પ્રભુ મહાવીરની ક્ષમા માટે રાજા ઉદયન જેવું હૃદય જોઈએ !
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
ભગવાન મહાવીરના જ સમયમાં મહાકામી અવન્તિપતિ ચંડપ્રદ્યોતે જળકમળનું જીવન જીવનાર રાજર્ષિ ઉદયનના ઘરમાં જ ધાડ પાડી. અનલગિરિ નામના ભયંકર હાથી પર આવીને એ ઉદયનના મહેલની સુંદર દાસીને અને એના દેવમંદિરની ચંદનકાષ્ઠની પ્રતિમાને ચોરી ગયો. આ કોઈ સામાન્ય દાસી કે પ્રતિમા નહોતી. ઉદયનની પ્રિય પત્ની પ્રભાવતીએ મૃત્યુ વેળાએ રાજાને એ પ્રતિમા પૂજવાનું અને એ કુબ્જા દાસીનું જતન કરવાનો આદેશ આપ્યો હતો. ઉદયન આ પ્રતિમાને નિહાળી ધીમે ધીમે પત્નીનો શોક અને સંસારનો મોહ દુર કરતો જતો હતો. પ્રતિમાનું પૂજન કરનાર કુબ્જા દાસી તનમનથી દેવમંદિરની સેવિકા બની રહી. એવામાં ગાંધારદેશથી એક ગૃહસ્થ આ દૈવી મૂર્તિના દર્શને આવ્યો, પણ પ્રવાસના શ્રમથી અને હવા-પાણીના એકાએક પરિવર્તનથી બીમાર પડી ગયો. પોતાના પ્રભુના ભક્ત ગૃહસ્થની દુર્દશા જોઈને કુબ્જા દાસીને દયા આવી અને એણે ખૂબ સેવા-શુશ્રૂષા કરી એને સાજો કર્યો. એ ગૃહસ્થે ઉપકાર વાળવા દાસીને અત્યંત સૌંદર્યવાન બનાવે તેવી સુવર્ણગુટિકા આપી. હવે દાસીને રાજરાણી થવાના કોડ જાગ્યા. ઉદયન તો સંસારમાં જળકમળનું જીવન જીવતો હતો તેથી દાસીએ અવન્તિપતિ ચંડપ્રદ્યોતને સંકેત કર્યો. અવન્તિપતિ ચંડપ્રોદ્યોત દાસીનું હરણ કરીને લાવ્યો. દાસી એની સાથે જેની રોજ પૂજા કરતી હતી તે ચંદનકાષ્ઠની પ્રતિમા લઈને આવી.
રાજર્ષિ ઉદયનને આ સમાચાર મળ્યા ત્યારે એમનું ચિત્ત ખળભળી ઊઠયું. ચંડપ્રદ્યોતે મારા ધર્મ અને રાજની આબરૂ લૂંટી લીધી. એનો રાજધર્મ કહેતો હતો કે ચંડપ્રદ્યોતે એની લાજ લૂંટી છે, એ હવે શત્રુ થયો છે. શત્રુનો સંહાર જ ઘટે. રાજર્ષિ ઉદયનને રાજદંડ હાકલ કરવા લાગ્યો કે રોળી નાખ ઉજ્જયિનીને ! કેદ કરી ગર્દન માર એના રાજાને ! પણ વિવેકી અને ધર્મી ઉદયનને ખ્યાલ હતો કે આવેશમાં આવીને યુદ્ધ ખેલવામાં ન્યાય સાથે અન્યાય થઈ જાય છે. સદોષની સાથે અનેક નિર્દોષનાં રક્ત રેડાય છે. ભગવાન મહાવીરના ભક્ત એવા રાજવી ઉદયને પહેલાં પોતાના દૂત મોકલ્યા. પરંતુ ચંડપ્રદ્યોત એને એની કાયરતા માની બેઠો. આખરે ઉદયને સૈન્ય સજ્જ કર્યું. એણે જેટલી હિંસા ઓછી થાય તેટલું યુદ્ધ ખેલવાનું નક્કી કર્યું. બે રાજા વચ્ચેના દ્વન્દ્વયુદ્ધથી કામ સરી જાય તેવું કર્યું.
