવારમાં આકાશ સ્વચ્છ થઈ ગયું. સૂરજનાં સોનેરી કિરણો ગંગાનદીના પટ પર ખેલવા લાગ્યાં. નાવ પોતાનો માર્ગ સરળતાથી કાપીને કિનારે લાંગરી.

આ સમયે નિમિત્તશાસ્ત્રી ખેમિલે કહ્યું,' અરે ચાલો, આપણે સહુ આજે જેમના કારણે આફતમાંથી ઉગરી ગયા છીએ, તેમને પ્રણામ કરીએ.' સહુ મહાવીર પાસે આવ્યા. પ્રણામ કરવા લાગ્યા. કોઈ નમે કે ન નમે, મહાવીરના મનમાં તો બધું સરખું જ હતું.

પ્રભુ મહાવીરનો વિહાર આગળ ચાલ્યો. તેઓ પાવન-પવિત્ર ગંગાકાંઠે ચાલવા લાગ્યા. એમના પદચિહ્નો ગંગાકિનારાની રેતી પર પડયાં. આ સમયે પુષ્પક નામનો માનવદેહનાં લક્ષણોનો પારખુ સામુદ્રિકશાસ્ત્રી પસાર થતો હતો. એ વ્યક્તિના શરીરનાં અંગો પરથી અને એનાં ચિહ્નો પરથી એનું ભાવિ ભાખતો હતો.

એણે જોયું કે રેતીમાં ચક્ર, ધ્વજ, અંકુશ ધરાવતાં પગલાં જોવા મળ્યાં.  એ વિચારવા લાગ્યો,' નક્કી આ માર્ગે કોઈ ચક્રવર્તી એકાકી જઈ રહ્યા છે. એ અત્યારે મુશ્કેલીમાં હશે. જો હું તેની સેવા કરું તો મારું કામ થઈ જાય. ધન અને સત્તાથી માલમાલ થઈ જાઉં.'

આમ વિચારી અને પગલાંને અનુસરીને પુષ્પક ગંગાકિનારે ચાલવા લાગ્યો. નીચે પદ્મચિહ્નો જુએ અને ચોતરફ ચક્રવર્તીને ખોળે. એ પગલાંને અનુસરીને મહાવીર પાસે આવ્યો અને જોયું તો કોઈ વૈભવશાળી ચક્રવર્તીને બદલે માથે મુંડન ધરાવતા વસ્ત્રવિહીન સાધુ હતા.

આ જોઈને પુષ્પકને અત્યંત આઘાત લાગ્યો. એણે વિચાર્યું,' ક્યાં ચક્રવર્તી અને ક્યાં આ અકિંચન ! ઓહ ! મારું સામુદ્રિક શાસ્ત્ર સાવ ખોટું નીકળ્યું. મારી જીવનભરની વિદ્યાસાધના વિફળ ગઈ.'

આમ વિચારી નિરાશ અને હતાશ થયેલો પુષ્પક પોતાના સામુદ્રિક શાસ્ત્રોના ગ્રંથો ગંગા નદીમાં પધરાવવા ચાલ્યો.

દેવરાજ ઇન્દ્રે જોયું કે પુષ્પક ચક્રવર્તીના ચક્રવર્તીને ઓળખી શક્યો નથી અને તેથી જ પોતાના ગ્રંથોને પાણીમાં પધરાવી પોતાના જ્ઞાાનને વિસ્મૃતિમાં ડુબાડી દેવા ઇચ્છે છે. આથી દેવરાજ ઇન્દ્રે આવીને પુષ્પકને કહ્યું,' અરે, સામુદ્રિક ! શાને કાજે તું તારું જ્ઞાાન ગંગાજળમાં પધરાવે છે ? '

સામુદ્રિક પુષ્પકે સઘળી વાત કહીને પોતાને મળેલી નિષ્ફળતા કહી બતાવી, ત્યારે ઇન્દ્રે કહ્યું,

'અરે સામુદ્રિક ! તારું શાસ્ત્ર ખોટું નથી અને તારું જ્ઞાાન પણ ખોટું નથી. આ કોઈ ભિખારી નથી, પણ ચક્રવર્તીના પણ ચક્રવર્તી છે. ત્રણેય લોકના નાથ છે.'

આમ સામુદ્રિકને સાંત્વના આપીને ઇન્દ્ર પોતાના સ્થાને પાછા ગયા.


Google NewsGoogle News