અવન્તિના રણમેદાનમાં રાજર્ષિ ઉદયન ને રાજા ચંડપ્રદ્યોત બે ભર્યા મેઘની જેમ બાખડી પડયા. પોતાની શક્તિ પર ગુમાન ધરાવનાર રાજા ચંડપ્રદ્યોત રાજર્ષિ ઉદયનના દ્વન્દ્વયુદ્ધના આવાહનને પાછું ફેરવી ન શક્યો, અને એનુું ગુમાન ઊતરી જતાં પણ વાર ન લાગી. સાત્વિક જીવન જીવનારા ઉદયનના વજ્રાંગ દેહમાં એવું બળ હતું કે બજાર છળપ્રપંચ જાણનાર આ કામી રાજા એને પરાસ્ત કરી ન શક્યો. જોતજોતામાં એ ચત્તોપાટ પડયો ને લોહની જંજીરોમાં જકડાઈ ગયો, રાજા ઉદયન વિજયી બન્યો.
રાજા ઉદયને અવન્તિમાં પ્રવેશ કર્યો. એણે સાથે સાથે અમારિ પડહ વગડાવ્યો. જાહેર કર્યું કે નિર્દોષનું રક્ષણ કરવામાં આવશે. અમારી શક્તિથી કોઈ ભય ન પામે ! રાજા પ્રદ્યોતને કેદ કરવામાં આવ્યો અને તેના કપાળ પર 'દાસીપતિ' એવા શબ્દો લખવામાં આવ્યા. આમ અવન્તિનો વિજય કરી રાજા ઉદયન પાછા ફર્યા. આ દિવસો શ્રાવણ-ભાદ્રપદના દિવસો હતા. ભગવાન મહાવીરના આ ભક્તે પર્યુષણના આઠ દિવસ માટે માર્ગમાં સેનાની કૂચ થંભાવી દીધી અને એક સુરક્ષિત સ્થળે ડેરા-તંબુ નાખ્યા. સંવત્સરીનો દિવસ આવ્યો. રાજા ઉદયને સવારમાં જ કહ્યું.
"આજે અમે ઉપવાસ કરીશું, પરંતુ એથી જે ઉપવાસ ન કરતા હોય તેમને ભૂખ્યા ન રાખશો."
ફોજના વડા રસોઈયાએ કહ્યું, "મહારાજ, બીજા તો સહુ આપને અનુસર્યા છે. એક માત્ર કેદી ચંડપ્રદ્યોતને પૂછવાનું બાકી છે."
રાજર્ષિ ઉદયને કહ્યું, "એને પૂછી જુઓ, પણ એને ભૂખે ન મારશો. એની જ ઈચ્છા હોય તે પૂછીને બનાવો."
મુખ્ય રસોઈયો રાજા ચંડપ્રદ્યોતને પૂછવા ગયો. કોઈ દિવસ નહીં અને આજ આવી પૂછપરછ કેમ થાય છે તે જાણવાનો ચંડપ્રદ્યોતે પ્રયાસ કર્યો. પાકશાળાના મુખ્ય રસોઈયાએ વિગતે વાત કહી સંભળાવી, પરંતુ ચંડપ્રદ્યોતના પ્રપંચી મનને આમાં બીજી શંકા આવી. એને થયું કે કદાચ એને ખોરાકમાં ઝેર આપવાની આ રીત તો નહીં હોય ને ? આથી એણે વિચાર્યું કે હું પણ ઉપવાસ કરું.
રાજા ચંડપ્રદ્યોતે કહ્યું, "અરે, હું પણ ભગવાન મહાવીરના ધર્મનો અનુયાયી છું. મારી તો આ દુર્દશા મતિ જ મુંઝાઈ ગઈ. પર્વનો દિવસ પણ યાદ ન આવ્યો. જા, તારા રાજાને કહેજે કે આજે મારે પણ ઉપવાસ છે."
વડા રસોઈયાએ રાજા ઉદયનને અથથી ઈતિ સુધી બધી વાત કહી. આ સાંભળીને રાજા ઉદયન વિચારમાં પડયા. એને થયું, "અરે ! આ પ્રદ્યોત તો મારો સહધર્મી થયો. આજ તો મારે સાંવત્સરિક ક્ષમાપના કરવાની છે. એને ખમાવું નહિ તો મારી પર્વઆરાધના કેમ પરિપૂર્ણ થાય ?"
રાજા ઉદયનના મંત્રીઓએ રાજાને ઘણા સમજાવ્યા. એમણે કહ્યું કે ચંડપ્રદ્યોત ભગવાન મહાવીરની પરિષદમાં બેસે છે એટલું જ, બાકી તો એનામાં બધા દુર્ગુણો છે. કોઈએ કહ્યું કે વાઘને પાંજરામાંથી છોડી દેશો તો એ ફરી ત્રાટકવાનો. ત્યારે રાજર્ષિ ઉદયને કહ્યું કે શત્રુને શિક્ષા કરવામાં જ વીરત્વ સમાઈ જતું નથી પરંતુ ખૂંખાર શત્રુને ક્ષમા આપવી એ જ વીરનું ભૂષણ છે. અને પંચમીનો ચંદ્ર આકાશમાં ચમકે એ પહેલાં રાજા ઉદયને અવન્તિરાજા પ્રદ્યોતની બેડીઓ સ્વહસ્તે કાપી નાખી. એને પોતાના સમાન આસને બેસાડયો. પોતે કરેલા અવિનય અને અપરાધની ક્ષમાપના યાચી. જીવનસુધારણા માટે બે-ચાર શબ્દો કહ્યા.
આમ, મહાવીરની ક્ષમા આ વીરની ક્ષમા છે. એને માટે રાજા ઉદયન જેવું અભય ધરાવતું હૃદય જોઈએ. નબળા મનથી ઝટ માફી અપાતી નથી, ઉદાર થવાતું નથી. મિત્રતા માટે હાથ લાંબો કરી શકાતો નથી.
વજ્ર હૈયાનાં બોલ ક્ષમાપના છે. ધર્મહૈયાના કોલ ક્ષમાપના છે. આથી જ "क्षमा वीरस्य भूषणम्" એમ કહેવાયું છે. ક્ષમાનો અર્થ છે ભક્તિ. ક્ષમા માગે વિરાટ હૃદયનું સામર્થ્ય. જિસસ ક્રાઈસ્ટે વધસ્તંભ પર ચઢતી વેળાએ અમને શૂળી પર ચઢાવનારાઓને ક્ષમા આપી હતી કારણ કે એ લોકો જાણતા ન હતા કે તેઓ શું કરી રહ્યા છે. આથી જ એમણે એક સ્થળે ક્ષમાનું મહત્વ બતાવતા કહ્યું છે કે, "જ્યારે તું યજ્ઞામાં બલિ આપવા જાય, ત્યારે તેને યાદ આવી જાય કે તારા અને તારા ભાઈ વચ્ચે વેર છે તો પાછો ફરી જજે અને સમાધાન કરજે."
આનો અર્થ જ એ છે કે હૃદયમાં વેર હોય તો કોઈ પણ ધાર્મિક ક્રિયા સફળ થતી નથી. જ્યારે જૈન ધર્મમાં તો ક્ષમા વિશે ઘણી ઊંડી ચર્ચા થઈ છે. ક્ષમાને બધા ગુણોની કૂખ કહેવામાં આવી છે. એનાથી ઘણા બધા ગુણો આપણામાં આવે છે. ક્ષમા આવે તો લોભ મટે, ક્ષમા આવે તો ત્યાગ આવે. સરળતા આવે, વિનય આવે અને સંતોષ આવે. મન અને ઈન્દ્રિય પર કાબુ આવે. બીજી રીતે જોઈએ તો આ બધા ગુણો હોય તો જ ક્ષમાની સાધના થઈ શકે.